ઈન્ટરવલ

સાયબર સાવધાની શા માટે?

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

હવે સાયબર ક્રાઇમના વધતા આતંકને લીધે ‘સાયબર’ શબ્દના અર્થની ભલે ખબર ન હોય પણ સૌએ એ સાંભળ્યો જરૂર છે. આમાં દુશ્મન, ચોર, લૂંટારા કે ગુનેગારનું નામ મળતું નથી, ચહેરો દેખાતો નથી, સરનામા હોતા નથી અને કોઇ અંગત અદાવત હોતી નથી. હકીકતમાં તો શિકાર અને શિકારી વચ્ચે સંબંધ ભૂતકાળમાં નહોતો. વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં ય નહીં હોય. કેવી વિચિત્રતાને!
સાયબર ક્રાઇમને પ્રોત્સાહન મળવાનું એક માત્ર કારણ છે પૂરતા જ્ઞાનનો અભાવ. જ્ઞાન શા માટે નથી? કારણકે જ્ઞાન અપાતું નથી. કાર ચલાવતા શીખવ્યા વગર ટીનએજરને ગાડી આપી દેવાનું ખોટું મનાય છે. તો પછી મોબાઇલ ફોન વાપરવાનું શીખવ્યા વગર અને શા માટે આપી દેવાય છે? નાગરિકથી લઇને સરકાર સુધી કોઇને આમાં રસ નથી. આને લીધે સાયબર ક્રાઇમને છૂટો દોર મળી રહ્યો છે.
સાયબર ક્રિમિનલ માટે આ ગુનો પ્રમાણમાં સરળ અને એકદમ જોખમ વિહિન છે. આમાં એના પકડાવાની શકયતા બહુ ઓછી છે. તલવાર, છરી, રિવોલ્વર જેવા શસ્ત્રો વસાવવા પડતા નથી. અંધારી રાતે નીકળવાની જરૂર પડતી નથી. કમનસીબે, હજી ઘણાં (કે મોટાભાગના) સાયબર ક્રાઇમ પોલીસમાં ગુના તરીકે નોંધાતા ય નથી.
થોડા સમય અગાઉ જાન્યુઆરી, ૨૦૨૨થી લઇને મે-૨૦૨૩ સુધીના સાયબર ક્રાઇમ કેસના જાહેર થયેલા સત્તાવાર આંકડા વિચારતા કરી મૂકે છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ, પોર્ટલ પર આ અવધિમાં ૨૦,૯૯,૬૧૮ (વીસ લાખ નવ્વાણું હજાર છસ્સો અઢાર) નોંધાઇ હતી, પરંતુ આમાંથી કેટલી ફરિયાદ પોલીસમાં એફ.આઇ.આર. (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ)માં ફેરવાઇ? ૪૨,૮૬૮ એટલે ફકત બે ટકા! અને આમાંથી કેટલી ફરિયાદને સફળતાપૂર્વક ન્યાય મળ્યો એ તો સાવ અલગ જ પ્રશ્ર્ન છે.
આ તો ફરિયાદ અને એફ.આઇ.આર.ની રાષ્ટ્રીય સરેરાશ, પરંતુ આપણા મહારાષ્ટ્રની સમૃદ્ધિ, શિક્ષિત અને સૌથી વિકસિત હોવા છતાં શી હાલત છે? એ સમયાવધિમાં મહારાષ્ટ્રમાંથી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ ૧,૫૪,૪૦૯ ફરિયાદ થઇ અને આમાંથી માત્ર, ફકત અને ઓન્લી ૦.૮ ટકા એફ.આઇ.આર.માં ફેરવાઇ હતી!
મહારાષ્ટ્રના કંગાળ દેખાવ સામે દેશની રાજધાની દિલ્હીમાં શું થયું? ૨,૧૬,૭૩૯ ફરિયાદોમાંથી માત્ર ૧.૨ ટકા એફ.આઇ.આર. બની શકી. સાયબર ક્રાઇમના કિસ્સાના એફ.આઇ.આર.માં ફેરવાવા બાબતમાં તેલંગણા ૧૦ ટકા સાથે અવ્વલ ક્રમાંકે છે.
ભલુ થજો કેન્દ્ર સરકારનું કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલની શરૂઆત તો કરી. આશાવાદી બનવું હોય તો કહી શકાય છે કે આ સાયબર ક્રાઇમને રોકવાની દિશામાં થયેલી પાપા પગલી છે.
કેન્દ્ર સરકાર, રાજય સરકારો અને પોલીસ હાલ સાયબર ક્રાઇમ સામે ઝાઝું કરવા સક્ષમ નથી, પણ આપણને હાથ પર હાથ બાંધીને બેસી રહેવું ન પાલવે. તો કેમ રહેવું સાવધાન, એ સમજવા શીખવાનો પ્રયત્ન કરીશું, આ કોલમ ‘સાયબર સાવધાની’માં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button