ત્યારે શું દેવી-દેવતા કોઈ પાર્ટીને પ્રમોટ કરતા હતા?
વ્યંગ -ભરત વૈષ્ણવ
‘ગિરધરલાલ, બધું ગોઠવાયેલું છે. બધા ઉપરવાળાના ખેલ છે.!’ આમ કહી રાજુ રદીએ યુક્રેન સાઇઝનો નિસાસો નાંખ્યો. રાજુ કોઇક મુદ્દે આહત થયો હોય એમ લાગતું હતું. ‘રાજુ, શું ગોઠવાયેલું છે? કોનું કોના દ્વારા ક્યારે ગોઠવાયેલું છે?’ રાજુના એબ્સર્ડ પ્રશ્ર્ન સામે મે પણ વોટર કેનનની માફક પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો. ગિરધરલાલ,આ સમષ્ટિમાં બધું પૂર્વ નિર્ધારિત છે. કોઇ આકસ્મિક નથી.ક્યાંય કાગડો બેઠોને કબીરવડ ઊથલી પડ્યો એવું જોગ-સંજોગ જેવું નથી. તમામ ઘટના-દુર્ઘટના નિયતિને અધીનસ્થ છે.’
આજે રાજુને ડહાપણનો એટેક આવ્યો કે શું?
રાજુ રદી ગુર્જિયેફ, ખલિલ જીબ્રાન, સોક્ર્ટિસ, કે થોરો જેવા દાર્શનિક જેવી બહેકી બહેકી વાત કરતો હતો. રાજુ, લગ્નની જોડી ઉપરથી ગોઠવાય છે અને પૃથ્વી પર ઔપચારિકતા નિભાવવામાં આવે છે. કદાચ તારા કિસ્સામાં ઉપરવાળાએ કોઇ ક્ધયા સાથે તને મેચ કરવાના બદલે મિસમેચ કર્યો હશે એટલે તું ખીલે બંધાતો નથી! મેં રાજુની થિયેરીને સમર્થન આપ્યું. ગિરધરલાલ, ઉપરવાળો બધા ચોકઠા ગોઠવે છે, છતાં આપણે શકટનો ભાર શ્ર્વાન તાણે એમ માની ફૂલણજી કાગડાની માફક ગરદન ફુલાવી ફૂલાઇએ છીએ. નીચેવાળા તો બસ પાથરણા પાથરે છે. નીચેવાળા ખુરશી ગોઠવે છે. નીચેવાળા તો પોસ્ટર ચોંટાડે છે. ચૂંટણીનો સમુદ્ર વલોવ્યા પછી ટિકિટરૂપી અમૃત આયાતી કે પૂોરશૂટ જમ્પિંગ કરનાર અન્ય પક્ષોના કચરાકાંચનને મળે છે. બીજા બધા અવગણનાનું હળાહળ વિષપાન કરે છે! રાજુએ ચૂંટણીની ચોવટ ડોળી. રાજુ, તું હવામાં તલવાર વિંઝ્યા કરે છે. સામે શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી. કોઇ નથી તો આ કસરત શું કામ કરે છે? કંઈક સમજાય એવું બોલ. મને એબ્સર્ડ કવિતા કે ક્થા-શૂન્ય વાર્તામાં રસ નથી! ‘મેં રાજુને ઝાટકી નાંખ્યો. ગિરધરભાઇ, તમને ખબર છે કે ભગવાન રામ શા માટે તીર કામઠું કે ધનુષબાણ રાખતા હતા?’ રાજુએ મને અઘરો સવાલ પૂછયો . રાજુ, મને એની ખબર નથી. રાધારાણી દેવાની જેમ હાથમાં તવેથો, વેલણ, સાણસી, ચીપિયો કેમ ધારણ કરે છે એની મને ખબર છે. કેમ કે, એ આયુધો મારા પર પ્રહાર કરવા રાખે છે જો કે, લોકો સ્વરક્ષણના બહાના હેઠળ ગન લાયસન્સ મેળવે છે અને ખરીદેલ રિવોલ્વર બેંકના લોકરમા રાખે છે. જો કે, રાધારાણી છૂટાહાથે આયુધોનો ઉપયોગ કરે છે! મેં રાજુને જવાબ આપ્યો. ગિરધરલાલ, ભગવાન રામ આર્ષદ્રષ્ટા એટલે વિઝનરી છે. ભગવાન રામને ભવિષ્યમાં કોઇ બાળાસાહેબ નામના હિન્દુ હૃદય સમ્રાટ પક્ષની સ્થાપના કરનાર છે અને એના પક્ષનું નિશાન તીર કામઠું રાખનાર છે એની પણ જાણ હતી. બાળાસાહેબને મદદરૂપ થવા ભગવાન રામે તીર-કામઠું રાખેલા એ કુદરતી સંયોગ કે ચમત્કાર છે!’ રાજુએ ધાર્મિક તર્ક રજૂ કર્યો. હોય નહીં. રાજુ, બાકી જો એમ હોય તો ઇટસ અનબિલીવીબલ-માન્યમાં ન આવી એવું છે. બાકી તું આમથાં આવાં ચાકઠાં ન બેસાડ..!
‘ગિરધરલાલ, આ સાંભળો શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવ જાતકોને ત્રાહીમામ્ કરાવી દે છે. શનિદેવ પ્રસન્ન થાય તેને ન્યાલ કરી દે.. શનિદેવે અમેરિકાના ડેમોક્રેટસ પાર્ટી પર કોટિ કોટિ કૃપા કરી છે. એ પક્ષની સ્થાપના પૂર્વે જ શનિદેવે તેના પર અસીમ કૃપા વરસાવી છે. શનિદેવ એ એવા દેવ છે કે એમણે વાહન તરીકે ગદર્ભ એટલે કે ડોન્કીનો ઉપયોગ કરીને ડેમોક્રેટસ પાર્ટીનો અનપેઇડ પ્રચાર કમ આશિષ આપે છે!’ રાજુએ બીજો ગપગોળો હાંકયા રાજુ, રાત્રે કોઇ ઉમેદવારના ખર્ચે અને જોખમે છાંટોપાણી કર્યો હોય તેનો હેંગઓવર છે કે શું? ‘ગિરધરલાલ, બધા દેવ-દેવી ભક્તોને આશીર્વાદ આપવા થોડો વળેલો હાથ શું કામ દર્શાવે છે.? એ કૉંગ્રેસયુક્ત ભારતની મનોકામના વ્યકત કરે છે. આશીર્વાદરૂપે પંજો દેખાડે છે!’ રાજુ રદીએ પ્રભુની આશિષ મુદ્રાનું રાજકીય અર્થઘટન કર્યુ. ‘ગિરધરલાલ, સ્વર્ગના અધિષ્ઠાતા ઇન્દ્ર અને ભગવાન ગણેશ હાથીનો વાહન તરીકે ઉપયોગ કરતા હતા. લક્ષ્મીજીની આજુબાજુ બે હાથીઓ સૂંઢથી માતાજી પર સુવર્ણમુદ્રાની વર્ષા કરતા હોય છે. એ તમામ બહુજન સમાજ પક્ષના સમર્થક ગણાયને ?’ રાજુએ નવું ધૂપ્પલ ચલાવ્યું. રાજુ કુંછ ભી? રાજુ તું અર્બન કે અર્નબ ગોસ્વામી નથી. તારાં આ બધા ટાઢા પહોરના ગપ્પાંનો કોઇ આધાર ખરો? અમે અકળાયા. ગિરધરલાલ, એક વાત જાણી લો કે રાજુની કોઇ વાત નિરાધાર ન હોય. આપણા સાહેબની એક રેલીમાં લક્ષ્મીજીના હાથમાં કમળનું ફૂલ છે એ અદ્ભુત સંયોગ છે. કમળનું ફૂલ સાહેબના પક્ષનું નિશાન છેને?! હમ્મ્મ. હવે રાજુ રદીની વાત ન માનવા માટે મારી પાસે કોઇ કારણ ન હતું. દેવી-દેવતા જે તે સમયે અસ્તિત્વમાં ન હતી તેવી પોલિટીકલ પાર્ટીને જાણતા-અજાણતા પ્રમોટ કરતા હશે? સાચું – ખોટું તો મારા રામ જાણે.