શિક્ષણક્ષેત્રમાં વારંવાર પુછાતો પ્રશ્ર્ન છે કે હાથથી લખવું જોઈએ કે ટાઈપિંગ કરવું જોઈએ? આ બેમાંથી ફાયદો શેમાં વધારે?’
એક કલ્પના એવી ઊભી કરવામાં આવી છે કે જ્યારે વ્યક્તિ હાથેથી લખે છે ત્યારે શબ્દ સાથે ભાવનાત્મક ચિત્ર ઊભું કરી શકે છે. લેખક શબ્દોના ભાવ સાથે એકાત્મકતા અનુભવે છે, કી-બોર્ડથી લખાતા શબ્દો સાથે ભાવ જોડી શકાતો નથી. શબ્દ સાથે આત્મીયતા કેળવવા નોટ- પેન જરૂરી છે.
આવી વાત સાથે બધાએ સહમત થવું જરૂરી નથી. એક વાત ચોક્કસ છે કે જ્યારે હાથેથી લખો ત્યારે એક શબ્દ સાથે અનેક શબ્દો સૂઝે છે, લખવામાં મૌલિકતા આવવાની શક્યતા વધુ રહેતી હોવાથી જેમણે લેખનક્ષેત્રે કારકિર્દી બનાવવી છે એમણે હાથેથી લખવાની પ્રૅક્ટિસ રાખવી જોઈએ.
એવું પણ માનવામાં આવે છે કે હાથથી લખો છો ત્યારે યાદ રહી જાય છે અને યાદશક્તિ વધે છે. આ વાત સાથે સહમત થવાનું મન એટલા માટે થાય કે જયારે તમે મોબાઈલ કે લેપટોપમાં લખતા હો ત્યારે લખતાં લખતાં બીજી અનેક પ્રવૃત્તિઓ યાદ આવે છે. વોટ્સએપથી માંડીને અસંખ્ય સાઇટ્સ ખોલવાનું મન થાય છે. ધ્યાનથી લખવાને બદલે મન અનેક વિચારોમાં પરોવાતું જાય છે.
Also Read – કચ્છી ચોવક : સંસ્મરણ ભૂંસાતાં નથી… મીં વસે બ ઘડિયૂં, છનૂં ગિયે છ ઘડિયું
એક અભ્યાસ એવું માને છે કે તમે હાથેથી લખો છો એ તમને કી- પેડ કરતા ૨૫% વધારે યાદ રહેવાની સંભાવના છે. તમે કી-પેડથી લખો છો ત્યારે એ સીધેસીધું અને છેકછાક વગર લખાતું હોય છે, જયારે હાથેથી લખો છો ત્યારે શબ્દો તથા એની આસપાસનું લખાણ અને પેજમાં સ્થાન યાદ રહી જતું હોવાથી હાથે લખેલું યાદ રહેવાની સંભાવના વધારે છે.
સામે પક્ષે કી-પેડથી લખતી વેળા ફાયદો એ થાય છે કે લખાણ દરમિયાન તમારે કોઈ રેફરન્સની જરૂર પડે તો આસાનીથી જોઈ શકો છો. આખી વાતનો સાર એટલો જ છે કે તમે મનને કેટલું બાંધી શકો છો એના પર બધો આધાર છે. ઘણા લેખક એકાંતમાં જઈને લખતાં હોવાનું કારણ એ જ હોય છે કે ધ્યાન ભટકે નહિ. મોબાઈલમાં લખતાં હોય તો ધ્યાનથી લખવામાં તકલીફ પડતી હોવાનો સહુને અનુભવ છે.
આમ તો લખવાની કળા પાંચ છ હજાર વર્ષથી છે. ચીનમાં કાગળની શોધ પછી વધુ વિસ્તરી હશે. જૂના સમયમાં કાપડ પર ખડિયા અને સોયા જેવી પેનથી લખતાં એ સિનેમામાં જોયું છે. હજારો વર્ષ અગાઉ આવી જ કોઈ ચર્ચા હશે કે લખીને યાદ રાખવું કે ભારતીય પરંપરાની જેમ શ્રુતિ સ્મૃતિ પરમ્પરા જાળવવી. જે રીતે જમાનો ટેક્નૉલૉજી સાથે ફાસ્ટ આગળ વધી રહ્યો છે એમાં સમયબદ્ધ લખવું જરૂરી છે.
જો ફાસ્ટ લખવું હોય તો કી બોર્ડ વધારે ઉપયોગી છે તથા લખ્યા પછી છેકછાક વગર આસાનીથી સુધારા-વધારા કરી શકાય છે. કોઈ વાક્ય અથવા પેરાગ્રાફને ઉઠાવીને અન્ય ક્રમે મૂકવો હોય તો આસાન રહે છે. કેટલાક લોકો માને છે કે કી-બોર્ડના ઉપયોગમાં સ્પેલિંગની ભૂલની સંભાવના ખાસ રહેતી નથી.
સામા પક્ષે હસ્તલિખિત આદતમાં સાચી જોડણીઓ શીખવા મળે છે અને જોડણી મુજબ ભાવવાહી લખી શકાય છે. કી બોર્ડથી લખતી વેળા બ્રેક લેવો આસાન છે. આ બ્રેક કલાકોનો હોઈ શકે કે મહિનાઓ સુધી બ્રેક લેવામાં વાંધો આવતો નથી.
જોકે, અહીં આપણે કેવી રીતે લખવાથી ફાયદો થાય છે એ વિષય પર કોઈ નિબંધ લખવા બેઠા નથી, પણ હકીકત એ છે કે લાંબા સમયથી પેન કે પેન્સિલ વડે લખવાની આદત ચાલી ગઈ છે. હાથેથી લખવું કે કી-પેડ થકી લખવામાં સૌથી અગત્યની વાત છે કે તમે લખો છો. નવું વિચારવું અને નવસર્જન કરવું અગત્યનું છે.
વેદ વ્યાસે ભગવાન ગણપતિજી પાસે લખાવ્યું છતાં ગણપતિજી કરતાં વેદ વ્યાસ લેખક તરીકે યાદ છે. મહાભારતનો વિચાર વેદ વ્યાસનો હતો.
દુનિયા માને છે કે પેન-પેન્સિલથી લખવાથી સરળતાપૂર્વક ઉમેરા કરી શકાય છે. હકીકત એ છે કે લખવાની પ્રૅક્ટિસ ચાલી જતાં અક્ષરો બગડી ગયા છે, આપણે પોતે જ પોતાનું લખાણ વાંચી શકીએ કે કેમ એ પ્રશ્ર્ન છે. વિજ્ઞાન એવું માને છે કે પેન -પેન્સિલ વડે લખવાથી આંગળીઓ અને મગજને શ્રમ મળે છે, અલગ અલગ અક્ષર લખવા માટે સતર્ક રહેવું પડે છે.
એમાં પાછું ‘ટ’ – ‘ડ’ કે પછી ‘ઠ’ કે ‘ઢ’ જેવા શબ્દોની પરખ અને એનાથી આગળ વધીએ તો ડિસ્લેક્સીયા જેવી બીમારીમાં હાથેથી લખવામાં ફાયદો થાય છે. મનોવિજ્ઞાનીઓ તો એવું માને છે કે જે વાક્ય તમે હાથેથી લખો છો એની મન અને મગજ પર અસર થતી હોય છે. તમે સતત એવું લખતા રહો કે ‘હું સુખનો અનુભવ કરું છું ’ તો આપોઆપ સુખનો અનુભવ થશે.
જ્યારે કોઈ દુ:ખ કે અશાંતિ સતાવતી હોય ત્યારે આ પ્રયોગ કરી શકાય છે. આપણે ત્યાં મંત્ર લખવાની પરંપરામાં આ સિદ્ધાંત વર્ષોથી ચાલ્યો આવે છે. સતત ‘રામ.. રામ’ કે ‘શ્રીકૃષ્ણ શરણમ્ મમ’ લખવાથી મન ઈશ્ર્વરમાં પરોવાતું હતું.
પ્રશ્ર્ન એ છે કે ફાયદા-ગેરફાયદાની વાતો તો કરી લીધી, પણ જાતને પૂછજો કે છેલ્લે પેન કે પેન્સિલ હાથમાં ક્યારે પકડી હતી. એક અભ્યાસ એવું કહે છે કે વિદ્યાર્થીઓ કે ઍકાઉન્ટવાળાને છોડતાં ચાળીસ દિવસમાં એકાદવાર પેનથી લખવામાં આવે છે. જો તમને હાથેથી લખવાનું મન થાય તો ગમતી પેન કે પેન્સિલનો ઉપયોગ કરજો. તમે પેન- પેન્સિલથી લખશો એટલે સ્પીડ ઘટી જશે અને વિચારો વધી જશે.
આ વિચારોને નોંધશો તો ખ્યાલ આવશે કે આપણા સુષુપ્ત મનમાં કેટલું બધું મૌલિક ભર્યું છે બિઝનેસ મીટિંગમાં નોટપેન વાપરવાનું સૂચન માટે આવો જ કોઈ ખ્યાલ હશે. તમારી ગમતી વ્યક્તિને એક પત્ર લખવાનું વિચારો અને એ પત્ર હાથેથી લખવો ગમશે કે કી-પેડથી તો ઉપાડો કલમ અને શબ્દોની રમતને આપો આમંત્રણ…
ધ એન્ડ :
પ્રેરણાની રાહ જોવાને બદલે કામ કરવાની શરૂઆત કરશો તો આપોઆપ પ્રેરણા મળવા લાગશે.