ઈન્ટરવલ

વિશ્ર્વનો સૌપ્રથમ પ્રેમપત્ર સ્વયં વિશ્ર્વનાથના નામે

રાજેશ યાજ્ઞિક

-રાજેશ યાજ્ઞિક
પ્રેમ શબ્દનો ઉદભવ ક્યારે થયો હશે તે કહેવું મુશ્કેલ છે, પ્રેમના સ્પંદનનો સૌપ્રથમ અનુભવ કોણે કર્યો હશે એ કહેવું પણ મુશ્કેલ છે. પરંતુ, સદીઓ નહીં, પણ યુગો પુરાણા ઇતિહાસ પર નજર ફેરવીને પહેલો પ્રેમનો સંદેશ કોણે અને કોને આપ્યો? સૌ પ્રથમ પ્રેમ-વિવાહ કોણે કર્યા? જેવા પ્રશ્નોના ઉત્તરમાં એક ડોકિયું કરવું ખરેખર રસપ્રદ છે.

જગતના સૌ પ્રથમ પ્રેમ સંદેશની વાત આવે ત્યારે ભગવાન કૃષ્ણને રુક્મિણીએ પાઠવેલા સંદેશનો ઉલ્લેખ થાય છે. વિદર્ભરાજ કુંડીનપુરીના અધિપતિ મહારાજા ભીષ્મકની પુત્રી અને રૂક્મીની બહેન હતા રુક્મિણીજી. રૂક્મીને ભગવાન કૃષ્ણ સાથે ઉભું બનતું નહોતું. પરંતુ શ્રી કૃષ્ણને ક્યારેય જોયા ન હોવા છતાં, પોતાના રાજ્યમાં આવનાર લોકો પાસેથી શ્રી કૃષ્ણના રૂપ, સૌંદર્ય અને ગુણોના વખાણ સાંભળીને રુક્મિણીજી પ્રભાવિત થયા હતા. શ્રી કૃષ્ણ તો અલૌકિક પુરુષ છે, જ્ઞાની અને પરાક્રમી પણ છે, તેની કથાઓ સાંભળીને રુક્મિણીજીએ મનોમન તેમને જ પોતાના પતિ માની લીધા હતા. તેમના માતા પિતાને આ સામે કોઈ વાંધો નહોતો પણ કૃષ્ણદ્વેષી રૂક્મી એ નહોતો ઈચ્છતો તેની ઈચ્છા તો રુક્મિણીના વિવાહ કૃષ્ણના અન્ય દ્વેષી શિશુપાલ સાથે કરાવવાની હતી અને તેણે માતા પિતાને મનાવી પણ લીધા. ત્યારે રુક્મિણીએ એક બ્રામ્હણના માધ્યમથી પોતાનો સ્નેહ સંદેશ મોકલાવ્યો અને પોતાનું વરણ કરવા વિનંતી કરી. આજના જમાનાના શબ્દોમાં કહીએ તો પ્રપોઝ કર્યું! એ સંદેશ આજે વિશ્વનો પ્રથમ પ્રેમ સંદેશ ગણાય છે. શું હતું એ સંદેશમાં? શ્રીમદ ભાગવતના દસમા સ્કંધમાં સંસ્કૃતમાં આ સંદેશ છે, ચાલો આજે આપણે ગુજરાતી ભાષામાં એ પ્રેમ સંદેશનું રસપાન કરીએ.

રુક્મિણી ઉવાચ,
હે ભુવન સુંદર! તમારા ગુણો, સાંભળનારના કાન વડે તેના હૃદય સુધી પહોંચીને એક એક અંગનો તાપ અને જન્મોજન્મની જલન હરિ લે છે. તથા તમારા રૂપ-સૌંદર્ય સંસારના સમસ્ત નેત્રધારી જીવોને ચારેય પુરુષાર્થ અને સંસારના સમસ્ત સુખ પ્રદાન કરનારા છે. તમારા ગુણોનું શ્રવણ કરીને, હે અચ્યુત! મારુ ચિત્ત લજ્જાનો ત્યાગ કરીને તમારામાં જ પ્રવિષ્ટ થઇ ગયું છે.

હે મુકુંદ! ભલે કોઈપણ દ્રષ્ટિથી જોઈએ, કુલ, શીલ, સ્વભાવ, સૌંદર્ય, વિદ્યા, અવસ્થા, ધન અને ધર્મ,..એ સર્વમાં આપ અદ્વિતીય છો. મનુષ્ય લોકમાં જેટલાંય પ્રાણીઓ છે, તેમનું મન તમારું દર્શન કરીને શાંતિના અનુભવ સાથે આનંદિત થઇ ઉઠે છે. આવી સ્થિતિમાં હે નરસિંહ! એવી કઈ ફૂલવંતી, પરમ ગુણવંતી, અને ધૈર્યવંતી ક્ધયા હશે, જે વિવાહ યોગ્ય સમય આવ્યે આપને જ પતિ રૂપે વરણ નહીં કરે?

અહીં, નોંધવા જેવું એ કે વાતવાતમાં ચતુર રૂક્મણિએ એમ પણ કહી દીધું કે હું કુળવાન, ગુણવાન અને ધૈર્યવાન છું! પોતાના વખાણ પણ કર્યા અને કળાવા પણ ન દીધું.

અહીં રુક્મિણી સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, એટલે હે નાથ! મેં આપને આત્મસમર્પણ કરી દીધું છે. આપ તો અંતર્યામી છો. મારા મનની વાત પણ તમારાથી છુપી નથી.માટે હે વિભો! આપ અહીં પધારીને મને તમારી પત્ની રૂપે સ્વીકાર કરો. હે કમલનયન! હું આપને સમર્પિત થઇ ચુકી છું અને કેવળ આપની છું. જેમ શિયાળ સિંહનો ભાગ લઇ જઈ શકતો નથી, એ પ્રકારે હે વીર! શિશુપાલ નિકટ આવીને મારો સ્પર્શ ન કરી શકે.

કૂવો આદિ ખોદાવીને, યજ્ઞાદિ કરીને, દાન, નિયમ, વ્રત તથા દેવતાઓ અને ગુરુઓ આદિની પૂજા કરવા દ્વારા, જો મેં ભગવાનની થોડી પણ આરાધના કરી હોય, તો હે શ્રી કૃષ્ણ! આપ આવીને મારું પાણિગ્રહણ કરો. શ્રી કૃષ્ણ સિવાય, શિશુપાલ કે અન્ય કોઈપણ પુરુષ મારો સ્પર્શ ન કરી શકે.

પાછો કેવી રીતે પોતાની સાથે વિવાહ કરવો એનો આખો પ્લાન પણ રુક્મિણી સંદેશમાં મોકલાવે છે! કહે છે, જે દિવસે મારા વિવાહ થવાના છે, તેના એક દિવસ પહેલા આપ સેનાપતિઓ સાથે ગુપ્ત રૂપે વિદર્ભ દેશમાં પધારો, અને તમારા બળ-પરાક્રમથી શિશુપાલ અને જરાસંઘની સેનાને પરાસ્ત કરીને મારી સાથે રાક્ષસ વિધિથી વિવાહ કરી લો. એ સમયે ક્ધયાનું હરણ કરીને કરેલ વિવાહને ’રાક્ષસ વિવાહ’ કહેવાતા. આમ તો રુક્મિણીની ઈચ્છાથી થયા હોવાથી એ ગાંધર્વ વિવાહ કહેવા જોઈએ, પરંતુ સામાજિક દ્રષ્ટિએ તે રાક્ષસ વિવાહ જ કહેવાય.

રુક્મિણીનો સજ્જડ પ્લાન આગળ જુઓ! એ કહે છે, જો તમે એમ વિચારતા હો કે ‘તું તો અંત:પુરમાં રહે છે. તારા ભાઈ-બંધુઓને હાનિ પહોંચાડ્યા વિના હું તારા સુધી કેવી રીતે પહોંચી શકું?’ તો હું તમને તેનો ઉપાય પણ જણાવું છું. અમારે ત્યાં વિવાહના એક દિવસ પહેલા ક્ધયા કુળદેવીની યાત્રા કરે છે અને નગર બહાર શ્રી પાર્વતીજીના મંદિરમાં દર્શનાર્થે લઇ જવાય છે. એ સમયે તમે મારું હરણ કરીને મને લઇ જઈ શકો છો. બુદ્ધિશાળી શ્રી કૃષ્ણની પટરાણી થવાના ગુણ ચતુર રુક્મિણીમાં હતા કે નહિ?!! બીજી વાત એ કે આજે પણ આપને ત્યાં વર અને વધૂના ફુલેકા (નગર દેવ કે દેવીની યાત્રા) કરવાની રીત ચાલી આવે છે.

હે અંબુજનયન! ઉમાપતિ ભગવાન શિવ સમાન મોટા મોટા મહાપુરુષો પણ પોતાના અંત:કરણના અજ્ઞાનને દૂર કરવા આપણા ચરણકમલની રજથી સ્નાન કરવાની ઈચ્છા રાખે છે. (ભગવાન શિવની જટામાંથી વહેતા થયેલા શ્રી ગંગાજીને “વિષ્ણુપદી પણ કહેવાય છે). જો હું આપનો એ પ્રસાદ, આપની ચરણરજ ન પામી શકી, તો વ્રત દ્વારા મારુ શરીર જર્જરિત કરીને મારા પ્રાણ ત્યાગ કરી દઈશ! સો જન્મોમાં ક્યારેક તો આપની કૃપા પ્રાપ્ત થશે.

શાલીનતા ભર્યો પ્રેમ પ્રસ્તાવ, સાથે આગ્રહભરી વિનંતી અને છેલ્લે મક્કમ ચેતવણી વાળો આવો અદભુત પ્રેમ સંદેશ જગતમાં અજોડ છે, અને માટે જ અમર પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button