ઈન્ટરવલ

શું જાન્યુઆરી આખલાની જાન લેશે?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

શેરબજારમાં નવા વર્ષની શરૂઆત તો શાનદાર થઇ હતી અને બેન્ચમાર્કે 1500 પોઇન્ટના ઉછાળા સાથે પાછલા ગુરુવારે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા છ લાખ કરોડથી વધુને ઉમેરો નોંધાવ્યો હતો. જોકે, તરત બીજા દિવસે 700થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે આગલા દિવસનો પચાસેક ટકા ઉછાળો ધોઇ નાંખ્યો હતો. શેરબજારમાં તેજીનો જુવાળ એક જ દિવસમાં શમી ગયો હોય એ રીતે, સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સમાં 720 પોઇન્ટનું મસમોટું ગાબડું નોંધાયું હતું, જ્યારે નિફ્ટી 24,000ની સપાટી માંડ ટકાવી શક્યો હતો. આ ઓછું હોય તેમ સોમવારે સપ્તાહના પહેલા જ સત્રમાં સેન્સેક્સે ફરી 1258 પોઇન્ટનો જોરદાર કડાકો બોલાવીને રોકાણકારોને ગભરાવી નાંખ્યા! શેરબજારના માર્કેટ કેપિટલમાંથી એક ઝાટકે રૂ. 10.58 લાખ કરોડનું દોવાણ થઇ ગયું!

નોંધવું રહ્યું કે પાછલા ગુરુવારે સેન્સેકસ 80,000ની સપાટી વટાવી પાછો ફર્યો હતો અને નિફ્ટી પણ 24,200ને સ્પર્શ્યો હતો. અલબત્ત સેન્સેક્સના 1500 પોઇન્ટના ઉછાળા પાછળ ખાસ કરીને વિદેશી ફંડનું શોર્ટ કવરિંગ જ મૂળ આમ તો મોટી તેજી માટે કોઇ ટ્રીગર નથી અને મોટા ધોવાણ માટે કોઇ કારણ નથી. નિષ્ણાતો કહે છે કે જો કોઇ એક કારણ આપવું હોય તો વાસ્તવમાં ડોલરની મજબૂતી લોકોને ઉછાળે વેચવાલી માટે પ્રેરે છે. જોકે અહીં આપણે બજારની વર્તમાન પરિસ્થિતિની નહીં, પરંતુ જાન્યુઆરી મહિના સંદર્ભે હાથ ધરાયેલા એક અભ્યાસ વિશે વાત કરવી છે. આ અભ્યાસ અનુસાર પાછલા છ વર્ષથી જાન્યુઆરીમાં બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારોનું ભારે વેચાણ રહ્યું છે. પાછલા કેલેન્ડર વર્ષ વિશે એક પોઝિટિવ બાબત એ છે કે 2024માં ઇક્વિટી રોકાણકારોમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે મૂળ મૂદ્દા પર પાછાં ફરીએ તો પાછલા 10 વર્ષમાં સાત વખત જાન્યુઆરીમાં નિફ્ટી ખોટમાં રહ્યો છે.

આ ઘટાડો મુખ્યત્વે વિદેશી રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા ભારે વેચાણને કારણે જોવા મળ્યો હતો. અહીં ચિંતાનું કારણ એ છે કે, જો આપણે પાછલા કેટલાક મહિનાના ડેટા તપાસીએ તો જાણવા મળે છે કે, તાજેતરમાં વિદેશી ફંડો સતત વેચવાલ રહ્યાં છે અને આગળ પણ તેમની વેચવાલી વહેલી બંધ થાય એવા અણસાર નથી. અધૂરામાં પૂરું હવે તો ધોળિયાઓને મજબૂત ડોલર કે ઊંચી બોન્ડ યિલ્ડ ઉપરાંત ચાઇનીઝ એચએમપીવી વાઇરસનું નવું જોરદાર કારણ મળ્યું છે. આ જોતાં તેમની વેચવાલી વહેલી અટકે એવું લાગતું નથી. અભ્યાસ અનુસાર વિદેશી રોકાણકારો 2015 અને 2024 વચ્ચે છ વખત નેટ સેલર્સ રહ્યા છે. જાન્યુઆરીમાં પાછલા 10 વર્ષમાં નિફ્ટીનું સરેરાશ વળતર 0.38 ટકા રહ્યું છે. વિદેશી રોકાણકારોએ પાછલા ત્રણ વર્ષથી જાન્યુઆરીમાં શેર ઠાલવીને નાણાં ઘેરભેગા કર્યા હતા.

વિદેશી ફંડોએ પાછલા ત્રણ વર્ષમાં જાન્યુઆરીમાં ભારતીય શેરબજારમાંથી રૂ. 87,899 કરોડ ઉસેડી લીધા હતા. અગાઉ જાન્યુઆરી 2016, 2017 અને 2019માં પણ એફઆઇઆઇ નેટ સેલર રહ્યાં હતા. જોકે, એ પણ નોંધવું રહ્યું કે, આ વર્ગે જાન્યુઆરી 2015, 2018, 2020 અને 2021માં ભારતીય શેર ખરીદ્યા હતા. એ જ સામે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 10માંથી સાત વર્ષ દરમિયાન રોકાણ વધાર્યું છે. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ) જાન્યુઆરીમાં 10માંથી 7 પ્રસંગોએ બાયર્સ રહીને બજારને ટેકો આપ્યો હતો અને હાલ પણ આપી રહ્યાં છે.

સ્થાનિક ફંડોએ પાછલા ત્રણ વર્ષમાં જાન્યુઆરીમાં રૂ. 87,899 કરોડનું રોકાણ કર્યું છે. જોકે, તેઓ જાન્યુઆરી 2015, 2020 અને 2021માં ચોખ્ખા વેચાણકર્તા હતા. તે જ સમયે 2016થી 2019 સુધીના ચાર વર્ષ માટે તેમણે જાન્યુઆરીમાં ખરીદી
કરી છે. અલબત્ત, નવા રોકાણકારો માટે 2024 એક શાનદાર વર્ષ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બજારે ઘણા રેકોર્ડ બનાવ્યા. ગયા વર્ષે રિટેલ રોકાણકારો વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 11 કરોડની નજીક પહોંચી ગયા હતા. મહારાષ્ટ્ર અને યુપીમાં પ્રથમ વખત રોકાણકારોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે.

જોકે, મહિલા રોકાણકારોની ભાગીદારી અપેક્ષા મુજબ જોવા મળી નહોતી. કુલ રોકાણકારોમાં તેમનો હિસ્સો માત્ર 24 ટકા રહ્યો હતો, જે વર્ષ 2023માં 23 ટકાના સ્તરે હતો. માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 438.9 લાખ કરોડ (5.13 ટ્રિલિયન) હતું. ગયા વર્ષે તે 361.1 લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 21.5 ટકાનો વધારો થયો છે. શેરબજારમાં યાદીબદ્ધ થનારી કંપનીઓની વાત કરીએ તો વિશ્ર્વની પ્રત્યેક ચારમાંથી એક કંપની ભારતમાં લિસ્ટેડ હતી. કેલેન્ડર વર્ષ 2024માં નવેમ્બર સુધીમાં વૈશ્ર્વિક સ્તરે નવી લિસ્ટેડ કંપનીઓનો હિસ્સો એનએસઇ પર લિસ્ટેડ કંપનીઓમાં 23 ટકા હતો. અગાઉ જણાવ્યા પ્રમાણે રોકાણકારો એક વર્ષમાં 27 ટકા વધીને 11 કરોડની નજીક પહોંચ્યા છે. ઓગસ્ટ 2024માં રોકાણકારોની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ. પાછલા એક કરોડ માત્ર પાંચ મહિનામાં ઉમેરાયા હતા. ડિસેમ્બરમાં આ આંકડો 10.9 કરોડ હતો.

રોકાણકારોની સરેરાશ ઉંમર 35.8 વર્ષ, મહિલા રોકાણકારોમાં માત્ર એક ટકાનો વધારો થયો છે. નવેમ્બર 2024 સુધીમાં રોકાણકારોની સરેરાશ ઉંમર ઘટીને 36 વર્ષ થઈ ગઈ છે. ચાર વર્ષ પહેલા તે 41 વર્ષ હતી. નવેમ્બર 2024 સુધીમાં કુલ રોકાણકારોમાં મહિલાઓની સંખ્યા વધીને 24 ટકા થશે. નવેમ્બર 2023માં તે 23 ટકા હતી. પ્રથમ વખત એસએમઇ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. બે લાખ કરોડને વટાવી ગયું છે. એનએસઇ ઇમર્જ પર એસએમઇ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 2.2 લાખ કરોડ ( 26 અબજ) હતી. 2024માં એનએસઇ પર કુલ 301 કંપનીઓ લિસ્ટ થઈ હતી. તેમાંથી 90 કંપનીઓ મેઇનબોર્ડ પર અને 178 કંપનીઓ એનએસઇ ઇમર્જ (એસએમઇ) પર લિસ્ટેડ હતી.

રિટેલ રોકાણકારોનો કુલ માર્કેટ કેપમાં 17.60 ટકા હિસ્સો છે. રિટેલ રોકાણકારો સપ્ટેમ્બર 2024 સુધીમાં એનએસઇ લિસ્ટેડ માર્કેટ કેપમાં 17.6 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ 2014માં તે 10.90 ટકા હતો. પાછલા 10 વર્ષમાં રિટેલ હોલ્ડિંગ 25 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક દરે (સીએજીઆર) વધ્યું છે. તે માર્ચ 2014માં રૂ. 7.9 લાખ કરોડથી 10 ગણો વધીને સપ્ટેમ્બર 2024 સુધીમાં રૂ. 82.5 લાખ કરોડ થઈ ગયો હતો. સ્થાનિક રોકાણકારોએ 2024માં રૂ. 13 લાખ કરોડનો નફો કર્યો છે. શેરબજારમાં સ્થાનિક રોકાણકારોએ કેલેન્ડર વર્ષ 2024માં આશરે રૂ. 13.2 લાખ કરોડનો નફો કર્યો હતો. પાછલા ત્રણ વર્ષમાં 2022-24માં તેમના રોકાણના મૂલ્યમાં રૂ. 28 લાખ કરોડનો વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button