ઈન્ટરવલ

રાજુ રદી કોને ‘બી માય વેલેન્ટાઇન’ કહેશે?

ભરત વૈષ્ણવ

‘પ્રભો, માર્ગદર્શન કરો… સહાય કરો..ગદર્ભ મોક્ષ કરો.’ રાજુ બે હાથ જોડી કોઇ નાટકના સંવાદ ઉચ્ચાર્યા. એના પર ગોરધન જેવા દીનહીન ભાવો હતા. નરી લાચારી. રાજુ રદી લાકડીની જેમ મારા પગમાં પડી ગયો. રાજુ રદી અને મારી દોસ્તીમાં કદી આવાં દૃશ્ય જીવનના તખ્તા પર ભજવાયેલાં નહીં. રાજુ આ દૃશ્યાવલિ ‘ઓસ્કાર’ માટે મોકલે તો ‘બેસ્ટ એકટર’નો ઓસ્કાર સીધો એના હાથમાં જ આવે!

‘રાજુ, તું ઊભો થા. તું સામેની ખુરશીમાં આસન ગ્રહણ કર. જો રાજુ, મને ભગવાન- બગવાન થવામાં લેશમાત્ર ધખારા નથી. ભગવાન થઇ મારે અવદશા ભોગવવી નથી. રાજુ, કવિ દાદ કહી ગયા છે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..’ ‘મને તારો અઝીજ દોસ્ત જ રહેવા દે, દોસ્ત’ મેં ભગવાન થવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો.

‘ગિરધરલાલ, તમે ભલે ભગવાન ન થાવ. કંઇ વાંધો નહીં. જેવી તમારી મરજી. મારી અરજી છે કે, આ સુદામાનું દુખ ભાંગો!’ રાજુ ફરી મારા પગમાં પડી ગિડગિડાયો.
‘રાજુ, ફરી પગમાં પડવાનું નાટક? હું રાજેશ ખન્નાનો ફેન છું..આઇ હેટ ડ્રામા, રાજુજુજુઅ…’ હું કાકાની સ્ટાઇલમાં બોલ્યો.

‘વાહ મેરે સુપરસ્ટાર. દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા!’ રાજુ રદી એ બેડમેન ગુલશન ગ્રોવરની ઇસ્ટાઇલ મારી.

રાજુ, નો બકવાસ… સીધી બાત કર’
‘ગિરધરલાલ, આ વખતે એક જાદુ જેવો ચમત્કાર થયો છે!’ રાજુએ કહ્યું.
‘રાજુ, ફઇબાને મૂ્છ-દાઢી આવી છે?’ હું દાઢમાં બોલ્યો.
ગિરધરલાલ, મને ખબર છે કે તમને સીધું નહીં પણ આડું એટલે કે કોચું બોલતા આવડે છે!’ રાજુએ મારી લાક્ષણિકતા વર્ણવી.

‘રાજુ, સાફસાફ કહી દે’ મેં રાજુને ફૂટબોલના રેફરીની જેમ રેડ કાર્ડ દેખાડ્યું. ફૂટબોલની રમતમાં યલો, રેડ કાર્ડ પ્રચલિત હતા. હવે, બ્લુ કાર્ડ પણ ઇન્ટ્રોડયુસ થયું છે, જેમાં રમતમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ કરનાર ફૂટબોલરને રેફરી મેદાનમાંથી દસ મિનિટ બહાર કરી શકશે.

‘બે હજાર ચોવીસનું વરસ લાજવાબ છે. પૌરાત્ય અને પશ્ર્ચિમી પ્રેમોત્સવ સાથે એટલે કે એક જ તારીખે આવે છે! બંનેની રાશિ પણ મિથુન છે. વેલેન્ટાઇન- ડે પહેલાં ગિફટ- ડે, ચોકલેટ-ડે, રોઝ- ડે, પ્રપોઝ-ડેની ઉજવણી યંગસ્ટર કરતા હોય છે!’ રાજુએ નવી સંશોધનાત્મક માહિતી રજૂ કરી.

‘રાજુ, એનો મતલબ એ થયો કે વેલેન્ટાઇન- ડે અને વસંતપંચમી એક જ તારીખ-દિવસે એટલે ૧૪ ફેબ્રુઆરીએ આવે છે. મોરલ પોલીસ-સેના વેલેન્ટાઇન- ડે વિદેશી હોવાથી અને આપણી સંસ્કૃતિ પર જઘન્ય આક્રમણ હોવાના નામે હાકલા પડકારા કરશે અને છોકરા- છોકરી પર ડંડા પછાડશે…’
ગિરધરલાલ, તમારો મને તન, મન અને ધનથી મદદ કરવાની છે.’ આમ કહી રાજુ મારી તરફ આશાભરેલી નજરથી જાયું.

‘કેવા પ્રકારની મદદ?’ રાજુને સવાલ કર્યો.

‘મને વેલેન્ટાઇન- ડેની ઉજવણીનો અનુભવ નથી. તમારે મારા પ્રેમરથના સારથિ બનવાનું છે!’ રાજુએ કાર્ડ ઓપન કર્યા જાણે હું પ્રેમપંથનો પહોંચેલો પોગા પંડિત ન હોઉં !
‘ઓકે, રાજુ. હું તારો કૃષ્ણ.’ મે રાજુને કહ્યું.

‘ગિરધરલાલ, મારે મારી પ્રેયસીને ઓપન અગાસીમાં નેચરલ, હર્બલ, ઇકો ફ્રેન્ડલી, પ્રાકૃતિક રમ્ય વાતાવરણમાં બી માય વેલેન્ટાઇન કહેવું છે. મારે મારા પ્રેમનો ઇજહાર-એકરાર કરવો છે!’ રાજુએ ધીરે ધીરે પોત પ્રકાશ્યું.

રાજુ, આ કંઇ ઉત્તરાયણની પતંગ ચગાવવાની છે? પતંગના રસિયાઓ ઉત્તરાયણની મોજ કરવા બે-ત્રણ દિવસ ખાણિયાની પોળમાં મકાનોની અગાસી ભાડે લે છે. અગાસીનું ભાડું પચીસ=-ત્રીસ હજાર હોય છે. બાય ધ વે, વેલેન્ટાઇન- ડે ઉજવણીનું તારું બજેટ કેટલું છે?’ મે લેગબ્રે ફેંક્યો .

ગિરધરલાલ, બજેટ તો ચાર-પાંચ હજાર રૂપરડીનું હોય! વધારે નહીં. ખાડિયાની પોળના ધાબા ભાડે રાખવાની પ્રપોઝલ કેન્સલ. એટલી રકમમાં પાંચ વરસ વેલેન્ટાઇન – ડેની ઉજવણી પતી જાય!’ રાજુએ ગણતરીબાજ અમદાવાદીપણું સાબિત કર્યુ.

‘રાજુ, કોઇ પાર્ટી પ્લોટ કે હાઇ-વે હોટલ, રેસ્ટૉરેન્ટમાં વેલેન્ટાઇન-ડેની ઉજવણી માટે ઓફર ચાલતી હશે. ત્યાં બાઇક પર લવરને બેસાડી લઇ જવાની. ત્યાં મ્યુઝિક, ડ્રિંક ઍન્ડ કેક કટિંગ, ડાન્સ, ડાઇન કરવાનું. આવડે એવો એબ્સર્ડ ડાન્સ કરવાનો. પ્રેયસીને દિલ શેઇપનું ટેડી આપવાનું. ચોકલેટસ આપવાની. વેલેન્ટાઇન-ડેની ઉજવણીના નામે પાંચ હજાર રૂપરડીનું પેટ્રોલ બાળી ઘરે પાછા ફરવાનું. પ્રેમ લાંબો ચાલે તો કિસ-હગ મળે, નહિંતર લૂંગી ફાડીને રૂમાલ કરવાના!’ મે રાજુને વેલેન્ટાઇન-ડેની ઉજવણી લંબાણપૂર્વક સમજાવી.

‘ગિરધરભાઇ, એ બધું તો ઠીક છે’ રાજુ રદી રડમસ થઇને હતાશાથી બોલ્યો.

‘રાજુ, વોટ ઇઝ પ્રોબ્લેમ?’
‘ગિરધરલાલ, એક હિન્દી મૂવી છે, જેમાં એક ગીત છે. ઘર મેં હૈ પ્રોબ્લેમ, બહાર હૈ પ્રોબ્લેમ, આજુબાજુ ઉપરનીચે પ્રોબલેમ હૈ!’ મારું પણ આવું જ છે. વેલેન્ટાઇન – ડેની ઉજવણીનો ખર્ચ તો આજુબાજુ કરી મેનેજ કરી શકાય, પરંતુ પ્રપોઝ કરવા છોકરી કે ડોશી તો જોઇએે કે નહીં? સોલો લગ્નની માફક ખુદને ‘બી માય વેલેન્ટાઇન’ એમ કહેવામાં શું કાંદા કાઢવાની?’

‘રાજુએ મારા કાન પાસે માનો કે હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો. મારા કાનમાં ધાક પડી ગઇ. હું મૂઢ-વિમૂઢ-દિગ્મૂઢ-અવાક -અવાચક
થઇ ગયો.

જૂના જમાનાની રંગભૂમિ કે સિનેમાના આરંભ સમયે ફિલ્મીલાઇન આઉટલાઇન એવી છાપ પ્રચલિત હતી. એ સમયે હીરોઇનનો રોલ ભજવવા કોઇ હીરોઇન તૈયાર થતી ન હતી એટલે પુરૂષ એકટર હીરોઇનના કેરેકટરને ન્યાય કે અન્યાય આપી દેતા! હજુય કપિલ શૉમાં ક્રિશ્ર્ણા, અલીહસન, સુનિલ ગ્રોવર ફિમેઇલ કેરેકટર ભજવે છે! રાજુ ખુદને જ પ્રેયસી માની ખુદને ‘બી માય વેલેન્ટાઇન’ કહે એ જ પ્રેક્ટિકલ
રસ્તો છે!
‘રાજુ પણ માથાનો ફરેલ છે. ડૉકટર જેવું સફેદ એપ્રન ઠઠાડી હાથમાં ફૂલગોબી લઇને ઘૂંટણિયે પડી ધતૂરાનું ફૂલ કોઇના હાથમાં થમાવ્યું. હરડેની ગોળીઓ આપી. સદાવ્રતમાં જઇ ડિનર ક્યું. પાછા ફોટા પણ એન્ટિશોશિયલ મીડિમાં અપલોડ કર્યા!
ક્રિતી સેનન ‘તેરી બાતો મેં એસા ઉલઝા…’ ફિલ્મમાં એક રોબોટનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં બન્ને હાથેથી રસોઇ કરતી, મેકિનકલ ફેસની સાથે ભાવનાઓ વ્યક્ત કરતી તેમ જ અન્યો રોજિંદી કાર્યોમાં પોતાની કાબેલિયત દર્શાવતી જોવા મળે છે. બસ, આ જ રીતે રાજુ રદીએ કોઇ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટને ‘બી માય વેલેન્ટાઇન’ કહી નાખ્યું છે!

Show More
Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker