ખેલા હોગા ક્યા?
૧૧ બેઠક માટે ૧૨ ઉમેદવારો ઊભા રહેવાથી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી દિલચસ્પ બની છે
ફોકસ -પ્રથમેશ મહેતા
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૧ સીટો માટે ૧૨ જુલાઇએ થનારી ચૂંટણીમાં ૧૨ ઉમેદવાર ઊભા રહ્યા હોવાથી આ ચૂંટણી રસિક બની ગઇ છે. ગયા શુક્રવારે પાંચ જુલાઇએ કોઇ ઉમેદવારે નામ પાછું ખેંચી લેવું હોય તો એ માટે અંતિમ દિવસ હતો, પણ કોઇ ઉમેદવારે નામ પાછું ન ખેંચતા હવે મતદાન કરવું જ પડશે. સૂત્રોનું માનીએ તો આ ચૂંટણીમાં ક્રોસ વૉટિંગ થઇ શકે છે. સાથે જ અહીં સત્તાધારી મહાયુતિ અને વિપક્ષના મહાવિકાસ આઘાડી વચ્ચે પોતપોતાના ઉમેદવારોને જીતાડવા હાઇ વૉલ્ટેજ મુકાબલો જોવા મળશે.
બન્યું એવું કે નામાંકન દાખલ કરવાના અંતિમ દિવસ મંગળવાર બે જુલાઇએ શિવસેના-ઉદ્ધવ જૂથે પૂરતું સંખ્યા બળ ન હોવા છતાં પોતાનો એક અલગ ઉમેદવાર (મિલિંદ નાર્વેકર)ને ઊભો રાખ્યો. આ ઉપરાંત બે અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે એટલે આ બે ઉમેદવાર મળીને મંગળવારે ૧૪ ઉમેદવારો સ્પર્ધામાં હતાં.
આમાં બીજેપીના પાંચ, શિવસેના શિંદે જૂથના બે, રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ (અજીત પવાર જૂથ)ના બે, કૉંગ્રેસના એક તથા શેતકરી કામગાર પક્ષના એક અને અન્ય બે ઉમેદવાર સામેલ છે. બીજેપીએ પંકજા મુંડે, યોગેશ ટિલેકર, ડૉ. પરિણય ફૂકે, અમિત ગોરખે અને સદાભાઉ ખોતને ઉમેદવાર બનાવ્યા છે. આ માટે તેને ૧૧૫ વિધાનસભ્યોના સમર્થનની જરૂર પડશે. તેની પાસે હાલ ૧૦૩ વિધાનસભ્યો છે. અપક્ષ અને અન્ય નાના પક્ષો મળીને બીજા ૯ સભ્યો તેની પાસે છે, છતાંય બાકીના ત્રણ મતોની જોગવાઇ બીજેપીએ કરવી પડશે. બીજી બાજુ શિવસેના-શિંદે જૂથે પૂર્વ સાંસદ ભાવના ગવળી અને કૃપાલ તુમાનેને ઉમેદવાર બનાવ્યાં છે. તેમની પાસે ૩૮ વિધાનસભ્યો હોવાથી તેમને પણ સાત બીજા મતોની જરૂર પડશે. પરંતુ શિંદેને બચ્ચુ કડુની પ્રહાર શક્તિના વિધાનસભ્યોનું સમર્થન હોવાથી તકલીફ નહીં પડે એવું લાગે છે. રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ-અજીત પવાર જૂથે રાજેશ વિટેકર અને શિવાજીરાવ ગરજેને ઉમેદવાર બનાવ્યા છે. તેમણે પણ છ મત હાંસલ કરવા પડશે. કૉંગ્રેસે પોતાના ૩૭ વિધાનસભ્યોના બળ પર પ્રજ્ઞા સાતવને ઉમેદવાર બનાવ્યા છે તો બચેલા વૉટ શેતકરી કામગાર પક્ષના જયંત પાટીલને આપવાનું જાહેર થયું છે. જયંત પાટીલને શરદપવાર જૂથનું પણ સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના બે વિધાયક અઘોષિતરૂપે અજીત પવારના પક્ષમાં જઇ ચૂક્યા છે. હવે ડઝનથી વધુ વિધાયક આ ચૂંટણીના માધ્યમ દ્વારા શરદ પવારના જૂથમાં પણ જઇ શકે એવી આશંકા છે. આવી આશંકા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમર્થક વિધાનસભ્યો બાબતે પણ સેવાય છે.
૧૧ બેઠકો માટે ૧૨ ઉમેદવારો હોવાથી વિધાનસભ્યો ખુશ છે. કેટલાક વિધાન સભ્યોએ પત્રકારો સમક્ષ એ સ્વીકાર કર્યો હતો કે
આ ચૂંટણીને કારણે કમ સે કમ
એમનો ભાવ તો પૂછાશે. આવા સંજોગોમાં વિધાનસભ્યોનું ખરીદ-વેચાણ થાય તેવી આશંકા પણ અસ્થોને નથી. હાલમાં જ વિધાનસભ્ય નવાબ મલિક અજીત પવારના બંગલા પર આયોજિત મીટિંગમાં નજરે પડ્યા હતા.
હવે જોઇએ શુક્રવારે ગુપ્ત મતદાન દ્વારા થનારી ચૂંટણીનું શું પરિણામ આવે છે? ૧૨ જુલાઇએ મતદાન પત્યા બાદ તુરંત ગણતરી કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ઉદ્ધવ જૂથે નાખેલો પાસો પોબારો પડયો કે નહીં.