નિફ્ટીનું ચન્દ્રારોહણ ક્યાં અટવાયું?
આર્થિક વૃદ્ધિ અને મંદીના સમયગાળાને પ્રતિબિંબિત કરતી ૨૦,૦૦૦ પોઇન્ટ સુધીની સફર ખેડવામાં બેન્ચમાર્કને ૨૭ વર્ષ, ૧૦ મહિના અને આઠ દિવસનો સમય લાગ્યો હતો. નિફ્ટીએ ૨૬મી જુલાઈ ૨૦૧૭ના રોજ ૧૦,૦૦૦ના આંકને સ્પર્શ કર્યો અને આ સિદ્ધિ હાંસલ કરવામાં ૨૧ વર્ષથી વધુ સમય લાગ્યો છે.
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
હવે નિફટી આ સપાટીને એટલો અડોઅડ છે કે આજકાલમાં તે આ શિખર તો સર કરી જ લેશે, પરંતુ બજારમાં બે સવાલ ચર્ચાઇ રહ્યાં છે. પહેલો સવાલ તો એ કે શું નિફ્ટી માટે ખરેખર આ શિખરે પહોંચવાનો સમય
પાકી ગયો છે?
બીજો સવાલ એ કે, બજારના અમુક વિશ્ર્લેષક તો એવો સવાલ કરી રહ્યા છે કે જી-૨૦ની બેઠક પૂરી થવા સાથે જ નિફટી ૨૦,૦૦૦ની સપાટી પાર કરી જાય એ યોગાનુંયોગ છે કે પછી અર્થકારણ પાછળ રાજકારણ પ્રેરિત
પ્રયોજન છે?
મુંબઇ: જે રીતે ભારતના ચન્દ્રયાનેે ચન્દ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે અને હવે આદિત્ય એલ-૧ સૂર્ય મિશન માટે રવાના થયું છે, એ જ રીતે નિફ્ટી ૨૦,૦૦૦નું સ્તર લગભગ હાંસલ કરી ચૂક્યું છે અને હવે તે ૨૨,૦૦૦ની સપાટી તરફ આગળ વધે એવી આશા સટોડિયા સેવી રહ્યા છે.
જોકે પ્રથમ ગ્રાક્ષે મક્ષિકાની માફક, સપ્તાહના પહેલા જ દિવસે નિફ્ટીએ આ સપાટી પાર તો કરી, પરંતુ એના ઉપર ટકી ના શક્યો, મંગળવારે પણ એવું જ થયું. આ રીતે, નિફ્ટી બીજી વખત પણ ૨૦,૦૦૦ની ધરા પર સફળ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહ્યો છે. હવે બે વખતના પ્રયાસ અસફળ રહ્યા બાદ ત્રીજા પ્રયત્ને નિફ્ટી ૨૦,૦૦૦ની સપાટીએ ધ્વજ ફરકાવશે એવી આશા છે.
હવે નિફટી આ સપાટીને એટલો અડોઅડ છે કે આજકાલમાં તે આ શિખર તો સર કરી જ લેશે, પરંતુ બજારમાં બે સવાલ ચર્ચાઇ રહ્યાં છે. પહેલો સવાલ તો એ કે શું નિફ્ટી માટે ખરેખર આ શિખરે પહોંચવાનો સમય પાકી ગયો છે?
બીજો સવાલ એ કે, બજારના અમુક વિશ્ર્લેષક તો એવો સવાલ કરી રહ્યા છે કે જી-૨૦ની બેઠક પૂરી થવા સાથે જ નિફટી ૨૦,૦૦૦ની સપાટી પાર કરી જાય એ યોગાનુંયોગ છે કે પછી અર્થકારણ પાછળ રાજકારણ પ્રેરિત પ્રયોજન છે?
એ નોંધવું રહ્યું કે, આર્થિક વૃદ્ધિ અને મંદીના સમયગાળાને પ્રતિબિંબિત કરતી ૨૦,૦૦૦ પોઇન્ટ સુધીની સફર ખેડવામાં બેન્ચમાર્કને ૨૭ વર્ષ, ૧૦ મહિના અને આઠ દિવસનો સમય લાગ્યો હતો. નિફ્ટીએ ૨૬મી જુલાઈ ૨૦૧૭ના રોજ ૧૦,૦૦૦ના આંકને સ્પર્શ કર્યો અને આ સિદ્ધિ હાંસલ કરવામાં ૨૧ વર્ષથી વધુ સમય લાગ્યો છે.
મૂળ મુદ્દા પર પાછાં ફરીએ તો ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પહેલો દિવસ ઐતિહાસિક પુરવાર થયો અને ઇનફેક્ટ નિફ્ટીએ આપણી ધારણાં કરતા ઝડપી ત્વરાએ સોમવારે ૨૦,૦૦૦ પોઇન્ટની સપાટીને સ્પર્શ કરી લીધો હતો.
એ જ રીતે, મંગળવારે પણ નિફ્ટીએ સત્ર દરમિયાન આ સ્તર પાર કર્યું પરંતુ, તેની ઉપર બંધ આપવામાં અસફળ રહ્યો. હવે બીજી ધારણા અથવા કહો કે આશા એવી સેવાઇ રહી છે કે નિફ્ટી ઝડપી ગતિએ ૨૨,૦૦૦ના શિખરે પણ વિજયપતાકા ફરકાવી દેશે. જોકે કોઇ વિશ્ર્લેષકે આ માટે કોઇ સ્પષ્ટ સમયમર્યાદા જાહેર નથી કરી.
આપણે દિવાળી કે ઇલેક્શન જેવા પરિબળોની અટકળ બાજુએ મૂકીને આ સપ્તાહની જ વાત કરીએ તો વૈશ્ર્વિક બજારના કેટલાંક નકારાત્મક પરિબળો અને વિવિધ મેક્રોઇકોનોમિક ડેટા અંગેની અનિશ્ર્ચિતતાને કારણે નિફ્ટીને ૨૦,૦૦૦નું સ્તર પાર કરવામાં સહેજ મુશ્કેલી નડી રહી છે. ટેક્નિકલ ધોરણે પણ આ એક અવરોધક સપાટી છે.
હવે જમા પાસું જોઇએ તો, જી-૨૦ની બેઠકમાં ભારતથી અખાતી દેશો અને અખાતી દેશોથી યુરોપના દેશોના કોરીડોર સાથે અન્ય અનેક ક્ષેત્રે સમજૂતી કરારો અને પ્રોજેક્ટ્સને મંજૂરી સહિતના સમાચારોને કારણે બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ જામ્યું હતું. સ્થાનિક સાથે વિદેશી ઇન્વેસ્ટર્સને પણ આકર્ષે એવા કેટલાક આયોજનોના પાયા નખાવવાની ચર્ચા થઇ હતી.
આ રીતે, જી-૨૦ની બેઠકને કારણે વૈશ્ર્વિક સ્તરે અનેક અર્થતાંત્રિક લાભો આકાર પામ્યા હોવા છતાં આશંકા એટલે જાગી છે કે, એક તરફ અમેરિકા અને ચીન જેવા વિશ્ર્વના સૌથી મોટા અર્થતંત્રોમાં મંદીનો માહોલ છે. બીજી તરફ ઇન્ફલેશનને કારણે ફેડરલ દ્વારા વ્યાજવૃદ્ધિની ફડક છે અને ત્રીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, ખાસ કરીને ભારત માટે સૌથી મહત્ત્વનું પરિબળ છે.
બ્રેન્ટ ક્રૂડ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ બંનેમાં લગભગ બે ટકાનો વધારો થયો છે. બ્રેન્ટ ફ્યુચર્સ ૯૦.૬૫ પ્રતિ બેરલ પર સેટલ થયા હતા, જ્યારે યુએસ ડબલ્યુટીઆઇ ક્રૂડ ૮૭.૫૧ પર સેટલ થયું હતું. ઉત્પાદકો અને નિકાસકારો (ઓપેક અને રશિયા) દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ સુધી દૈનિક ધોરણે ૧.૩ મિલિયન બેરલના ઉત્પાદન કાપને લંબાવવાનું નક્કી કર્યું હોવાથી ક્રૂડના ભાવ પાછલા સપ્તાહ દરમિયાન દસ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. આગળ જતાં, ઉત્પાદન કાપની સામે ચીનની ધીમી માગને આધારે એકંદર અસરનો તાગ મળશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)નો આંતરપ્રવાહ પણ અત્યંત મહત્ત્વનો છે. યુએસ ડોલર ઇન્ડેક્સમાં ફરી મજબૂતી અને તેને કારણે યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં આવેલા ઉછાળાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ એક તબક્કે રૂ. ૯,૩૦૦ કરોડની ભારતીય ઇક્વિટી વેચી હતી. દેશના અર્થતંત્રમાં ક્રૂડ જેવું જ મહત્ત્વ શેરબજારમાં એફઆઇઆઇના રોકાણનું છે, એમ કહી શકાય.
અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપનીના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, ચીન અને જાપાનમાં ડોલર સામે ચલણની તીવ્ર નબળાઈને કારણે પણ સ્થાનિક ચલણ પર દબાણ આવ્યું હતું. જો યુએસ ટ્રેઝરીની ઊપજ સતત વધતી રહે અને અન્ય ચલણો યુએસ ડોલર સામે વધુ ઘટે તો વિદેશી ભંડોળનો પ્રવાહ અવ્યવસ્થિત રહી શકે છે અને એફઆઇઆઇ ભારત સહિતના ઇમર્જિંગ માર્કેટમાંથી એક્ઝિટ કરી શકે છે.
આવા અનેક પડકારોને અવગણીને આખલો સપ્ટેમ્બરમાં એકાએક જોમમાં આવીને મજબૂત દોડ સાથે બેન્ચમાર્ક નિફ્ટી-ફિફટીને ૨૦,૦૦૦ માર્કના માઈલસ્ટોન સુધી દોરી જાય એ તર્કથી સહેજ દૂરની વાત જણાય છે.
ઓગસ્ટમાં ૨.૫ ટકા નીચી સપાટીએ ગબડ્યા પછી, પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં માત્ર સાત ટ્રેડિંગ સેશનમાં લગભગ ચાર ટકા વધ્યો છે અને સોમવારે ૨૦,૦૦૮.૧૫ પોઈન્ટની તથા મંગળવારે ૨૦,૧૧૦.૩૫ પોઇન્ટની આજીવન ઉચ્ચતમ સપાટીને સ્પર્શ્યો છે.
એ નોંધવું અગત્યનું છે કે ઇન્ફ્લેશન, વ્યાજદરમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવ ૯૦ પ્રતિ બેરલના આંકને સ્પર્શતા હોવા છતાં ઇન્ડેક્સ દ્વારા આ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે.
એક વર્ગ એવું માને છે કે નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલી જી-૨૦ સમિટની આસપાસનો ઉત્સાહ અને ભારતના વિકાસ એન્જિનને વધારાની કિક આપવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી વિવિધ જાહેરાતોએ નિફ્ટીને ૨૦,૦૦૦ના સ્તરે પહોંચવામાં મદદ કરી છે.
ફુગાવાને લગતી સ્થાનિક અને વૈશ્ર્વિક ચિંતાઓને દૂર કરીને, મની મેનેજરો ભારતની ગ્રોથ સ્ટોરી પર અત્યંત બુલિશ છે અને માને છે કે દલાલ સ્ટ્રીટ પર આ મોટા બુલ રનની શરૂઆત છે. એ જ સાથે ૨૦,૦૦૦નો આંક તો નિફ્ટીના પ્રવાસનો ભાગ છે અને ગંતવ્ય નથી. ગઈકાલે જ્યાં સેન્સેક્સ હતો ત્યાં આજે નિફ્ટી છે. જ્યાં આજે સેન્સેક્સ છે ત્યાં આવતીકાલે નિફ્ટી લાંબા ગાળાના રોકાણકારો માટે પહોંચ્યો જ હશે. જો કે સાથે એવી સલાહ પણ આપે છે કે, મોમેન્ટમ માર્કેટમાં સાવધ રહેવું જોઈએ.
બજારના અને લાર્જ કેપ્સના મૂલ્યાંકન અંગે પણ સવાલો થઇ રહ્યાં છે. આમ છતાં અમુક એનાલિસ્ટ માને છે કે ૨૦,૦૦૦નો માઈલસ્ટોન હાંસલ કર્યા બાદ નિફટી માટે નવું લક્ષ્યાંક ૨૧,૫૦૦ બનશે. ટેક્નિકલ ધોરણો અનુસાર નિફ્ટીમાં વધુ વિસ્તરણ માટે પૂરતી જગ્યા છે, ખાસ કરીને અમે ચૂંટણીના વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ તે જોતાં, અપસાઇડ માટે જગ્યા પહોળી છે, શેઠે જણાવ્યું હતું.
અગ્રણી સ્ટોક બ્રોકિંગ ફર્મે એવી ટિપ્પણી કરી હતી કે, નિફ્ટી-ફિફ્ટી એક દાયકા પછી તેજીના ઝોનમાં પ્રવેશી રહ્યું છે અને આનું નેતૃત્વ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટીઝ, ટેલિકોમ, કોમોડિટી અને ફાઈનાન્સિયલ જેવા કેપિટલ ઈન્ટેન્સિવ અને સાયકલિકલ સેક્ટર દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.