ઈન્ટરવલ

સ્ત્રીને સુંદરતાનાં વખાણ ક્યારે ગમતાં હોય છે?

મોટાભાગની વ્યક્તિ પ્રારંભમાં બાહ્ય આકર્ષણ શોધતી હોય છે, પણ એક સમય પછી એને પણ આંતરિક સુંદરતા અનુભવવાની તલપ પણ જાગે છે.

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

હજારો વર્ષથી સભ્ય સમાજ અસ્તિત્વમાં આવ્યો હશે ત્યારથી ઘણા પ્રશ્ર્નો અનુત્તર છે. સ્ત્રીને પૂછવામાં આવે કે તમારા સૌંદર્યનાં વખાણ કોણ કરે તો ગમે? સરેરાશ સ્ત્રીઓનો સરેરાશ જવાબ એક જ હોય છે કે જે વ્યક્તિ જાહેર અને ખાનગી જીવનમાં નારીઓને સન્માન આપતી હોય એ વખાણ કરે તો ગમે. આ થયો સરેરાશ અથવા આદર્શ જવાબ પણ સૌંદર્ય સંદર્ભે વાત આગળ વધારવામાં આવે તો અસંખ્ય પેટા સવાલ અને અકલ્પનીય જવાબો વિચારી શકાય.

સ્ત્રી પાસે પોતાની જન્મજાત આગવી દ્રષ્ટિ હોય છે કે જેના દ્વારા એ લાગણીઓ અને વખાણ વચ્ચેનો ભેદ સમજી પણ શકતી હોય છે અને એને પોતાની મર્યાદા વિશે ભરપૂર સમજ પણ હોય છે. આમ છતાં, મૂળ વાત એ કે સ્ત્રીને પોતાનાં સૌંદર્યનાં વખાણ ગમે ખરાં? ક્યારેક એ ટળતી હોય પણ માનવીય સ્વભાવ થકી દરેકને પોતાનાં વખાણ ગમતાં જ હોય. મનોવિજ્ઞાન એવું માને છે કે વખાણ સાંભળવાથી આત્મવિશ્ર્વાસ વધે છે. હા, ક્યારેક વધારે પડતા વખાણને ઇગ્નોરાય નમ:’ પણ કરવામાં આવતું હશે. હકીકત એ પણ છે કે એક મર્યાદામાં ખૂલી આંખોએ સ્વપ્ન જોતાં હોય એ રીતે સૌંદર્યના વખાણ તો ગમે. જમીન કરતાં બે ફૂટ હવામાં હોય એવો અહેસાસ થતો હોય છે તો પ્રશ્ર્ન એ પણ છે કે લોકો વખાણ કેમ કરતાં નથી?

જેમ પુરુષને ખબર પડતી હોય કે વખાણ કરવાથી ફાયદો થાય તેમ છે એમ સ્ત્રીને પણ ખબર પડે છે કે વખાણમાં કેટલું સત્ય છે. જો કે પુરુષોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યારે કોઈ સ્ત્રી હોંકારો આપે તો એને ઓફર સમજી લેતા હોય છે, જે પુરુષોની જન્મજાત મુર્ખામી છે. સૌંદર્ય ખરેખર ક્યારે નીખરે? જ્યારે વ્યક્તિ પોતાના પર હસી શકવાની ક્ષમતા ધરાવતી થાય તારે…

વિશ્ર્વભરની લખાયેલી અસંખ્ય કથાઓમાં સૌંદર્યનું માર્મિક વર્ણન છે. પૌરાણિક સમયથી માણસજાતને બાહ્ય સૌંદર્યનું આકર્ષણ રહ્યું છે. પેઇન્ટિંગ, સ્કલ્પચર હોય કે પ્રકૃતિનાં ગીતો જેવાં સ્વરૂપમાં સૌંદર્ય જાણે – અજાણે કેન્દ્રમાં આવી જાય છે. સુંદરતા એ માત્ર ફિલ્મ કે સાહિત્યનો વિષય નથી. બાળક પણ સૌંદર્યની સમજ ધરાવતું હોય છે. બાળક થોડી સમજ કેળવે છે ત્યારથી સુંદરતાનું મહત્ત્વ સમજવા લાગે છે. એક બે વર્ષનું બાળક પણ ચહેરાની સપ્રમાણતા સમજે છે. જે ચહેરામાં એ સુંદરતા સમજે છે એ આકારને જીવનભર સૌંદર્ય માટે શોધતો હોય છે. માણસ જ્યારે અજાણ્યા વિસ્તારમાં હોય છે ત્યારે અપરિચિત સમુદાય સાથે હોય તો પણ અમુક વ્યક્તિઓ સાથે તરત જ આત્મિયતા કેળવવાની કોશિશ કરે છે. આ ઘટના આપણા સહુના જીવનમાં બની હોય છે.

અજાણ્યામાં જાણીતું શોધવાની રમત માટે બાળપણનો પડેલો ડેટા જવાબદાર કહી શકાય. ‘સુંદરતા જોનારની આંખમાં છે’ એ વાત વડવાઓએ આમ જ કહી નહીં હોય. આ વાતને અનુમોદન આપતાં દુનિયાભરમાં અસંખ્ય ચહેરાઓમાંથી નિશ્ર્ચિત ચહેરાઓવાળી વ્યક્તિઓ સાથે જ સફળ આત્મિયતા કેળવવાના પ્રયોગો કરવામાં આવ્યા છે.

આપણને જે વ્યક્તિ ગમવા લાગે કે એના પરત્વે આકર્ષણ થાય- સામી વ્યક્તિનું સૌંદર્ય મગજના ડેટામાં ફિટ બેસી રહ્યું છે એવો અહેસાસ પણ થાય … ઘણીવાર તમને કોઈ ફિગર અને ફેસ ખૂબ ગમે, પણ સરેરાશ લોકોની નજરે એ સુંદર ન પણ હોય તો પ્રોબ્લેમ તમારો નથી. એ સુંદરતા માણવાની દ્રષ્ટિ ક્યાંકથી તમને મળેલી છે.

જો કે આ વાત બધા કેસમાં લાગુ પડતી નથી, વિશ્ર્વભરમાં જોડિયા જન્મેલાઓની સૌંદર્ય અંગે સમજ પર અભ્યાસ કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે અડધોઅડધ જોડિયાની પસંદગી અલગ અલગ હતી. આ સંશોધનો દરમિયાન એક એવી પણ વાત જોવા મળી કે ગમતા ચહેરાઓ વચ્ચે વ્યક્તિ ખાસ ખીલતી હોય છે. પાર્ટી કે મેળવડાઓમાં ઘણા મહાનુભાવો અચાનક ફોર્મમાં કેમ આવી જાય છે એ હવે સમજાયું…?!

ચોક્કસ ચહેરા હાજર હોય તો હૃદય કવિ બનીને ઉછાળા મારતું હોય છે અને એની ઊર્મિઓ છલકાય છે. સુંદરતાની સમજ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. આનો આધાર વ્યક્તિનું બાળપણ, સ્કૂલ, શિક્ષક, ઘરનું તથા આસપાસનો માહોલ સહિત જિનેટિક પરિબળો પર છે.

કોઈ વ્યક્તિ સૌંદર્ય શોધે છે ત્યારે સામી વ્યક્તિની આંખો સૌથી મોટો ભાગ ભજવે છે. આંખોમાં રહેલો તોફાની મૂડ- સ્માઇલ- દર્દ- સંવેદના જોવા માણસ પોતાની પહેલી નજર સામાવાળાની આંખો તરફ માંડે છે.મહદઅંશે આંતરિક કહો કે બાહ્ય પણ સૌંદર્ય શોધવાની શરૂઆત એ આંખોથી કરતો હોય છે. એક અભ્યાસ દરમિયાન અસંખ્ય સુંદર ચહેરાઓની તસ્વીર દર્શાવવામાં આવી ત્યારે સુંદરતા શોધવા આંખો પર જ સૌથી વધારે નજર ચોંટી હતી. માણસ આંખો પછી સૌંદર્ય શોધતો સામેવાળાના નાક ને ગાલ તરફ આગળ વધીને આકર્ષણ શોધવા લાગે છે.

એક મફતની સલાહ છે કે તમારો ફોટો સુંદર બનાવવો હોય તો ચહેરાના જમણા ભાગ કરતાં ડાબા ભાગને વધારે પ્રમોટ કરવો. સાઇકોલોજીવાળાઓ માને છે કે વ્યક્તિ જેટલી તસવીરમાં સુંદર લાગતી નથી એના કરતાં વધારે સુંદર અરીસામાં લાગતી હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો અરીસા સામે તૈયાર થતી વ્યક્તિ વધારે આકર્ષક લાગતી હોય છે . એ સમયે એના વખાણ કરતાં શીખવું જોઈએ. આમ તો ફોટોજેનિક ફેસ હોવો એ કુદરતની કૃપા છે. તમે ગમે તેટલા સુંદર તૈયાર થયા હોવા છતાં ફોટામાં જામતા નથી. આ હિસાબે એક વાત હંમેશાં યાદ રાખવી કે આપણો શ્રેષ્ઠ કેમેરો એ નજર સામેનો અરીસો છે. કોઈ વખાણ કરે કે ના કરે પણ તૈયાર થતી વેળા દર્પણમાં જાતને જોઇને મલકી ઉઠવાનું. પ્રશ્ર્ન એ પણ છે કે મજાના તૈયાર થવામાં બે કલાક લગાડ્યા પછી તસ્વીર સારી ના આવે તો શું કરવું જોઈએ?

વેલ, જગતમાં બધા સોલ્યુશન છે પણ આપણે શોધતા નથી. જેમનો ફેસ ફોટોજેનિક ન હોય એમણે સારી તસવીર માટે ગોલ્ડન રેશિયોની ગણતરી કરીને મુખારવિંદની કેવી રીતે તસવીર લેવી જોઈએ એનો સેલ્ફી અને ફોટો શોખીનોએ ખાસ અભ્યાસ કરવો જોઈએ.

હા, પશ્ર્ચિમમાં એવું માનવામાં આવે છે કે સુંદર દેખાતી વ્યક્તિ સરેરાશ કરતાં પાંચ ટકા વધારે આવક ધરાવે છે. આવક વધારે હોય તો ખુશીઓ પણ વધારે હોય. એનો અર્થ એ થાય કે સુંદર વ્યક્તિ ખુશમિજાજ હોય છે… પ્રમેય પૂરો !

જો કે એક સમસ્યા એ પણ છે કે ઇન્ટરવ્યુ હોય કે મીટિંગમાં સુંદર વ્યક્તિઓને સરેરાશ કરતાં વધારે સવાલ પૂછવામાં આવે છે. જો કે સુંદર વ્યક્તિના જવાબ માટે એક સ્માઇલ પણ કાફી છે.

પોતાની સુંદરતાને મહત્ત્વ આપતા લોકો જાત પરત્વે બેદરકાર વ્યક્તિઓ કરતાં વધુ સુખી હોવાનું માનવામાં આવે છે. મહદઅંશે પુરુષ વર્ગ સુંદરતામાં જ સુખ શોધવા લાગે છે. આજકાલ સૌંદર્ય જન્મજાત રહ્યું નથી , પણ થોડા ચેન્જ અને સામાન્ય ફેશનના જ્ઞાન થકી આકર્ષક બની શકાય છે. આ કારણે જ સુંદરતા પર ક્યારેક નખરા હાવી થઈ જાય છે.

અહીં એક આડ પ્રશ્ર્ન ખરો કે નખરાને આંતરિક સૌંદર્ય કહી શકાય? નખરા કરતાં આવડવું એ પણ એક આર્ટ છે. વ્યક્તિ પ્રારંભમાં બાહ્ય આકર્ષણ શોધતો હોય છે, પણ એક સમય પછી આંતરિક સુંદરતા અનુભવવાની તલપ પણ રાખતો હોય છે.

સૌંદર્ય માટે આટલો લગાવ શા માટે?
આદર્શ વાતોમાં આંતરિક સૌંદર્યની વાત કરવી એ સામાજિક ફેશન છે, પણ હકીકત અલગ જ છે. વ્યક્તિને સુંદરતા માટે આકર્ષણ હોવું એ સાવ ખોટું પણ નથી-એ સામાન્ય બાબત છે. સમસ્યા એ છે કે આપણે આપણા પૂર્વજોની જેમ સૌંદર્યની વાતોને સહજ લેવાનું ભૂલી ગયા છીએ.

સૌંદર્યનું આકર્ષણ હોવાનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકોના દિલમાં જન્મજાત ડેટા પડેલો છે કે સુંદર વ્યક્તિઓ સ્વસ્થ હોય છે. એવું પણ માની લેવામાં આવ્યું છે કે સુંદરતા બુદ્ધિશાળીઓનું ઘરેણું છે. સુંદર વ્યક્તિ સલાહ આપે અથવા પોતાની પસંદગી જણાવે તો એને વધુ સહજતાથી માની લેવામાં આવે છે એટલે કે કોમર્શિયલ એડમાં સૌંદર્ય જ પ્રેરણા આપે છે કે પુરુષોએ દાઢી કરવા કઇ બ્લેડ વાપરવી જોઈએ. મગજમાં સૌંદર્યના ડેટા છુપાયેલા પડ્યા હોય છે અને સુંદરતાને નીરખવાનો યોગ આવે છે ત્યારે પેલા ડેટા ઉછાળા મારતો બહાર આવે છે. એડ એજન્સીવાળા જાહેરાતોમાં જે રીતે ગૃહિણી દર્શાવે છે એ જોતાં સરેરાશ દર્શક પોતાના અધૂરા સ્વપ્નમાં આત્મિયતા કેળવે છે. મોડેલિંગ હોય કે રાજનીતિ, સુંદરતા ફાયદાકારક છે, કેમ કે દુનિયાભરનો ભોળો સમાજ અજાણપણે માની લે છે કે સૌંદર્ય વિશ્ર્વાસપાત્ર હોય છે.

મનોવૈજ્ઞાનિક સંશોધનો છેલ્લા દોઢસો વર્ષથી સૌંદર્ય અંગે સંશોધનો કરે છે. સૌંદર્ય ફક્ત આંખોનું ભોજન નથી, પણ સૌંદર્ય સ્વયં નાનકડી ભાષા છે. આ ડેટા ફક્ત એણે શોધ્યા નથી ,પણ લાખો વર્ષની માન્યતાઓ, ન ગમતી તથા ગમતી બાબતો અને વ્યક્તિના જિન્સ પણ સૌંદર્ય શોધવામાં કારણભૂત ખરાં. ભારતીય ઉપખંડમાં ગોરી ચામડીનું પાગલપન છે એવું બીજે કદાચ જોવા નહીં મળતું હોય. સુંદર સ્ત્રીનું રસ્તામાં વાહન બગડે તો મદદ કરવા કેટલા બધા ઉત્સાહી જીવ ત્યાં એકઠા થઈ જાય છે ! આ એક સરેરાશ વૈશ્ર્વિક વાત છે એટલે બધું દિલ પે મત લો.. સૌંદર્ય જોનારની આંખમાં હોય છે એ માનવું કે નહીં એ પણ તમે જ નક્કી કરજો. આવા જ કારણોસર તો આજકાલ યુવાવર્ગ દાઢી રાખતો થયો છે. ક્લિન સેવ હોવી કે દાઢી પર અતિરેક વાળનો મધપૂડા જેવો જથ્થો ઓછો આકર્ષિત કરે છે, પણ હળવી દાઢી હોવી એ વ્યક્તિને વધારે આકર્ષક બનાવે છે એ હકીકત છે.

માનવજાતની સભ્યતા શરૂ થઈ હશે ત્યારથી સૌંદર્ય અંગે દરેકની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ અલગ અલગ રહ્યા છે અને રહેવાના. બાકી આંતરિક સૌંદર્ય વિશે જ્ઞાન આપનારાઓના રાફડા હમણાં ફૂટી નીકળશે.
ધ એન્ડ :

મજરુહ સુલતાનપુરી એક માત્ર ગીતકાર છે, જેમનાં ગીતોનું એક આલબમ આવ્યું હતું : ‘લાલ દુપટ્ટા મલમલ કા…’ ગુલશનકુમારના આ આલબમમાં ખાલી ગીતો જ હતાં. આલબમ સુપરડુપર હિટ થતાં એ ગીતો સાથે ફિલ્મ બનવી જોઈએ એવી ડિમાન્ડ શરૂ થઈ હતી..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…