શું ખંડાઇ રહ્યું છે મસાલામાં?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
આંતરરાષ્ટ્રીય બજારમાં દાયકાઓના દાયકાથી ભારતીય તેજાનાનો દબદબો ચાલી રહ્યો છે અને અચાનક એક પછી એક દેશના નિયામકો ભારતીય મસાલામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જોખમી તેમ જ કેન્સરને નોતરે એવાં તત્ત્વો હોવાના દાવા સાથે ભારતીય મસાલા સામે તપાસ ચલાવે કે સીધો પ્રતિબંધ જ મૂકી દે તો શું સમજવું?
આ પ્રકારની પ્રવૃત્તિ નાના દેશો તરફથી શરૂ થાય અને અમેરિકા જેવા વિશ્ર્વના સૌથી પ્રભાવશાળી એવા દેશ તરફથી પણ ભારતીય મસાલા સામે શંકાની સોય તાકવામાં આવે તો સવાલ એ જ થાય કે ક્યાંક આ ભારત સામે નવી ઇકોનોમિકલ કે ટ્રેડ વૉરનો એક ભાગ તો નથીને?
આવા વિચાર પાછળનું કારણ એ છે કે અગાઉ આ પ્રકારના અનેક કાવતરા થયા છે. ઉપરાંત વિશ્ર્વમાં અત્યારે ચારેતરફ યુદ્ધનો માહોલ છે અને ભારતના પાડોશી દેશ, તેમાં પણ ખાસ તો ચીન ભારતની પ્રગતિ સાંખી શકતું નથી એટલે જાત જાતના ગતકડાં કર્યા કરે છે. એ પણ ખરું કે, પાછલા કેટલાય દાયકાઓથી ભારત સામે આર્થિક યુદ્ધના નવા નવા પ્રયોગો અજમાવવામાં આવી રહ્યા છે.
અલબત્ત, આ જુદો અને વિષદ વિષય છે, જેના પર ફરી ક્યારેક ચર્ચા કરીશું. હાલ આપણે માત્ર વર્તમાન દેખીતી બાબતોના નિરીક્ષણને આધારે શું ચાલી રહ્યું છે તેનો જ તાગ મેળવીએ. ભારતીય મસાલાઓ વિદેશી બજારોમાં પ્રતિબંધ અને તપાસની પ્રક્રિયા હેઠળ પસાર થઇ રહ્યા છે. ગયા મહિને સિંગાપોર, હોંગકોંગ અને માલદીવે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચના કેટલાક મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) પણ ભારતીય કંપનીના મસાલાની તપાસ કરી રહી છે. આ સંદર્ભને આધારે ભારતીય ફૂડ રેગ્યુલેટર, એફએસએસએઆઈ મસાલા કંપનીઓ અને ફેક્ટરીઓની પણ તપાસ કરી રહી છે. તાજેતરમાં એફએસએસએઆઈએ મસાલા પાઉડર બનાવતી કંપનીઓના ઉત્પાદન એકમોનું નિરીક્ષણ, નમૂના લેવા અને પરીક્ષણ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સિવાય ફૂડ રેગ્યુલેટરે કહ્યું કે તમામ કંપનીઓના ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઈડની હાજરીનું પણ પરીક્ષણ કરવામાં આવશે. એમડીએચના ત્રણ મસાલામાં વધુ ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું હતું
હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે એમડીએચ ગ્રુપના ત્રણ મસાલા મિક્સ, જેમાં મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાઉડર અને કરી પાઉડરનો સમાવેશ થાય છે તેમાં ઈથિલિન ઓક્સાઈડનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું. આ કાર્સિનોજેનિક જંતુનાશક એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ મળી આવ્યું હતું.
ભારતીય ફૂડ રેગ્યુલેટરે સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે, ઉલ્લેખિત મસાલામાં દસગણા વધુ જંતુનાશકો (ઇન્સેક્ટિસાઇડ્સ)ની મંજૂરીના સમાચાર પાયાવિહોણા છે, એનાથી વિપરીત નિર્ધારિત માપદંડો કરતાં ઓછા જંતુનાશકોની મંજૂરી અપાઇ છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઇ)એ પ્રસાર માધ્યમોના તમામ અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ખાદ્ય નિયંત્રક જડીબુટ્ટીઓ અને મસાલાઓમાં નિર્ધારિત ધોરણ કરતાં દસગણા વધુ જંતુનાશકો ઉમેરવાની મંજૂરી આપે છે.
એફએસએસએઆઇએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આવા તમામ સમાચાર ખોટા અને પાયાવિહોણા છે. ભારતમાં મહત્તમ અવશેષ સ્તર (એમઆરએલ)નું માપદંડ અનુસરવામાં આવે છે, જે વિશ્ર્વના સૌથી કડક ધારાધોરણોમાંનું એક છે. જંતુનાશકોના એમઆરએલ તેમના જોખમ મૂલ્યાંકનના આધારે વિવિધ ખાદ્ય સામગ્રી માટે અલગથી નક્કી કરવામાં આવે છે.
એફએસએસએઆઇ જોકે એ સ્વીકાર્યું કે અમુક જંતુનાશકો ભારતમાં કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ (સીઆઇબી એન્ડ આરસી) પાસે નોંધાયેલા નથી. તેમના માટે આ મર્યાદા ૦.૦૧ મિલિગ્રામ પ્રતિ કિલોથી દસગણી વધારીને ૦.૧ મિલિગ્રામ પ્રતિ કિલો કરવામાં આવી હતી.
આ માત્ર વૈજ્ઞાનિક પેનલની ભલામણને આધારે કરવામાં આવ્યું હતું. સીઆઇબી અને આરસી જંતુનાશકોના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન અને સંગ્રહ વગેરેનું નિયમન કરે છે.
ભારતમાં સીઆઇબી અને આરસી સાથે ૨૯૫થી વધુ જંતુનાશકો નોંધાયેલા છે. તેમાંથી ૧૩૯ જંતુનાશકો મસાલામાં વાપરી શકાય છે. જ્યારે કોડેક્સે કુલ ૨૪૩ જંતુનાશકો અપનાવ્યા છે, જેમાંથી ૭૫નો ઉપયોગ મસાલામાં થઈ શકે છે.
કોડેક્સ એક વૈશ્ર્વિક સંસ્થા છે જે ઉપભોક્તા આરોગ્યના રક્ષણને ફોકસમાં રાખે છે અને ખાદ્ય વ્યવસાયનું નિરીક્ષણ કરે છે. તે આંતરરાષ્ટ્રીય સરકારી અને બિનસરકારી સંસ્થાઓ વચ્ચે ખાદ્ય ધોરણો નક્કી કરવા અને લાગુ કરવાની મંજૂરી આપે છે. કોડેક્સે મરચાંના પાઉડરમાં મિક્સ કરેલા માયકોબ્યુટેનિલ માટે ૨૦ મિલિગ્રામ પ્રતિ કિલોની મર્યાદા નક્કી કરી છે. જ્યારે એફએસએસએઆઇએ તેને માત્ર બે મિલિગ્રામ પ્રતિ કિલો સુધી મિશ્રણ કરવાની મંજૂરી આપે છે. એ જ રીતે, અન્ય જંતુનાશક, સ્પિરોમેસિફેન માટે, કોડેક્સે ૫ાંચ મિલિગ્રામ પ્રતિ કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે, જ્યારે એફએસએસએઆઈ માત્ર એક મિલિગ્રામ પ્રતિ કિલો સુધીની મંજૂરી આપે છે.
કોડેક્સે કાળા મરી માટે મેટાલેક્સિલ અને ‘મેટાલેક્સિલ-એમ’ના ઉપયોગ માટે બે મિલિગ્રામ પ્રતિ કિલોની મર્યાદા નક્કી કરી છે. જ્યારે, ફૂડ સેફ્ટી ઓથોરિટીએ તેને માત્ર ૦.૫ મિલિગ્રામ પ્રતિ કિલો સુધી મિશ્રિત કરવાની મંજૂરી આપે છે.
ખાનગી કંપનીઓએ તો પોતપોતાની રીતે સ્પષ્ટતા કરી છે અને વિદેશી ગ્રાહકો અને નિયામકોના દાવાને નકાર્યા છે. આ કંપનીઓએ એવા પણ દાવા કર્યા છે કે વિદેશમાં તેમની સામે કોઇ પ્રતિબંધ નથી મૂકાયો કે તપાસ નથી થઇ રહી! હવે ભારતીય ફુડ રેગ્યુલેટર આ દિશામાં તપાસ કરી રહ્યું છે અને તેના અંતિમ નિષ્કર્ષ પર નિરીક્ષકોની નજર છે.