ઈન્ટરવલ

મેકોલે પહેલાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ હતું?

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

મેકોલે

ઉનાળુ વેકેશન પૂરું થતાં ધીમે ધીમે શાળાઓ નવું સત્ર શરૂ કરી રહી છે. ઘણી શાળાઓમાં નવા શિક્ષકની ભરતી ચાલતી હશે તો ઘણી બધી શાળાઓમાં સિલેબસ અનુસાર અભ્યાસ શરૂ થઈ ગયો હશે. દર વર્ષે શાળા શરૂ થાય કે પછી અભ્યાસ દરમિયાન બાળક તેની ક્ષમતા મુજબ પફોર્મન્સ કરતો નથી ત્યારે લગભગ દરેક મિત્રો પાસે શિક્ષણ જગત માટે ચર્ચા કરવાનો કોમન સબ્જેક્ટ હોય છે કે મેકોલેના અંગ્રેજી શિક્ષણ થકી ભારતના એજ્યુકેશન સિસ્ટમમાં ફક્ત ક્લાર્ક જ તૈયાર થાય છે.

ભારતમાં એજ્યુકેશન સિસ્ટમના ખરાબા માટે તથા અંગ્રેજી શિક્ષણ માટે મેકોલેનું નામ વાપરીને છૂટી જવું સૌથી સરળ છે. આપણો પ્રશ્ર્ન છે મેકોલે ભારતમાં આવ્યો એ પહેલાં અંગ્રેજી શિક્ષણ હતું કે નહીં એ જાણવું જરૂરી છે. મેકોલેએ ભારતમાં છેક વર્ષ ૧૯૩૫ આસપાસ આવ્યો. અહીં બ્રિટિશ શાસન તેના પંચોતેર વર્ષ પહેલાં શરૂ થઈ ચુક્યું હતું. આ સમય દરમિયાન ભારતમાં શિક્ષણ અંગે શું સ્થિતિ હતી એ પણ જાણવી જરૂરી છે. ભારતમાં બ્રિટિશ કંપની શાસન પહેલાં સંસ્કૃત અને ફારસી ભાષામાં શિક્ષણ આપવામાં આવતું હતું. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનો સમય તથા શિક્ષણમાં ક્રાન્તિ થઈ રહી હતી એ સમયે ભારતમાં બંને ભાષામાં સાહિત્ય, દર્શન શાસ્ત્ર, ગણિત, જ્યોતિષ જેવા વિષયો ભણાવવામાં આવતા હતાં. એ યુગમાં પણ વડવાઓ એજ્યુકેશનનું મહત્ત્વ સમજતા હોવાથી અભ્યાસ માટે પ્રાથમિક સગવડો ધનિક વર્ગ તથા રાજવી પરિવાર તરફથી મળતી હતી.

કંપની સરકારનો નિયમ હતો કે ભારતીય ઉપખંડમાં ધાર્મિક બાબતોમાં દખલ કરવી નહીં. કંપની સરકારનો હેતુ વ્યવસાય કરવાનો હતો, તેમને અહીંથી નાણાં કમાવવા હતાં. યુરોપના ઔદ્યોગિક એકમોમાં બનતો માલ માટે બજાર જોઇતું હોવાથી ભારતમાં ધાર્મિક બાબતોથી આ લોકો દૂર રહેતા હતાં. કેટલાક પુસ્તકો એવો પણ ઉલ્લેખ વાંચવા મળે છે કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા પર પ્રતિબંધ હતો, જો કોઇ યુરોપિયન પ્રચાર કરતો પકડાઇ જાય તો આર્થિક દંડ તથા જેલ સુધીની સજાની જોગવાઈ હોવાનું માનવામાં આવે છે.

ભારતમાં બ્રિટિશ શાસન સાથે નાનકડા વિસ્તારમાં પોર્ટુગીઝ શાસન હતું. પોર્ટુગીઝ પ્રજાએ શિક્ષણ માટે દીવ, દમણ અને ગોવામાં પદ્ધતિસર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી. ભારતમાં શાળાઓ અંગે ખ્યાલ આપવામાં પોર્ટુગીઝ રોબર્ટ નોબિલીનું નામ અગ્રતાક્રમે કહી શકાય. નોબીલીએ પોર્ટુગીઝ વિસ્તારમાં ઘરે ઘરે રખડીને બાળકોને શિક્ષણ માટે તૈયાર કર્યા.

ભારતમાં જે રીતે હાલમાં વહીવટી ભાષા તરીકે અંગ્રેજીનો દબદબો છે એ રીતે મુઘલ તથા અન્ય મુસ્લિમ શાસકોને લીધે સરકારી તંત્રમાં ફારસી ભાષાનો વપરાશ હતો. એક સમયે અંગ્રજો પણ ફારસી ભાષા શીખતા હતાં.

મુસ્લિમ શિક્ષણમાં ધાર્મિક બાબતોનો પ્રભાવ વધારે હોવાથી બ્રિટિશ સરકારી તંત્રમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ હિન્દુ હતાં. હિન્દુ ધર્મની વિવિધ પરંપરિઓને કારણે શિક્ષણનું પ્રમાણ હિન્દુઓમાં વધારે થવા લાગ્યું. વર્ષ ૧૭૯૧માં એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો મેકોલાના ચાર દાયકા પહેલાં જોનેથન ડંકનની મદદથી બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના થઇ. કલકત્તામાં વર્ષ ૧૮૦૦માં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઇ. આ કોલેજમાં બ્રિટિશરોને ભારતીય સંસ્કૃતિ વિશે ભણાવવામાં આવતું હતું. જ્યારે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરાવવાનો હોય તો તજજ્ઞોની જરૂર પડે. આ કોલેજમાં ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર જેવા વિદ્વાન ભણાવવા માટે આવતા. ડો ગિલક્રિસ્ટ ઉર્દુ ભણાવતા હતા જેમણે ઉર્દુ અંગ્રેજી ડિક્સનરી બનાવી. ભારતીય વિદ્વાનોએ કોલેજ વિશે સમજ પ્રાપ્ત થતાં ભારતીય હિન્દુ મુસ્લિમ અને મહીલાઓ માટે વ્યવસ્થા કરવાનો વિચાર આવ્યો. આ વિચાર મૂર્તિમંત થવા લાગ્યો.

મેકોલેના ભારત પ્રવેશના દાયકાઓ અગાઉ શિક્ષણનું મહત્ત્વ આપણા વડવાઓ સમજતા હતાં અને જેમ જેમ વ્યવસ્થા ગોઠવાતી ગઇ એમ આધુનિક શિક્ષણ પરંપરાઓ પણ ભારતીય ઉપખંડમાં શરૂ થઈ. આ બધા માટે કોઈ મેકોલે આવે એની રાહ જોવામાં આવી ન હતી. ભારતમાં આધુનિક શિક્ષણ પદ્ધતિની જરૂરિયાત પર સર ચાર્લ્સ ગ્રાન્ટે અવાજ ઉઠાવ્યો. તેણે બ્રિટનની સંસદ તથા પ્રતિષ્ઠિત લોકો સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી કે જે દેશ તમને કરોડો રૂપિયાની કમાણી કરાવે છે એ દેશમાં એજ્યુકેશન પાછળ પૈસા વાપરવા એ આપણી ફરજ છે. એક સમયે ભારતની સત્તા પર બેઠેલા બ્રિટિશરો તથા લોર્ડ પિન્ટો જેવા સત્તાધીશોને લાગ્યું કે ભારતમાં શિક્ષણ માટે ખર્ચ કરવો જરૂરી છે.

છેક વર્ષ ૧૮૧૩માં બ્રિટિશ સંસદે નક્કી કર્યું કે ભારતમાં એજ્યુકેશન માટે વર્ષમાં એક લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવી જોઈએ. પ્રારંભમાં ગ્રાન્ટના નાણાં થકી સંસ્કૃત અને ફારસી પુસ્તકો છાપીને દેશભરમાં નજીવી કિંમતે આપવામાં આવતા પણ આ પ્રથાને ખાસ સફળતા મળી નહીં.

ભારતીય ઉપખંડમાં શિક્ષણને ઉત્તેજન આપવા માટે દિલ્હી અને કલકત્તામાં સંસ્કૃત કોલેજની શરૂઆત થઈ પણ રાજા રામમોહનરાયનો મત હતો કે ભારતીય શિક્ષણ સાથે ભારતમાં આધુનિક યુગમાં થતી શોધખોળ તથા ઔદ્યોગિક વિકાસ થઈ શકે એ પ્રકારનો અભ્યાસ શરૂ કરવાની જરૂર છે. ઓગણીસમી સદીના બીજા ત્રીજા દાયકામાં મિશનરી શાળાઓને પરવાનગી મળવા લાગી. આ સાથે ભારતમાં શિક્ષણનો નવો યુગ શરૂ થયો. મદ્રાસ, બનારસ, આગ્રા સહિત દેશના વિવિધ વિસ્તારોમાં શાળા કોલેજો શરૂ થવા લાગી. રાજા રામમોહનરાયે આધુનિક શિક્ષણના પ્રારંભ અને વિકાસ માટે અથાગ પ્રયત્નો કર્યા. રાજા રામમોહનરાય આધુનિક શિક્ષણ સરળતાથી મળી શકે એ માટે છેક બ્રિટન ગયા અને આધુનિક શિક્ષણના અભ્યાસક્રમ માટે ભાર મૂક્યો. આપણા વડવાઓને ખબર પડવા લાગી હતી કે ભવિષ્યમાં સરકારી ભાષા તથા વિજ્ઞાનના યુગમાં અંગ્રેજીનું મહત્ત્વ થવાનું છે તેથી અંગ્રેજી શિક્ષણ પર ભાર મુકાવા લાગ્યું. ભારતમાં મેકોલેના પ્રવેશ પહેલાં આપણા વડવાઓના પ્રયાસ થકી આધુનિક શિક્ષણનો પાયો નખાઈ ગયો હતો. મુસ્લિમ સમાજે પશ્ચિમની ભાષાનો વિરોધ કર્યો પણ હિન્દુ વિચારકોના પ્રયાસ થકી બંગાળમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ સામાન્ય થતાં અધિકારી વર્ગમાં હિન્દુઓની સંખ્યા અસરકારક રીતે વધવા લાગી હતી.

આખી વાતનો સાર એટલો જ કહી શકાય કે મેકોલે ભારત ના આવ્યો હોત તો પણ આધુનિક શિક્ષણ ભારતમાં આવ્યું જ હોત. સામાન્ય સંજોગોમાં ભારતીયોને જૂનવાણી વિચારધારાના સમર્થક માનતા હોય પણ આ દેશે કોઈ મેકોલેની રાહ જોયા વિના દુનિયા સાથે કદમ માંડવાની તૈયારી કરી લીધી હતી. રાજા રામમોહનરાય પણ બ્રિટન જઇને ભારતમાં આધુનિક શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતાં હશે તો એમના વિચારોના અહીં હજારો સમર્થકો પણ હશે જેમને અંગ્રેજી શિક્ષણ મેળવીને દુનિયા સાથે કદમ મેળવવા હશે. આજે વિશ્ર્વમાં ટેકનોસેવી કોર્પોરેટથી માંડીને આરોગ્ય સુખાકારી સુધી ભારતીયોની બોલબાલામાં આપણા જ વડવાઓની દીર્ઘદૃષ્ટિ હતી.

ધ એન્ડ :
બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે અપાતું શિક્ષણ બુદ્ધિગમ્ય નથી. ભવિષ્યમાં શું થવાનું છે એની કોઇને ખબર નથી તેથી બાળકોને વર્તમાન માટે તૈયાર રાખવાની જરૂર છે. (રુસો)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ