ઈન્ટરવલ

સંજોગો અનુકૂળ હોવા છતાં માણસ સુખની અનુભૂતિ કેમ કરતો નથી?

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

આપણી આસપાસ, આપણાં ઘરોમાં કે કદાચ આપણે પોતે પણ એ વાતના ભોગ બન્યા છીએ કે બધું હોવા છતાં મજા આવતી નથી. અસહ્ય ગરમીમાં તમારા ઘરમાં એસી બેડરૂમમાં રાત્રે ઓઢીને સૂવું પડે એ પરિસ્થિતિમાં મન વ્યાકુળ રહે તો કોને ફરિયાદ કરવાની? સંજોગો અનુકૂળ હોવા છતાં માણસ સુખની અનુભૂતિ કેમ કરતો નથી એ પ્રશ્ર્ન કેવળ હેપ્પીનેશમાં પાછલો ક્રમ ધરાવતા ભારતમાં છે એવું નથી પણ આ સમસ્યા જાતજાતના કારણોસર દેશ અને દુનિયાને સતાવે છે.

ઘણા કવિઓ, લેખકો કે વક્તાઓ ફૂટપાથ પર વસતાં દંપતીના હાસ્યસભર દામ્પત્યજીવન પર પાનાં ભરાય એટલી વાતો કરતા હોય છે. આ વાતોનો અર્થ એટલો જ છે કે સુખની અનુભૂતિને સંજોગો સાથે કોઈ લેવાદેવા નથી. ભગવાને બધાં પ્રાણીઓમાં કેવળ માનવજાતને યાદદાસ્તની ભેટ આપી છે. માણસને ભૂતકાળની સારી નરસી ઘટનાઓની યાદો યાદ રહેતી હોય છે. આ ઘટનાઓ તેના વર્તમાનના સુખ પર અસર કરે છે. કેટલીક સમસ્યાઓ માણસના દિલદિમાગ પર એવી રીતે છવાઈ જાય છે કે ઇચ્છવા છતાં ભૂતાવળમાંથી બહાર નીકળી શક્તો નથી. ઘરમાં એસી બેડરૂમ હોવા છતાં ક્યાંક છુપાયેલો ડર એને શાંતિ આપતો નથી. આર્થિક, શારીરિક કે માનસિક ઘટનાઓ વર્તમાન સુખ ભોગવતા રોકે છે. સતત ડર લાગતો રહે છે કે અચાનક સુખ ચાલ્યું જાય તો શું થશે એ વિચારમાં સુખ પર વિચારો હાવી થઈ જાય છે. બહારથી સુખી દેખાતી વ્યક્તિને જ્યારે ઢંઢોળવામાં આવે તો મનનાં કૂવામાં અજ્ઞાત સમસ્યાઓના પોટલાં મળે છે જેમાં અકારણ વ્યથાઓ ભરેલી છે.

સુખમય પરિસ્થિતિ હોવા છતાં માણસ સુખ ભોગવી શક્તો નથી એને મનોવિજ્ઞાનમાં એન્હેડોનિયા નામની બીમારી કહેવામાં આવે છે. એન્હેડોનિયા મૂળે ગ્રીક શબ્દ છે. આનંદ વગર જીવતી વ્યક્તિ માટે એન્હેડોનિયા શબ્દ વપરાતો હતો. સામાન્ય સંજોગોમાં એન્હેડોનિયાનો ઇલાજ મુશ્કેલ છે અને આ બીમારી વધતી જાય તો ભવિષ્યમાં સ્ક્રિઝોફેનિયા જેવી બીમારીઓ શોભામાં અભિવૃદ્ધિ કરી શકે છે. ભગવાન બુદ્ધ કહીને ગયા હતાં કે પ્રત્યેક પળ માણતા શીખો. ભગવદ્ ગીતામાં સાર એટલો જ છે કે વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. લાઓત્સે પણ કહેતો હતો કે સારી વ્યક્તિ માટે સારા બનો પણ ખરાબ જણ માટે તમારે નિમ્નકક્ષાના બનવું જરૂરી નથી. ભૂતકાળની ઘટનાઓને સીધી ભવિષ્ય સાથે જોડીને વર્તમાનના આનંદને ગુમાવવાનો માનવજાતનો સદીઓ જૂનો શોખ છે.

મનોવિજ્ઞાનમાં એન્હેડોનિયા માટે કહેવામાં આવ્યું છે કે માણસને ગમતી વ્યક્તિઓના સમૂહમાં પણ ગમતું નથી. પીડિત વ્યક્તિને એવું થાય કે બધાથી છૂટા પડીને એકલતાનો આનંદ માણું. સમૂહમાં તો ગમતી વ્યક્તિઓ સાથે વાતોનો કે ભોજનનો આનંદ આવતો નથી. જ્યારે એકલતા માણવાની કોશિશ કરે છે તો એમાં પણ મજા આવતી નથી. એકલા એકલા સંગીત સાંભળવાથી કે પુસ્તક વાંચવાથી અથવા એકલા રખડવા જવાથી મજા પડશે એવું માનતી વ્યક્તિને કશામાં મજા આવતી નથી. મજા કેમ નથી આવતી એનાં કારણો પણ શોધવા છતાં મળતાં નથી. સરવાળે જિંદગી માટે કેવળ ફરિયાદ સિવાય કશું શેષ બચતું નથી. ટોલ્સટોયની વાર્તા જેવું છે કે લોભ કે મોહ માટે માણસ દોડતો રહે છે પણ ભોગવવાની વાતમાં આનંદ માણી શકાતો નથી.

સુખની પળ વચ્ચે માણસ સુન્ન થઈ જાય, ઈવન એ સેક્સ જેવી લાગણી પણ અનુભવી શક્તો નથી. ભોજનમાં મજા આવતી નથી ને બસ એક જ ફરિયાદ કરતો રહે છે મજા કે ખુશી જેવા શબ્દો તેની લાઇફની ડાયરીમાં લખાયેલા જ નથી. આમ તો વિજ્ઞાન એવું માને છે મગજમાં કાનથી થોડું ઉપરની તરફ આનંદ ભોગવી શકો એના કેન્દ્ર વસેલા છે. આ કેન્દ્રની તેજી માટે ડોપામાઇન નામના કેમિકલના ઝરણાં વહેવા જરૂરી છે. સુખના કેન્દ્રમાં ડોપામાઇનના ઝરણાં પર દુષ્કાળ આવે તો સુખની નદીઓ સમુદ્ર સુધી પહોંચતી નથી. દરેક બાબતમાં મજા આવવાની બંધ થવા લાગે તો આર્ટિકલ વાંચવાનો પડતો મુકીને જે તે નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. કોઇ વાતે મજા આવે જ નહીં એ વ્યક્તિના જીવનમાં ઉત્સાહ ચાલ્યો જાય છે. જીવનમાં ઉત્સાહ જ ના હોય તો જીવવાની મજા આવે નહીં અને માણસ ઘાતક વિચારો કરવા લાગે એ પહેલાં જાગવાની તાતી જરૂર છે. એક અભ્યાસ મુજબ સુખની અનુભૂતિ ભોગવી શક્તા નથી એવાં કારણોસર દંપતીઓમાં છૂટાછેડા થવાની સંભાવના વધુ છે. એક પાત્રને કશામાં મજા આવતી જ ના હોય તો બીજા પાત્રને થોડા સમય પછી એડજેસ્ટ કરવાનો કંટાળો આવે. ધીમે ધીમે આ કંટાળો મતભેદ અને મનભેદ સુધી પહોંચવા લાગે છે. બંને પાર્ટનર વિચારવા લાગે છે કે મારી કદર થતી નથી.

મજા નહીં આવવા માટે સોશિયલ મીડિયા પણ ઘણે અંશે જવાબદાર છે. સાથી મિત્રો અને પરિવારજનો ફરવાના કે મોંઘી વસ્તુ ખરીદવાના ફોટા મુકે છે. જેવું સોશિયલ મીડિયા ખોલો છો તો જાતજાતની જાહેરાતોનો ધોધ વહે છે અને આ બધું મેળવવા માટે આપણે અસમર્થ હોઇએ તો જે સુખ ભોગવી રહ્યા છીએ એ પણ અધૂરું લાગે છે. પોતાના સુખમાં મજા આવતી નથી અને બીજાઓની જાણેઅજાણે ઇર્ષા શરૂ થાય છે. ઉનાળામાં અસહ્ય ગરમીમાં મિત્રોના યુરોપ ટ્રીપના ફોટા જોઇને કશુંક ખૂટે છે એ ભાવના થવી સ્વાભાવિક છે. ઘણી વાર બીજાની લકઝરી આપણા નાના સુખમાં આડખીલીરૂપ બનતી હોય છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે અમને બીજાઓના સુખની પડી નથી પણ માનવસ્વભાવ મુજબ સુખની અનુભૂતિમાં રુકાવટ થતી હોય છે.

માણસ જ્યારે અસલામતી અનુભવે ત્યારે એક પ્રશ્ર્ન કરતો હોય છે કે મારી સાથે જ આવું શું કામ થાય છે? એને સમજાવો કે રાજકુમાર હોવા છતાં ભગવાન રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા હતા.
સમગ્ર જગત જીતવાની તાકાત હોવા છતાં એક વર્ષ માટે છુપાવાની પાંડવોને ફરજ પડી હતી. જો સમર્થ વ્યક્તિઓને અગવડો પડી હોય તો આપણને જે મળે છે એનો સંતોષ કરવો જોઈએ.

માણસ અનુકૂળ સંજોગો હોવા છતાં ખુશ કેમ રહેતો નથી એ વિષય પર તો ચર્ચા કરવા કરતાં માણસે ખુશ રહેવાના રસ્તાઓ વિચારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યારે અકારણ નિરાશ થવાનું મન થતું હોય તો હકારાત્મક વ્યક્તિઓ સાથે સંપર્ક વધારવા સાથે સોશિયલ મીડિયાના ઉપવાસ શરૂ કરો. આપણી આસપાસ બનતી નાનીમોટી ઘટનાઓનો અભ્યાસ શરૂ કરો. ઘરમાં કીડીઓ કેવી રીતે જીવે છે એનો પણ અભ્યાસ કરી શકાય. એકલા રહેવા કરતાં શક્ય એટલું વધારે સમૂહમાં રહેવામાં મનેકમને વધારે મજા છે. દરેક પરિસ્થિતિ માટે પોતાના ભાગ્ય અથવા બીજા પર દોષ દેવાનું બંધ કરવાથી મજાનો જથ્થો વધવા લાગશે. બાળકોના ઓછા માર્ક્સ આવે તો બાળક પોતાની સાથે છે એની ખુશી મનાવો. મૂળ વાત એટલી જ કે મોટા સુખ ભોગવવા કરતાં નાના નાના જલસા માણતા શીખીએ. ફાઇવસ્ટાર રેસ્ટોરાંમાં જવું શક્ય ના હોય તો રસ્તા પર ચાની કીટલીની મોજ માણી શકાય.

ભારતીય ઉપનિષદમાં બીજા માટે ત્યાગ કરીને સુખ ભોગવવાની વાત પર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. બીજાઓને આપતાં રહેવા થકી નકારાત્મકતાથી બચી શકાય છે. થોડા હૈ, થોડે કી જરૂરત વચ્ચે થોડું આપતાં શીખો. જે દિવસથી કશુંક આપતાં શીખીશું એ દિવસથી જાણે અજાણે મનનો ઇગો વધશે કે હું કશું પ્રદાન કરવા સમર્થ છું. આ જ વાત તમને માનસિક સમસ્યા વચ્ચે મજા આપશે. જે દિવસે મજા આવવાની શરૂ થઈ એ દિવસથી સુખનો સૂરજ ઊગવા લાગશે.

ધીમે ધીમે એક બાબતનો સ્વીકાર કરો કે દુનિયામાં કોઈ તમારી નોકરી, સંપત્તિ અથવા સત્તાથી અંજાતું નથી. લોકોને તમારી મૌલિકતા સૌથી વધારે પસંદ છે. જો બીજાઓને તમારી મૌલિકતા પસંદ હોય તો આપણે બીજાઓના ભૌતિક સુખથી એન્હેડોનિયા જેવી બીમારીના ભોગ બનીને મજાની જિંદગીને નરક બનાવવાની જરૂર નથી. જિંદગીમાં નેગેટિવ વિચારો ઓછાં કરવા પ્રયત્ન કરવો અને એ માટે બહુ મોટા સ્વપ્ન જોવાના ટાળવા જોઈએ. સુખના સ્વપ્નને નાના નાના હિસ્સામાં વહેંચી દેતા શીખીએ. પ્રારંભમાં લખ્યું એમ ભૂતકાળને ભૂલવો શક્ય નથી પણ રોજ એવું વિચારી શકાય કે ભૂતકાળ છોડીને કેટલા આગળ નીકળી ગયા છીએ. ભવિષ્ય અંગે ચિંતા થવી સ્વાભાવિક છે પણ એ ચિંતાઓ વચ્ચે વર્તમાનને શ્રેષ્ઠ કરવાના પ્રયત્નો પર વધારે ધ્યાન આપી શકાય. ખડખડાટ હસવા માટે તથા નવું શીખવા માટે જે તક મળે એને ઝડપી લેવામાં કોઈ કસર રાખવી નહીં. જ્યારે જિંદગીમાં બધી અનુકૂળતા વચ્ચે ખુશીઓ દેખાતી ના હોય તો ગમે ત્યાંથી મજા શોધવાનો પ્રયાસ કરવામાં નાનમ અનુભવવી નહીં. સરવાળે મનગમતી રચનાત્મક પ્રવૃત્તિઓ પરત્વે લક્ષ કેળવતા શીખ્યા એટલે બેડરૂમના એસીમાં યુરોપ કે હિમાલયની ઠંડીનો અહેસાસ થવા લાગશે.
ધ એન્ડ : ચિંતા એક એવું એકાઉન્ટ છે જેની લોન તમે લીધી જ નથીને અકારણ વ્યાજ ભરો છો. (અજ્ઞાત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી