મિડલ ઈસ્ટમાં ભડકી યુદ્ધની આગ: ત્રીજા વિશ્ર્વ યુદ્ધના નખાશે બીજ?

પ્રાસંગિક -અમૂલ દવે
મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું છાયા યુદ્ધ સીધાયુદ્ધમાં પરિવર્તિત થઈ જશે એવો ભય વ્યાપી ગયો છે. ઈઝરાયલે ઈરાનની ધરતી પર હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયેની હત્યા કરીને ઈરાનનું નાક કાપી નાખ્યું છે. ઈઝરાયલે તાજેતરમાં ત્રણ અલગ દેશનાં સ્થળોમાં ત્રણ રાજકીય હત્યા કરીને સાબિત કર્યુ છે કે તેને ગાઝાપટ્ટી પર ચાલતા યુદ્ધ અટકાવવાની સંધિ કરવામાં કોઈ રસ નથી. ઇઝરાયલના સ્વાર્થી અને સત્તાલોલુપ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યેનકેન પ્રકારે સત્તા પર ચીટકી રહેવા આખા મિડલ ઈસ્ટને સ્ફોટક સ્થિતિમાં ધકેલી દીધું છે.
ઇરાન અને હમાસે શાંતિ વાતચીતમાં સામેલ થવાનું આમંત્રણ નકારી કાઢયું છે. અમેરિકાના વિદેશ ખાતાએ ચેતવણી આપી છે કે ઇરાન હમાસે આ અઠવાડિયે કરે એવી સંભાવના છે. અત્યાર સુધી ગુપ્ત રીતે ઇરાનને ટેકો આપી રહેલા ચીને હવે ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ચીન કહ્યું છે કે ઇઝરાયલ ઇરાનના સાર્વભોમત્વનો વારંવાર ભંગ કરે છે. ઇરાનને ટેકો આપીએ છીએ. બે સુપર પાવર ચીન અને રશિયા ઇરાનને ટેકો આપી રહ્યા છે. બીજી બાજુ અમેરિકાએ વોરશિપ, યુદ્ધ જહાજ વગેરે મોકલે તેણે ઇઝરાયલને પડખે ઊભા રહેવાનું જાહેર કર્યું છે.
અમેરિકા પ્રમુખપદની ચૂંટણીમાં રંગાઈ ગયું છે અને અત્યારના પ્રમુખ જો બાઇડેન પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા છે એનો ફાયદો નેતન્યાહુ લઈ રહ્યા છે. નેતન્યાહુએ શાંંતિ વાટાઘાટોમાં કદી ગંભીરતા દાખવી નહોતી. બાઈડેને એમના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્તાલાલસાને લીધે નેતન્યાહુએ એમની ઉપેક્ષા કરી હતી. ઈઝરાયલે બધી જ મર્યાદા ઓળંગી દીધી છે. હિઝબુલ્લાએ ગયા અઠવાડિયે ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો છે, પરંતુ ઈઝરાયલની શક્તિશાળી સંરક્ષણ સિસ્ટમે મોટા ભાગના હુમલા ખાળીદીધા છે. અમેરિકાએપણ વોરશિપ અને ફાઈટર વિમાનો મોકલીને મિડલ ઈસ્ટમાં પોતાની હાજરી વધારી દીધી છે. બીજી બાજુ, ઈઝરાયલે લેબેનોન અને સીરિયામાં હિઝબુલ્લાના ઠેકાણા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. અનેક દેશોએ લેબેનોન, ઈરાન અને ઈઝરાયલમાં હવાઈ ઉડ્ડયનો બંધ કરી દીધા છે. ચીન વાયા રશિયા ઈરાનને હથિયાર મોકલાવી રહ્યું છે. ઈરાન આ વખતે ઈઝરાયલ પર કોસ્મેટિક હુમલો કરીને ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવી શકે એમ નથી. ઈઝરાયલે સીરિયાના દમાસ્કસ ખાતેના ઈરાનના રાજદૂતાલય પર હુમલો કર્યો હતો ત્યારે ઈરાને ધૈર્ય રાખ્યું હતું, પરંતુ આ વખતે ઈરાનના સંયમના બધા બંધ તૂટી ગયા છે. આ વખતે ઈરાન મોટું યુદ્ધ થાય તો પણ ઈઝરાયલને પાઠ ભણાવવા સિવાય રહેશે નહીં. ઈરાનના બદલા લેવાના પ્રયાસથી ત્રીજા વિશ્ર્વ યુદ્ધના મૂળ નખાય તો નવાઈ નહીં.
હવે સવાલ એ છે કે ઈરાન કેમ આટલું ધૂંઆપૂંઆ થઈ ગયું છે. આનું કારણ ઇઝરાયલે કરેલા ત્રણ ટાર્ગેટેડ કિલિંગ. ૩૧ જુલાઈએ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે ઈરાનની ભૂમિપર ઉચ્ચ સલામતી ક્ષેત્ર જેવા ખાનગી ગેસ્ટ હાઉસમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના જવાનોને જ ફોડીને હમાસના પોલીટ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયાની કરપીણ હત્યા કરી હતી. ઈરાનની સુરક્ષા વ્યવસ્થામાં મોટા ગાબડા જોવા મળ્યાં છે. બે મહિના પહેલાં જ બોમ્બ ઈસ્માઈલની રૂમમાં મૂકવામાં આવ્યો હતો અને એને રિમોટ કંટ્રોલ ડિવાઈસથી એક્ટિવેટ કરવામાં આવ્યો છે. આ અગાઉ ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈશીની હેલિકૉપ્ટર દુઘર્ટના વખતે પણ ઈઝરાયલે કાવતરું કરીને પ્રમુખને મારી નાખ્યા હોવાની વાત આવી હતી. ઈઝરાયલના ટાર્ગેટેડ કીલિંગથી ઈરાન હચમચી ગયું છે. ઈઝરાયલે ઈરાનના નવા પ્રમુખ મસુદ પેઝેશિકયાનની તાજપોશીંમાં હાજરી આપવા આવેલા હમાસના રાજકીય બ્યુરોના નેતા હાનિયેની હત્યા કરી હતી. આટલું અધુરું હોય એમ ઈઝરાયલના હવાઈ દળોએ ૩૦ જુલાઈએ ઈરાનના પ્રોકસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરની લેબેનોનની રાજધાની બૈરુતમાં હત્યા કરી હતી.
ઈઝરાયલનો દાવો છે કે તેના અંકુશ હેઠળની ગોલ્ડન હાઈટમાં જે રોકેટ હુમલામાં ઈઝરાયલના ૧૨ યુવાન માર્યા ગયા હતા એનો દોરી સંચાર ફુઆદે કર્યો હતો. ઈઝરાયલે હમાસના કમાન્ડર મોહમ્મદ ડેઈફને ૧૩ જુલાઈએ મારી નાખ્યો હતો. આ એ જ મોહમ્મદ છે જેણે સાત ઓક્ટોબર ૨૦૨૩ના હમાસના ઈઝરાયલ પરના આતંકવાદી હુમલાનું આયોજન કર્યુ હતું. આ હુમલામાં ઈઝરાયલના ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસના આ હુમલાને લીધે ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં યુદ્ધની શરૂઆત કરી હતી. આ યુદ્ધમાં અત્યાર સુધી ૪૦,૦૦૦ લોકો મરણ પામ્યા છે. આમાં મોટા ભાગના મહિલા અને બાળકો છે.
ઇઝરાયલની આ હત્યાઓના વેસ્ટ એશિયામાં દૂરગામી પરિણામ પડશે. ઈઝરાયલની એકસીસ ઓફ રેસિસ્ટન્સના બે મુખ્ય ઘટક હિઝબુલ્લા, હુતી અને હમાસ છે. ઈઝરાયલે બતાડી દીધું છે કે તેને જરૂર પડશે કે ઈરાનના પ્રોકસીઓ તેમ જ ઈરાન પર સીધો હુમલો કરવામાં પાછીપાની નહીં કરે. હવે ઈઝરાયલ સામે નક્કર પગલાં નહીં લે તો ઈરાનની સાડીબાર કોઈ નહીં રાખે. ઈઝરાયલે હાનિયાને પતાવી દઈને ઈરાનને બતાવી દીધું છે કે ઈરાનની સુરક્ષા હમાસના નેતાઓને બચાવી નહી શકે. તેહરાન આ બધુ સાંખી નહીં લે.
ઈરાનના સુપ્રીમ નેતા આયાતોલ્લાઅલી ખામેની અને નવા પ્રમુખે બદલો લેવાની જાહેરાત કરી છે. એમણે દોહામાં હાનિયેની દફનવિધિમાંહાજરી આપી હતી. અને કતારના અમીર શેખ તામિન બિન અહમદ અલીથાની સાથે બેસ્યા હતા.
ઈઝરાયલના ટાર્ગેટેડ કિલિંગને લીધે હમાસ અને ઈઝરાયલ વચ્ચે જે યુદ્ધવિરામ થવાની સંભાવના ઊભી થઈ હતી એ ખતમ થઈ ગઈ છે. શાંતિ વાતચીતમાં હમાસનું પ્રતિનિધિત્વ હાનિયે કરતા હતા. આવા હાનિયેની હત્યા કરીને ઈઝરાયલે શાંતિ મંત્રણાને સેબોટેજ કરી છે.
જોડર્ન, કતાર અને અમેરિકાએ ઈરાનને પરિસ્થિતિ ન વકરે એ માટે સમજાવવાના પ્રયાસ કર્યા છે, પરંતુ આ વખતે ઈરાન ઈઝરાયલને માફ કરવાના મૂડમાં નથી.
ઈરાન પાસે ત્રણ વિકલ્પ છે
પ્રથમ, ઈરાન ઈઝરાયલની ધરતી પરનાં લક્ષ્યો નક્કી કરીને અગાઉની જેમ જ મિઝાઈલ અને ડ્રોન વગેરે વડે હુમલો કરે. જોકે એ હુમલાની તો ઈરાને અમેરિકા, ઈરાક, યુરોપ વગેરે દેશોને જાણ કરી હતી, પરંતુ આ વખતે એવી જાણ નહીં કરે. ઈરાન પાસે મિસાઈલનો મોટો જથ્થો છે અને તે હાયપર સોનિક મિસાઈલ પણ ધરાવે છે. ઈઝરાયલ મજબૂત સંરક્ષણ સિસ્ટમ ધરાવે છે અને ઈરાન જોર્ડન અને ઈરાકની સીમાનું ઉલ્લંઘન કરીને જ ઈઝરાયલ પર હુમલો કરી શકે છે.
ઈરાન પાસે બીજો વિકલ્પ એ છે કે એ તેની એક્સિસ ઓફ રેસિસ્ટન્સના ભાગીદારો હમાસ, હુથી કે હિઝબુલ્લાના માધ્યમથી ઈઝરાયલ પર હુમલો કરે.
ત્રણ : ઈરાન થોડો સમય રાહ જોયા બાદ કોઈ ત્રીજા દેશમાં ઈઝરાયલના અધિકારીઓને ટાર્ગેટ કરે.
ઈરાન જાણે છે કે તેના અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થશે તો અમેરિકા પાસે ઈઝરાયલને સાથ આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમેરિકાની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની છે અને ન તો રિપબ્લિકન પાર્ટીકે ડેમોક્રેટિક પાર્ટીને વગદાર યહુદી લોબીને નારાજ કરવું પાલવે એમ છે. અમેરિકા રશિયા સામેના જંગમાં યુક્રેનને મદદ કરે છે અને આથી અમેરિકાને પાઠ ભણાવવા રશિયા ચીનનો સાથ લઈને ઈરાનને મદદ કરશે. રશિયા પાસે અમેરિકા જેવા જ આધુનિક હથિયારો છે અને આ હથિયારો રશિયા ઈરાનને આપશે તો ભયંકર વિનાશ થશે. ઈરાનને ઉત્તર કોરિયા તરફથી પણ મદદ મળી રહી છે. અમેરિકા નબળું પડશે તો ચીન પણ તાઈવાનને હસ્તગત કરવા યુદ્ધ છેડી શકે.
હાલમાં તો સઉદી અરેબિયા, ઈરાક, જોડર્ન અને ઇજિપ્ત અને તુર્કી જેવા દેશો અમેરિકા સાથે છે, પરંતુ અમેરિકા ઈઝરાયલ અને ખાસ કરીને નેતન્યાહુને કાબૂમાં નહીં રાખે તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફુલ સ્કેલ વોર થશે અને આ કદાચ ત્રીજા વિશ્ર્વ યુદ્ધનો આરંભ હોઈ શકે.