ઈન્ટરવલ

વરસતો વરસાદ વક્ત હૈ પૂરી કર લે આરઝુ

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

ગત સપ્તાહે સમૃદ્ધ ગણાતા વિસ્તારમાંથી પસાર થતાં હતાં. માર્ગ તથા આસપાસનો માહોલ જોતાં એમ માની શકાય કે લગભગ અડધોએક કલાકથી અહીં વરસાદ વરસતો હશે. વરસાદમાં ભજિયા ખાવાવાળાઓની સંખ્યા વધી હશે, પણ ભીંજાઈને મોજ માણવાવાળા ઘટતા જાય છે. સામાન્ય રીતે ચાલવાવાળાઓની પ્રજાતિ વરસાદમાં સમયે લુપ્ત હોય છે.

વરસતાં વરસાદમાં એક કોલેજિયન છોકરી ચાલવા નીકળી હતી. જાણે એકલા એકલા મોજ લેવી છે એ રીતે વરસાદનો આનંદ માણતી હતી. ડાર્ક શોર્ટ્સ અને રેડ ટી શર્ટ સાથે કાનમાં ઇયર ફોન જોડીને કોઇ મસ્તીભર્યું ગીત માણતી હતી. જેમ જેમ કારના વાઇપર ફેલાવતા અમે નજીક પહોંચતા ગયા તેમ લાગ્યું કે એ ચાલવા નથી નીકળી પણ વરસાદમાં નાચવા નીકળી છે. એક તરફ ધોધમાર વરસાદ અને આ યુવતી એની મસ્તીમાં હતી. મારા જીવનસાથી કહે : ચાલો, આપણે પણ ઊતરીને ઠુમકા લગાવી દઇએ. પેલી યુવતીને જોઇને થયું કે એના ચહેરાના ઉમંગની અસંખ્ય તસવીર લઇએ. એના ચહેરા પર જે સંગીતનો આનંદ, ક્ષણેક્ષણ જીવવાનો અહેસાસ જોવા મળે છે એ જગતના તમામ વર્ગને મળે એવી ભગવાનને પ્રાર્થના કરવાનું મન થયું.

એ યુવતીને પણ સમસ્યા હશે. એના ચહેરા પરથી લાગ્યું કે એને વરસાદની મજા વચ્ચે દુનિયાની કોઈ પરવા નથી. જેને જે કહેવું હોય એ કહે પણ એ પોતાની મસ્તીમાં હતી. એવું તો શું બન્યું હશે કે આ આટલી ખુશ હશે. વિદેશ ભણવા ગઇ હોય અને વરસાદની મોજ લેતી હશે. જે કંઇ
કારણ હશે પણ એની મસ્તી અને એકલા આનંદ માણવાની એની તાલાવેલી અદભુત હતી. બૌદ્ધ જાતકકથામાં જે રીતે પેલો સાધુ નદી પાર કરાવીને છોકરીને ઉતારી ના શક્યો એવું જ કંઈક અમારા મનમાં હતું.

આજકાલ સમાજમાં તમામ વર્ગ સામાન્ય સુખ ભોગવી શકવા સમર્થ છે અને કદાચ વરસાદનો આનંદ માણતા હશે. આમ છતાં લગભગ બધા જ વર્ગમાંથી અગમ્ય કારણોસર સરેરાશ લોકો પ્રકૃતિના આનંદથી દૂર થતાં જાય છે. પ્રકૃતિના આનંદને જેે તે ક્ષણે ભોગવવાની વાત આપણાથી દૂર થતી જાય છે.

આપણી સૌથી મોટી સમસ્યા છે કે આપણને આપણો ભૂતકાળ છોડતો નથી અને ભૂતકાળની ઘટનાઓ ભવિષ્ય માટે ચિંતિત રાખે છે. આ વાતનું પરિણામ એ આવે છે કે ભૂત અને ભવિષ્ય વચ્ચે ઘેરાયેલા આપણે વર્તમાન ભોગવી શક્તા નથી.

આપણી તડફડ ભાષામાં વર્તમાન ભોગવવાની વાત એટલે અહીં અને અત્યારે જ. આપણી આસપાસ જે કોઈ ઘટના થઇ રહી છે એ કેવળ અત્યારે જ છે, બાકી ભૂતકાળની ઘટનાઓ ક્યારેય પુનરાવર્તન થવાની નથી તથા ભવિષ્યમાં શું બનવાનું છે એ અંગે આપણે અજાણ્યા છીએ. આપણી પાસે કેવળ વર્તમાન જ છે. આપણા સનાતન સાહિત્ય મુજબ સરળ શબ્દોમાં કહીએ તો વર્તમાનની બહાર જગતનું અસ્તિત્વ જ નથી.

આખી વાતનો સાર એ છે કે વર્તમાનમાં તમે ભોજન લઇ રહ્યા છો કે તમે સંગીત સાંભળી રહ્યા છો તો એ જ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે વર્તમાનમાં સુખ ભોગવી રહ્યા છો તો પછી વારંવાર ભૂતકાળ અને ભવિષ્યને સાથે લઇને શા માટે ફરીએ છીએ? ભવિષ્યની ચિંતા હોવી એ સમજી શકાય પણ એનો ભાર લઇને ભટકવું એ તો મૂર્ખામી છે. ભૂતકાળ અને ભવિષ્યને વર્તમાન સાથે બેલેન્સ રાખતા આવડવું એ જિંદગીનું શ્રેષ્ઠ લેશન છે.

અમિતાભ બચ્ચન રોજ યુવાનીના દિવસો જ યાદ કર્યા કરતા હોત તો આટલી લાંબી કારકિર્દી બનાવી શક્યા ન હોત. રોજેરોજ ભૂતકાળની સફળતા જ યાદ કરતાં રહીએ તો વર્તમાનમાં જીવવાનું લગભગ અશક્ય બની જશે. રોજ સારું – નરસું કમ્પેરિઝન કરવાથી- એની સરખામણી કરવાથી દુ:ખ જ મળશે.

વર્તમાનમાં જીવવા માટે પહેલી શરત છે કે સદા હસતા રહો અને ભૂતકાળની ભૂલો માટે માફ કરતાં રહો. ક્ષમા આપવી એ વર્તમાનને માણવા માટે આવશ્યક શરત છે, જેનાથી રોજબરોજના કામધંધા પર હકારાત્મક અસર પડશે. જિંદગી માણવા માટે ઘડિયાળ સામે નજર નાખવાનું બંધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘડિયાળ તરફ નજર રાખવાને બદલે નિશ્ર્ચિત સમય ફાળવવાની જરૂર છે.

વર્તમાન વિશે અસંખ્ય વાત કહેવામાં આવે છતાં માણસના સ્વભાવ મુજબ દિવસમાં જાગ્રત અવસ્થામાં લગભગ અડધોઅડધ સમય એ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ઝોલા ખાતો રહે છે. ધ્યાન કરવાની પ્રક્રિયા પણ વર્તમાન વિશે જ વાત કરે છે. ચા કે કોફી પીતાં કમસેકમ બે પાંચ સેક્ધડ અટકીને એની સુગંધ માણવાની ક્રિયા પણ વર્તમાન છે. ભજિયાની સુવાસ તો આસપાસનાં ઘરોમાંથી પણ આવે તો એનો શાંતિપૂર્વક આનંદ માણવો એ ય વર્તમાનનો પ્રકાર છે.

એક વાર્તા વાંચી હતી કે દેડકાએ તેના શરીરને માફક ના આવે એવું ખાધું અને ગંભીર બીમાર પડ્યો. દેડકાના આંતરડાં નબળા પડી ગયાં. પેટ વિકૃત દેખાવા લાગ્યું. દેડકાના શરીરમાંથી જાતજાતના અવાજ આવવા લાગ્યા. આ બધું જોતાં દેડકો ડરી ગયો અને ધીમે ધીમે એ ભ્રમ થવા લાગ્યો કે પૃથ્વી જ તેના અંત તરફ વધી રહી છે. એ કાદવ કીચડમાં પડ્યો હતો અને ત્યાં કોઈ નાનું પ્રાણી આવ્યું અને એ પણ દેડકાના અવાજથી ડરી ગયું. દેડકાએ સમજાવ્યું કે આ અવાજ અને આ શરીર દેડકાનું નથી પણ ધરતીનો નાશ થવાનો છે એનો છે.

દેડકાએ ગપ્પા મારવાના શરૂ કર્યાં કે સૂર્ય હવે પહેલા જેવો તપતો નથી. વરસાદ બંધ થશે એટલે અનાજ બંધ થઇ જશે. આ કારણે પૃથ્વી હવે ચીમળાયેલી દેખાય છે. અચાનક આકાશમાંથી કોયલ જેવું પંખીએ ટહુકો કર્યો તો દેડકાએ સમજાવ્યું કે જીવડાં પણ કોયલ જેવા બની ગયા છે. સરવાળે આ બધું સાંભળ્યા પછી પેલું પ્રાણી ડરી ગયું અને ભવિષ્યની ચિંતાઓ વચ્ચે સૂઇ પણ શક્યું નહીં. બે દિવસ પછી જોયું તો સૂર્ય અને ધરતી સલામત હતાં પણ દેડકો મરી ગયો હતો. સરવાળે ચિંતાઓ અને દેડકાની વાતો વચ્ચે ખાસ ફેર નથી. વર્તમાનમાં જીવવા માટે ભવિષ્યની ચિંતાઓથી મુક્ત થવાની જરૂર છે.

ધ એન્ડ:

જીને વાલે સોચ લે યહી વક્ત હૈ કર લે પૂરી આરઝૂ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button