સફેદ ચહેરો (પ્રકરણ-૧૩)
‘હું!’ સુનીલ બોલ્યો, ‘પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો છું.’ ‘ઓહ…! ડિટેકિટવ…! મારા પ્રિય મહેમાન મને અફસોસ છે કે તમારો વિભાગ હવે પછી તમારી સેવાઓનો લાભ
નહિ મેળવી શકે!’
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
દિવાકર જોશી હજુ પણ બેહોશ જ હતો.
હોસ્પિટલના ડોક્ટરોને અચરજ, માત્ર અચરજ થયું હતું કે મગજમાં માથા પર આઠ આઠ ટાંકાઓ લીધા પછી પણ આ માણસ કેવી રીતે જીવતો રહી શક્યો છે? એના હાથ-પગ, છાતી અને વાંસામાં ઠેકઠેકાણે ભયંકર કહી શકાય એવી ઇજાઓ થઇ હતી અને છતાંએ તેનો શ્ર્વાસ ચાલુ હતો.
રંગપુર અને મુંબઇના બાહોશ ડોક્ટરો તનમનથી એના ઉપચારમાં લાગી ગયા હતા અને તેનો પાર્ટનર દેસાઇભાઇ…!
કિરણની માન્યતા પ્રમાણે તેના કહેવા પ્રમાણે એ માણસ અઠંગ ખેલાડી અને જબરો ફરંદો માનવી હતો અને અત્યારે આ પળે એ ફરંદો માણસ સુનીલને કહેતો હતો:
‘મારા મોંઘેરા વણનોતરેલા ગેસ્ટ…! એટલે કે મહેમાન…! હું તમારી સેવામાં હાજર છું.’
‘જનાબનો પરિચય હું જાણી શકું?’ સુનીલે ઇરાદાપૂર્વક જ પૂછયું.
‘હું મારા મહેમાનને પૂરી માહિતી આપીશ. બંદાને લોકો દેસાઇભાઇના નામથી ઓળખે છે.’
‘આઇ.સી.’ સુનીલ બોલ્યો, ‘દેસાઇ સ્ટીમ કંપનીના ભાગીદાર…!’
‘ભાઇ વાહ…! કમાલ કરી છે તમે! એક બીજી કમાલ આ પહેલાં પેલા ગધેડા દિવાકરે કરી હતી.! બેવકૂફ! છોકરીઓના ચક્કરમાં અટવાયો હતો. તો તમે મને ઓળખો છો એમ! ભાઇ તાહેર.’ તે પોતાના સાથીને ઉદ્ેશીને બોલ્યો, ‘હવે તો દેશનેતાઓ તેમ જ અભિનેતાઓની જેમ મારા જેવા ગરીબ અને કંગાલ માણસનું નામ પણ જાણીતું થતું જાય છે. સાલ્લું જેને જુઓ તે બધા જ મને ઓળખે છે ઉપાધિ… ઉપાધિ ભારે કરી…! મને તો હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં જ લોકો મારો ઓટોગ્રાફ માગતા થઇ જશે, ખેર, ગેસ્ટસાહેબ! તમારી તારીફ?’
‘હું!’ સુનીલ બોલ્યો, ‘પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો છું.’
‘ઓહ…! ડિટેકિટવ…! મારા પ્રિય મહેમાન મને અફસોસ છે કે તમારો વિભાગ હવે પછી તમારી સેવાઓનો લાભ નહિ મેળવી શકે!’
ત્યારબાદ તાહેરઅલીએ સુનીલને મજબૂત રીતે બાંધી દીધો અને પછી ઊભો થઇ અદબ વાળીને આજ્ઞાંકિત અવાજે બોલ્યો, ‘હવે…’
‘હવે…?’ દેસાઇભાઇના અવાજમાંથી જાણે કે ઝેર નીતરતું હતું, ‘હવે આ સાહેબને ઉઠાવીને લઇ ચાલો, એમણે અહીં આવવાનું જે પરાક્રમ કર્યું છે એ તરફથી આપણે ગફલતમાં ન રહેવું જોઇએ, અને હજુ આપણે ઘણાં કામ કરવાનાં બાકી છે, રાત થોડી ને વેશા ઝાઝા છે.’
‘કહો તો આ સાહેબની છાતી સાથે વજનદાર પથ્થર બાંધીને તેમને સાગરદેવને હવાલે કરી દઉં?’
‘અરે… અરે… ભાઇ તાહેર, તું આ શું કહે છે…!’ દેસાઇના અવાજમાંથી ઠાવકાઇ ટપકતી હતી, હવે હું કોઇ ખૂની થોડો જ છું કે જેને તેને મારી નાખતો ફરું’ હેં? એક તો પોલીસ આમેયે મારી પાછળ આદું ખાઇને પડી છે. સાલ્લું. એ લોકોને આદુ બહુ ભાવે છે. ખાઇને-આરોગીને જેનીને તેની પાછળ પડી જાય છે. તો હવે ખાવા દે આદું એ લોકોને! મારું કામ અત્યારે પુરાવાઓ મેળવવાનું નહિ પણ તેને નાશ કરવાનું છે. હવે તમે લોકો સૌ દોડીને જહાજ પર પહોંચી જાઓ, નહિ તો બધા અહીં જ સળગી મરશો. અહીં હવે ભયાનક આગ લાગવાની છે.’
‘આગ?’ તાહેરઅલી નામનો તેનો સાથી બોલ્યો, પણ અહીં આપણો લાખોનો કીમતી માલ પડ્યો છે.’
‘હા ભાઇ તાહેરઅલી! આ બધો જ આગની જવાળામાં ભરખાઇ જવાનો છે અને આપણને એથી જે ભયાનક નુકસાન ભોગવવું પડશે એ પૂરું કરતા આપણને પરસેવો વળી જશે અને ખાવાનું પણ ગળે નહિ ઊતરે, પરંતુ બીજું શું થાય? સાલ્લું તું તો જાણે છે કે હું ‘મૂડી’ માણસ છું, આજે આગનો ભયંકર તમાશો જોવાના મૂડમાં છું.’
‘પણ…’
‘વહાલા તાહેર… પોલીસ પોતાના તેજ-તીખા નાક વડે અહીં આપણને સુંઘતી સુંઘતી આવી પડી છે, અને આ બિરાદરની પાછળ કોઇ બીજા શ્રીમાન આવે એ પહેલાં જ આપણે આ ગોડાઉનોને તથા તેમાં ભરેલા પુરાવાઓનો નાશ કરવો જરૂરી છે. માલનો અફસોસ નહિ કર વહાલા બંધુ! પકડાઇશું તો જે સજા મળે એનો અફસોસ માલ ગુમાવ્યાના અફસોસ કરતાં ઘણો વધારે હશે. ઉપરાંત આપણે અત્યારે આપણા ધંધારોજગાર કરતાં પણ બીજાં ઘણાં અગત્યનાં કામ પાર ઉતારવાનાં છે.
અને પછી દેસાઇભાઇનો અવાજ બેહદ કઠોર અને આદેશાત્મક બની ગયો. ‘પીડર, બહાર વેગનમાં પેટ્રોલનાં કેન ભર્યાં છે. તું અને અનવર એકેએક ગોડાઉનમાં પેટ્રોલ છાંટવાનું કામ કરો. તાહેર, તું આ સાહેબને જહાજ પર લઇ જા… અને બરકતઅલી તું આ બે ડાઇનેમાઇટ બોમ્બ ઉઠાવો અને તેને સુરંગમાં ફીટ કરીને તારને અહીં ખેંચી લાવો. હરી અપ…!’
સુનીલને ખભા પર ઊંચકીને તાહેર બે માણસોની સાથે બહાર નીકળ્યો. બાકીનાઓ પણ નીકળ્યા. કિનારા પર મોટર લોન્ચ તૈયાર હતી. તેમાં બેસીને એ લોકો જોતજોતામાં જ જહાજ પર પહોંચી ગયા.
થોડીવાર પછી સાગરકિનારો જોરદાર ધબાકાથી ગુંજી ઊઠયો. કાનનો પરદાને ખળભળાવી મૂકનારા ભયંકર ધબાકાઓ થયા. સુનીલે જોયું. કિનારા તરફ ધુમાડો ફેલાવો શરૂ થયો હતો. થોડી પળો બાદ આસમાને સ્પર્શવાને મથતી આગની પ્રચંડ જ્વાળાઓ ત્યાં લબકારા મારતી હતી.
‘આહ…’ દેસાઇભાઇ જીભને હોઠ પર ફેરવીને ચટાકો ભરતાં બોલ્યો, ‘જોયું ને મારા ગેસ્ટ! માફ કરજો મને અર્ધું ગુજરાતી અને અર્ધું અંગ્રેજી બોલવાની ટેવ પડી ગઇ છે લો તમે પણ આ અનોખા દ્રશ્યને જોવાની મજા માણો! મુંબઇવાસીઓને હું મફતના ભાવમાં જ આ તમાશો દેખાડું છું. ના ભાઇ ના… કોઇ જ ચિંતાની વાત નથી! એ ઇમારત તથા તેમાં રહેનારાઓનો વાળ પણ વાંકો નહિ થાય! અને મારા વહાલા અતિથિ! તમે શા માટે નાહકના જ અહીંનાં બંધન છોડવાનો પ્રયાસ કરો છો? બેકાર છે! ઊલટું દોરી વધુ મજબૂત રીતે તમારા હાથની ચામડીમાં ખૂંચવા લાગશે. માટે આ મિથ્યા પ્રયાસો રહેવા દો, અને હજુ મારા માણસોની ઘણાં કામો કરવાનાં બાકી છે, તમે બૂમબરાડા પાડશો તો પણ તેઓ અહીં આવશે નહિ.’
‘બેવકૂફ…! લોફર… જંગલી… ઝલીલ ઇન્સાન!’
‘આહ…!’ એણે ફરીથી અટકારો લીધો, ‘આ તો તમે ફિલ્મનાં નામ ઉચ્ચારવા લાગ્યા શ્રીમાન! બેવકૂફ, લોફર અને જંગલી નામની ફિલ્મો ઊતરી ચૂકી છે અને કદાચ ટૂંક સમયમાં જ કોઇક માથા ‘ઝલીલ-ઇન્સાન’ નામની ફિલ્મ ઉતારવાની શરૂઆત કરી દેશે. તમે એમ કરો… ફિલ્મ ઉદ્યોગમાં હવે સારા નામની કમી છે. કોઇને નામ શોધ્યાં પણ મળતાં નથી અને આડેધડ ફાવે તેમ ઢંગધડા વગરના ઉટપટાંગ નામ.. અરે… ઉટપટાંગ નામની તો ફિલ્મ પણ ઊતરી ચૂકી છે. વર્ષો પહેલાં… હા તો ઝલીલ ઇન્સાન જેવાં નામ શોધી કાઢો… જરૂર કોઇક હૈયાકૂટો તમારા નામને બિરદાવશે… અને તમે તો ડિટેક્ટિવ છો…! ફિલ્મ માટે એકાદ સારી વાતો ઘસડી કાઢો. પોલીસની નોકરીમાં કશુંએ નહિ વળે, એકવાર નામ થઇ ગયા પછી ગમે તેવી કલ્ચર વાર્તાઓ લખશો તો પણ નિર્માતાઓ તમારી પાછળ દોટ મૂકશે…’
‘તમે…’
‘થોભો… પૂરી વાત તો સાંભળો!’ તેને અટકાવીને દેસાઇભાઇ પોતાની જ ધૂનમાં હાંફતો ગયો, હા, તો બંધ. મેં કહ્યું તેમ નિર્માતાઓ તમારી પાછળ દોટ મૂકશે. આ જ વસ્તુ આજકાલના સંગીતકારોને લાગુ પડે છે. આજકાલ નિર્માતાઓ, એ નિર્માતાઓ કે જેઓ ગઇકાલે એટલે કે ભૂતકાળમાં સાચા અર્થમાં જેને સંગીત વિશેષતા કહી શકાય એવા સંગીતકારોને પગે પડતા હતા. આજે તેઓ એટલે કે એ જ નિર્માતાઓ એવા સાચા જાણકાર સંગીતકારોને પડતા મૂકીને નકલખોર સંગીતકારની પાછળ પડે છે. આ સંસારમાં અમલ નહિ, નકલખોરનું જ કામ છે બિરાદર…! આજે તો સંગીતના નામ પર વાજિંત્રોની બેસૂરી ધડાધડી. લમણાંની નસેનસ મગજનાં જ્ઞાનતંતુઓ ઝણઝણી ઊઠે અને પારાવાર ત્રાસ આપે એવા પાશ્ર્ચાત્ય સંગીતની જ ફિલ્મી દુનિયામાં બોલબાલા છે, અને દોસ્ત! તમને શોખ હોય, લાગવગ હોય તો એવું સંગીત તમે પણ આજના પ્રેક્ષકોને પીરસી શકશો. એ કંઇ બહુ અઘરું નથી. સારે… ગમ…નું નોટેશન શીખી જાઓ પછી ટ્યુન તો કોઇ પણ ઇંગ્લિશ ગીતમાંથી મળી રહેશે. આજકાલ આવું બધું ચાલતું હોવાની મારી પોતાની માન્યતા છે. સાચું ખોટું તો ભગવાન જાણે. અરે હું ક્યાં આ ફિલ્મી રામાયણ લઇ બેઠો? બહરહાલ હવે હું જાઉં છું કિનારા પર! કાગારોળ મચાવવા કે અરે… રામ… મારા જિગરજાન દોસ્ત, મારા કલેજાના ટુકડા જેવા મિત્ર દિવાકરનો સર્વનાશ થઇ રહ્યો છે. એ બીચારા પર એક તો આફત આવી જ છે. અધૂરામાં પૂરું કરવું હોય તેમ આ ભયંકર આગ લાગી ગઇ… બીચારો! ખેર, હું બહુ જલદી પાછો ફરીશ મારા મહેમાન…’
અને એ માણસ એ દેસાઇભાઇ કે જે સુનીલને જબરો ધૂર્ત, મક્કાર અને ફરંદો લાગ્યો હતો તે ચહેરા પર કુટીલ સ્મિત ફરકાવતો ત્યાંથી ચાલ્યો ગયો.
દોરીના બંધન ખોલવાની જેટલી યુક્તિઓ સુનીલને આવડતી હતી. એ બધી તેણે અજમાવી જોઇ, પરંતુ દોરીની ગાંઠ ઊલટી વધુ મજબૂત કસાતી ગઇ. તાહેરઅલી કદાચ દોરી બાંધવામાં પૂરેપૂરો પારંગત હતો. દેસાઇભાઇ સાચું જ કહી ગયો હતો. ચૂપચાપ બેસી રહેવા સિવાય હવે બીજો કોઇ જ ઉપાય નહોતો.
કિનારા પર આગ સાથે ભયંકર સંગ્રામ ખેલાતો હતો, કલાકો વીતી ગયા પછી આગની જ્વાળાઓ ધીમી પડી. સળગી ગયેલા કાટમાળમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા. થોડીવાર બાદ એક મોટર લોન્ચ જહાજ સરસી આવીને ઊભી રહી. દેસાઇભાઇ ઉપર આવ્યો. એનાં વસ્ત્રો તાર તાર ઠેકઠેકાણેથી સળગી ગયેલાં હતાં, એના શરીર પરની ચામડી ઠેકઠેકાણેથી કાળી પડી ગઇ હતી. (વધુ આવતી કાલે)