યુદ્ધના ભણકારા સાથે જ સોનું કેમ સળગે છે?
કવર સ્ટોરી- નિલેશ વાઘેલા
ભારતમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે એવા સમયમાં સોનામાં આગઝરતી તેજીનો માહોલ સર્જાયો છે. માગ વધવાને કારણે કોઇપણ ચીજવસ્તુઓના ભાવ વધે એ સ્વાભાવિક છે, પરંતુ આ વખતે ભાવ ઉછાળાનું કારણ અલગ છે!
સોનામાં એકાએક ભાવ ઉછાળો કેમ આવ્યો એવા સવાલનો એક જવાબ મળે છે, યુદ્ધના મંડાણ! સોનાની માગ વધવાને કારણે જ તેના ભાવમાં વધારો થઇ રહ્યો છે એ ખરું, પરંતુ માગ વધવાનું કારણ છે યુદ્ધ!
ઈઝરાયલ પર ઈરાને કરેલા મિસાઈલ હુમલાથી મોટા યુદ્ધના પડઘમ વાગવા માંડ્યા છે ત્યારથી સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. અલબત્ત તેના ભાવમાં રોજિંદી વધઘટ થતી રહે છે, પરંતુ એકંદરે યુદ્ધકાળમાં સોનાના ભાવમાં સતત વધારો થતો રહે છે.
વિશ્ર્વમાં હાલમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે, એમ બે જગ્યાએ યુદ્ધ અગાઉ જ ચાલી રહ્યું છે. આ ઓછું હોય તેમ હવે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધની આશંકા જાગી છે. બંને બળુકા રાષ્ટ્ર હોવાથી યુદ્ધ લાંબું ચાલે એવી પણ આશંકા છે.
આ યુદ્ધો દ્વારા સર્જાયેલી ભૂરાજકીય તંગદિલીને કારણે, સોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલ હુમલાના કારણે જાણે બળતામાં ઘી હોમાયું છે અને સોનું વધુ મોંઘું થઇ રહ્યું છે.
ઇઝરાયલના મિલિટરી ચીફે એવું કથન કર્યું છે કે તે ઇરાનના હુમલાનો જડબાતોડ જવાબ આપશે. તેમણે આ માટેના સમય કે સ્થળ કે પ્રકારનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ ઇઝરાયલ કોઇ શત્રુને બક્ષતું નથી, એ સૌ જાણે છે! ઇઝરાયલનો પ્રત્યુત્તર જ્યારે આવશે ત્યારે સોનાના ભાવમાં ફરી ભડકો મેલાશે એ નક્કી જ છે!
આપણે અહીં સોનાના ભાવતાલ કે ઊચ્ચતમ કે નીચી સપાટીની ચર્ચા નથી કરવી કે સોનાના ભાવના આગામી ટ્રેન્ડ વિશે પણ વાત નથી કરવી. આપણે ફક્ત એ જાણવાનો પ્રયાસ કરીએ કે યુદ્ધનું નામ પડતાં જ સોનાના ભાવ આસમાન તરફ કેમ આગળ વધવા માંડે છે.
સોનાના ભાવમાં ઉછાળા માટે અન્ય પરિબળો પણ ભૂમિકા ભજવે છે પરંતુ આપણે યુદ્ધ એટલે કે જંગની જ વાત કરવી છે. યુદ્ધ કે મંદી જેવી સ્થિતિમાં સોનાચાંદીના ભાવમાં અનિવાર્યપણે ઉછાળો જોવા મળે છે. પાછલાં વર્ષોમાં યુદ્ધો અને મંદી દરમિયાન સોના અને ચાંદીનું વલણ જોઇએ તો આ વાત વધુ સ્પષ્ટ બને છે. આ માટેનું એક મહત્ત્વનું કારણ એ છે કે સોના અને ચાંદીને પરાપૂર્વથી અત્યંત સલામત રોકાણ ગણવામાં આવે છે. કોઈપણ યુદ્ધ ભૌગોલિક રાજકીય સમીકરણોને બગાડી શકે છે. યુદ્ધ વૈશ્ર્વિક પુરવઠા વ્યવસ્થાને વિક્ષેપિત કરી શકે છે, ફુગાવો વધારી શકે છે અને નાણાકીય સાધનોમાં લોકોનો વિશ્ર્વાસ ઘટાડી શકે છે.
આવી સ્થિતિમાં, ઘણા લોકો અને ખુદ સરકારો પણ તેમના પોર્ટફોલિયોમાં સોનામાં વધારો કરે છે. હવે બદલાયેલા જમાનામાં પહેલા જેવા યુદ્ધ નથી થતાં પરંતુ જ્યાં મિસાઇલો પડે કે બોમ્બમારો થાય છે એ વિસ્તારોમાં ભયાનક ખુંવારી જોવા મળે છે. એવી પરિસ્થિતિમાં ત્યાંના નાગરિકોએ પલાયન કરવું પડે છે અને એવા સમયે સોનાથી વધુ સરળ કરન્સી કોઇ હોતી નથી, જે તમને અડધી રાતે પણ કામ આવે છે.
સોનામાં રોકાણનો બીજો લાભ એ પણ ખરો કે, સોનાની માગ વધે તેમ ભાવ વધે છે અને યુદ્ધમાં સોનાની માગ વધતી જ રહે છે. પાછલાં વર્ષોનાં પાનાં ફેરવીએ તો જાણવા મળે છે કે, યુદ્ધ દરમિયાન સોનાના ભાવમાં હંમેશા વધારો જોવા મળ્યો છે.
તાજેતરના કેટલાક યુદ્ધની વાત કરીએ તો, વર્ષ ૧૯૯૦-૯૧ દરમિયાન ગલ્ફ વોર (અખાતી યુદ્ધ) દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો, અલબત્ત તે ટૂંકા ગાળાનો હતો. એ જ રીતે વર્ષ ૨૦૦૩માં ઇરાક યુદ્ધ દરમિયાન સોનાના ભાવમાં વધારો થયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ સોનું વધ્યું હતું.
એક વાતની નોંધ લેવી કે અહીં ટાંકવામાં આવેલા ભાવ એક જનરલ ટ્રેન્ડને આધારે મૂક્યા છે, વાસ્તવિક ભાવ તેની આસપાસના હોઇ
શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ શરૂ થયું હતું. સાતમી માર્ચ, ૨૦૨૨ના રોજ સોનાના ભાવમાં લગભગ રૂ. ૧૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો વધારો થયો હતો. જ્યારે ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ. ૪૯,૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ. ૫૩,૮૯૦ પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ હતી.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ સાતમી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ શરૂ થયું હતું, ત્યારે સોનાની કિંમત રૂ. ૫૭,૦૦૦ની આસપાસ હતી. પહેલી નવેમ્બર સુધીમાં કિંમત વધીને રૂ. ૬૧,૦૦૦ની નજીક પહોંચી ગઈ હતી. જ્યાં પહેલી જાન્યુઆરીએ સોનાની કિંમત રૂ. ૬૩,૦૦૦ હતી અને હવે ૧૦ ગ્રામ સોનાની કિંમત રૂ. ૭૩,૦૦૦ પાર કરી ગઈ છે.
સોનાના આકર્ષણનાં અનેક કારણો છે પરંતુ વાસ્તવમાં યુદ્ધ સાથે સીધા સંબંધનું કારણ તેના ગુણ છે. કાગળના ચલણ, સિક્કા અથવા અન્ય સંપત્તિઓથી વિપરીત, સોનાએ સદીઓથી તેનું મૂલ્ય જાળવી રાખ્યું છે. એક રીતે કહીએ તો સોનું આર્થિક વીમાની જેમ કામ કરે છે. તે નાણાકીય કટોકટીમાં પણ તેનું મૂલ્ય જાળવી રાખે છે, જેથી રોકાણકારોની સંપત્તિ સુરક્ષિત રહે છે.
સોનું ઐતિહાસિક રીતે ફુગાવા સામે રક્ષણ આપે છે કારણ કે જ્યારે જીવન ખર્ચ વધે છે ત્યારે તેનું મૂલ્ય વધે છે. પાછલાં ૫ચાસ વર્ષોમાં રોકાણકારોએ ઊંચા ફુગાવાનાં વર્ષો દરમિયાન સોનાના ભાવમાં વધારો અને શેરબજારમાં ઘટાડો જોયો છે. ટુંકમાં એક એસેટ ક્લાસ તરીકે રોકાણકારોને અનેક નવા પર્યાય ભલે મળી રહેતા હોય, પરંતુ જ્યારે પણ યુદ્ધની નોબત આવે છે ત્યારે સોનાથી શ્રેષ્ઠ સાથી આજ સુધી જડ્યો નથી.