સફેદ ચહેરો (પ્રકરણ-૧૯)
‘જો દેસાઇભાઇ નિર્દોષ હોય તો પછી એ નાસભાગ શા માટે કરે છે? અત્યારે પણ તે ક્યાંક નાસી ગયો છે. નહિ દોસ્ત! સાચો અપરાધી તો એ જ છે. ખૂનો એણે જાણે ન કર્યા હોય એ વાત કદાચ ગળે ઊતરે પણ કરાવ્યાં તો એણે જ!’
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
મુંબઈ પોલીસ હેડ ક્વાર્ટર્સ પોલીસ ઓફિસરોના અવાજથી ગૂંજતું હતું.
સુનીલ તથા ડેનીની આપવીતીથી સૌ વાકેફગાર થઈ ગયા હતા.
એક તકલીફ ઊભી થઈ હતી-દેસાઈભાઈનો ક્યાંય પત્તો નહોતો.
બમનજીએ કહ્યું: ‘રંગપુરમાં બંને ખૂનો દેસાઈભાઈએ કર્યાં અથવા કરાવ્યાં છે એમાં હવે કોઈ જ શંકા નથી રહી. દિવાકરને એણે ખોટું બહાનું કાઢીને જ રંગપુર મોકલ્યો હતો. પોતે જે ષડ્યંત્રની જાળ બિછાવી હતી, એમાં દિવાકર ફસાઈ પડે એવો તેનો હેતુ હતો અને એટલા માટે જ એણે કદાચ શરૂઆતમાં દિવાકર જ્યારે એક સમયના ભોજન માટે તરફડતો હતો ત્યારે જમીન પરથી ઊંચકીને તેને આસમાન પર બેસાડી દીધો, પરંતુ એણે જે જાળ બિછાવી હતી તેમાં એક મોટી ગરબડ ઊભી થઈ ગઈ. દિવાકરની કારમાં કિરણ એટલે કે ડેની છુપાઈને બેઠી છે એ વાત તે નહોતો જાણતો. એણે પોતાની તથા દિવાકર વચ્ચેની તમામ વાતચીત સાંભળી છે તેમ જ તે પણ દિવાકરની સાથે રંગપુર ઊપડી ગઈ છે એ તથ્યથી તે સદંતર અજાણ હતો.’
‘મિ. બમનજી!’ ધીરજ બોલ્યો, ‘સવાલ કિરણનો જ ઉપસ્થિત થાય છે. એના પર શા માટે હુમલો કરવામાં આવ્યો? પહેલાં એને કોટડીમાં શા માટે કેદ કરવામાં આવી? તેમ જ ત્યાર બાદ શા કારણસર તેને જહાજમાં મોકલવામાં આવી?’
‘મારા નવજુવાન દોસ્ત!’ બમનજીનો પીઢ ગંભીર અને ઠરેલો અવાજ ગૂંજ્યો. ‘આ વાત તો એકદમ દીવા જેવી સ્પષ્ટ જ છે. દેસાઈભાઈ કાં તો દિવાકરની પાછળ પાછળ જ રંગપુર ગયો હતો અથવા તો તેના માણસો દિવાકર ત્યાં પહોંચે એ પહેલાં જ રંગપુરમાં હાજર હતા અને તેમને તો સ્વપ્નેય કલ્પના નહિ હોય કે દિવાકરની સાથે કોઈક બીજું પણ હશે! તેઓ તો એમ જ માનતા હતા- સમજતા કે તે એટલો જ હશે કિરણને જોઇ ગયા બાદ તેનું મોં બંધ કરી દેવું જ તેમને યોગ્ય લાગ્યું હશે.’
‘આ જ વાત મને મૂંઝવે છે.’ ધીરજ બોલ્યો, ‘એના પર હુમલો થયો, કેદ કરવામાં આવી અને પછી જહાજમાં મોકલી દેવાઇ. આટલી બધી લાંબી કટાકૂટ કરવાને બદલે એમણે કિરણને ખતમ શા માટે ન કરી નાખી?’
‘એ તેને મારી નાખવા નહોતો ઇચ્છતો?’
‘પણ શા માટે નહિ? જે માનવી બબ્બે ખૂનો કરી શકે છે અથવા કરાવી શકે છે એણે પોતાનો ભેદ જાણી ગયેલી વ્યક્તિને જીવતી જ શા માટે રહેવા દીધી? દેસાઇભાઇ ખૂબ જ સરળતાથી સુનીલ તથા ડેનીની કતલ કરી શકે તેમ હતો. એમ કરવાને બદલે તેણે એ બંનેને જીવતા રાખ્યાં એટલું જ નહિ તેઓને જહાજ પર મોકલી આપ્યાં. પોતાના માણસોને એણે સખત સૂચના આપી હતી કે એ બંનેને કોઇ જ તકલીફ ન થવી જોઇએ. એટલું જ નહિ જહાજ પર મારપીટ કે ખૂનામરકીપણું નહિ થવાં જોઇએ. ખૂની પ્રકૃતિનાં માણસો આવું નથી કરતાં મિ. બમનજી! હું માનું છું કે હજુ સુધી આપણે અંધકારમાં જ છીએ. મૂળ રહસ્ય સુધી આપણે હજુ પણ નથી પહોંચી શક્યા.’
‘તો પછી ખૂનો કોણે કર્યા?’
‘એ હવે તપાસનો વિષય છે.’
‘જો દેસાઇભાઇ નિર્દોષ હોય તો પછી એ નાસભાગ શા માટે કરે છે? અત્યારે પણ તે ક્યાંક નાસી ગયો છે. નહિ દોસ્ત! સાચો અપરાધી તો એ જ છે. ખૂનો એણે જાણે ન કર્યા હોય એ વાત કદાચ ગળે ઊતરે પણ કરાવ્યાં તો એણે જ!’
‘એના પર ખૂનો કરાવવાનો આરોપ મૂકી શકાય તેમ નથી, પરંતુ સુનીલ તથા ડેનીને એણે ગેરકાદેસર રીતે પોતાના જહાજમાં દૂર ધકેલી દીધાં એ આશય તો મૂકી શકાય તેમ છે જ.’
દેસાઇભાઇના પકડાઇ ગયેલા માણસોની પૂછપરછ શરૂ થઇ અને છેવટે પોલીસે લાલ આંખ તથા ચૌદમું રતન અજમાવ્યા બાદ મારપીટ! એમાંથી એક માણસ પોપટ બની જ ગયો. એણે પોલીસને ઉપયોગી થઇ પડે એવી ઘણીબધી બાતમી આપી દીધી’
‘તો દેસાઇભાઇનું અસલી સ્વરૂપ હવે પુરાવાઓ સાથે છેવટે આપણી સામે આવી જ ગયું…’ બમનજી સસ્મિત કહેતો હતો, ‘તે કંઇ વસ્તુઓનો અહીંથી નિકાસ કરતો હતો અને કંઇ કેવી ચીજોને આયાત કરતો હતો એ રહસ્ય પરથી પરદો ઊંચકાઇ ગયો છે. તે સિંગતેલ, અનાજ તથા વિદેશી કરન્સીઓને અહીંથી લઇ જતો હતો. વિદેશમાં તે પોતાના માલની કિંમત પાઉન્ડ તથા ડૉલરની નોટોમાં જ વસૂલ કરતો અને પછી તેને વિદેશની જ બેન્કોમાં જમા કરાવી દેતો. અહીંથી પરદેશ જનારાઓને વિદેશી કરન્સીની જરૂર તો પડે જ છે. આવા જરૂરિયાતવાળા માણસો પાસેથી તે રોકડા વીસ હજાર વસૂલ કરતો અને વિદેશમાં એ માણસોને વીસના દસ હજાર રૂપિયાની કિંમત થાય તેટલા ડૉલર અથવા પાઉન્ડ આપતો! ટૂંકમાં એકના ડબલ વસૂલ કરતો હતો. સાથે જ થોડુંઘણું સોનું પણ એ દુબઇથી લઇ આવતો. એનાં ગોડાઉનોમાં જે આગ લાગી તેમાં જ એના દેસાઇભાઇના નિયમિત ગ્રાહકોની હતી. ઉપરાંત એના તમામ કાળા ધંધાના ચોપડાઓ પણ પૂરી વિગત સાથે એ ગોડાઉનમાં જ હતા. એ જો આપણા હાથમાં આવ્યા હોત તો!’
‘પરંતુ દેસાઇભાઇ કદાચ પોતાના ગ્રાહકોને બચાવી લેવા માગતો હતો. જે દિવસે સાંજે સુનીલ દિવાકરના બંગલેથી અદશ્ય થઇ ગયો. એ જ દિવસે, એ જ સમયે દિવાકરના બંગલાની તલાશી લેવાઇ રહી હતી બંગલાની સાથે જ ગોડાઉનો જોડાયેલાં હતાં. તલાશી લેવાઇ રહી છે કે વાત દેસાઇભાઇન કાન ઊભા કરી નાખવા માટે પૂરતી હતી. કાળા ધંધાના તમામ પુરાવાઓ ખસેડવાનો એની પાસે સમય જ નહોતો.
‘કારણ કે પોલીસ કોઇ પણ ઘડીએ બંગલામાંથી ગોડાઉનોમાં તલાશી લેવા માટે પહોંચી શકે તેવી શક્યતા હતી અને એટલા માટે જ એણે ગોડાઉનો સળગાવી માર્યા. સાથે જ એના બ્લેક બીઝનેસના ચોપડાઓ પણ રાખ થઇ ગયા. આગ એણે પોતે જ લગાડી હતી એ વાત આપણે મિ. સુનીલ પાસેથી જાણી ચૂક્યા છીએ. ઉપરાંત એના માણસે પણ આ વાત કબૂલ કરી છે.’ કહીને બમનજી એ લાંબો શ્ર્વાસ લીધો.
‘અને છતાં એ ખૂનોનાં રહસ્યો તો રહી જ જાય છે.’ ધીરજ બોલ્યો, ‘માની લઇએ કે ખૂચો દેસાઇભાઇએ નથી કર્યાં! તો તો પાછી કોણે કર્યાં!’
‘દિવાકરે…’ બમનજીએ ચીરૂટ સળગાવી, ‘શંકા ફરી ફરીને દિવાકર પર જ જાય છે.’
‘જો દેસાઇભાઇના કહેવાથી એણે એ ખૂનો કર્યાં હોય તો એને પોતાને અંગત રીતે તો ખૂનો કરવાનું કોઇ કારણ જ નહોતું એ વાત પુરવાર થાય છે. ખૂનો થયાં એના આગલા એક દિવસ પહેલાં તો તે દેસાઇભાઇનાં બહેન-ભાઇને ઓળખતો પણ નહોતો ઉપરાંત એ ત્યાં જઇને જે રીતે ફસાઇ પડ્યો છે. એના પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે ત્યાં એને ફસાવવા માટે અગાઉથી જ એક મજબૂત જાળ બિછાવી દેવામાં આવી હતી અને તેમાં તે ફસાઇ પણ ગયો.’
‘પણ…’
‘પહેલાં મારી વાત સાંભળો.’ ધીરજ બમનજીને વચ્ચે બોલતો અટકાવીને આગળ કહેતો ગયો, ‘મારી એક બીજી થિયરી છે અને જો એ માન્ય રાખીએ તો તમામ રહસ્યોનું નિવારણ આવી જાય છે. જે દિને આપણે દેસાઇભાઇને ખૂની માનીને એક ખોટા માણસ પાછળ દોડ મૂકી એ જ રીતે બનવાજોગ છે કે તેણે રંગપુરમાં ષડયંત્રની જાળ બિછાવી. તેમાં જાળ બિછાવનારે જેને ખાતર તે પાથરી હતી એને બદલે એક બીજો ભળતો જ માણસ ફસાઇ પડ્યો હોય! હવે તમે યાદ કરો-દેસાઇભાઇએ દિવાકરને કહ્યું, ‘મારી બહેનનો તાર આવ્યો છે અને તે મને એકદમ અરજન્ટ રંગપુર બોલાવે છે. વિચારો-તાર…! શું એ તાર શિકારને જાળ તરફ ખેંચી લાવવા માટે ન મોકલી શકાય?’
‘એટલે…?’ બમનજી ટટ્ટાર થયો.
‘એટલે એમ કે એટલું બધું અરજન્ટ કામ હોય તો તે ફોન પર જ દેસાઇભાઇ સાથે વાતો કરી શક્તી હતી. તાર કરતાં ટ્રંકકોલમાં બહુ જલદીથી વાતચીત થઇ શકે તેમ હતું. ખેર, હું એમ કહેવા માગું છું કે દેસાઇભાઇની બહેન ‘વિદ્યા’ના નામથી તાર કરવામાં આવ્યો હતો અને વિદ્યાના નામથી કોઇ પણ માણસ તાર કરી શકે તેમ હતો.’
‘મારી માન્યતા પ્રમાણે ષડયંત્રની એ ભયંકર જાળ દિવાકર માટે નહીં પણ દેસાઇભાઇને ફસાવવા માટે પાથરવામાં આવી હતી અને જાળ પાથરનાર માનવીને નિષ્ફળતા એટલા માટે મળી કે દેસાઇભાઇએ પોતાને બદલે એક બીજા જ માણસને એટલે કે દિવાકરને મોકલી દીધો. વધુ મુસીબત એટલા માટે ઊભી થઇ કે દિવાકરની સાથે એક યુવતી એટલે કે કિરણના રૂપમાં ડેની પણ હતી અને આમ એ ફંદામાં દેસાઇભાઇને બદલે એક ખોટો માણસ ભેરવાઇ પડ્યો…’
‘દિવાકર એક એવો માણસ હતો કે જેની પાસે ખૂનો કરવા માટે કોઇ જ કારણો નહોતા. મામલો વધુ એટલા માટે બીચક્યો કે એની સામે એક યુવતી પણ હતી. ટૂંકમાં એ જાળ દેસાઇભાઇ માટે બિછાવવામાં આવતી હતી. બનાવના બે દિવસ પહેલાં જ તેને છનાભાઇ સાથે ભયંકર ઝઘડો થયો હતો અને એ ઝઘડો જ ખૂનના જોરદાર કારણમાં પલટાઇ જાય એવા કદાચ ખૂનીની ગણતરી હતી.’
‘પરંતુ દેસાઇભાઇને બદલે એક બીજા જ માનવીને જોઇને ખૂની એકદમ ડઘાઇ ગયો. જાળ બદલવાનો તેની પાસે બિલકુલ સમય જ નહોતો. ત્યાં એક તરફ ખાડીમાં લાશ પડી હતી અને કોઇની પણ નજર તેના પર પડી જાય તેમ હતું. એટલે છેવટે દિવાકરને જ આગળ ધકેલવામાં આવ્યો અને તેને બેહદ મારી મારીને છેવટે તેને પણ ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો…’
‘તમારી થિયરી તો બરાબર છે.’ બમનજી ચીરૂટના ઠૂંઠાંને એશ-ટ્રેમાં સરકાવીને બોલ્યો, ‘પરંતુ સવાલ હેતુનો છે? કોણ શા માટે આવું કરે?’
‘એ જે હોય તે!! પરંતુ એને દેસાઇભાઇ પ્રત્યે પારાવાર નફરત અને શત્રુતા હશે. દેસાઇભાઇ જે રીતે જે જાતનું જીવન જીવે છે એમાં એના કેટલાએ દુશ્મનો ઊભા થયા હોય એમાં કોઇ જ શંકા નથી હવે જ્યારે આપણે જોઇએ છીએ કે બે નિરઅપરાધી માણસનાં ખૂનો થયાં છે ત્યારે એક જ પરિણામ પર પહોંચાય છે કે ખૂની જે હોય તે! પણ એ દેસાઇ વંશના તમામ વારસોને ખતમ કરી નાંખવા માગે છે…’
(ક્રમશ:)