ચૂંટણીમાં કેવો ઉમેદવાર હોવો જોઇએ?

એક વાર મત આપો ને આજીવન ખવડાવે એવો …!
વ્યંગ -ભરત વૈષ્ણવ
ચૂંટણીના જાહેરનામા, પ્રતીકોની યાદી અને ઉમેદવારાના મેનીફ્સ્ટો-વચનપત્રો, સંકલ્પપત્રો અને ગેરંટી કાર્ડ( માનો કે ચૂંટણી કોઇ પ્રોડકટ હોય અને કાયદા મુજબ ગેરંટી કે વોરંટી મળવાપાત્ર હોય અને ભંગના કિસ્સામાં ક્ધઝયુમર કોર્ટમાં કલેઇમ ફાઇલ કરી શકાતો ન હોય!!), સાહેબની ગેરંટીનો કોથાળો ભરીને સાહિત્ય લઇને રાજુ રદી મારા ઘરે આવ્યો.
‘રાજુ, આ શું છે? ચૂંટણીનું ફોર્મ- બોર્મ ભર્યું છે કે શું?કયા પક્ષે તારા પર ભરોસો કર્યો? કોનો દા’ડો ફર્યો છે કે ફૂટેલી કારતૂસ જેવા તારા પર ભરોસો મુકયો?’ મેં પૂછયું.
‘ગિરધરભાઇ, નેતા થઇને પ્રજાની ગાળો સાંભળવી તેના કરતાં પ્રજા થઇ નેતાને ગાળો દેવી સારી… હું જનતા જનાર્દન રહેવા માંગું છું.હું ભાગ્યવિધાતા અને રાષ્ટ્રનિર્માતા તરીકેની કિંગ મેકરની ભૂમિકામાં રહેવામાં દ્રઢ વિશ્ર્વાસ રાખું છું. મેં કદાપિ ચૂંટણી ન લડવાની ભીષ્મ-પ્રતિજ્ઞા લીધી છે!’ રાજુએ આ અગત્યની ઉદ્ધોષણા કરી.જો કે કોઇ પેપરે એની છીંકણી સમી નોંધ ન લીધી એ અલગ વાત છે..
‘રાજુ. હમણા પાંચ રાજ્યની વિધાનસભાનીની ચૂંટણી થઇ તેમાં તને શું મળ્યું?’ મેં પ્રલોભનકારી સવાલ ફેંક્યો.
‘બૂથ લેવલ ઓફિસર મતદાર કાપલી અને પાર્ટીવાળા એમના સિમ્બોલવાળી કાપલી ભટકાડી ગયા, જેમાં મતદાન કેન્દ્ર નંબર, મતદાર યાદી ભાગ ક્રમાંક વગેરે વિગતો આપી ગયા. તેના સિવાય બાબાજીનું ઠ્ઠુલ્લું ! ’ ‘બીજા લઇ ગયાને અમે રહી ગયા’ના ભાવ સાથે રાજુએ નારાજ સૂરમાં કહ્યું.
‘રાજુ. અંડર ઇવીએ’મ( ચૂંટણીમાં મતદારોને પ્રલોભન આપવાની રીત- રસમો માટે નવું નામાભિધાન!) લાભ મળ્યો હશે? ’ મેં રાજુને પૂછયું.
‘ગિરધરભાઇ . આ તો હરિના માર્ગ જેવું છે. મહીં પડયા તે મહાસુખ માણે, ચોખલિયા લટકી પડે રે લોલ! દરેક જગ્યાએ પાર્ટીઓના રસોડા ઓપન ફોર ઓલ હતા. મહિનો-દોઢ મહિનો રાત્રે પાઉંભાજી, ભજિયા, સમોસા, ચા-પાણી, મટન ચિકનની જયોફતો ઉડતી હતી…સાથે પેલી પોટલી પણ ખરી તેમાં ડુબકા માર્યા! ’ રાજુએ રહસ્યોગદ્ઘાટન કર્યું.
‘રાજુ, ચૂંટણીએ રાષ્ટ્રીય પર્વ છે.તેમાં બધા સ્ટેક હોલ્ડરોની પાંચે આંગળી ઘીમાં છે. ચૂંટણીતંત્ર બંધારણીય ફરજ અદા કરે છે. ન્યુનતમ ખર્ચ કરે છે. તું નહીં માને, પણ ૧૯૫૨માં લોકસભાની ચૂંટણી યોજનાનો કુલ ખર્ચ રૂપિયા ૧૦.૪૫ કરોડ થયેલો હતો. દરેક મતદાર દીઠ માત્ર સાંઇઠ પૈસા ખર્ચ થયેલો. આજે અડધી ચા તો ઠીક, પણ પાણીનું પાઉચ પણ ન મળે! આ હવે સને ૨૯૧૯માં વધીને રૂપિયા ૭૦૦૦ કરોડ થયો હતો ! ઉમેદવારો જીતવા માટે પૈસાનું પાણી કરે. ખાટસવાદિયા મંડપ ડેકોરેશન, ખેસ, બિલ્લા, ચોપાનિયા, કેટરિંગના કોન્ટ્રેકટ મેળવી લાખોપતિમાંથી કરોડોપતિ બનવા ઉધામા કરે. ઉદ્યોગપતિઓ બધા સાથે રાજકીય સંબંધોની તુલા સમતોલ કરવા ડોનેશન આપે-ઇલેકટરોલ બોન્ડ ખરીદે મતદારો પાંચ વરસે કિંમતી અને અમૂલ્ય ( કિંમતી અને અમૂલ્ય શબ્દો જ પારસ્પરિક વિરોધાભાસી છે!) મતનું ચવાણું, કૂકર, સાડી, રોકડ રકમ અને પોટલી (‘પોટલી?’ હા,ભાઈ..પોટલી..કયાં જમાનામાં જીવો છો, યાર? અહીં સુદામાના તાંદૂલની પોટલીની વાત નથી. પોટલી એટલે જાનમ સમજા કરો!) સ્વરૂપે કિંમત વસૂલે છે. બધી પાર્ટી પાસેથી વસ્તુ લઇ મત જેને આપવો હોય તેને જ આપે છે. આમ, કરપ્ટ હોવા છતાં આપણી લોકશાહીના મૂળિયા ઊંડા અને મજબૂત છે!’ મેં લોકશાહીનો મહિમા વર્ણવ્યો.
‘ગિરધરભાઇ. બધા પક્ષો રેવડીનો વિરોધ કરે છે પણ રેવડી બંધ કરવાની પહેલ કરતા નથી…ઊલ્ટાની આ રેવડી મોટી થઇને રેવડીનો લાડવો બની ગઇ છે.ચૂંટણીમાં અને ચૂંટણી પછી મતદારોને સાઇકલ , મંગળસૂત્ર, લેપટોપ, મિકસચર ગ્રાઇન્ડર, મધ્યાહ્ન ભોજન ,વાસણોને સેટ ,મફત વીજળી આવી પ્રજામનલુભાવન યોજનાથી તિજોરી ખાલી કરવામાં આવે તે અંગે સમાજશાસ્ત્રી નારાજગી જાહેર કરે છે, પણ કોઇના પેટની આગ ઠારવા માટે દિલચસ્પી દાખવતાં નથી!’રાજુએ વિવાદાસ્પદ મુદો રજૂ કર્યો .
ઉમેદવારો દ્વારા પણ જાતજાતના પ્રલોભનો આપવામાં આવે છે. નદી ન હોય ત્યાં પુલ બાંધી આપવો, દરિયો ન હોય ત્યાં જેટી બાંધી આપવી. ઇટાલીની ચૂંટણીમાં એક આમ્રપાલી ( અરે, વારાંગના-રૂપજીવિની) ઊભી રહેલી. એણે એવો વાયદો કરેલ કે ચૂંટણી જીતી જઇશ તો તમામને કીસ કરવા દઇશ. આ વાયદો સાંભળી ઘણા લોકોને ઇટાલીના નાગરિક થવાની ખંજવાળ ઊપડી હતી..! અલબત, મતદારોના કમનસીબે પેલી ચૂંટણી હારી ગઇ અને મતદારોના દિલના ટુકડા ટુકડા થઇ ગયા હતા! ’ મેં રાજુને કહ્યું.
‘ગિરધરભાઇ. એક ગામની મહિલા ઉમેદવારોના સમર્થકોએ મતદારોને ફલાવરના દડાની વહેંચણી કરી છે. ઉમેદવારે શરાબ, તમાકુ , બીડી કે સિગારેટ જેવા નુકસાનકારક વસ્તુના બદલે ઉપયોગી વસ્તુ આપવા સમર્થકોને હાકલ કરેલી…’ રાજુએ ગ્રામ્ય ખબરપત્રીની ભૂમિકા અદા કરી.
‘રાજુ. વિદેશોમાં મતદારોને ભરમાવામાં આવતા નથી. ઉમેદવારો ચૂંટણી લડવા ફંડ ઊભું કરે છે. ઉમેદવારો ચૂંટણીમાં રેવડી બાંટવા, સ્વપ્નોની ખેતી, વચનોની લાણી કરતા નથી. ત્યાં તો નો યોર કેન્ડિડેઇટ એટલે તમારા ઉમેદવારને ઓળખો નામનો કાર્યક્રમ થાય.,ઉમેદવાર શા માટે ચૂંટણી લડે છે, જીત મેળવશે તો શું કરશે વગેરેનો રોડમેપ કે બ્લુપ્રિન્ટ રજૂ કરે છે’! મે રાજુને માહિતી આપી.
‘ગિરધરભાઇ. દેશના નાગરિક તરીકે ઉમેદવાર પાસે તમારી શી આશા,અપેક્ષા , આકાંક્ષા, મહેચ્છા છે? ’ રાજુએ ચેનલના એન્કર જેવો સવાલ કર્યો.
જો રાજુ, આપણે જાણીએ છીએ કે સાઇકલ ચલાવતો માણસ ચૂંટણી જીતે એટલે પાંચ વરસમાં મર્સિડિઝ બેન્ઝમાં ફરે એટલો પૈસાદાર થવાનો છે. હું એક વાર મત આપું અને મને આખી જિંદગી બે ટાઇમ ભરપેટ જમાડે અને કદીક છાંટોપાણી કરાવે તેવો ઉમેદવાર જોઇએ. આવો ઉમેદવાર મળે એટલે મારો બેડો પાર! મેં મારી ઇતનીસી ખ્વાહિશ રજૂ કરી.
ખબર નહીં કેમ કે શું થયું… રાજુ રદી મારાથી નારાજ થઇ પગ પછાડતો
એના ઘરે જતો રહ્યો…