ઈન્ટરવલ

કેમ કથળી રહ્યું છે આપણું આજનું ઊચ્ચ શિક્ષણ?

મર્યાદિત આવડત ને અધકચરા જ્ઞાનને લીધે હજારો ગ્રેજ્યુએટ યુવાનો બેકારની યાદીમાં ઉમેરાતા જાય છે. આનાં કારણ અને મારણ શોધવા પડશે.

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

ભારત આજે દુનિયામાં તીવ્ર ગતિએ આગળ વધતું અર્થતંત્ર ધરાવે છે. વિદેશની અનેક કંપનીઓ તેમની વૃદ્ધિ માટે ભારત તરફ નજર દોડાવી રહી છે. કેન્દ્ર સરકાર પણ યુવા વસતિને આધાર બનાવી વૈશ્ર્વિક કંપનીઓને દેશમાં આકર્ષી રહી છે.

જો કે, આ ગુલાબી ચિત્રની સામે છેડે એક કડવી વાસ્તવિકતા એ છે કે દેશમાં બેરોજગારી વધીને વિકરાળ સ્તરે પહોંચી ગઈ છે. આ બેરોજગારી વધવાનું મૂળ કારણ દેશમાં રોજગારીનો અભાવ નહીં, પરંતુ અપૂરતા શિક્ષણ સાથે ‘નકામી’ ડિગ્રીઓ છે. આવી ડિગ્રીઓ યુવાનોને નોકરીની તકો પૂરી પાડવામાં ઊણી ઉતરી છે.

   ભારતમાં અંદાજિત  ૧૭ બિલિયન ડોલરનો ’શિક્ષણ ઉદ્યોગ’ ધમધોકાર ચાલે છે. 

(જસ્ટ જાણ ખાતર, ૧ બિલિયન = ૧૦૦ કરોડ ગુણ્યા આજનો ડોલરનો ભાવ ૮૩ રૂપિયા) આજ રીતે, આવનારા ૨૦૨૫માં તે ૨૨૫ અબજ ડોલરના આંકને આંબી જશે એવા અંદાજ છે. નવી નવી કોલેજો ઊભી થતી જાય છે. તેમ છતાં હજારો ગ્રેજ્યુએટ યુવાનો મર્યાદિત આવડત અને અધકચરા જ્ઞાનને લીધે બેકારની યાદીમાં ઉમેરાતા જાય છે. આજે જ્યારે આપણું અર્થતંત્ર ઉત્કર્ષની દિશામાં જઈ રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિ અત્યંત ગંભીર ગણી શકાય.

‘બ્લૂમબર્ગ’ના અહેવાલ મુજબ ભારતીય યુવાનોની ડિગ્રીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક કંપનીઓના અનુભવના આધારે કહેવામાં આવ્યું છે કે, અત્યારે દેશમાં સૌથી મોટી સમસ્યા રોજગારીની તકો નહીં, પરંતુ નોકરી માટે યોગ્ય લોકોની અછત છે. એક બાજુ રોજગારીની વિપુલ તક છે. કંપનીઓને પણ યોગ્ય માણસોની જરૂર છે, છતાં તેમને નોકરી માટે લાયક લોકો નથી મળતા. દર વર્ષે લાખો યુવાનો ગ્રેજ્યુએટ બનીને કોલેજમાંથી બહાર નીકળી રહ્યા છે. એ વર્ક ફોર્સનો ભાગ બની રહ્યા છે, પણ સ્કિલ ઓરિએન્ટેડ જોબ માટે યોગ્યતા ધરાવતા નથી!
દેશમાં આજે આવું વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યું છે. એક બાજુ આજે દુનિયાની મોટી મોટી કંપની ‘ગૂગલ’થી લઈને આલ્ફાબેટના વડા – સીઈઓનું સ્થાન ભારતીય મૂળના લોકો શોભાવી રહ્યા છે. સુંદર પિચાઈથી લઈને સત્યા નાડેલા સહિતના ધૂરંધરો ભારતની યુનિવર્સિટીમાંથી જ બહાર આવ્યા છે તો બીજી બાજુ નાની યુનિવર્સિટીમાં અને હજારો ખાનગી કોલેજોમાં પૂરતા પ્રોફેસર જ નથી હોતા અને જે હોય છે, તે પૂરતા તાલીમબદ્ધ નથી એવું વૈશ્ર્વિક સંશોધન સંસ્થા ‘બ્લૂમબર્ગ’ કહે છે.

વિશ્ર્વના બીજા દેશોમાં પણ આવી જ સ્થિતિ છે, પણ ભારતમાં તો તેણે હદ વટાવી દીધી છે. છેલ્લે બ્લૂમબર્ગે’ બે ડઝનથી પણ વધુ વિદ્યાર્થીની મુલાકાત લીધી હતી. આ તમામ વિદ્યાર્થીએ અભ્યાસ પછી નોકરી મેળવા માટે ચિંતા દર્શાવી હતી.

બીજી તરફ જાણીતી બિઝનેસ કંપનીઓ જેવી કે ‘એમ જી મોટર્સ’ કહે છે કે તેમને સારા ગ્રેજ્યુએટ શોધવામાં પણ તકલીફ પડે છે. આ યુવાનો પાસે એમના વિષયનું પૂરતું જ્ઞાન પણ હોતું નથી. સામાન્ય જ્ઞાન પણ મર્યાદિત હોય છે.

 યુનિવર્સિટી અને કોલેજની આ પરિસ્થિતિના સંદર્ભે  ‘ટાઈમ્સ હાયર એજ્યુકેશન- ૨૦૨૩’ના વિશ્ર્વની ટોપ યુનિવર્સિટીના લિસ્ટમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. ૨૦૧૨ પછી પહેલી વખત એવું થયું છે કે ભારતની એક પણ યુનિવર્સિટી ટોચની ૩૦૦ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી.

આ પણ વિધિની વક્રતા છે કે દુનિયાના ટોપ દસ મંદિરોમાં આઠ ભારતમાં છે. દુનિયાની ટોપ દસ મસ્જિદોમાં ત્રણ ભારતમાં છે,જ્યારે દુનિયાની ટોપ ૩૦૦ યુનિવર્સિટીમાં એક પણ ભારતમાં નથી!
૧૪૦ કરોડથી વધુ વસતિ ધરાવતા-સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ માટે આનાથી બીજી શરમજનક વાત બીજી કઈ હોય શકે?.

આપણે ભલે આપણું હરીફ પાકિસ્તાન ગણીએ, પરંતુ હકીકતમાં આપણું હરીફ ચીન છે.ગ્લોબલ પ્લેટફોર્મ પર આર્થિક-રાજકીય-ઔદ્યોગિક અને શૈક્ષણિક સ્તરે ચીન આપણું હરીફ છે. ચીન શિક્ષણની બાબતમાં પણ આપણાથી આગળ છે. ચીનની ૨૪ યુનિવર્સિટીનો ટોપ ૩૦૦માં સમાવેશ છે. એશિયાના એક પણ દેશની શિક્ષણ સંસ્થા આંતરરાષ્ટ્રીય ડંકો વગાડી શકી નથી. ચીનની અમુક કોલેજોની એડમિશન લેવા માટેની એન્ટ્રન્સ ટેસ્ટ એટલી કઠિન હોય છે કે આજ સુધી એક પણ વિદ્યાર્થી કે પ્રોફેસર પુરા માર્ક્સ લાવી શકયા નથી. ચીન પોતાના શિક્ષણ ક્ષેત્રની લશ્કરી શૈલીથી કાયાપલટ કરવામાં સફળ રહ્યું છે. સિલીકોન વેલીની આઈટી કંપનીઓમાં સૌથી વધુ સંખ્યા ચીની સંશોધકોની છે.

       આજે સંશોધનકારોને ઉત્તેજન આપવું અગત્યનું બની ગયું છે. આજે સંશોધનની ડિમાન્ડ છે- ડિગ્રીની નહીં. એક્સપર્ટાઈઝને-કુશળતાને  મૂલવવામાં આવે છે-એની કદર થાય છે, નહીં કે ડિગ્રી અથવા  પર્સન્ટની! ભારતીય શિક્ષણ સંસ્થાઓ અહીં જ ગોથા ખાતી રહી છે.

મુંબઈ-દિલ્હી અને ખડકપુરની આઈ આઈ ટી’ સંસ્થામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન’ની યાદીમાં આ બધી ‘આઈ આઈ ટી’ ૦૦ના સ્લોટમાં પહોંચી ગઈ છે. છેલ્લા વર્ષમાં આ સંસ્થાઓ ટોપ ૫૦૦માં પણ નહોતી. આઈ આઈ ટી’ ગાંધીનગર પહેલી વખત ટોપ ૬૦૦માં સ્થાન મેળવી શકી છે. જ્યારે બહુ વગોવાયેલી ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ પહેલી વખત ‘ટાઈમ્સ’ની યાદીમાં આવી છે.

‘યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રેગ્યુલેશન્સ – ૨૦૨૨’ મુજબ યુનિવર્સિટી અને કોલેજ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે નેશનલ એસેસમેન્ટ ઍન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (નેક)ની માન્યતા ફરજિયાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, નવી શિક્ષણનીતિ – ૨૦૨૦માં ઉચ્ચ શિક્ષણ અને છાત્રાભ્યાસની ગુણવત્તા સુધારવાના હેતુસર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન’ (યુ.જી.સી.)એ ૨૦૨૨ના વર્ષથીનેક’માં કુલ ૧૦માંથી ઓછામાં ઓછા ૨.૫ ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ લેવા દરેક યુનિવર્સિટી અને કોલેજ માટે ફરજિયાત કરી દીધા છે. સામાન્યત: દર પાંચ વર્ષે અનેક’ દ્વારા કોલેજ અને યુનિવર્સિટીના શિક્ષણની ગુણવત્તા, શૈક્ષણિક માળખું, શૈક્ષણિક સુવિધાઓ, પાઠ્યક્રમ પસંદગી, રોજગારી નિયોજન અને સ્થાપન, શોધ અને સંશોધન તેમ જ પ્રકાશન વગેરે બાબતોનું નિરીક્ષણ કે તપાસ થાય છે. જેના આધારે ગ્રેડ આપવામાં આવે છે. તેમજ ગ્રેડના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેને ગ્રાન્ટ ફાળવે છે.

બીજી તરફ, વિદ્યાર્થીઓને ગુણપત્રકમાં ગુણ અને ગ્રેડ આપતી ગુજરાતની કુલ ૮૩ યુનિવર્સિટીમાંથી માત્ર ૨૮ (અર્થાત ૩૪ ટકા) ‘યુનિવર્સિટી પાસે જ નેક’ સંસ્થાનું ગ્રેડિંગ અને ૫૫ (૬૬ ટકા) યુનિવર્સિટીનું શૈક્ષણિક કામકાજ ગ્રેડિંગ વિના ધમધોકાર ચાલે છે.

     રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ શિક્ષણની જો વાત કરવામાં આવે તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની યાદી મુજબ દેશની કુલ ૧,૧૧૩ યુનિવર્સિટી અને ૪૩,૭૯૬ કોલેજ પૈકી ફક્ત ૪૩૭ (૩૯ ટકા) યુનિવર્સિટી અને ૯,૩૩૫ કોલેજ (૨૧ ટકા)પાસે જ નેક ગ્રેડિંગ છે એટલે કે ૬૭૬ (૬૧ ટકા) યુનિવર્સિટી અને ૩૪,૪૬૧ (૭૯ ટકા) કોલેજ ‘નેક’ મૂલ્યાંકન કરાવવામાં તદ્દન નિષ્ફળ રહી છે.

ભારત વર્ષની સંસ્કૃતિના ગૌરવરૂપ વિશ્ર્વવિદ્યાલય એવાં તક્ષશિલા – નાલંદા વિદ્યાપીઠની વિશે આપણે ગયા સપ્તાહે વિસ્તારથી વાત કરી છે. સદીઓ પૂર્વે આ વિદ્યાપીઠો નામશેષ બની. આજે દુ:ખદ હકીકત એ છે કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને સ્તર એવાં કથળી ગયાં છે કે, વિશ્ર્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રથમ ૩૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન નથી, જ્યારે વિશ્ર્વની પ્રથમ એક હજાર યુનિવર્સિટીમાં યુરોપ ખંડની ૪૦૦થી વધારે યુનિવર્સિટી સ્થાન પામી છે. આ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં સૌથી વધારે ગ્રેટ બ્રિટનની તથા જર્મનીની યુનિવર્સિટીઓ છે…. હાર્વર્ડના ડિગ્રી ધારકોમાંથી ૪૯ જેટલા નોબલ પારિતોષિક વિજેતા બન્યા છે. એમ આઈ ટી’એ ૯૦ જેટલા નોબલ પારિતોષિક વિજેતા અને ૧૫ ટ્યુરિંગ પ્રાઈઝ વિજેતા આપ્યાં છે.

શિક્ષણ અને આરોગ્ય એ કોઈ પણ રાષ્ટ્ર માટે પાયો છે. કથળતું શિક્ષણ એ રાષ્ટ્ર અને સમાજના પતનની શરૂઆત છે.ભારતની ભાવિ પેઢી મેધાવી તથા પ્રભાવી શિક્ષણથી વંચિત રહેશે તો દેશને જબરુંં નુકસાન થશે. ભારતે સ્વ અધ્યાય અને સ્વ મૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે. ક્યાં કારણથી આજની તારીખે ઓક્સફર્ડ યુનિવર્સિટી ટોચ ઉપર છે? કયા કારણથી ચીનની સિંધુઆ (સાઈન ધુઆ) યુનિવર્સિટીમાં ૩૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસરત છે ? શા માટે ‘નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરે’ વર્ષોથી એશિયાની પ્રથમ અને શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકેનું સ્થાન ટકાવી રાખ્યું છે ?

 તક્ષશિલા અને નાલંદા વિશ્ર્વવિદ્યાલયના ભવ્ય વારસાના ગુણગાન ગાવાથી આ  ધૂંધળું ચિત્ર ઉજળું નહીં બની શકે. શિક્ષણને ગ્લોબલ સ્તરે 

પહોંચાડવા રીતસારના ઊંડી નિદ્રામાંથી સફાળું જાગવું પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button