આપણા દેશમાં લગ્નથી માંડીને સ્કૂલ- કોલેજમાં થતાં અભ્યાસ સિવાયના ફંકશનમાં મજા માણવા સિનેમા સંગીતનું ચલણ વધતું જાય છે. લગ્નમાં મહેંદી કે પીઠી જેવા ફંક્શન હોય કે પછી ફેમિલી પર્ફોર્મન્સના નાચગાન સિનેમાના સંગીત વગર શક્ય જ નથી. હસ્તમેળાપ સમયે પણ ફિલ્મોનાં મધુર રોમેન્ટિક ગીતો ગવાતાં હોય અથવા ઇન્સ્ટ્રુમેન્ટ પર વગાડવામાં આવે .
હમણાં એકત્રીસ ડિસેમ્બર આવશે ત્યારે ડાન્સ પાર્ટીઓમાં લાઉડ સંગીતના જલસા થશે. આપણા ઉત્સવો હોળી હોય કે ઉત્તરાયણ… ફિલ્મ સંગીત વગર ફેસ્ટિવલમાં મજા મારી જાય.
આનો અર્થ કે ફિલ્મોની ટિકિટબારીઓ છલકાવવામાં સંગીતનો મોટો ફાળો રહ્યો છે. એવી અસંખ્ય ફિલ્મો હશે જેને રિલીઝ થયે દાયકાઓ થઇ ગયા હશે પણ તેનાં ગીતોને લીધે આજે પણ વારે- તહેવારે યાદ કરવી પડે. નવા સિનેમાનાં નામ પણ જૂનાં હિટ ગીતો પરથી રાખવામાં આવે છે. જૂનાં ગીતોને રી-મિકક્ષ કરીને સફળતાની ફોર્મ્યુલા તરીકે અનેક ફિલ્મોમાં વપરાય છે.
પૂર્વ વિદેશમંત્રી શશી થરૂરે એક વાર કહ્યું હતું કે એ અમેરિકાના પ્રવાસે હતા. એક થિએટરમાં સ્થાનિક વૃદ્ધ મહિલાની મુલાકાત થઇ હતી, જેને ભારતીય ભાષાઓ વિશે જ્ઞાન હતું નહિ,પણ આ મહિલા નિયમિત હિન્દી સિનેમા જોવા આવતી હતી, કારણ કે એને સિનેમા સંગીત અને ડાન્સ પસંદ હતા. એનો અર્થ એવો થયો કે વિશ્ર્વમાં ભારતીય સોફ્ટપાવર જેવા સિનેમાના સંગીતની બહુ મોટી ડિમાન્ડ છે.
આનંદ પ્રમોદ માટે ફિલ્મ ગીત – સંગીત એ હદે આવશ્યક છે કે આપણા ઉત્સવોમાં ફિલ્મી સંગીત ગુંથાઈ ગયું છે. સામાન્ય માણસના મનમાં ફિલ્મોની કેટલીક ધૂન આજીવન અમર થઈને રહે છે.
પારિવારિક અંતાક્ષરીમાં પૂરેપૂરા ગીત ગાવાવાળાઓની સંખ્યા ઓછી નથી. વરઘોડામાં બેન્ડવાજામાં યે મેરા જાદુ કે ‘મેં હું ડોન’ જેવી ધૂન વગાડે પછી ડાન્સ માટે કોઈને આમંત્રણ આપવાની જરૂર પડતી નથી. માનો કે સિનેમામાંથી જ સંગીત ગાયબ કરી દેવામાં આવે તો હોરર દ્રશ્ય હોય કે રોમેન્ટિક સીનની મજા મરી જાય. ભારતીય સિનેમામાંથી સંગીત ના હોત તો ઉત્તરનું કે પછી દક્ષિણ સુધ્ધાંનું સિનેમા ક્યારનું ખતમ થઇ ગયું હોત.
ઘરમાં રોમેન્ટિક સોન્ગ વાગતું હોય છે તો માણસનો મૂડ બદલાઈ જાય છે. એનો અર્થ એ થાય કે માણસનો તણાવ ઘટાડવામાં લોકપ્રિય સંગીત તરીકે સિનેમાનો મોટો ફાળો છે. સામાન્ય માણસ માટે ફિલ્મી સંગીત માનસિક રીતે સ્વસ્થ રાખવા સાથે પ્રેરણા આપવામાં મદદરૂપ થાય છે કેમ કે એને સિનેમાના સંગીતનો જ વધુ અનુભવ હોય છે.
એક અભ્યાસ મુજબ મનપસંદ સંગીત થકી યાદશક્તિમાં સુધારા સાથે બીમારીમાં દર્દની અસર ઘટાડી શકાય છે. અસંખ્ય લોકો છે જે રાત્રે સૂતી વેળા રેડિયો પર ગીતો સાંભળવાનું પસંદ કરે છે. રાત્રે સંગીત સાંભળવાથી ઊંઘ સારી આવતી હોવાનું માનવામાં આવે છે. સિનેમા સંગીત આપણા જીવનના આનંદ, વ્યથા, લાગણીઓ, ઉલ્લાસ, ઉત્સાહ પર અસર કરે છે.
ભારતીય સમાજ પર સિનેમાના સંગીતની વ્યાપક અસરોની શરૂઆત સર્જકોને તેના પ્રારંભથી જ આવી ગઈ હશે. ભારતીય પરંપરામાં સંગીત તો વેદોક્ત યુગથી ચાલ્યું આવે છે. ભારતના વિવિધ વિસ્તારો અને સંસ્કૃતિઓમાં અસંખ્ય શૈલીઓ વિકાસ પામી છે. ભારતીય સંગીતના રાગમાંથી ફિલ્મી સંગીતનો જન્મ થયો છે.
જયારે સિનેમા મૌન હતું એટલે કે મૂંગી ફિલ્મો બનતી હતી ત્યારે સ્ક્રિન પાસે સ્થાનિક ઓર્કેસ્ટ્રાને બેસાડીને દર્શકોને ફિલ્મના મનોભાવ મુજબ લાઈવ સંગીત આપવામાં આવતું હતું. સંગીતકાર નૌશાદ સ્કૂલમાં ગુલ્લી મારીને હાર્મોનિયમ વગાડવા જતા હતા. પરિવારને ખબર પડતાં આકરી સજા થઇ હતી. એ અલગ વાત છે કે સિનેમાના સંગીતથી પ્રભાવિત થઈને ઘર છોડીને મુંબઈ પહોંચી ગયા હતા.
એક કથા એવી પણ છે કે નૌશાદ મુંબઈમાં સંગીતકાર તરીકે સફળ થયા પછી વતનમાં લગ્ન માટે આવ્યા. તે સમયે સિનેમા માટે કામ કરવું એ પ્રતિષ્ઠિત ગણાતું નહીં. નૌશાદના પરિવારજનોએ મુંબઈમાં દરજીકામ કરે છે એવી વાત ફેલાવીને એમની શાદી કરાવી હતી. નૌશાદના વરઘોડામાં તે સમયે અતિ લોકપ્રિય બનેલા રતન ફિલ્મનાં ગીતો વગાડવામાં આવ્યાં હતાં, જેનું સંગીત ખુદ નૌશાદે આપ્યું હતું ! પોતાના વરઘોડામાં પોતે જ કમ્પોઝ કરેલાં ગીતો વાગવા છતાં નૌશાદ ચુપચાપ ઘોડા પર બેસી રહ્યા હતા.
મૂંગી ફિલ્મોના સમયમાં પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ આવી. આ ફિલ્મમાં ડબ્લ્યુ એમ ખાન નામના અભિનેતાએ પહેલું ફિલ્મી ગીત ગાયું હતું : ‘દે દે ખુદા કે નામ પે પ્યારે’ શબ્દ ધરાવતા આ ગીતમાં હાર્મોનિયમ અને તબલા જેવા વાજિંત્રોનો ઉપયોગ થયો હતો. ‘આલમઆરા’ ફિલ્મનું ગુજરાતી હીરોઈન ઝુબેદાએ ‘બદલા દિલવાયેગા યારબ તું ’ ગીત અત્યંત લોકપ્રિય બન્યું હતું. આમ તો આ ફિલ્મના સંગીત માટે ફિરોઝશાહ મિસ્ત્રીને ક્રેડિટ આપવી પડે. નવ દાયકાથી ફિલ્મ સંગીતની લોકપ્રિયતામાં પહેલી ફિલ્મથી જ પાયો નંખાયો હતો.
એ યુગમાં ફિલ્મની વાર્તા આગળ વધારવા તથા પ્રેક્ષકો કથાનકને સમજી શકે એ માટે ગીત-સંગીતનો ઉપયોગ થતો હતો. પ્લે બેક સિંગરનું ચલણ આવવાની વાર હતી. ફિલ્મમાં એક્ટર જ ગાયન ગાય.
Also Read – સાયબર સાવધાની : મોતના કારમા આઘાત વચ્ચે સંવેદનહીનતાની પરાકાષ્ઠા
ઘણીવાર એમનો અવાજ મધુર હોવો કે ગીત મુજબ ભાવ વ્યક્ત કરવા અસમર્થ રહેતાં હોવાથી ગીતના શબ્દો તથા રચના અત્યંત સરળ રાખવામાં આવતી હતી. ગીતો અત્યંત ધીમા રહેતાં. પ્રારંભમાં જે ગીતો કમ્પોઝ થયા એમાં રાગ શક્યત: શુદ્ધ રહ્યા. એની અસર પાંચમા છઠ્ઠા દાયકાની ફિલ્મોના મધુર સંગીત પર જોવા મળે છે. ત્રીસીના દાયકામાં મીનાકુમારીના પિતા માસ્ટર અલી બક્શે નવા પ્રયોગો કર્યા.
નરગિસની માતા જદ્દનબાઈએ ફિલ્મોમાં સંગીત આપ્યું. આપણા ગુજરાતી પ્રાણસુખભાઈ નાયકે સમગ્ર દેશમાં ગુજરાતી લોકસંગીત પ્રચલિત કરી દીધું. એમની ‘માધુરી’ નામની ફિલ્મનું સંગીત લોકપ્રિય બનતા ફિલ્મ સુપરહિટ બની હતી. ગુજરાતી પૃષ્ઠભૂમિ ધરાવતા એસ પી રાણેએ ત્રીસીના દાયકાના પ્રારંભે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મેહતા’ માં ભજનોને કમ્પોઝ કાર્ય હતાં.
આ જ રીતે, વઝીરખાન અને નાગરદાસ નાઈક બેલડીએ ફિલ્મ સંગીતનો ઇતિહાસ બનાવ્યો. ‘ઇન્દ્રસભા’ નામની ફિલ્મમાં ઈકોતેર ગાયનોનો આજ સુધીનો રેકર્ડ બનાવ્યો. ભારતીય સિનેમા સંગીતના પાયાને મજબૂત કરવામાં સુંદરદાસ ભાટિયા, લલ્લુભાઇ નાઈક, વ્રજલાલ વર્મા, ગોવિંદરાવ તેમ્બે, માસ્ટર મહમ્મદ, બદ્રી પ્રસાદ, ગંગાપ્રસાદ પાઠક, રેવાશંકર મારવાડી, મીર સાહેબ જેવા અનેક નામી- અનામી સંગીતકારોનો હાથ છે.
આ સંગીતકારોને યાદ કરવાનો હેતુ એટલો જ છે કે એમના થકી આપણે લગ્ન સહિત અનેક ઉત્સવોમાં ફિલ્મી સંગીતની મોજ માણીએ છીએ. આજે કોઈપણ ફંકશન ફિલ્મી ગીતો વગર અશક્ય છે. કજરા રે’ કે ‘પાન મેં પુદીના’ જેવાં ગીતો ડાન્સ કરવા બન્યાં હોય એવું લાગે એ વાતમાં પૂરોસરીઓનું મોટું યોગદાન રહ્યું છે.
ધ એન્ડ
‘ઇતની શક્તિ હમે દેના દાતા’.. ’એ માલિક તેરે બંદે હમ અથવા ‘હમ કો મન કી શક્તિ દેના’ જેવી ફિલ્મી ધૂનો સાથે પ્રાર્થના કરીને સ્કૂલોમાં તો કેટલીય પેઢીઓ પસાર થઇ ગઈ!