પોતાના નામે છૂટવું એટલે શું?
કચ્છી ચોવક – કિશોર વ્યાસ
“સૌ કો પિંઢજે નાલે છુટે શબ્દાર્થ છે: સૌ કોઈ પોતાના નામે છૂટે! એટલે શું? આ કાંઈ સ્પષ્ટ અર્થ હોય તેવું લાગતું નથી. તો? મને એમ લાગે છે ચોવક જરૂર કર્મની વાત કરે છે. મહર્ષિ વાલ્મીકિ જ્યારે વાલિયો લૂંટારો હતા ત્યારે એક મહાત્માએ તેને પૂછ્યું હતું કે, આ લૂંટફાટ તું કોના માટે કરે છે? તેણે જવાબ આપ્યો હતો કે મારા પરિવાર માટે. મહાત્માએ તેને કહ્યું: જા, જરા પૂછી આવ તો, તારી પત્નીને અને સંતાનોને કે તારાં આવાં ભૂંડા કર્મોના એ ભાગીદાર છે? એ ઘરે ગયા અને બધાને પૂછ્યું પણ જાણવા મળ્યું કે, એ કોઈ તેનાં આવાં લૂંટફાટનાં ખોટાં કામોમાં ભાગીદાર નથી. એ કર્મનાં ફળ તો વાલિયાએજ ભોગવવાનાં રહેશે! વાર્તા લાંબી છે, અને આપ સુજ્ઞ વાચકો જાણો છો. તો, એ અર્થના સંદર્ભમાં જ આ ચોવક પણ કહે છે કે, સૌ પોતાનાં કર્મથી બંધાયેલા છે.
એમ પણ કહી શકાય કે, ‘જેવું કરો તેવું પામો,’ ‘જેવું વાવો તેવું લણો’, ‘હાથનાં કર્યાં હૈયે વાગે,’ ‘જેવી કરણી તેવી ભરણી,’ ‘કરમની ગત ન્યારી’… વગેરે વગેરે! ચોવકમાં વપરાયેલા શબ્દોમાં ‘સૌ’ એટલે ‘સૌ,’ ‘કો’ એટલે કોઈપણ ‘પિંઢજે’નો અર્થ થાય છે, પોતાનાં ‘નાલે’ એટલે નામથી ‘છૂટે’નો અર્થ છે છૂટે! પણ ખરેખર અહીં તેનો અર્થ થાય છે ‘બંધાય’!
એવાજ અર્થવાળી બીજી પણ એક ચોવક કચ્છીમાં પ્રચલિત છે: “સૌ-સૌ પિંઢજો નિસીબ ખાય અહીં પણ ‘સૌ’ એટલે સૌ કે બધા, ‘પિંઢજો’ એટલે પોતાનું ‘નિસીબ’નો અર્થ છે નસીબ અને ‘ખાય’ એટલે ‘ખાય.’ શબ્દાર્થ છે: સૌ પોતપોતાના નસીબનું ખાય છે. મતલબ કે ભોગવટાનો આધાર જ ભાગ્ય પર છે.
જે સૌનું થાશે તે વહુનું થાશે. આ ગુજરાતી કહેવત જેવી ચોવક કચ્છીમાં બહુ વપરાય છે. ચોવક છે: “સૌ ગત સે વૌ ગત સરળ શબ્દોમાં તેનો અર્થ થાય છે કે લાભ-ગેરલાભ બન્ને સૌ સરખા થવા! અહીં હવે બે શબ્દો આપ સૌ માટે અજાણ્યા હશે, એક તો ‘ગત’ અને બીજો શબ્દ ‘વૌ’. ‘ગત’નાં મૂળ અર્થ છે: ચાલ, તાલ, રીત, સ્વર્ગ! અને ‘વૌ’ એટલે વહુ.
એક સરસ ચોવકનું સ્મરણ થાય છે: “હાર્યો કિતે પ નાંય પ્યો પ્રથમ શબ્દ છે ‘હાર્યો,’ જેનો અર્થ થાય છે વેરાયેલું. ‘કિતે’ એટલે ક્યાંય અને ‘પ’ એટલે પણ. ‘નાંય’ તો અર્થ થાય છે નથી અને ‘પ્યો’ એટલે પડ્યું હોવું. ચોવક મૂળમાં કર્મ અને ફળ તરફ જ સંકેત કરે છે. કહે છે: (તમને જે જોઈએ છે તે) ‘ક્યાંય વેરાયેલું નથી પડ્યું.’ મતલબ કે કર્મ કરીને મેળવો! અને એ પણ જે ભાગ્યમાં હશે તે જ અને તેટલું જ મળશે!
“હૂંધ વે ત મિડે સુજે ‘હૂંધ’ એટલે છત, મહેર અથવા સાહ્યબી. ‘વે’નો અર્થ છે હોય ‘ત’ એટલે તો અને ‘મિડે’નો અર્થ છે બધું. ‘સુજે’ એટલે સુઝે! સીધો શબ્દાર્થ એવો થાય છે કે, આર્થિક, સામાજિક અને વ્યવહારિક સધ્ધરતા હોય તો (કોઈ પ્રસંગનું) મોટા પાયા પર આયોજન થઈ શકે. બાકી તો, ‘ખેણ પિણ ખુધાવસુ’ એટલે કે ખાવા-પીવાનો આધાર પણ ભગવાન પર હોય! ચોવક છે: “હોય ત ઈધ, નિકાં રોજાઘરની આર્થિક સ્થિતિ પ્રમાણે ખાવા-પીવા મળે! ‘હોય’ એટલે કચ્છીમાં ‘હુવે’ અને બન્ને શબ્દાનો અર્થ છે: હોવું ‘ઈધ’ એટલે ઈદ. ‘નિકાં’નો અર્થ થાય છે… નહીંતર. ‘રોજા’ એટલે રોજા. (મુસ્લિમ બંધુઓના ઉપવાસ) જો ઘરમાં સમૃદ્ધિ હોય તો રોજ ઈદ (દિવાળી) અને નહીં તો… જળપ્રાસન!