આઇપીઓનું ઘોડાપૂર નાના રોકાણકારોએ શું કરવું જોઇએ?
બજારમાં એકસામટા ઢગલાબંધ આઇપીઓ ખડકાઇ રહ્યાં છે અને જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટિંગ પણ થઇ રહ્યાં છે તે જોતાં ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટર્સ મૂંઝાઇ રહ્યાં છે. અમુક રોકાણકારો તો બધા ઇશ્યૂમાં રોકાણ કરી રહ્યાં છે કે જેમાં લોટરી લાગે એ ખરી! પરંતુ સવાલ એ છે કે શું નાના રોકાણકારોએ આ ઘોડાપૂરમાં ઝંપલાવવું જરૂરી છે ખરૂ?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
શેરબજારની સુસ્ત અને નિરસ ચાલ સામે મૂડીબજારમાં જબરી ધમાલનો માહોલ જામ્યો છે. એક સાથે ઢગલાબંધ આઇપીઓ બજારમાં રીતસર ખડકાઇ રહ્યાં છે અને આશ્ર્ચર્યની વાત એ છે કે સેક્ધડરી માર્કેટની દશા ગમે તેવી હોય, પરંતુ બધાં ભરણા ભરાઇ તો જાય જ છે, અને જોરદાર પ્રતિસાદ સાથે લિસ્ટિંગ પણ ખૂબ જ અણધાર્યા પ્રીમિયમ સાથે થઇ રહ્યાં છે.
આ પરિસ્થિતિમાં જો શેર ના લાગે તો, રિટેલ ઇન્વેસ્ટર બાપડો વગર પૈસે લૂંટાઇ ગયાની લાગણી અનુભવે છે. લગભગ નિયમિત રીતે જબ્બર ઊંચા પ્રીમિયમે લિસ્ટ થનારા આઇપીઓના આંકડા જોઇને, પોતે રહી ના જાય એવી લાલસામાં અમુક રોકાણકારો તો બધા ઇશ્યૂમાં રોકાણ કરી રહ્યાં છે કે જેમાં લોટરી લાગે એ ખરી! પરંતુ સવાલ એ છે કે શું નાના રોકાણકારોએ આ ઘોડાપૂરમાં ઝંપલાવવું જરૂરી છે?
એ વાત નોંધવી રહી કે આપણે છેલ્લા ત્રણ મહિના કે છ મહિનામાં કેટલા આઇપીઓ આવ્યાં અને એ આઇપીઓએ કેટલા કરોડ એકત્ર કરી લીધા એની ચર્ચા નથી કરવી. આપણે એક જ કેન્દ્ર બિંદુ સાથે રોકાણકારોને સંદેશ આપવો છે, જે હવે ખૂદ બજાર નિયમાકે આપ્યો છે.
આપણે અત્યારની જ વાત કરીએ તો આ જ સપ્તાહે પાંચ આઇપીઓનું લિસ્ટિંગ થઇ રહ્યું છે અને તેમાં ત્રણ કંપનીઓનું તો ૩૦મીએ, એટલે કે ગુરુવારે લિસ્ટિંગ નિર્ધારિત છે. આ કંપનીઓમાં ટાટા ટેકનોલોજી, ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગાંધાર ઓઇલ રિફાઇનરીનો સમાવેશ છે. ફ્લેર રાઇટિંગનું લિસ્ટિંગ પહેલી તારીખે શુક્રવારે થશે.
આ કંપનીઓમાં ગ્રે માર્કેટમાં ભરપૂર પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. આ પૈકી ટાટા ટેક્નોલોજીસની સૌથી વધુ પ્રતીક્ષા છે. ગ્રે માર્કેટમાં તેની ઊંચા પ્રીમિયમ જોતા સંભવિત બમ્પર ઉછાળા પર રોકાણકારો અને વિશ્ર્લેષકોની ખાસ નજર રહી છે.
અનિલિસ્ટેડ અથવા ગ્રે માર્કેટ, કે જેનું કોઇ ઘણીધોરી નથી અને તેના પર કોઇ નિયમન નથી! શું આવા ભાવો સાંભળીને રોકાણકારોએ દોરાઇ જવું જોઇએ? અલબત્ત, આસ્બાના આગામન પછી હવે અગાઉની જેમાં રોકાણકારોના નાણાં બ્લોક નથી થઇ જતાં અને તેમને વ્યાજ પણ ગુમાવવું નથી પડતું, પરંતુ જીવ ટંગાયેલો રહે છે.
આગામી ત્રણ સત્રમાં મેઇનબોર્ડ પર એક પણ આઇપીઓ કતારમાં નથી. જોકે, વળી એસએમઇ સેગમેન્ટમાં પાંચેક આઇપીઓ આવી રહ્યાં છે.
મેઇનબોર્ડના આઇપીઓમાં રોકાણકારોએ કેવી દોટ મૂકી છે, તે જાણવા થોડી વિગતો જોઇ લેવામાં વાંધો નથી. ટાટા ટેકનોલોજીના આઇપીઓને વિક્રમી ૬૯.૪૩ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે અને લગભગ ૭૪ લાખ જેટલી રેકોર્ડ અરજીઓ મળી છે.
ખાનગી ક્ષેત્રની કોઇપણ કંપનીને આટલી અરજી મળી નથી. અગાઉ, જાહેર ક્ષેત્રની એલઆઇસીને સૌથી વધુ ૭૩.૩૮ લાખ આઇપીઓ અરજીઓ મળી હતી. પ્રાઇમરી માર્કેટમાં ૨૨ નવેમ્બરે એકસાથે પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. નોંધવાની વાત એ છે કે, એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સેે ચારે ભરણા માટે સારો ધસારો કર્યો હતો.
મૂડીબજારમાં પ્રવેશેલા ટાટા ટેકનોલોજીસ લિમિટેડનું ભરણુંં કુલ ૬૯.૪૩ ગણું ભરાયું છે. આ ભરણાંને ૭૩,૫૮,૧૫૯ બિડ મળી છે. ખાનગી કંપનીઓ માટે આ એક રેકોર્ડ છે કારણ કે બીજા મોટાભાગના સફળ આઇપીઓમાં ત્રીજા દિવસ સાથે ૩૦ લાખથી વધુ અરજી મળી હતી.
એલઆઇસીને ૭૩.૩૮ લાખ અરજી મળી હતી. રિલાયન્સ પાવરને ૪૮ લાખ, ગ્લેનમાર્ક લાઇફને ૩૯.૫ લાખ અરજી મળી હતી. જ્યારે એસબીઆઇ લાઇફને ૩૯.૦૪ લાખ અરજી મળી હતી.
ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયાનું ભરણું કુલ ૬૫.૬૨ ગણું ભરાયું છે. જ્યારે ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફરનું ભરણું કુલ ૪૯.૨૭ ગણું ભરાયું છે. એ જ રીતે, ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસનું ભરણું તુલનાત્મક રીતે નબળા પ્રતિસાદ છતાં કુલ ૨.૨૪ ગણું ભરાયું છે.
હવે ટાટા ટેકનોની વાત કરીએ તો એક અહેવાલ અનુસાર કંપનીના મોટા ક્લાયન્ટસના મુશ્કેલીમાં મૂકાવાને કારણે અનિલિસ્ટેડ માર્કેટમાં તેના શેરમાં ૯૦ ટકા જેવું તોતિંગ ધોવાણ થયું છે. હવે જો ઊંચા પ્રીમિયમની આશા સાથે કોઇ રોકાણકારે ઝંપલાવ્યું હોય અને આવા સમાચારે કમાવાને સ્થાને ધોવાણ થઇ જાય તો તેની મનોદશા કેવી થાય?
આવો ટ્રેન્ડ જોઇને ખૂદ બજાર નિયામકે પણ જાહેર હિતમાં એક નિવેદન કર્યું છે. ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના ચીફ માધબી પુરી બૂચે સ્પષ્ટ ભાષામાં એવી સલાહ આપી છે કે રિટેલ ઇન્વેસ્ટરે આઇપીઓના ઘોડાપૂરમાં તણાવાને સ્થાને સેક્ધડરી માર્કેટમાં રોકાણ કરવું વધુ હિતાવહ છે.
આઇપીઓની ભીડ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, નિયમનકર્તા આ બાબતમાં દરમિયાનગીરી કરવાનું ટાળે છે, કારણ કે તેમાં એક તક છીનવાઇ જવાનો મુદ્દો ઊભો થઇ શકે છે અને બજારમાં પોતાના પ્રાકૃતિક નિયમો પર ચાલતું હોય છે.
કંપનીઓ દ્વારા પ્રારંભિક પબ્લિક ઑફરિંગની ઉથલપાથલ વચ્ચે સેબી ચીફે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઇપીઓની પ્રાઇસ ડિસ્કવરી મિકેનિઝમ પરફેક્ટ નથી અને રિટેલ રોકાણકારો માટે કિંમત સેટલ થાય ત્યાં સુધી રાહ જોવી અને પછી સેક્ધડરી મારફતે રોકાણ કરવું તે વધુ સારી વ્યૂહરચના ગણાશે.
તેમણે એ બાબત તરફ અંગુલીનિર્દેશ કર્યો હતો કે આઇપીઓની કિંમત નક્કી કરનારી યંત્રણા પરિપૂર્ણ નથી.
આ સંદર્ભે એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે આઇપીઓમાં સંસ્થાકીય રોકાણકારોએ શેર ખરીદવા હોય, તો તેમણે મોટી ખરીદી કરવી પડશે, તેઓ સેક્ધડરી માર્કેટમાં ખરીદી શકતા નથી.
જ્યારે બીજી તરફ રીટેલ રોકાણકારોએ નાના લોટમાં ખરીદી કરવાની જરૂર છે, તેથી તેમને માટે વધુ સારી વ્યૂહરચના એ છે કે, તેઓ આઇપીઓ પછી ભાવ સેટલ થવાની રાહ જુએ, ત્રિમાસિક પરિણામો વગેરેનો અભ્યાસ કરે અને પછી સેક્ધડરી માર્કેટ મારફતે રોકાણ કરે.
સરળ શબ્દોમાં કહીએ તો, રિટલ ઇન્વેસ્ટર્સ આઇપીઓ પાછળ આંધળી દોટ મૂકવાને બદલે, શેરને વાસ્તવિક ભાવ સપાટી પર આવવા દઇ પછી અને આંબલી પીપળીને જોઇને નહીં, પરંતુ કંપનીના ફંડામેન્ટલને જોઇને રોકાણ કરવું જોઇએ.