…અંતે અમારા રાજુએ શેના કંકુના કર્યા!

વ્યાંગ-ભરત વૈષ્ણવ
‘મને કશું સમજાતું નથી. હું શું કરું?’ રાજુએ હોઠ ફફડાવી અસ્પષ્ટ સ્વરે કશુંક કહ્યું. રાજુ હેમલેટ નાટકના પાત્ર મેકબેથ( ક્યારેક લેખમાં વિલાયતી સાહિત્યકાર અને કૃતિનો ઉલ્લેખ કરવો જોઇએ. તેનાથી લેખનું વજન વધે છે લેખકે ફેસબુક કે પાસબુક સિવાય કોઇ રિયલ બુક વાંચી છે એવું વિવેચકને લાગે તે પણ જરૂરી છે.) જેવી ‘ટુ બી ઔર નોટ ટુ બી’ જેવી દ્વિધા અનુભવતો હતો. ‘રાજુ, શું વાત છે?’ મે રાજુને પૂછયું. કબજિયાત દૂર કરવા કોઇ ચૂર્ણ ફાંકે છતાં સુખદ પરિણામ ન મળતાં જે યંત્રણામાંથી પસાર થાય તેવી યંત્રણા રાજુના ચહેરા પર દેખાતી હતી.
‘ગિરધરલાલ, સમજાતું નથી કે હું શું કરું?’ રાજુએ ફરી એ વાતનું રટણ કર્યું. રાજુની તકલીફ સહદેવ જેવી હતી. સહદેવ અતિજ્ઞાની હતા. સહદેવને જ્ઞાનનો આફરો ચડે, પેટ અને મગજ ઢમઢોલ થઇ જાય છતાં સહદેવને કોઇ પૂછે નહીં તો સહદેવ કંઇ પણ લિકેજ સિપેજ કરી શકે નહીં. મેં પ્રશ્ર કર્યો. છતાં, રાજુ કંઇ બકવા તૈયાર ન હતો. કદાચ કોઇ સંવેદનશીલ મસલો હશે. રાજુ મને તેનો વિશ્વાસુ ન માનતો હોય એટલે ‘લવિંગ’નું નામ (મગ કયાં સુધી?! ) ‘એલચી’ પાડતો ન હતો.
‘રાજુ, તને વાત કરવા જેવી લાગતી હોય તો મને વાત કર. હું તેને અત્યંત ગુપ્ત રાખીશ. તું વાત કરીશ તો મન હળવું થશે. કોઇ સમસ્યાનું સચોટ સમાધાન થશે.’ ‘ગિરધરલાલ, મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. તમારાથી મારે શું ખાનગી રાખવાનું?’ રાજુએ મારા પર ભરોસો જતાવ્યો.
‘ગિરધરલાલ, ગુપ્ત રોગના દર્દી જેવી હાલત છે. ન સહેવાય કે ન કહેવાય ને મન કરમાય.’ ‘તો શું છે? રાજુ તું મગજની નસો ખેંચે છે. ઇનફ ઇઝ ઇનફ.’ માથાનો દુખાવો મટાડવાની ગોળી ગળતા મેં રાજુને વોર્નિંગ આપી.‘ગિરધરલાલ, આપણો મેળ પડી ગયો.’ રાજુના અવાજમાં આનંદ સ્ફૂર્યો. ‘એમ રાજુ? છોકરી ક્યાંની છે? છોકરી શું કરે છે? રૂપાળી છે શ્યામાંગના છે?’ મે લાયબંબાની જેમ સવાલોનો મારો ચલાવ્યો.‘ગિરધરલાલ, હું લગ્ન- બગ્નની વાત કરતો નથી.’ રાજુએ સ્પષ્ટતા કરી.
‘તો તું શેની વાત કરે છે?’ મેં આંધળે બહેરું કૂટ્યું .‘ગિરધરલાલ, મેં તાલુકા પંચાયતની સીટ માટે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. હું તેની વાત કરું છું.’ રાજુએ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.‘રાજુ, તે આ શું કર્યું? રાજકારણ તો કાદવકરણ છે. કોલસાની દલાલીમાં હાથ કાળા જ થાય.’ આવી એક -બે કહેવત સાથે રાજુને તતડાવ્યો.
‘ગિરધરલાલ, હવે જ મુશ્કેલી શરૂ થઇ છે. મેં ગણપત ગાંગડા પાસે ખાનગીખુલ્લો સર્વે કરાવ્યો. આપણા જીતવાના-હારવાના
ચાન્સીસ ફીફટી બિસ્કિટની જેમ ફીફટી ફીફટી છે. ચૂંટણી લડીએ પાંચ પચ્ચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરીએ અને હારી જઇએ તો ગોળી અને ગોફણ જાય. મતદારોને નોટ, લોટ આપીએ તો પણ આપણા પગ આગળ લોટપોટ થાય કે કેમ એ સવાલ છે. જો ચૂંટણી જીતી જઇએ અને પંચાયત પ્રમુખ થઈએ તો જ ચૂંટણીના ખર્ચા અંડાગંડા-કોઠાકબાડા કરીએ તો રિકવર થાય. વિપક્ષમાં બેસવાનું હોય તો ચાપાણી ગાંઠના પૈસે પીવા પડે.’ રાજુએ ડુંગર ખોદીને ઉંદર કાઢ્યો.
‘રાજુ, તારી વાત વિચારવા યોગ્ય છે.’‘ગિરધરલાલ, થોડા વરસોથી ધારાસભ્યોનાં અવિશ્વાસની દરખાસ્ત ચર્ચાની એરણ પર આવવાની હોય તેના બેત્રણ દિવસ પહેલાં લોકશાહીની રક્ષા એટલે કે હત્યા કરવા ધારાસભ્યોને રિસોર્ટ લઇ જવામાં આવતા હતા. સામેના પક્ષની સરકારને તોડવા ધારાસભ્યોને રિસોર્ટની સૈર કરાવવામાં આવતી હતી. રિસોર્ટમાં રહેલા ધારાસભ્યો ત્યાંથી પરત થયા પછી પણ ક્રોસવોટિંગ કરતા. હવે ચૂંટણીના ઉમેદવારો પક્ષનો વાડો કૂદીને સામેના ઢોરવાડામાં
અંતરાત્માના અવાજને અનુસરીને જતા ન રહે કે કોઇની તરફેણમાં ફોર્મ પાછું ન ખેંચે તે માટે રિસોર્ટમાં લઇ જવાનો નવોનકોર ટ્રેન્ડ શરૂ થયો છે. ઉમેદવારો પક્ષાંતર ન કરે અને પક્ષમાં ટકી રહે એ માટે તેમના કૂળદેવતા કે કુળદેવીના સોગંદ લેવડાવવામાં આવે છે. અલબત, ઉમેદવારોને પક્ષપલ્ટો કરતાં કે આયારામ- ગયારામ બનતાં કૂળદેવ કે કૂળદેવી રોકી શકતા નથી એ વાત અલગ છે.’ રાજુએ નવો ટ્રેન્ડ જણાવ્યો.
‘રાજુ, નેતાલોગ આટલા બધા અધોગામી થઇ ગયા છે??’ મેં રાજુને સવાલ કર્યો.‘ગિરધરલાલ, હવેની ચૂંટણીનો કોઇ ભરોસો નથી. મતદારો કોથળામાંથી બિલાડાને બદલે કોક્રોચ કાઢે છે. મને આપણા પક્ષમાંથી ફોર્મ પાછું ખેંચવા સાડા ત્રણ લાખ રૂપિયા અને હવેની ચૂંટણીમાં ટિકિટ આપવાની ખાતરી આપી છે. ઢોંગી પાર્ટીએ પાંચ લાખ રૂપિયાની ઓફર આપી છે. ભારતીય જુમલા પાર્ટીએ જુગારનો કેસ બંધ કરવા અને એક ખોખાની ઓફર આપી છે. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાની અને હું જીતી જઉં તો મંત્રી બનાવવાની ગેરેંટી આપી છે. હજુ રાહ જોઉ તો ચૂંટણી લડ્યા વગર અબજોપતિ બની જાવ તેવા ચાન્સ છે. મારે અર્જુનની જેમ ચૂંટણીક્ષેત્રે યુદ્ધ કરવું જોઇએ કે ‘રાજુને કહો મુઠીમાં બાંધ રૂપિયા અને ચૂંટણી પલાયન એ જ કલ્યાણ’ કરવું જોઇએ?’ રાજુએ આશાભરી નજરે જોયું. રાજુની દશા તાજેતરમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ ‘ફાટીને?’ જેવી હતી…?
‘રાજુ વિચાર કરવાનો સમય નથી. જે મળે તે ગજવે ઘાલી લે. ‘ચૂંટણી ફોર્મ નાંખ નદીમાં, રૂપિયે માર્ગ ચાલ’ મેં એક જાણીતી કાવ્ય પંક્તિને ટવિસ્ટ કરીને રાજુને સલાહ આપી.કહે છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. હવે એમાં ખુદા દેતા હૈ તો ચૂનાવ કા પર્ચા ફાડકર દેતા હૈ’ એવી ઉક્તિનો પણ સમાવેશ કરી લેવો જોઇએ. લક્ષ્મી ચાંદલો કરવા આવી તો રાજ મોઢું ધોવા ગયો નથી. રાજુએ કંકુના કર્યા છે. કંકુના છાંટણા કરી કરોડ રૂપિયાની કડકડતી કરન્સી વધાવીને નોટશાહીને મજબૂત કરી છે. જય નોટશાહી. જય વોટશાહી.