ઈન્ટરવલ

કેવો હશે અંદાજપત્રનો અંદાજ આમઆદમીને ઠેંગો?

સરકાર ટેક્સની ટંકશાળનો કેવો ઉપયોગ કરશે?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે હવે સૌથી મહત્ત્વની ઘટના અંદાજપત્ર બનવાની છે. રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જોકે, મધ્યમ વર્ગના મનમાં અજંપો જ છે! સરકારને ભરપૂર કરવેરાની આવક તો થઇ છે, પરંતુ તેનો ઉપયોગ તે આવનારી ચૂંટણીને અનુલક્ષીને કરશે તો રાબેતા મુજબ મધ્યમવર્ગના ભાગે તો ઠીંગો જ આવશે એવી આશંકા ખાસ કરીને નોકરિયાત વર્ગને સતાવી રહી છે.

એક બહુપ્રસારિત અનુમાન અનુસાર જનરલ ઇલેકશન પહેલા સરકારના અંતિમ છતાં ખૂબ જ મહત્ત્વના આર્થિક દસ્તાવેજ એવા વચગાળાના બજેટનું પોકસ, ખાસ કરીને ગ્રામીણ સમાજના ગરીબ વર્ગોની સમસ્યા હળવી કરવાના મુદ્દા પર કેન્દ્રિત રહેવાની સંભાવના છે. આનો અર્થ એ થયો કે મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહત મળે એવા કોઇ અણસાર અત્યારે તો જણાતાં નથી.

આવકવેરા અને જીએસટી (ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ) બંનેની માસિક વસૂલીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને સરકારી અધિકારીઓના નિવેદનો જોતાં જણાય છે કે સરકાર કરવેરાના ઉછાળાથી ઊભરાયેલા ઘનના ઢગલાનો ઉપયોગ આગામી વચગાળાના બજેટમાં ખેડૂતો અને સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે વધુ ભંડોળ ફાળવણી માટે કરશે.

ઉપલબ્ધ માહિતી અનુસાર આવકવેરા અને કોર્પોરેટ ટેક્સમાંથી થઇ રહેલી વસૂલાત ચાલુ નાણાકીય વર્ષમાં એવો જોરદાર ઉછાળો દર્શાવે છે કે પ્રત્યક્ષ કરવેરાની કુલ વસૂલી, બજેટ અંદાજ કરતાં અંદાજે એક લાખ કરોડ રૂપિયા જેટલી વધી જાય તેવી શક્યતા છે.

સરકારે આ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરમાંથી રૂ. ૧૮.૨૩ લાખ કરોડ એકત્ર કરવાનું બજેટ નક્કી કર્યું હતું. દસમી જાન્યુઆરી સુધીમાં સીધા કરવેરાનું એકત્રીકરણ રૂ. ૧૪.૭૦ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. આ આંકડો બજેટ અંદાજના ૮૧ ટકા જેટલો છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મોરચે, સેન્ટ્રલ જીએસટીની આવક રૂ. ૮.૧ લાખ કરોડના બજેટ અંદાજ કરતાં અંદાજે રૂ. ૧૦,૦૦૦ કરોડ જેટલી વધી જવાની ધારણા છે. જોકે અનુમાન મુજબ આ નાણાકીય વર્ષમાં એક્સાઈઝ અને કસ્ટમ ડ્યુટી વસૂલાતમાં આશરે રૂ. ૪૯,૦૦૦ કરોડની અછત રહેશે.

આમ છતાં કેન્દ્ર સરકરાની સીધા કરવેરાની કુલ આવક રૂ. ૩૩.૬ લાખ કરોડના બજેટ અંદાજ સામે રૂ. ૬૦,૦૦૦ કરોડ જેટલી વધી જવાની ધારણા છે. ઇકરાએ તેના વચગાળાના બજેટ અપેક્ષા અહેવાલમાં જણાવ્યું હતું કે તે આબકારી જકાત અને આયાત વેરાની વસૂલીમાં ઘટાડા છતાં તે આગામી નાણાકીય વર્ષ (૨૦૨૪-૨૫)માં પ્રત્યક્ષ કર અને જીએસટી વસૂલાતની આગેવાની હેઠળ કુલ કરવેરાની આવક ૧૧ ટકા વધવાની અપેક્ષા રાખે છે.

આમ ઇકરાના, ઓછામાં ઓછા ૯.૫ ટકાના જીડીપી વૃદ્ધિના અનુમાન સાથે, નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૯ દરમિયાન જોવા મળેલી ઐતિહાસિક સરેરાશને અનુરૂપ, કરવેરાની વસૂલીમાં ઉછાળો તંદુરસ્ત રહેવાની ધારણા છે.

આ કરવેરાના ઉછાળામાં આમ જોઇએ તો નોકરિયાત અને મધ્યમ વર્ગનો ફાળો વધુ છે. અપ્રત્યક્ષ વેરાને પણ ગણતરીમાં લઇએ તો કારખાનાઓને ધમધમતા રાખવામાં મધ્યમ વર્ગનો સિંહફાળો ગણી શકાય. આમ છતાં નાણાં મંત્રાલય તરફથી જે સંકેત મળી રહ્યાં છે તે જોતા લાગે છે કે સરકાર નોકરિયાત અને મધ્યમવર્ગને માત્ર નાણાં વસૂલીનો સ્રોત જ સમજે છે અને દુર્ભાગ્યે આ વર્ગ માટે તેના જ નાણાંનો ઉપયોગ કરવાની સરકારની કોઇ તૈયારી નથી.

કરવેરાના એકત્રીકરણથી જે વધુ ભંડોળ પ્રાપ્ત થયું છે, તેનો ઉપયોગ ૨૦૨૪-૨૦૨૫ સુધીમાં રાજકોષીય ખાધને ૪.૫ ટકા સુધી ઘટાડવાના લક્ષ્ય ઉપરાંત સરકાર મનરેગા, ગ્રામીણ રસ્તાઓ, પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ વિશ્ર્વકર્મા યોજના જેવી સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે વધુ કરવા માગે છે અને તેની પાછળનો હેતુ આર્થિક કરતા રાજકીય વધુ લાગે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં, રાજકોષીય ખાધ, જે સરકારી આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે, તે જીડીપીના ૫.૯ ટકા રહેવાનો અંદાજ છે.

વર્તમાન વર્ષ માટે સરકારનું બજેટનું કદ રૂ. ૪૦ લાખ કરોડ હતું અને આવતા વર્ષે તે ૧૦ ટકા વધીને રૂ. ૪૩-૪૪ લાખ કરોડ થવાની શક્યતા છે. ૨૦૨૪-૨૫ના વચગાળાના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા કેન્દ્રિત યોજનાઓ માટેની ફાળવણીમાં વધારો થવાની ધારણા છે.

અલબત્ત સમાજિક અને માળખાકીય વિકાસ તરફ ધ્યાન આપવું આવશ્યક છે પરંતુ એ જ સાથે કરવેરાની વધતી વસૂલી સાથે તેનો વ્યાપ વધારીને તેનો બોજ આમઆદમીના ખભા પરથી ઓછો કરવાની દિશામાં પણ વિચાર કરવો જોઇએ. દર વર્ષે સરકાર આ અંગે વાતો કરે છે, પરંતુ તેનો અમલ થતો જોવાયો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા