ચેતવવા છતાં એવી ભૂલ શું કામ કરીએ છીએ?

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ડોપામાઈનની અસર મહાભારતમાં દુર્યોધનને અસંખ્ય વખત યુદ્ધની વિભીષિકા માટે ચેતવવામાં આવ્યો હતો આમ છતાં યુદ્ધ એનો નશો બની ગયું હતું. યુધિષ્ઠિર એક વાર જુગારમાં પત્ની સહિત પરિવાર અને રાજ્ય ગુમાવી ચુક્યા હતા. માર્ગમાં બીજી વાર જુગારનું આમંત્રણ મળતાં ભાઈઓની ના હોવા છતાં ફરી રમવા માટે તૈયાર થયા હતા. શેરબજારમાં જોખમો વિશે માહિતગાર હોવા છતાં લોકો લાખો રૂપિયા નાખી દે છે. જીવનમાં એવી અસંખ્ય ઘટનાઓ બને છે જેને માટે ચેતવણી મળતી હોવા છતાં વ્યક્તિ જોખમ લેતો હોય છે. દારૂ જેવા વ્યસનમાં હજાર વાર પ્રયાસ કરવા છતાં નિયત સમયે કીક વાગતી હોય છે. માણસના સ્વભવમાં જોખમ લેવાની કેમ મજા આવે છે કે પછી જોખમ લેવાનો સમયગાળો એના કાબુ બહાર હોય છે આ વિષય પર અસંખ્ય સંશોધન થયા છે.
નાઇકો ટિનબર્ગન નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રયોગો કર્યા, જેમાં એ નક્કી કરવાની કોશિશ કરવામાં આવી કે આપણને કોઈપણ કામ કરવા માટે પ્રેરણારૂપ કોણ બનતું હોય છે?. દરિયા કિનારા પર મરઘાની એક પ્રજાતિમાં ચાંચ પર લાલ ટપકું હોય છે. આ પ્રજાતિ પર એક પ્રયોગ કરવામાં આવ્યો. ટિનબર્ગને અભ્યાસ કર્યો કે નાના બચ્ચાને ભૂખ લાગે ત્યારે તે માતાની ચાંચ પરના લાલ ટપકાંમાં પોતાની ચાંચ મારીને ખોરાક શોધે. જે સંશોધન માટે નોબેલ પ્રાઈઝ મળ્યું એ ટિનબર્ગને નકલી ચાંચ અને લાલ ટપકું બનાવીને બચ્ચા પાસે લઇ ગયાં તો બચ્ચાંઓએ લાલ ટપકાં પર ચાંચ મારી, એનો અર્થ એ થયો કે બચ્ચાઓમાં કોઈ જિનેટિક પ્રોગ્રામ જન્મજાત ડાઉનલોડ થયેલો છે, તેથી લાલ ટપકાં પર ચાંચ મારે છે. હવે એણે લાલ ટપકું મોટું કર્યું તો બચ્ચાં જોરથી ચાંચ મારતાં હતાં.
ટિનબર્ગને આ પ્રકારના પ્રયોગ બીજા પ્રાણી અને પક્ષીઓની આદતો પર કર્યો, એમને લાગ્યું કે કેટલીક ઘટના બાળપણથી જ પ્રાણી કે પક્ષીને ઉશ્કેરી શકે છે. આ કારણે વિશિષ્ઠ વર્તન કરે છે. આપણા મોબાઈલમાં દર ત્રીજો મેસેજ આવે છે કે જંક ફૂડથી દૂર રહો, છતાં માણસ શું કામ ટેસથી ખાય છે? એનો જવાબ ઉપરોકત પ્રયોગથી શોધવાનો પ્રયાસ થયો.
છેલ્લી સદીઓને છોડતાં લાખો વર્ષથી માણસ જંગલમાં ભોજનની શોધ માટે જાતજાતનાં જોખમો લઈને શિકાર કરવા જતો હતો. ભોજનની શોધના એ લાખો વર્ષમાં માણસ મીઠું, ખાંડ અને પ્રોટીન માટે તરસતો હતો. આજે સમય સંજોગો બદલાયા છે, પણ માણસના મનમાં રહેલી પેલી લાલસા હજારો વર્ષોથી અકબંધ પડી છે. ફાસ્ટ ફૂડ બિઝનેસને માણસની આ મજબૂરી વિશે ખબર છે. પોટેટો ચિપ્સ કરોડોનો બિઝનેસ કરે છે, પિત્ઝા ખાવાના ગમે છે, ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાની ઇચ્છા ન હોય તો પણ ખવાય છે. પંજાબી ફૂડ કે પાણીપૂરી માટે આ જ નિયમ લાગુ પડે છે. તમને ભૂખ નથી છતાં મન મસ્તિષ્ક પર કાબૂ રહેતો નથી, કારણ કે હજારો વર્ષથી પડેલા જિનેટીક પ્રોબ્લેમ તમને નમક, સ્વીટ કે પ્રોટીનસભર ખોરાક ખાવા માટે મજબૂર કરે છે.
ભોજનના નિષ્ણાતો આપણી મજબૂરીનો લાભ લઇને મીઠું, ગળપણ અને ફેટ સાથે ભોજનની ડિઝાઇન બનાવે છે, એમાં એક ઓર મજબૂરી ઉમેરે છે અને એ છે ડિઝાઇન. તમને ખબર છે કે આ ભોજન નુકસાન કરે છે છતાં કોઈક વિચાર તમને ખાવા માટે પ્રેરે છે. આ જ પ્રયોગ કપડાંના સ્ટોર પરના મોડેલ મૂક્યા હોય છે એના પર થાય છે, અંડરગાર્મેંટના મોડેલ કે ફોટોગ્રાફ જોશો તો ખ્યાલ આવશે. માણસના મનમાં કેટલીક અદમ્ય ઈચ્છાઓ પડી છે એ ઈચ્છાઓ એને અન્ડરગાર્મેટની મોડેલમાં દેખાય છે. જાહેરાતોમાં, વીડિયો ગેમ્સ અને સોશિયલ મીડિયામાં ય આ જ નિયમ વાપરવામાં આવે છે, તમે જાણવા છતાં તેની ઘેલછા છોડી શક્તા નથી.
આ વાતને મનોવિજ્ઞાનની નજરે વધુ સમજીએ. આપણા મગજમાં કોઈક તો છુપાયેલું છે, જે ના પાડવા છતાં આપણા દિલોદિમાગ પર દાદાગીરી કરે છે. આપણી આદતોને મજબૂતી આપવામાં કોઈ મદદરૂપ થતું હોય તો એ ‘ડોપામાઇન’ નામના અંત:સ્ત્રાવ નામનું ઝરણું છે. કેટલાક ઉંદરો પર પ્રયોગ કરવામાં આવ્યો કે તેમનામાં ડોપામાઇનના ઝરણાં બંધ કર્યા તો ઉંદરોએ ખાણીપીણી અને મોજમજા બંધ કરી દીધી. કેટલાકને જીવવાની ઇચ્છા મરી ગઇ અને મરી પણ ગયાં. ફરી નવો પ્રયોગ થયો કે ડોપામાઇન વગરના ઉંદરોના મોંમાં સ્વીટ મૂકવામાં આવી તો ઉંદરોએ મોજથી સ્વાદ માણ્યો. પહેલાં જેટલો જ આનંદ માણ્યો પણ નવી ઇચ્છા ન હતી.
હવે ઊંધો પ્રયોગ થયો કે ડોપામાઇનનો ડોઝ વધારી દીધો, ઉંદરોએ સુખ શોધવાના પ્રયાસો વધારી દીધાં. આ પ્રયોગોનો અર્થ એ થયો કે ડોપામાઇન એ પ્રયાસોનો આનંદ વધારે છે, પરિણામ ભોગવવાનો નહીં. સરળ શબ્દોમાં કહીએ તો આપણે ત્યાં લગ્ન પહેલા નાચગાનની તૈયારી કરવામાં જે આનંદ મળે છે એ પર્ફોમન્સ વખતે પણ મળતો નથી. લગ્ન પહેલાનાં સમયમાં સાથીદારના સ્પર્શનો જે આનંદ હતો એ લગ્નના કેટલાક વર્ષ પછી ઉત્તેજના આપતો નથી. ભૂખ્યા પેટે ભોજનની સુવાસ જે આનંદ આપે છે એ ભોજન દરમિયાન લુપ્ત થતો જાય છે. જેમ્સ ક્લિયરના શબ્દોમાં કહીએ તો ઇનામ મળતાં પહેલાં જે ઉત્તેજના હોય છે એ ઇનામ પછી શમી જાય છે.
પિત્ઝા, મીઠાઈ, ડાન્સ, બિનજરૂરી ઓવર ટેક, કલરફૂલ ડ્રેસ, રોમાન્સ, સુંદર વ્યક્તિ, પ્રેમમાં પડવાની ઈચ્છાઓ. આ બધાનું આકર્ષણ કેમ હોય છે? એ મળ્યા પછી એની ઉત્તેજના રહેતી નથી. ઇન શોર્ટ, મગજમાં ઘણા બધા ઇચ્છાનાં કેન્દ્ર વેરાયેલાં પડ્યાં છે. મળેલું ભોગવવા માટેના આનંદના કેન્દ્ર લિમિટેડ છે. જગતમાં ઇચ્છાઓ જ એન્જિન છે, એને મરવા દેશો નહીં.
આનંદનું મૂળ કારણ ઇચ્છા જ છે. હિલસ્ટેશન જતી વેળા માર્ગ માણવાની જે મજા આવે છે એ પરત આવતાં રહેતી નથી. ધ એન્ડ જીવનમાં કોઈ સુંદર માર્ગ મળે તો એ પૂછવાનું ટાળજો કે આ માર્ગ ક્યાં જાય છે.
(અજ્ઞાત)