ઈન્ટરવલ

ગુજરાત ભા.જ.પ.કૉંગ્રેસ પર ધાડ કેમ પાડે છે?

ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ

ગુજરાત ભા.જ.પ.ના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગુજરાતમાં કૉંગ્રેસના ધારાસભ્યો,સિનિયર નેતાઓને યેનકેન પ્રકારે મનાવીને તેઓને ભા.જ.પ.માં લાવવાના ઉપાડેલા અભિયાન પાછળ શું રહસ્ય છે? તે અંગે રાજકીય વિશ્લેષકો એવું માને છે કે (૧):-કૉંગ્રેસની પરંપરાગત વોટબેન્ક ખતમ કરવા અને (૨):-ગુજરાતમાં લોકસભાની દરેક બેઠક પાંચ લાખથી પણ વધુ સરસાઈથી જીતવાનો સંકલ્પ પાર પાડવા માટે આ અભિયાન હાથ ધરાયું છે.અહીં કૉંગ્રેસની પરંપરાગત વોટબેન્ક એટલે શું? એ સમજીએ. ગુજરાતમાં ભા.જ.પ.ના પૂર્ણ ઉદય પછી અને કૉંગ્રેસની ભરપૂર છિન્નભિન્નતા વચ્ચે પણ ૧૯૯૦માં કૉંગ્રેસને -૩૩, ૧૯૯૫માં-૪૫, ૧૯૯૮ માં-૫૩,૨૦૦૨માં-૫૧,૨૦૦૭માં-૫૯, ૨૦૧૨માં-૬૧, ૨૦૧૭માં -૭૭ અને ૨૦૨૨માં -૧૭ બેઠકો વિધાનસભામાં મળી હતી.આ સૂચવે છે કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પાસે કમિટેડ મતદારો હતા.ભા.જ. પ.ના ચાણક્ય ૨૦૧૭માં ચેતી ગયેલાં કે જ્યાં સુધી કૉંગ્રેસમાં નિષ્ઠાવાન અને સમાજમાં પ્રતિષ્ઠા અને વગ ધરાવતા નેતાઓ છે ત્યાં સુધી તે પક્ષને નબળો નહીં પાડી શકાય.એટલે કૉંગ્રેસના ધરખમ નેતાઓને તોડવાનું શરૂ કરાયું. આના પરિણામે વ્યક્તિગત હેસિયતથી સમાજ પર વર્ચસ્વ ધરાવતા અનેક કૉંગ્રેસી નેતાઓને સામ, દામ, દંડ અને ભેદની નીતિથી ભા.જ.પ.માં સામેલ કરવામાં આવી રહ્યા છે.ભા.જ.પ.નું મજબૂત સંગઠન,સંઘનો સબળ ટેકો અને કદાવર કૉંગ્રેસી નેતાઓની પોતાના નિશ્ર્ચિત સમાજ પરની વગને કારણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને ૨૬ પૈકી અર્ધોઅર્ધ બેઠકથી પણ વધારે બેઠકો પર પાંચ લાખથી વધુ મતની સરસાઇથી વિજય મળવાની જે આશા છે એ ફળે પણ ખરી!

ગુજરાતની ચાર યુનિવર્સિટીને નિયમિત કુલપતિ કેમ નથી મળતા?
ગુજરાત સરકારનાં અનુદાનથી ચાલતી રાજ્યની ચાર યુનિવર્સિટીઓની કમનસીબી એવી છે કે આ યુનિવર્સિટીમાં છેલ્લા એક-બે વર્ષથી કોઈ નિયમિત કુલપતિ નિમાયા નથી અને માત્ર ઈનચાર્જ કુલપતિથી આ યુનિવર્સિટીઓ ચાલે છે.આ યુનિવર્સિટીમાં (૧):-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (૨):-જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી (૩):-ચિલ્ડ્રન યુનિવર્સિટી અને (૪):-ટિચર્સ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. એક, દોઢ કે બે વર્ષ સુધી સરકારને કુલપતિ જેવા સન્માન્ય પદ માટે યોગ્ય વ્યક્તિ ન મળે એ કેવું કહેવાય? આ પ્રશ્ર્ન અંગે ગુજરાતના શિક્ષણ વર્તુળમાં જે ચર્ચા ચાલે છે તે જો સાચી માનીએ તો એવો જવાબ મળે છે કે ભા.જ.પ.ની આંતરિક વ્યવસ્થા પ્રમાણે કુલપતિના નામ પસંદ કરવાની જવાબદારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આપવામાં આવી છે. એવું ચર્ચાય છે કે આ બન્ને સંસ્થાઓના આંતરિક સંકલનના અભાવે તથા સદરહુ સંસ્થાઓના સરકાર સાથેના સંકલનના અભાવે ચાર યુનિવર્સિટીઓના કુલપતિઓની પસંદગી ટલ્લે ચડી છે.સરકારના નિર્ણયો જ્યારે સરકાર બહારની એજન્સીઓ દ્વારા લેવામાં આવતા હોય ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય એ બહુ સ્વાભાવિક છે.હવે આગામી લોકસભાની ચૂંટણીનાં અનુસંધાને લાગુ કરવામાં આવેલી આચાર સંહિતાને કારણે બાકી રહી ગયેલી ચાર યુનિવર્સિટીઓને નવા કુલપતિઓ જૂન-૨૦૨૪ પછી મળશે.

ગુજરાતમાં થતાં આપઘાતના આંકડા ચોંકાવનારા છે હોં!
આખા ભારતમાં સુખી અને સમૃદ્ધ હોવાની છાપ ધરાવતા ગુજરાત રાજ્યમાં સાંપ્રત સમયની સૌથી મોટી ચિંતાજનક સમસ્યા રાજ્યમાં વધતી જતા ‘આત્મહત્યા’ના કિસ્સાની છે. આ અંગેની વાસ્તવિકતા અને ચિંતા કરવા જેવી બાબત એ છે કે ગુજરાત વિધાનસભાના તાજેતરમાં યોજાયેલ સત્રમાં સત્તાવાર રીતે એવી માહિતી અપાઇ છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં ૨૫,૫૫૦ લોકોએ આત્મહત્યા વ્હોરી છે.એટલે કે સરાસરી દરરોજના લગભગ ૨૩ લોકો રાજ્યમાં આત્મહત્યા કરે છે. આ અંગે હવે સરકારે અને સમાજે ચિંતા કરવાનો સમય આવી ગયો છે એવું લાગે છે. આ સામાજિક નિસ્બતનો મુદ્દો છે. આ માટે સમાજ અને રાજ્યએ સાથે મળી તેના નિરાકરણના પ્રયાસો કરવા જરૂરી છે.આત્મહત્યાના બનાવોમાં વૃદ્ધિ થવાની સાથે ચિંતાજનક બાબત એ પણ છે કે સામૂહિક આત્મહત્યાના બનાવો પણ વધવા લાગ્યા છે. આ અંગે પાંચ વર્ષ પહેલાં ગુજરાતનાં રાજભવનમાં તત્કાલીન રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના સાંનિધ્યમાં વધતા જતા આપઘાતનાં કિસ્સા અંગે ચિંતા અને ચિંતન કરવા એક બેઠક યોજાઇ હતી. પણ પછી એ અંગે આગળ કશું થયું હોય એમ જણાતું નથી. તાજેતરમાં લોકનિકેતન, પાલનપુર ખાતે આ અંગે એક ચિંતન બેઠક પણ યોજાઇ હતી. આ સંવેદનશીલ પ્રશ્ર્ન અંગે આવી ચિંતા ને ચર્ચા થતી રહે એ આવકાર્ય છે, પરંતુ જ્યાં સુધી અગાઉ થયેલા આપઘાતનાં કિસ્સાઓમાં ઊપસી આવેલા કારણોનું વિશ્ર્લેષણ કરીને તેનાં ઉકેલ માટેનુ તંત્ર નહીં ગોઠવાય ત્યાં સુધી આપઘાતનાં કિસ્સાની સંખ્યા ઓછી કરવામાં સફળતા નહીં મળે એવું લાગે છે.

ગુજરાત ભા.જ.પ.માં અંદરોઅંદર પ્રવર્તતો અસંતોષ ખૂણેખાંચરે પ્રગટ થયા કરે છે?
ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે.અહીં છેલ્લા ૨૭ વર્ષથી આ પક્ષ શાસન કરે છે.પક્ષમાં લદાયેલી આકરી શિસ્તને કારણે આ પક્ષમાં પ્રવર્તતો અસંતોષ ક્યારેક જાહેરમાં પ્રગટ થતો જણાતો નથી, પરંતુ હમણાંથી એ શિસ્તનું બંધન સહેજ ઢીલું પડ્યું હોય એવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આનું કારણ એ છે કે ભા.જ.પ.માં તાજેતરમાં જે ભરતી મેળો ચાલ્યો તેનાંથી પક્ષના પાયાના કાર્યકરો નારાજ તો થયા જ છે અને એ નારાજગી અહીંતહીં પ્રગટ થયા કરે છે. દા.ત.(૧):-તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરમાં એવો બળાપો કાઢ્યો કે આજકાલના આવેલા અમને શીખામણ આપે છે, અમે તો પક્ષ માટે માર ખાધો છે’ વગેરે વગેરે (૨):-દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી એક સભામાં સી.આર.પાટિલ વક્તવ્ય આપતાં હતાં ત્યારે એક કેસરી ખેસ ધારી કાર્યકર્તાએ ઊભા થઈને બૂમાબૂમ કરી મુકીને કહ્યું કે અમારા ગામમાં શાળા આપો!(૩)પાટણમાં પક્ષની એક બેઠકમાં સાંસદ અને અન્ય પદાધિકારીઓ સામે કાર્યકર્તાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી (૪)વડોદરામાં તો ભૂતપૂર્વ મેયર, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રીમતી જ્યોતિ પંડ્યાએ ચાલુ સાંસદને પુન: ટિકિટ અપાઈ તે પરત્વે ખુલ્લો બળવો કર્યો છે ને પક્ષની ખફગી વ્હોરી લીધી છે અને (૬) તાજેતરમાં સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા (અને અહીં દેખાતા)એક બોર્ડની તસવીર તો ઘણું બધું કહી જાય છે. આ બોર્ડનો સંદેશો સ્વયં સ્પષ્ટ છે અને એ સૂચવે છે કે પક્ષમાં બધું સમુસૂતરું નથી ચાલી રહ્યું.

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગરનાં સાંસદ અમિત શાહનું એક પ્રશંસનીય કાર્ય
સંસદમાં ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં એક સુંદર સેવા કાર્ય હાથ ધર્યું છે તેની પ્રશંસા કરવી પડે એવું છે. વાત જાણે એમ છે કે ગાંધીનગર ખાતે આવેલ સિવિલ હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં અમિત શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી કુસુમબા ફાઉન્ડેશન પ્રેરિત અને શાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એક નિ:શુલ્ક આહાર કેન્દ્ર ચલાવવામાં આવે છે.સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ અને સાંજે ૬:૦૦ થી ૭:૩૦ સુધી ચલાવવામાં આવતા આ આહાર કેન્દ્રમાં દર્દીઓનાં સગાંવહાલાંઓને વિનામૂલ્યે અને જોઈએ તે વસ્તુ જોઈએ એટલીવાર પીરસીને ભરપેટ જમાડવામાં આવે છે. આ સિવાયના ગરીબ લોકો પણ આ રસોડાનો લાભ લેતા હોય એવું લાગે છે. કેન્દ્રિય મંત્રીઓ, જય શાહના પત્ની વગેરે સૌ અવારનવાર અહીં આવીને લાભાર્થીઓને ભોજન પીરસી જાય છે. એક અંદાજ પ્રમાણે સરાસરી દરરોજ સવારે ૨૫૦ લોકો અને સાંજે ૨૫૦ લોકો આ નિ:શુલ્ક રસોડામાં પીરસાતા ભોજનનો લાભ લે છે. સવારે દાળ, ભાત, શાક અને રોટલી તથા સાંજે ખીચડી, કઢી, ભાખરી અને શાક ભોજનમાં આપવામાં આવે છે. ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં સારવાર કરાવવા માટે બહારગામથી આવનારા અને ગરીબ વર્ગની સંખ્યા વધારે હોય છે.તે સૌ માટે આ રસોડું આશીર્વાદરૂપ છે એ નક્કી. અમિત શાહમાંથી પ્રેરણા લઈને ભા.જ.પ.ના અન્ય સાંસદોએ પણ પોતપોતાના ક્ષેત્રમાં આવું રસોડું શરૂ કરવું જોઈએ. આ કામ માટે તો અમિત શાહ અભિનંદનના અધિકારી છે એ નક્કી હોં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button