ઈન્ટરવલ

એક મિનિટમાં એમબીએ થવું છે?

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, તમે સ્કૂલે ભણવા ગયેલ?’ રાજુ રદીએ સવાલનો ચોરસ ગોળો મારા તરફ ફેંક્યો .

રાજુ રદી સાંસદ કે ધારાસભ્ય નથી. જો કે, તે સારું જ નહીં ઘણું એટલે કે બહુ સારૂં છે. અન્યથા રાજુ રદી એટલા બધા તારાંકિત, અતારાંકિત, ટૂંકી મુદતના , લાંબા સમયના પ્રશ્રો પૂછતો હોત . પરિણામે પ્રશ્નોના પ્રાસના ત્રાસથી કંટાળીને સંસદ કે ધારાસભાનો સ્ટાફ નારાજીનામાં આપી દીધાં હોત!

‘હે, બાલક બુદ્ધિ, સવાલજીવી તારા સડેલા મગજમાંથી આવો પ્રશ્ર કેમ ઉદ્દભવ્યો ?’ મેં રાજુ રદીને ફટકાર લગાવી.

‘ગિરધરલાલ, તમે શાસક પક્ષની જેમ સવાલ ઉડાવો નહીં. તમે જવાબ આપો.’ રાજુ રદીએ સવાલ દોહરાવ્યો.
‘રાજુ, મેં ગ્રેજયુએશન કર્યા પછી ઇન્ટર કરેલું’ મેં કટાક્ષ કર્યો.

‘ગિરધરલાલ, તમે ધૂળી નિશાળમાં અભ્યાસ કરેલો?’ રાજુ રદીએ બીજો સવાલ દાગ્યો.

‘હા’ મેં સંક્ષેપમાં જવાબ આપ્યો
‘ગિરધરલાલ, એ સમયે અમારા જમાના જેવી ફાઇવ સ્ટાર સ્કૂલો કયાં હતી કે સ્કૂલમાં સ્વિમિંગપુલ,જીમ,કેન્ટિન, ઘોડેસ્વારી, ફેન્સિંગ (તલવારબાજી), કરાટે, એરોબિકસ, ડાન્સિંગ,સેન્ટ્રલ એસી સ્કૂલ હોય? આજના સમયમાં શિક્ષણ સિવાય તમામ ફેસેલિટી સ્કૂલોમાં હોય છે!’ રાજુએ સાંપ્રત સ્કૂલો પર કટાક્ષ કર્યો.’
‘અમારા પર ભણતર કે ભણતરના ભાર સમાન અને કમર બેવડ વળી જાય તેવી સ્કૂલબેગનો ભાર ન હતો. અમે ટેસથી ભણતરનો લુફત ઉઠાવતા હતા’ મેં રાજુને સ્કૂલાનુભવ શેર કર્યો. મારી વાત સાંભળીને રાજુની આંખમાં ઇર્ષાની ચિનગારી પ્રગટી.

‘ગિરધરલાલ,સ્કૂલમાં તમને ક્યારેક પૂછયું હશે કે તમે મોટા થઇને શું બનશો? મોટા થઇને શું થવાની તમારી શી ખ્વાહિશ હતી?’ રાજુએ હાઇપોથિટિકલ સવાલ પૂછયો.

‘રાજુ,અમારી સ્કૂલમાં મોટા ભાગે બધા છોકરા-છોકરીઓ ડોકટર, એન્જિનિયર, આઇએએસ,પાઇલોટ, એસ્ટ્રોનૌટ બનવાની ખ્વાહિશ વ્યક્ત કરતા. મેં તો એસએસસી પાસ થઇ ક્લાર્ક બનવાની ઇચ્છા જાહેર કરી તો કલાસને સાપ સૂંધી ગયો હોય તેવો સોંપો પડી ગયેલ .’ મે રાજુને મારી કમસીન ખ્વાહિશ જણાવી.

‘ગિરધરલાલ કોઇએ એમબીએ એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થવાની ઇચ્છા જાહેર ન કરેલ?’ રાજુએ પાયાનો સવાલ પૂછયો.’
‘રાજુ, જે છોકરા-છોકરીએ ડોકટર થવાનું કહેલ તે કંપાઉન્ડર કે ફાર્માસિસ્ટ થયેલ હશે. આઇએએસ થવાનું કહેનાર ક્યાંય તાલુકા પંચાયતમાં ચપરાશી થયેલ હશે. એ વખતે એમબીએનું ફૂલ ફોર્મ પણ કોઇને આવડતું ન હતું. કોઇ પણ કંપનીની સફળતા કે નિષ્ફળતા એમબીએને આભારી હોય છે. સરકારી કંપની કે જાહેર સાહસોમાં કવોલીફાઇડ મેનેજરોને બદલે આઇએએસ અધિકારીઓ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હોવાથી સરકારી કંપની કે જાહેર સાહસો લાખના બે હજારનો ખોટનો ધંધો કરતા ધોળા હાથી પુરવાર થયા છે.’ મેં સરકારી કંપનીના કામનો નિચોડ કાઢ્યો.

‘ગિરધરલાલ, એમબીએનો કોર્સ ક્યારે શરૂ થયેલ અને કેટલી કોલેજોમાં કોર્સ ચાલે છે?’ રાજુએ પૂછયું.

‘રાજુ, ૧૯૫૩ માં એમબીએનો કોર્સ ચાલુ થયેલો.આઇઆઇએમ સહિત ૫,૭૦૦ કોલેજોમાં ૩૦૦૦ કોર્સ ચાલે છે.’ મેં રાજુને કહ્યું.
‘ગિરધરલાલ, એમબીએનો કોર્સ કેટલા વરસનો હોય?’ રાજુએ પૂછયું,

‘રાજુ, સામાન્ય રીતે એક રેગ્યુલર એમબીએ અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ કોર્સ ચાલતા હોય છે. જે ગ્રેજયુએશન પછી થઇ શકે છે,જે બે વર્ષનો હોય છે.કેટલીક ખાનગી સંસ્થાઓમાં એક વરસની મુદતનો પીજીડીએમ આ (પી.જી.ડી.એમ) ડિપ્લોમા કોર્સ ચાલતો હોય છે. કેટલીક જગ્યાએ પાંચ વરસનો ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ હોય છે. જેમાં ત્રણ વરસે બીબીએ અને પાંચ વરસે એમબીએની ડિગ્રી આપવામાં આવે છે.’ મેં રાજુને વિગતો આપી.

‘ગિરધરલાલ, કયા વિષયોમાં એમબીએ કરવામાં આવે છે?’ રાજુની જિજ્ઞાસા ઓછી થતી જ ન હતી.

‘એમબીએના કોર્સમાં ખર્ચ, બજેટિંગ, આંતરરાષ્ટ્રીય નાણાં અને મૂડી વ્યવસ્થાપન જેવા વિષયો શીખવવામાં આવે છે. આ વિષયોનો અભ્યાસ કરીને, તમે નાણાકીય વ્યવસ્થાપનનાં વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત બની શકો છો. જેમાં માર્કેટિંગ, ફાઇનાન્સ હ્યુમન રિસોર્સ ઇન્ટરનેશનલ બિઝનેસ, ઓપરેશન, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ હેલ્થ કેર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રૂરલ મેનેજમેન્ટ,એગ્રીબિઝનેશ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી શકાય છે.’ મેં એમબીએના કોર્સની માહિતી આપી.

‘એમબીએ કરનારને નોકરીની તકો કેવી મળે?’ રાજુને જે રસ્તે જવું ન હોય તેનું જ જાણવાની ભૂખ હતી.

‘બીજી ડિગ્રી લેનાર માટે નોકરી જાતી હૂં મેં જેમ ગીત ગાય છે. બીજા લોકો નગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢું રે નોકરીયા જેવો ઘાટ થાય છે. એમબીએ સિવાયના લોકો અરજી લખી લખી થાકી એમ્પ્લોયર તારા મનમાં નથી જેવા મજબૂરી રાગનું ગાયન ગાય છે. જ્યારે એમબીએ કરનાર માટે તો કંપની લાલ જાજમ પાથરે છે. એકવીસ તોપની સલામી જ આપવાનું બાકી રહે છે.એમબીએે કરનારને છેલ્લા વરસે કેમ્પસ પ્લેસમેન્ટની તક મળે છે. જેમાં પચાસ લાખ રૂપિયાથી કરોડ રૂપિયા ઉપરાંતના પેકેજ કંપનીઓ ઓફર કરે છે. ઘણા સ્ટુડન્ટ ઓફર કરાયેલ નોકરીને ઠોકર મારીને ખુદનો ધંધો શરૂ કરે છે. એક વ્યક્તિએ એમબીએ ચાયવાલા નામથી ચા વેચવાની શરૂઆત કરીને બેત્રણ વરસમાં ખુદની મર્સિડિઝ ખરીદેલ. મે રાજુ પર શ્રીકાર વિગતવર્ષા કરી.

‘ગિરધરલાલ, કોઇ યુટયુબરે હમણા દસ દિવસનો એમબીએ કોર્સ ઓફર કર્યો છે , વાત ખરી છે?’ રાજુએ સાંપ્રત સવાલ કર્યો. પછી ઉમેર્યુ :
‘શિક્ષણના નામે કેવા કેવા ધૂપ્પલ ચાલે છે? બિહારમાં કોઇ સ્થળે સવારે જાવ, બે હજાર રૂપિયા ઢીલા કરો અને એ લોકો તમને સાંજે ગ્રેજયુએટની ડિગ્રી આપે!’

‘રાજુ, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન રહે. કોઇ યુટયુબરે બે વરસના એમબીએના કોર્સની વિકલ્પે દસ દિવસમાં એમબીએ કરાવવા જાહેરાત આપી. લોકો તો તીડની જેમ તૂટી પડશે!’ મેં રાજુને એકટ ઓફ ફ્રોડની વિગતો આપી.

રાજુ રદી પણ વિચિત્રતાનું પોટલું છે. બંડલ ઓફ બેવકૂફી. રાજુએ એક મિનિટમાં એમબીએ કરાવવાના કોર્સની જોરશોરથી જાહેરાત કરી રહ્યો છે. જેમાં એડમિશન લેનારને એમબીએ બોલવાનું કહેવામાં આવશે અને એડમિશન લેનાર એમબીએ બોલશે એટલે ડિગ્રી એનાયત કરાશે. ડિગ્રી સર્ટિફિકેટ રાજુ રદી જાલી યુનિવર્સિટીના લેટરહેડ પર પ્રિન્ટ કરાશે તેમ પણ જાણવા મળ્યું છે!
રાજુ કહે છે કે દુનિયા મુંડાતી હૈ, મુંડનેવાલા ચાહિયે.!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?