આખલો દિવાળી મનાવશે કે ક્રિસમસ?
શેરબજારે સોમવારના સત્રમાં, ક્રિકેટની ભાષામાં કહીએ તો શાનદાર પારી સાથે શરૂઆત કરી, એટલે આશા બંધાઇ કે દિવાળી જોરદાર જશે અને બજાર ફેસ્ટિવલ મૂડમાં આવી ગયું છે. પરંતુ આ શું! જાણે એટમ બોમ્બ સમજીને દીવાસળી ચાંપી હોય અને તે ફુસ્કી બોમ્બ નીકળે એ રીતે બીજા જ સત્રમાં મંગળવારે સેન્સેક્સ પાણીમાં બેસી ગયો! હવે આગળ શું થઇ શકે છે તેનો અંદાજ મેળવવા આપણે વિવિધ પરિબળો તપાસીએ!
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે તેજીનો ઉછાળો આવતા રોકાણકારો રાજીના રેડ થઇ ગયા હતા, પરંતુ મંગળવારે મંદીના છમકલાથી ફરી નિરાશ થયા છે. જોકે આપણે આજે દિવાળી અને ક્રિસમસનો ઉલ્લેખ એટલે કર્યો છે કે આપણે એકાદ બે સત્રની નહીં, પરંતુ એકાદ બે મહિનાના ટ્રેન્ડની વાત કરવી છે.
આપણે અહીં આગળ પણ વાત કરી છે કે શેરબજારને ઇઝરાયલ અને હમાસના યુદ્ધ કરતાં વધુ અસર અમેરિકાના અર્થતંત્ર, બજારો અને ફેડરલ રિઝર્વના નિર્ણયોની થાય છે. અમેરિકાના દસ વર્ષના ટ્રેઝરી બિલની યિલ્ડ ઝડપથી ઘટી ૪.૬ ટકાની નીચે આવી જતાં વિશ્ર્વભરના ઇક્વિટી બજારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
શેરબજાર માટે બીજું મહત્ત્વનું રાહત આપનારું કારણ ફેડરલ રિઝર્વનું ડોવીશ સ્ટાન્સ છે. યુએસ ફેડની ઓપન માર્કેટ કમિટીએ અપેક્ષા મુજબ રેટને ૫.૨૫-૫.૫૦ ટકાની રેન્જમાં સ્થિર જાળવ્યાં છે. અત્યાર સુધી ફેડરલ ચેરમેન પોવેલની પ્રેસ બ્રીફિંગની ટિપ્પણીઓ મિશ્ર કે મૂંઝવી નાંખનારા સંદેશથી ભરેલી હતી.
આવી અસ્પષ્ટતા રોકાણકારોના મનમાં એવી ફડક પેસાડતી કે ફેડરલ ફરીથી વ્યાજદર વધારશે! જોકે, પાછલા સપ્તાહે પોવેલે નોંધ્યું કે નાણાકીય સ્થિતિ મહદ્અંશે અંકુશમાં આવી ચૂકી છે. તેમની ટિપ્પણી પાછળ યુએસ ખાતે ૧૦-વર્ષ માટેના ટ્રેઝરી યિલ્ડ જે અગાઉ ૫ાંચ ટકાને પાર કરી ગઇ હતી, તે ઝડપથી ઘટી ૪.૬ ટકાની નીચે આવી ગઇ. જે ઇક્વિટીઝ પર દબાણ ઘટવાનો સંકેત છે. નજીકના ગાળામાં અહીંથી લાંબા ગાળાના વ્યાજ દરો ઝડપથી ઘટવા બજાર માટે અનુકૂળ માહોલ ઊભો કરે છે.
પાછલા ત્રીસેક વર્ષમાં જ્યારે પણ ફેડરલે તેનો પોલિસી રેટ સ્થિર જાળવ્યો છે, ત્યારે મોટાભાગે શેર્સ અને બોન્ડ્સ બંનેમાં મજબૂત તેજી આવી છે. ભારતનાં બજારોમાં અત્યાર સુધીની ચિંતા પાછળનું કારણ વિદેશી બજારની, ખાસ કરીને અમેરિકાની મંદી રહ્યું હતું.
હવે આપણે દિવાળી અને ક્રિસમસનો ઉલ્લેખ કેમ કર્યો એ જોઇએ. અમેરિકાનાં બજારોનું કનેકશન આપણે જોયું. હવે જાણો કે, નવેમ્બર અને ડિસેમ્બર અમેરિકાના બજાર માટે ઉત્તમ સમય ગણાય છે.
ઐતિહાસિક રીતે નવેમ્બર અને ડિસેમ્બરના મહિના રોકાણકારોની તરફેણમાં જોવા મળતાં હોય છે. અમેરિકાનાં શેરબજારોએ સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરની સમયમર્યાદામાં મજબૂત વળતર દર્શાવ્યું છે.
૧૯૮૦થી અત્યાર સુધીમાં કેલેન્ડર વર્ષના અંતિમ બે મહિનામાં શેરબજારમાં ૭૯ ટકા કિસ્સામાં મોટી તેજી જોવા મળી છે. જો યુએસ બજારો સુધરે તો ભારતનાં બજારોમાં મોટી તેજી થાય તેમાં કોઈ શંકા નથી.
હવે દિવાળી બે વેંત દૂર છે.
ભારતીય ઇક્વિટી બજારોએ પાછલા સંવતથી શાનદાર પ્રદર્શન કર્યું છે, રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ સર્જન નોંધાવ્યું છે. નિફ્ટીમાં માત્ર નવ ટકાનું રિટર્ન જોવા મળી રહ્યું હોવા છતાં બ્રોડ માર્કેટનો દેખાવ સારો રહ્યો છે. નિફ્ટી સ્મોલ કેપ-૧૦૦ ઈન્ડેક્સ અને નિફ્ટી મિડ કેપ-૧૦૦ ઈન્ડેક્સ અનુક્રમે ૨૮ ટકા અને ૨૬ ટકા વૃદ્ધિ સૂચવી રહ્યાં છે.
સેક્ટર મુજબ જોઈએ તો પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૪૪ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ ૩૭ ટકા વધ્યો છે. જ્યારે એકમાત્ર ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ બે ટકા ઘટાડો સૂચવે છે. વર્ષ દરમિયાન ચીનમાં કોવિડ ફરી માથું ઊંચકે એવોે ભય અને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોને કારણે કેલેન્ડરના પ્રારંભિક સમયગાળા સિવાય એફઆઇઆઇ ઈનફ્લો તેમજ સ્થાનિક ઈનફ્લો મજબૂત જળવાયો છે.
પાછલા બે મહિનાથી વિદેશી રોકાણકારો વેચવાલ બન્યાં છે, પરંતુ સ્થાનિક ફ્લો મજબૂત જોવા મળ્યો છે. પાછલા વર્ષમાં ભારતીય અર્થતંત્ર અને ઇક્વિટી બજારોની નોંધપાત્ર કામગીરીએ વૈશ્ર્વિક નાણાકીય લેન્ડસ્કેપમાં દેશની એક મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકેની સંભવિતતાને રેખાંકિત કરી છે, જેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મૂડી બંનેને ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.
અનેક વૈશ્ર્વિક નાણાકીય સંસ્થાઓ અને બ્રોકરેજે ભારત માટે જીડીપી અનુમાનને અપગ્રેડ કર્યું છે જ્યારે અન્ય હરીફ્ દેશોના અનુમાનને ડાઉનગ્રેડ કર્યું છે. જેપી મોર્ગન ૨૮ જૂન ૨૦૨૪થી શરૂ થતા ફ્ક્સ્ડિ ઇન્કમ બેન્ચમાર્કના મહત્તમ ૧૦ ટકા ઇન્ડેક્સ વેઇટ સાથે તેના સરકારી બોન્ડ ઇન્ડેક્સ-ઇમર્જિંગ માર્કેટ સ્યૂટમાં ભારતીય સરકારી જામીનગીરીઓને ઉમેરવાની જાહેરાત કરી છે. જેના કારણે ભારતીય ડેટ માર્કેટમાં ત્રીસેક અબજ ડૉલર વચ્ચેના ચોખ્ખા વિદેશી રોકાણની શક્યતા છે.
મોર્ગન સ્ટેનલીએ ૨૦ ઓક્ટોબરના રોજ ભારતને સ્ટેન્ડઆઉટ ઓવરવેઇટ તરીકે અપગ્રેડ કર્યું હતું. અર્નિંગ્સની વૃદ્ધિમાં સુધારો થઈ રહ્યો છે અને મેક્રો-સ્ટેબિલિટી સેટઅપ ઉચ્ચ વાસ્તવિક દરના વાતાવરણને ટકી રહેવા માટે પૂરતું લાગે છે. આગામી પાંચ વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચશે. ૨૦૩૦ સુધીમાં, ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. શેરબજાર હંમેશાં ઊથલપાથલથી ભરપૂર હોય છે. ટૂંકા સમયમાં થતી તેજીમંદીની સાઇકલથી ગભરાવું ના જોઇએ અને સટ્ટાકીય આકર્ષણોથી બચીને સારા ફંડામેન્ટલ ધરાવતી બ્લુચીપ કંપનીઓમાં લાંબાસમયનું રોકાણ કરવું જોઇએ. આપણે આશા રાખીએ કે વર્ષના પાછલા બે મહિના તેજીની પંરપરાને આગળ વધારશે!