ઈન્ટરવલ

ટીનએઈજમાં ઘરથી દૂર તરફ દોટ લગાવવાની ખેવના શા માટે?

પોતાના અંગત જખ્મોથી બહાર આવવા લોકો પોતપોતાની રીતે ઉપાયો શોધતા હોય છે. કોઈ બંધબારણે આંસુ સારી બેસી રહે તો કોઈ જાતને નુકસાન પહોંચાડી જે બન્યું એનું વેર લે. કોઈ બીજાને જવાબદાર ઠેરવી તેની જિંદગીમાં અવરોધો ઉત્પન્ન કરે તો કોઈ જીવનભર એ દુખના ડૂમા સાથે જીવ્યા કરે, પરંતુ જીવનમાં ઊભરી આવેલ દુ:ખને દૂર કરવાના અમુક અસામાન્ય ઉપાયો ઘણા વ્યક્તિઓ દ્વારા અપનાવવામાં આવતા હોય છે. એ ઉપાયો થકી અસાધારણ રીતે અસ્વસ્થતામાંથી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા જુજ લોકોમાં શેરેલ શરયેડને પ્રથમ હરોળમાં સ્થાન આપી શકાય. તારે જાણવું છે એ શેરેલ કોણ?? બિરવાના રોઈ રોઈને ઊતરી ગયેલા ચહેરા સામે જોઈ સુરભી બોલી.

હા, આંટી, કહોને ..વિહા વચ્ચે બોલી એટલે સુરભીને ખ્યાલ આવ્યો કે આટલી રાત્રે વિહાબેન પણ આ આખા કમઠાણમાં તાજના સાક્ષી બની હજુ બેઠાં છે અને શું કામ ના હોય?? બિરવાના ઘરનો કંકાસ, તેણીની દલીલો, અને અંતે પગ પછાડી મધરાતે બહાર નીકળી જવાની એ વાત વિહાએજ તો સ્નેહાને કરી અને સ્નેહાએ તુરંત સુરભીને ફોન લગાવ્યો. ચેઈન ઓફ રિએકશનના ફળસ્વરૂપ જે એકશન લેવાયું એ હતું કે, સ્નેહાએ બિરવાના પેરેન્ટ્સને સંભાળ્યા તો સુરભીએ બિરવાને. એટલે આખી ઘટનાનો જશ વિહા પોતાને શીરે લે એમાં કોઈ નવાઈ નહોતી માટે જ સુરભીએ તેણીને રાત થઈ હોવા છતાંય બેસવા દીધી. અને આમ આવડી અમસ્તી બાબતમાં ઘર છોડી ચાલી નીકળેલી બિરવાને આ શબ્દો ગળે ઊતરતા હશે કે નહીં તેની પરવાં કર્યા વગર સુરભીએ તેણીને સમજાવવાનો મોરચો સંભાળી લીધેલો.

હસતા-રમતા ચાલતા શેરેલ નામની એક ટીનએજરના જીવનમાં અચાનક એક પછી એક દુ:ખદ ઘટનાઓ બનવા લાગી. પોતાની માતાથી ખૂબ નજીક એવી શેરલ કેન્સરના રોગ થકી પિડાતી માને બચાવવા માટે અનહદ સંઘર્ષ કર્યા બાદ પણ તેને મૃત્યુના મુખમાં સરી પડતા અટકાવી શકી નહિ. માતાના મૃત્યુ બાદ લાગેલા આઘાતમાં તે ખરાબ સંગતના રવાડે એવી ચડી કે પોતાના નજીકના લોકો સાથે સંબંધો વણસી ગયા. શેરેલના આવા બિનજવાબદારીભર્યા વર્તનની ખુબ ખરાબ અસર તેના ભણતર અને અંગત સંબંધો પર પડે છે. જીવનમાં અચાનક આવેલી ઓટ તેણીને સુકીભઠ્ઠ બનાવી જાય છે. લાગણીઓના નામે સૂકાયેલા અસ્તિત્વ શેરેલને હતાશામાં ગરકાવી દે છે. પાગલ થઇ જવાય એ હદ સુધી એકલતા ભોગવતી તેણી અંતે હાઈકિંગ પર નીકળી પડે છે.
હાઈકિંગ એટલે?…બિરવા તો જાણે સુરભીને ચૂપચાપ સાંભળી રહી હતી, કદાચ તેણીના દિમાગમાં હજુ પણ ક્રોધ સવાર હશે પરંતુ વિહાને તો મધરાતે જાણે સુરજ ઉગ્યો. એટલે એ વચ્ચે પૂછ્યા વગર રહી નહી.

વિહા અમેરીકા, કેનેડા તેમજ યુરોપના દેશોમાં આ શબ્દ ખુબ પ્રચલિત છે. શહેરથી દૂર ચાલતા પરિભ્રમણ કરવું અને કુદરતના ખોળે જીવન વિતાવવું. વચ્ચે પહાડ આવે કે જંગલ, ખેતરો આવે કે કોતરો.. બસ ચાલતા જવું અને જે મળે એમાં ગુજરાન ચલાવવું તેને હાઈકિંગ નામથી ઓળખવામાં આવે છે. એ પછી એક દિવસનું પણ હોય ને મહિનાઓ કે વર્ષો સુધીનું પણ હોય!

પરંતુ શેરેલને આવા કોઈપણ જાતના હાઈકિંગનો કોઈ જ અનુભવ નહોતો અને નહોતી કોઈ જરૂરી તૈયારી કરેલી. પરંતુ તેમ છતાં તેણી એક લાંબી યાત્રા પર એકલી જ નીકળી પડી. કોઈપણ પ્રકારની માનસિક કે શારીરિક તૈયારીઓ વગર બસ એમ જ નીકળી પડેલી એ યુવાન છોકરી ધીમે ધીમે તકલીફો વેઠી, સંઘર્ષ કરી, અવનવા અનુભવો કરતી આવતી એક સ્થળથી બીજા સ્થળ સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. સાથોસાથ પોતાના ડરને સતત ઘટાડતી અને આત્મખોજને અવિરત વધારતી શેરેલ આઘાત, દર્દ,પીડા આ બધાથી મુક્ત થવાના ત્રણ મહિના લે છે.

શેરેલના પ્રવાસ દરમિયાન અનેક બીજા હાઈકિંગ કરતા લોકો, સ્થાનિક ખેડૂતો, રખડું ખરાબ વ્યક્તિઓ એમ જાતભાતના માણસોને મળવાનું થાય છે. ભૂખ્યા રહેવાની પીડા, થાક્યાનું દર્દ , પાણી માટે વલખા મારવાની તડપ આ બધું ભોગવે છે. પરંતુ છેલ્લે જે ઉભરીને આવી છે એ એકદમ સ્વસ્થ અને સંવેદનાઓ સાથે સહનશક્તિથી ભરપુર હોય છે. જે જિંદગીને એક નવા જ આયામ થકી જોવાનું શરૂ કરે છે. જે સ્થળથી શેરેલ પસાર થતી ત્યાં વૃક્ષો પર, ઘરો પર પોતે સુવિચારો, કાવ્યો અનુભવો લખતી જાય છે. મૂળભૂત રીતે શેરેલ લેખક છે. કવિ જીવ છે અને એટલે જ સંવેદનાઓથી સભર છે. અંતમાં જયારે અમેરિકાના હાઈકિંગ માટે પ્રખ્યાત એવા પેસિફિક કોસ્ટ ટ્રેઈલના અંતિમ પડાવ પર પહોંચે છે ત્યારે તેની લગભગ એક્વીસો માઈલની લાંબી યાત્રા પૂર્ણ થાય છે. ત્યાં ઊભેલી શેરેલ અલગ અને હકારાત્મકતાથી ભરેલ અહેસાસ જાતમાં અનુભવ કરે છે.

યુવતીઓ મોટાભાગે પોતાના શોક, અપરાધની લાગણી કે દુ:ખ માટે રોવાનું વધારે પસંદ કરતી હોય છે. તેઓ માટે આ રીતે એકલા કોઈ યાત્રા પર નીકળી જઈ પોતાના દુ:ખને દૂર કરવા એ વિચારવું થોડું અઘરું છે જે શેરેલ જેવી યુવતીઓને અન્યો કરતા જુદી પાડે છે. પણ, બિરવા શું આ ઉંમરે તારે આ રીતે નીકળી પડવું યોગ્ય લાગે છે?? શું ટીનએઈજ એ ઉંમર છે કે તને એવું લાગવા માંડે કે તારું જીવન અટકી પડ્યું છે?? સુરભીના આવા ધારદાર પ્રશ્ર્નોનો બિરવા પાસે કોઈ જવાબ હશે કે નહીં એ વિચારે વિહા અડધી ઊભી થઈ અપલક નજરે બિરવા સામે જોવા લાગી, પણ બિરવા બોલે એ બીજી, અંતે સુરભીએ મૌન તોડતા કહ્યું, ચાલો વિહા બહુ મોડું થઈ ગયું તારે સવારે સ્કૂલ હશે go to bed now અને બિરવાyou better stay at my place કહી જવાબ સાંભળવાની રાહ જોયા વખત તેણી વ્યવસ્થા કરવામાં લાગી ગઈ.(ક્રમશ:)
-શ્ર્વેતા અંતાણી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?