પાકિસ્તાનમાં એકાએક ઇંટોના વેપારમાં તેજી કેમ?
વ્યંગ -ભરત વૈષ્ણવ
‘હજૂર, મારી જમીનના સાતબારના ઉતારાની બહુ જ જરૂર છે. એગ્રિકલ્ચર બેંકમાંથી જમીન પર લોન લેવી છે. છોકરાને ભણાવવા કેનેડા મોકલવો છે.’ અરજદાર અબ્દુલ્લાએ તહેસીલદાર હમીદુલ્લાને વિનંતી કરી. ‘વાહ, મિંયા. સુભાનલ્લાહ. માશાલ્લાહ. આપ કો મુબારકબાદ.આપકી તરક્કી હો રહી હૈ! બરખુદ્દાર,લેકિન હમારા કયાં?’ ખડ્ડુસ તહેસીલદાર હમીદુલ્લાએ ચૂંચી આંખ કરીને અરજદાર અબ્દુલ્લાને પૂછયું.
‘હજૂર, આપ પર તો અલ્લા મહેરબાન છે. એટલે આપ પહેલવાન છો! અબ્દુલ્લાએ કોથળામાં પાંચ શેરી મારી. મિંયા, અલ્લાહતાલા, હેન્ડ ટુ હેન્ડ ઉપરની રકમ આપવા આવતા નથી. એ તો જાતે ઇન્તઝામ કરવો પડે..’ તહેસીલદારે અબ્દુલ્લાને હિન્ટ આપી. હજૂર, સાતબારના ઉતારાની તો કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવાની છે! અબ્દુલ્લાએ તર્ક આપ્યો. ‘મિંયા કોમ્પ્યુટર પણ માણસ સાથે રહે છે. અમારામાં કોમ્પ્યુટરની સ્માર્ટનેસ આવી નથી, પરંતુ, અમારી પત્રપુષ્પની બુરાઈ કોમ્પ્યુટરમાં આવી છે. વાન ન આવ્યો, પણ, સાન આવી છે!’
ઓ, હજૂર, તમે સાતબારના ઉતારાની નકલ માટે રકમ માંગો છો? કેટલા આપવાના છે?’
‘મિંયા, દસ હજાર આપો ને જોઇએ તેટલી કોપી લઇ જાવ’ તહેસીલદાર વાત પૂરી કરે તે પહેલાં અબ્દુલ્લાએ થેલીમાંથી ઇંટ કાઢીને તહેસીલદારને ફટકારી દીધી! હમીદુલ્લાએ ચીસાચીસ કરી મુકી! આ સિનારિયો વાંચીને તમને એમ થશે કે આ બધું શું ચાલે છે? એક બીજા બનાવમાં જાવેદચાચાને હજ કરવા જવાનું હતું. જાવેદચાચાએ સરકારી સહાય મેળવવા ફોર્મ ભર્યું. સેન્ટ્રલ હજ સમિતિના સેક્રેટેરી સરકારી સહાય મેળવવા ધક્કા ખવડાવે. ત્રણ દિવસ પછી મક્કા જવાની ફલાઇટ હતી.એક દિવસે જાવેદચાચા ગફૂરની ચેમ્બરમાં ઘૂસી ગયા.
‘બોલો, મિંયા. કેમ આવવું પડ્યું ?’ ગફૂરે પૂછયું. મારી હજની સબસીડી ક્યારે ચૂકવશો? મે પાંચ ધક્કા ખાધા છે. જાવેદચાચાએ કહ્યું. સબસીડી ક્યાંથી મંજૂર થાય? તમે સમજ્યા હોત તો વગર ધક્કે સબસીડીથી ગજવું ગરમ થઇ ગયું હોત ! ‘ગફૂરે હદ વટાવી કહ્યું. મતલબ?’ યાર, તમે મારું ગજવું ભરો એટલે તમારી સબસીડી તમને મળી ગઇ સમજો! કેટલા ? ‘જાવેદચાચાએ પૂછયુ. સબસીડીના પંદર ટકા’
‘હજૂર હાથ આગળ કરો.’ ગફૂરને એમ કે રૂપિયાથી હથેળી ગરમ ગરમ થઇ જશે. ગફૂરે હાથ આગળ કર્યો. જાવેદચાચાએ કશેકથી ઇંટ કાઢી ગફૂરની હથેળી પર ફટકારી ગફૂરે રાડારાડ કરી મુકી .
અમીનાબીબીને આઠમી પ્રસૂતિ થઇ. અમીનાબીબીને હકૂમત તરફથી પ્રસૂતિ સહાય માટે ત્રણ હજાર રૂપિયા મળનાર હતા. લેડી ડોકટર બેનઝીર સહાય આપવામાં ગલ્સાતલ્લા કરે. હાય રબ્બા. કયા દિન આયે હૈ? આઠમી પ્રસૂતિમાં સહાય ન મળે તો નવમા દસમા ને અગિયારમાં સંતાન માટે પલંગતોડ પ્લાનિંગ ક્યાંથી થાય? શૌહરના રસિક ઇશારા તીરને બદલે તુક્કા થતા હતા! મેડમ, સલામ. અમીનાબીબીએ લેડી ડોકટરને સલામદુવા કરી બોલો, બેગમ કેમ તશરીફ લાવ્યા? ‘ડોકટર બેનઝીરે કહ્યું. મેડમ, મને ડિલિવરીની સહાય મળી નથી.’ અમીનાબીબીએ ફરિયાદ કરી. ઉપરથી ગ્રાંટ આવી નથી. ગ્રાંટ આવશે ત્યારે મળી જશે .
‘ગ્રાંટ આવવામાં કેટલો ટાઇમ લાગશે?’ એ. હકૂમતનું કામ છે. એનું અનુમાન ન કરી શકાય. બે -ત્રણ મહિના કે વરસ થઇ જાય! બેનઝીરે સરકારી જવાબ આપ્યો ‘તમે હકૂમત પાસે ગ્રાન્ટની માંગણી ન કરી શકો?’ અમીનાબીબીએ ઓડિટરની જેમ ઓડિટ પારા કાઢયો. એમાં અમારું શુ? ‘મતલબ?’
‘તમે મને રાજી કરો. હું તમને રાજી કરૂં!’ ડોકટર બેનઝીરે ઇશારે ઇશારેમે થોડું નહીં. પણ ઘણુંબધું બ્યાન કર્યુ. ‘એટલે તમારે મારા સુવાવડના શીરામાથી રિશ્વતનાં કોળિયા આરોગવા છે?’ અમીનાબીબી, આઠમી પ્રસૂતિમાં સહાય મેળવવા કુરબાની આપવી પડે! ડોકટર બેનઝીરે નફફટાઇથી કહ્યું. કેટલા રૂપિયા સળગાવવાના છે!’ અમીનાબીબીએ પૂછયું. પાંચસો રૂપિયા . એક પણ કમ નહીં ને એક પણ વધારે નહીં. ‘હાથ આગળ કરો.’
લે, હાથ આગળ કર્યો. આજની બોણી કરાવી દે. ડૉકટર બેનઝીરે ઉત્સાહથી કહ્યું ત્યાં ધડામ દઇને ઇંટ ઝીંકાઇ. બેનઝીરે દરદથી રાડારાડ કરી મુકી આ શું ચાલી રહ્યું છે? પથ્થરકા જવાબ ઇંટસે એવું સાભળેલું, પણ લાંચની રોકડ રકમને બદલે ઇંટ સ્વરૂપે લાંચ ફટકારી લોહીલુહાણ કરવાના? સોના-ચાંદીની ઇંટના માર પણ ખમી શકાય, પરંતુ માટીની ઇંટ? યે લાંચ હજમ નહીં હોંગી.લાંચ લેનાર પણ ઇન્સાન છે. શું કહ્યું? ગીરા હુઆ ઇન્સાન છે. ઓકે. વાસ્તવમાં દરેક ઓફિસમાં લાંચ અભિવાદન કેન્દ્રો હોવા જોઇએ. ખાનગી કંપની દિવસ.અઠવાડિયા, મહિના, વરસના બેસ્ટ પરફોર્મ કરનાર એમ્પલોયને બિરદાવે છે.
લાંચિયા બાબુનું પણ હાર તોરાથી સ્વાગત કરવું જોઇએ. લાંચ લેવાને મૌલિક અને મૂળભૂત અધિકાર સત્વરે જાહેર કરવો જોઇએ! લાંચ લઇને પગભર થવા ઇચ્છતા થનગન ભૂષણને અટકાવવા પ્રયાસ કરનારને જેલ હવાલે કરવા જોઇએ કે નહીં? લાંચ રિશ્ર્વત વિરોધી બ્યુરોના સ્થાને લાંચ ઉતેજન કેન્દ્રો હોવાં જોઇએ! એના બદલે ઇંટો? આપણને વિચાર આવે કે આવું કેમ બન્યું? પાકિસ્તાનમાં હમણા લોકસભા અને પ્રાંતોની વિધાનસભાની ચૂંટણી યોજાઇ. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના નવા ચૂંટાયેલા મુખ્ય મંત્રી અલી અમીને લોકોને ભ્રષ્ટાચાર સામે લડવા માટે નવો ઉપાય બતાવ્યો છે. અલી અમીને એક ગામમાં સંબોધન દરમિયાન વિચિત્ર સલાહ આપતા કહ્યું કે, જો કોઈ અધિકારી તમારી પાસે લાંચ માગે તો તેના માથામાં ઈંટ મારીને એનું માથું ફોડી નાંખો. ઈંટ મારતી વખતે મારું નામ લેશો તો પણ ચાલશે. લાંચ માગનારાઓને શરમ આવવી જોઈએ. જે લોકો લાંચ માગે છે એમને ઘટનાસ્થળ પર જ સજા મળવી જોઈએ. આને કહેવાય નો કોર્ટ- નો કચેરી- નો તારીખ પે તારીખ! પરંતુ, પાકિસ્તાન આર્મી અને બ્યુરોકેટસ લાંચ વિના ખુદના શ્ર્વાસોચ્છવાસ અટકાવી દે છે. એમની સામે અલી અમન કેવા ચમન ખીલવશે કે મુરઝાવશે? પાકિસ્તાનમાં ખાસ મોટા પાયે બાંધકામ ચાલતા નથી તેમ છતાં , ઈંટોના વેપાર કરનારને ઘી કેળા થઇ ગયા છે. પાકિસ્તાનમાં ઓનલાઇન ઓફલાઇન ઈંટોની ખરીદીના ધડાધડ ઓર્ડર પર ઓર્ડર થઇ રહ્યા છે. ઇંટોના ભઠ્ઠા ત્રણ શિફટમાં ઇંટો પકાવતા હોવા છતાં ઓર્ડરને પહોંચી વળતા નથી!