વિનેશ ફોગાટના ૧૦૦ ગ્રામની ચર્ચા સલાહ આપનારા નવી તક માટે કેમ વિચારતા નથી?
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ઓલિમ્પિક મહોત્સવ દરમિયાન વિનેશ ફોગાટના સો ગ્રામ વજનના વધારા વિશે ખૂબ ચર્ચા થઇ. દરેક પાસે પોતપોતાનાં સૂચનો હતાં. રમતમાં થતી હાર- જીત સહજ સહન કરવાથી માંડીને રાજકીય વિચારધારા આ વિષય સાથે જોડી. પેરિસ ઓલિમ્પિકસ પૂરો થયો છે, પણ એક ગુજરાતી તરીકે પ્રશ્ર્ન થાય કે જેટલી બહાદુરી આપણે વિનેશ ફોગાટને સલાહ આપવામાં આપીએ છીએ એ જોરશોરથી નવી પેઢીને સ્પોર્ટ્સ કરિયર બનાવવા માટે કેમ ધ્યાન આપતા નથી.?
કોઈ ખેલાડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ જીતે ત્યારે આપણામાં સ્પોર્ટ્સ માટે ઊભરો આવે છે, પણ ક્રિકેટની જેવી એકાદ નાની-મોટી સ્પર્ધા આવશે એટલે બીજી સ્પોર્ટ્સને ભૂલી જઇએ છીએ. સર્વાંગી વિકાસ પામી રહેલા ભારતમાં સ્પોર્ટ્સમાં કેવી તક છે એનો શિક્ષણ જગતના જાણકારોએ અભ્યાસ યુવાનો સમક્ષ રજૂ કરવો જોઈએ.
આપણી પાસે ઓછી માહિતી હોવાને કારણે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવી એટલે સખત શારીરિક શ્રમ કરવો પડે. સ્પોર્ટ્સમાં એવાં અસંખ્ય ક્ષેત્ર છે, જ્યાં તકો ઉપલબ્ધ છે. નોકરીની તકો પર આજકાલ ઇલેક્શન લડવામાં આવે છે, પણ સ્પોર્ટ્સમાં રોજગારી પર કરિયર કાઉન્સિલરોએ ચર્ચા કરીને યુવાનોને નવી તકો વિશે માહિતગાર કરવા જોઈએ.
સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ માટે આજકાલ ઉમદા તક છે. ખેલાડીના પહેલાં ડોકટર ફિઝિયો હોય છે. ખેલાડીના શારીરિક દર્દ, દર્દને સમજવાની ક્ષમતા તથા ટ્રિટમેન્ટ સુધી સુધ્ધાંનું જ્ઞાન હોવું જરૂરી છે. ભારત જ નહીં, વિદેશમાં પણ ઘણી ડિમાન્ડ છે. ખેલાડી માટે ફિટનેસ ટ્રેનરની જરૂર પડતી હોય છે. ખેલાડી તથા આ વ્યવસાય માટે શારીરિક સક્ષમ હોવું જરૂરી છે.
સ્પોર્ટ્સમાં હરીફાઈ વધતી જાય છે ત્યારે કેવળ શારીરિક સજ્જતા થી રમત જીતવી મુશ્કેલ છે. આ ક્ષેત્રમાં સારા મનોચિકિત્સકની ઘણી ડિમાન્ડ છે. ઘણા ખેલાડી પોતાના અંગત સાઇકોલોજીસ્ટ રાખતા હોય છે. દરેક સ્પોર્ટ્સ કેટેગરી માટે પૂરતું નોલેજ હોવું જરૂરી છે. રમતમાં હરીફાઈથી માંડીને વધુ સારા પર્ફોર્મન્સ માટે સાઇકોલોજીસ્ટની ડિમાન્ડ વિશ્ર્વવ્યાપી છે. આજકાલ વિશ્ર્વભરની યુનિવર્સિટીઓ પણ પોતાની સંસ્થાનું નામ રોશન કરે એવા ખેલાડીઓ તૈયાર કરવા માટે સ્પોર્ટ્સ સાઇકોલોજીસ્ટની નિમણૂક કરે છે.
આ ઉપરાંત ખેલાડીના વર્તન પરથી એની સમસ્યા તથા બદલાવનો અભ્યાસ કરવા સ્પોર્ટ્સ કાઉન્સિલર રાખવામાં આવે છે, જ્યારે આપણે ત્યાં સ્પોર્ટ્સ એટલે ફક્ત પરસેવો પાડીને મેડલ જીતવાની વાત પર સ્થગિત થઈ ગયા છીએ. નેશનલ- ઈન્ટરનેશનલ સ્પર્ધક પાસે સ્પોર્ટ્સ એકેડેમી ખોલવાની તકો હોય છે. બધી એકેડમીમાં ઉપરોકત મુજબના અભ્યાસુની જરૂર પડતી હોય છે.
વિશ્ર્વભરમાં એક નવું માર્કેટ ઊભું થઇ રહ્યું છે અને એ છે સ્પોર્ટ્સ સાયન્સ.આ ક્ષેત્રમાં સ્પોર્ટ્સને લગતાં સાધનો, મેડિસીન તથા નવાં સંશોધનો માટે વૈજ્ઞાનિકોની ફોજ જોઇએ છે. સ્પોર્ટ્સમાં બહેતર પ્રદર્શન માટે નવી નવી ડિઝાઇનનાં જૂતાંથી માંડીને સાધનો સુધી અસંખ્ય સંશોધન થતાં રહે છે. વિશ્વભરમાં આવી રહેલા પરિવર્તન અંગે ખેલાડીને માહિતગાર કરવા માટે વેબ આર્ટિકલ લખનારાઓ ઘણા ઓછાં છે. આ ક્ષેત્રમાં લખવા માટે વિપુલ તકો છે.
ભારતમાં જ્યારે સ્પોર્ટ્સ ક્ષેત્ર વિકાસ પામી રહ્યું છે ત્યારે વૈજ્ઞાનિકો ડાયેટિશિયન તથા ન્યુટ્રિશિયન સહિત સર્જનાત્મક દ્રષ્ટિએ કરિયર તથા વ્યાપારી તકો આપણી રાહ જુએ છે.
આપણે ક્રિકેટ તથા ફૂટબોલમાં કોમેન્ટ્રી સાંભળીએ છીએ. મોટેભાગે પૂર્વ ખેલાડીઓ કોમેન્ટ્રી આપતા હોય છે, પણ કોમેન્ટેટર માટે ડેટા આપવા તથા લાઇવ સ્કોર સહિત અસંખ્ય રસપ્રદ માહિતી આપવા સ્પોર્ટ્સ સ્ટેટેસ્ટિકના અભ્યાસુની ડિમાન્ડ હોય છે. આપણે જે ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ એમાં શારીરિક શ્રમ અગત્યનો નથી, પણ જે તે વિષયના જ્ઞાનને સ્પોર્ટ્સ સાથે જોડાણ કરવાની કળા આવડતી હોવી જોઈએ.
વેકેશનમાં એડવેન્ચર સ્પોર્ટ્સની જાહેરાતો આવે છે અને અસંખ્ય પરિવારો આનંદ મેળવે છે. એડવેન્ચર સ્પોર્ટ્સના આયોજનની કળા શીખવા વિદેશોમાં નિયમિત અભ્યાસક્રમ હોય છે. આપણે ભલે પેરાગ્લાઇડિંગ કે ટ્રેકિંગ કરી શકીએ નહીં પણ તેના માટે આયોજન કરીને ફરવાનો શોખ પૂરો કરી શકાય છે. મોટાભાગના રિપોર્ટમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માટે સામાન્ય જાણકારી ધરાવતી વ્યક્તિ હોય છે પણ ભવિષ્યમાં એ માટે સર્ટિફાઇડ વ્યક્તિની જરૂર પડવાની છે.
દેશના દરેક જિલ્લામાં અસંખ્ય રિપોર્ટમાં એડવેન્ચર માટેનાં સ્થળ હોય છે પણ ઓફિશિયલ ટ્રેનર હોતાં નથી. કોઈ પણ સ્પોર્ટ્સમાં સારું પ્રદર્શન ખેલાડી કરે તો બ્રાન્ડ બનીને આર્થિક વળતર મેળવી શકે. એની દરેક ખેલાડીને જરૂર હોય છે. નાના શહેરોમાં પ્રોડક્ટ માટે બ્રાન્ડ ઇમેજનું કામ કરતી સંસ્થાઓ છે, પણ જિલ્લાકક્ષાના સારા રમતવીરો માટે બ્રાન્ડિંગની તકોનું માર્કેટ ખુલ્લું પડ્યું છે. સ્પોર્ટ્સ ફોટોગ્રાફી માટે તકો છે, પણ વિનેશ ફોગાટના કેસ પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કાયદાના જાણકાર માટે નવી તકો છે.
આ આખી વાતનો સાર એટલો જ છે કે એક સમયે આર્ટ્સ-સાયન્સ-એમબીએ કે કોમર્સ જેવા પરંપરાગત વિષય પછી ફક્ત એન્જિનિયર અને ડોક્ટર સિવાય થોડી આવડત કેળવીએ તો સ્પોર્ટ્સ જેવા ધમધમતા ક્ષેત્રમાં વિપુલ તક છે. આપણે ત્યાં આઇપીએલ થાય છે ત્યારે ટીમ મેનેજમેન્ટ, એડવર્ટાઇઝ, હોટલ મેનેજમેન્ટ, વેહિકલ મેનેજમેન્ટ, ટેકનોલોજી જાણકાર, ટુરિઝમ સહિત ચિયર્સ ગર્લ્સ સુધી ટેલેન્ટ ધરાવનારાઓની દરેક એજન્સીઓને જરૂર પડે છે. ચાલો, આપણે અભિગમ બદલીને સ્પોર્ટ્સ કરિયર પર ધ્યાન આપીએ.
ધ એન્ડ:
ચેમ્પિયન જીમમાં બનતો નથી પણ અદમ્ય ઇચ્છા અને સ્વપ્ન સાથે નવો અભિગમ કેળવવાથી બને છે. (મુક્કાબાજ મહોમ્મદ અલી)