મેલ મેટર્સ -અંકિત દેસાઈ
યુક્રેન કે રશિયા વચ્ચે અથવા ભાજપ કે કૉંગ્રેસ વચ્ચે કે પછી એસઆઈપી કે સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ વચ્ચે કોઈ પણ એકની પસંદગી આસાનીથી કરી શકતો પરિણીત પુરુષ મા અને પત્ની વચ્ચે તણાવ સર્જાય ત્યારે કોઈ પણ એકની પસંદગી કરી શકતો નથી.
અલબત્ત, બાપડા પુરુષે આવી ‘કોઈ પણ એક’વાળી કોઈ પસંદગી કરવી જ નથી હોતી. એણે તો બંનેને પસંદ કરવા હોય છે-પણ નહીં, ક્યારેક સંજોગો જ એવા સર્જાઈ જતાં હોય છે કે એણે બેમાંથી એકની પસંદગી કરવાની ફરજ પડાતી હોય છે. અલબત્ત, જૂજ વિચિત્ર કિસ્સાને બાદ કરતાં અહીં પણ પુરુષને એવી ફરજ તો નહીં જ પડાતી હોય કે તારે પત્ની સાથે રહેવું છે કે મા સાથે? જોકે, મોટાભાગના કિસ્સામાં એને એવી જ ફરજ પડાય છે કે ‘અમારા બેમાંથી સાચું કોણ છે એ કહો!’
આમાં બાપડો પુરુષ બરાબરનો ભેરવાઈ પડે છે, કારણ કે કોઈ પણ એકનો પક્ષ લેવો એના માટે મોટું યુદ્ધ છેડવા જેવું છે. ગમે એટલી સમજુ પત્ની હોય, ગમે એટલી સમજુ મા હોય કે પુરુષ પોતે પણ ગમે એવો સમજુ હોય, પરંતુ જેમ બંગાળની ખાડીમાં વર્ષમાં એકાદ વાર મોટું સાયક્લોન સર્જાય એમ તેના સંસારમાં વર્ષે બે વર્ષે એકાદ વાર એવી સ્થિતિ સર્જાઈ જતી હોય છે કે એણે આવા ‘હું સાચી કે તારી મા’નો કપરો નિર્ણય લેવો પડતો હોય છે.
આવા સંજોગોનો હેમખેમ સામનો કરવા માટે પુરુષ માટે ક્રાઈસિસ મેનેજમેન્ટ શીખવું અત્યંત જરૂરી છે અને આ ક્રાઈસિસ મેનેજમેન્ટ કેવું તો કે આવી સ્થિતિ વખતે એના કોઈ બયાનથી કે એની કોઈ એક્શનથી પરિસ્થિતિ વધુ ન વણસે એનું એણે પુરું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આવી લડાઈ મોટેભાગે મોટું સ્વરૂપ જ એટલા માટે લઈ લેતી હોય છે કે કાચી ક્ષણો સાચવી શકાતી નથી એટલે પુરુષે એ શીખી જવાનું છે કે એ કાચી ક્ષણોને કેમ સાચવી લેવી, જેમાં એણે તણાવના સમયે પોતાના તરફથી કોઈના પક્ષે કોઈ જ વિધાન કરવાનું થતું નથી. આવા તણાવને સમયે એના પર વ્યક્તિગત હુમલા પણ થઈ શકે છે ખાસ તો પત્ની તરફથી! એમાં ભૂતકાળમાં કોઈક પ્રસંગે એકાદ નાની ઘટના એવી સર્જાઈ હશે એની જ પીપૂડી રહી રહીને વાગતી હશે.
એવા સમયે પુરુષે એક જ કામ કરવાનું-બન્ને પક્ષના આક્ષેપો કે ફરિયાદો એ શાંતિથી સાંભળતો રહે.
એવા સમયે એ જો સામો જવાબ આપવા જશે અથવા કોણ સાચું કે ખોટું છે એ કહેવા જશે કે સામેના ફરિયાદીની કોઈ ભૂતકાળની ભૂલો બતાવવા જશે તો આખું વાવાઝોડું જુદી દિશામાં ફંટાશે અને જો વાવાઝોડું હાથમાં ન રહ્યું તો વાત વકીલો સુધી પહોંચી જશે.
આ સિવાય પુરુષે સમજી જવાનું છે કે આ ખેલ થોડા કલાકોનો અથવા તો એકાદ-બે દિવસોનો છે એટલે આવી કોઈ પણ ઘટના વખતે એણે કોઈને પણ જજ કરવાના નથી થતાં. એ જો કોઈને જજ કરશે તો આગળ જતાં એના મગજનું તો દહીં વત્તા એ લડાઈમાં પોતે પણ સંડોવાઈ જાય એની શક્યતાઓ અત્યંત વધી જાય માટે આવી સાસુ-વહુની ‘તૂ તૂ-મેં મેં’ની લડાઈમાં ‘આખરી ફેંસલો’ આપવા ન બેસવું.
-અને હજુ એક વધારાની વાત છે સંવાદ. એ પણ ક્યારે? વાવાઝોડામાં તણાવની સ્થિતિ સહેજ ઠંડી પડે પછી.એ સમયે એણે કોઈનો ય પક્ષ લીધા વિના સંવાદ સાધવાનો છે, કારણ કે આવા કિસ્સામાં કોઈ એક પક્ષને બીજા પક્ષની વર્કિંગ સ્ટાઈલ, બોલવાની આદત અથવા તો ટીવી કે લાઈટ-પંખા ચાલુ-બંધ કરવાની આદત સામે જ પ્રશ્ર્ન હોય છે આવા પ્રશ્ર્નોમાં કોઈ પણ એક પક્ષને કે બંને પક્ષે નાનું-મોટું જતું કરવા કહેતા પહેલાં પોતાની સ્ટાઈલમાં સહેજ ફેરફાર કરાવવાનું જરૂરી બની જાય છે, કારણ કે અમુક વાતમાં જો સંવાદ નહીં થાય તો એ વાત એમની એમ લટકતી રહેશે ને એમાં કોઈ નિવેડો નહીં આવે. એના કરતાં તણાવ પછી સહેજ શાંતિ સ્થપાય પછી પુરુષે સ્માર્ટલી સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે એનું ધ્યાન રાખતા સંવાદ સાધી લેવાના..
આનાથી આવા તણાવની ફ્રિકવન્સી પણ ઘટશે અને ખાસ તો આવા તણાવ વખતે એ પોતે કોઈ કપરી સ્થિતિમાં નહીં મુકાય. વળી, નાખી દેવા જેવી વાતે થયેલો ભડકો નગરજોણા સુધી ન પહોંચે એનો પુરુષને સૌથી મોટો લાભ થાય.