ઈરાનમાં હવે કેવા સુધારા આવી શકે?
ઈરાનના નવા ચૂંટાયેલા પ્રમુખ મસુદ પેઝેશકિયાન ઉદારવાદી છે. એમના આગમન સાથે ઈરાનમાં વિજયોત્સવ જોવા મળ્યો છે. હવે ટ્ક્કર થશે ઉદારવાદ વિરુદ્ધ ઉદામવાદની.
પ્રાસંગિક -અમૂલ દવે
ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈશીની હેલિકૉપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થતાં પ્રમુખપદની ચૂંટણી યોજવી પડી હતી,જેમાં મસુદ પેઝેશકિયાને ઉદામવાદી સઈદ જલીલીને સાંકડી હાર આપી હતી.
પેઝેશકિયાન ૧૬,૩૮૪,૪૦૩ મત મળ્યા જ્યારે જલીલી ૧૩,૫૩૮,૧૭૯ મતો સાથે બીજા સ્થાને રહ્યા,
પેઝેશકિયાનની છાપ એક ઉદારવાદી અને સુધારવાદી નેતા તરીકેની છે. એમણે પ્રચાર દરમિયાન કઠોર બુરખા કાયદાને આસન બનાવવાનું વચન આપ્યું હતું. એમની જીતથી કોઈને નવાઈ લાગી નથી, કારણ કે શરૂઆતથી જ એ રેસમાં આગળ હતા, હા, એમની ઉમેદવારીને રદ ન કરવામાં આવી અને એમને ચૂંટણી લડવાની છૂટ અપાઈ એ મોટું આશ્ર્ચર્ય હતું.
ઈરાનમાં પ્રમુખપદના ઉમેદવાર ધર્મગુરુની બનેલી ગાર્ડિયન કાઉન્સિલ નક્કી કરે છે આ કાઉન્સિલમાં ખામેની અને એમના સાથીદારો છે. મત આપનાર મોટા ભાગના સુધારામાં માને છે અને ઉદામવાદી શાસનથી અસંતુષ્ટ છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે ઈરાનની જે રાજકીય સિસ્ટમ છે એમાં પ્રમુખ પાસે મર્યાદિત સત્તા છે. આથી એ આમૂલ પરિવર્તન કે ક્રાંતિ નહીં લાવી શકે. ઈરાનીઓને પણ ખબર છે કે નવા પ્રમુખ એ દીપકના નહીં, પરંતુ વીટીના જીન છે.
અલબત્ત, એક વાત નિશ્ર્ચિત છે કે પાંચ કટરવાદી મુલ્લા અને એક હિઝબલ્લીના શાસન પછી ઈરાનીઓને એવી પ્રતીતિ થઈ છે કે એમને એમના જેવો દેખાતા અને બોલતા પ્રમુખ મળ્યા છે.
ઈરાનના પ્રમુખ સુધારાવાદી છે, પરંતુ સ્વતંત્ર મિજાજના અને લોકશાહીના હિમાયતી નથી. એ પણ ઈસ્લામવાદી છે, એ માને છે કે વિનીત રીતિ-નીતિવાળા શાસક ધર્મગુરુઓ અને ઈરાનના સમાજને વધુ માફક આવશે.
સુધારકોએ ૧૯૯૭થી ૨૦૦૫ સુધી વહીવટી તંત્ર ચલાવ્યું છે. હસન રુહાનીએ ૨૦૧૩થી ૨૦૨૧ સુધી પ્રમુખ હતા. એમના શાસનને વધુ મુક્ત અને લોકતાંત્રિક ગણવામાં આવે છે.
૧૯૯૦ ના દાયકા બાદ ઈરાનમાં લોકોએ અસંતોષ દાખવ્યો છે, કારણ કે એમના પર દમન કરવામાં આવ્યું છે.
ઈરાનમાં મોટા ભાગની સત્તા સર્વોપરી નેતા આયાતોલ્લાહ અલ ખામેની પાસે છે. ખામેની પાસે વિદેશ નીતિ અંગે નિર્ણય લેવાની સત્તા છે. ગાર્ડિયન કાઉન્સિલ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર, અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ પણ એમના કબજામાં છે.
પેઝેશકિયાને ચૂંટણી પ્રચારમાં રૂહાનીની રણનીતિ અપનાવી હતી. એમણે કોઈ મોટાં મોટાં વચન આપ્યાં નહોતાં. એમણે કહ્યું હતું કે મારી નીતિ પશ્ર્ચિમ વિરોધી કે પૂર્વ વિરોધી નહીં હોય. એ અમેરિકા કરતાં યુરોપ સાથે સંબંધો સુધારવા વધુ ઉત્સુક છે. જોકે ખામેનીએ એમને આ વિચારોને વખોડી કાઢ્યા છે. એમનું કહેવું છે કે જે લોકો અમેરિકા સાથે સંંબંધો સુધારીને સમૃદ્ધિ લાવવા માગે છે એ લોકોને છેતરે છે.
અહીં એ હકીકત યાદ રાખવી જોઈએ કે ઈરાન નહીં, પરંતુ અમેરિકા અણુકરાર કરવામાંથી ખસી ગયું હતું. ૮૫ વર્ષના ખામેની એમની અમેરિકા વિરોધી અને ઈઝરાયલ વિરોધી નીતિ માટે જાણીતા છે. એ રશિયા અને ચીન તરફ ઢળેલા છે. આઈઆરજીસીની બાહ્ય પાંખ ક્યુડ્સ ફોર્સ પર પ્રમુખ નહીં, , પરંતુ ખામેનીનું પ્રભુત્વ છે.
ઈરાનના પ્રમુખે લઘુમતી જેવી કે ખુર્દીશ, બલુચ અને અઝેરિસ માટે પણ કંઈ કરવાની જરૂર છે. એ પોતે ખુર્દીશ છે. એ અઝરબૈજાન પ્રાંતમાંથી આવે છે જેના લોકો પર ઘણી તવાઈ, દમન અને જુલમ કરવામાં આવ્યા છે.
અહીં અત્યારે અર્થતંત્ર ખાડામાં ગયેલું છે. પ્રમુખે લોકોના
જીવન સુધારવા માટે ઈકોનોમી સુધારવી પડશે. અમેરિકાના આર્થિક પ્રતિબંધો, કરપ્શન અને ગેરવ્યવસ્થાને લીધે અર્થતંત્ર આઈસીયુમાં છે.
ઈરાન હમાસ અને હિઝબુલ્લાહને ટેકો આપવાનું ચાલુ રાખશે. પેઝેશકિયાને હિઝબુલ્લાહને ટેકો આપવાનું એના નેતા હસન નસરલ્લાને વચન આપ્યું છે. .
ગાઝામાં યુદ્ધની શરૂઆત થયા પછીથી ઈરાને ઇઝરાયલ પર હુમલો પણ કર્યો હતો. આ ઉપરાંત, ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો અને હિઝબુલ્લાહના લડવૈયાઓએ સતત ઇઝરાયલી જહાજોને નિશાન બનાવ્યા છે. હિઝબુલ્લાહ તો વારંવાર લેબેનોનથી ઇઝરાયલ પર રોકેટ છોડતું રહે છે. આના કારણે પશ્ર્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. પેઝેશકિયાને અહીં હૂથી બળવાખોરો અને હિઝબુલ્લાહ સાથે સંબંધો પણ સુધારવા પડશે.
અંતમાં કહીએ તો નવા પ્રમુખ ઈરાનમાં ક્રાંતિકારી ફેરફારો નહીં લાવી શકે. હા, એ ટૂંકા ગાળામાં સામાન્ય ઈરાનીઓનું જીવન થોડા અંશે બદલી શકે, પરંતુ એ લાંબા ગાળે કોઈ મોટો મૂળભૂત ફેરફરા નહીં કરી શકે.
કોણ છે આ નવા પ્રમુખ પેઝેશકિયાન..?
મસુદ પેઝેશકિયાન એક સર્જન રહી ચૂક્યા છે. એ હાલમાં દેશના સ્વાસ્થ્યમંત્રી છે. ચૂંટણીથી પહેલા રાજકીય ભાષણો દરમિયાન એમણે અનેકવાર હિજાબનો વિરોધ કર્યો હતો. મોરલ પોલિસિંગનો પણ એ વિરોધ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાઈ ગયો હતો. ઈરાનના સાંસદ તરીક્ મસૂદ પેઝેશકિયાને લખ્યું હતું કે ‘ઈસ્લામિક દેશમાં એક છોકરી મહસા અમીનીની એના હિજાબ માટે ધરપકડ કરવી અને પછી પરિવારને એનો મૃતદેહને સોંપવું સ્વીકારી શકાય નહીં.’
થોડા દિવસો પછી, જ્યારે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો અને સરકારે તેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે પણ એમણે ધમકીભર્યા રીતે કહ્યું કે ‘જે લોકો સુપ્રીમ નેતાનું અપમાન કરી રહ્યા છે… એ ભવિષ્યમાં સમાજમાં ગુસ્સો અને નફરત સિવાય બીજું કંઈ આપશે નહીં.’
રાજકારણમાં પ્રવેશ્યા પછી, એ સુધારાવાદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામીના શાસન દરમિયાન દેશના નાયબ આરોગ્યમંત્રી બન્યા હતા. જ્યારે ૨૦૦૯માં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં ત્યારે દેશમાં હિંસા ફાટી નીકળી હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન મસુદ પેઝેશકિયાને પ્રદર્શનકારીઓની સારવારની આકરી ટીકા કરી હતી, જેના કારણે એ કટ્ટરપંથી નેતાઓની ટીકાનો શિકાર પણ બન્યા હતા.
ભારત સાથે સારા સંબંધ સારા રહેશે.
ભારત-ઈરાન વચ્ચે ઐતિહાસિક રૂપે સારા સંબંધો રહ્યા છે. પેઝેસકિયાનના પ્રમુખ બનવાથી આ સંબંધો વધુ મજબૂત બનશે. બન્નેનું ફોકસ ચાબહાર બંદર પર રહેશે. ભારતે એમાં જંગી રોકાણ કર્યું છે. એની મદદથી પાકિસ્તાનની ઉપેક્ષા કરીને મધ્ય એશિયા સાથે ભારત સંકળાઈ શકશે. ભારતે એના ટર્મિનલના વિકાસ માટે ૨૫ કરોડ ડૉલરની ક્રેડિટ લાઈન દેવાની દરખાસ્ત મૂકી છે. વિદેશનીતિ તો ખામેનીના હાથમાં રહેશે અને એ પણ ભારતના સમર્થક છે.