ઈન્ટરવલ

મગજ મંથન : દફતરના ભાર સિવાય બીજો ઘણો બધો ભાર વિદ્યાર્થી ઉપર છે

-વિઠ્ઠલ વઘાસિયા

ગણેશ ચતુર્થીનો દિવસ હતો. ગણેશજીની મૂર્તિ સામે ભક્તોની કતાર જામી હતી. એક વેપારી આજીજી કરી રહ્યો હતો : હે ગણેશજી ભગવાન ! મારો વેપાર અને નફો વધારજો.બીજા એક ઉદ્યોગપતિએ એવું માગ્યું : હે ગણેશજી મહારાજ ! મારું કારખાનું સરસ ચાલે અને વિકાસ વધે એવી કૃપા કરજો. તો વળી, એક સરકારી અધિકારીએ માગ્યું કે, હે ગણેશજી, મારું પ્રમોશન સમયસર થાય એવા આશીર્વાદ આપો.

છેલ્લે એક વિદ્યાર્થી આજીજી કરતાં બોલ્યો કે, ‘હે ગણપતિબાપા, મારા ખભા ઉપર આ દફતરનો ભાર ક્યારે ઓછો થશે..?!’

બીજાની માગણીઓ ગણેશજી મહારાજે સ્વીકારી હશે કે કેમ તે ખબર નથી, પણ પેલા વિદ્યાર્થીની પ્રાર્થના હજુ સુધી ગણેશજી મહારાજ પાસે પેન્ડિંગ પડી છે. એના દફતરનો ભાર જેમનો તેમ છે.

આ પણ વાંચો: મગજ મંથન : વાચન એ જ્ઞાન પ્રાપ્તિ ને સમસ્યા ઉકેલનું ઉત્તમ સાધન છે

નવી શિક્ષણ નીતિ – 2020માં દફતરનો ભાર હળવો કરવા માટે થઈને દર મહિનાના પ્રથમ દસ દિવસ દફતર વિના શાળામાં જવાનું સૂચવ્યું છે. આ દસ દિવસમાં કરવાની ઈત્તર પ્રવૃત્તિઓની યાદી પણ આપવામાં આવી છે. દફતરનો ભાર હળવો કરવાના ભાગરૂપે આ યોજના સારી છે, જો પ્રમાણિકપણે અમલ થાય તો.

વિદ્યાર્થીના ભણતરમાં માત્ર દફતરનો જ ભાર છે એવું થોડું છે? દફતર સિવાયના અનેક ભાર વિદ્યાર્થી સહન કરી રહ્યો છે, જેના તરફ આપણે દુર્લક્ષ્ય સેવીએ છીએ.

શિક્ષણ દિવસે દિવસે ભારરૂપ બનતું જાય છે. શિક્ષણના ભાર નીચે કચડાઈ રહેલો વિદ્યાર્થી એનું રંગીન બાળપણ શોધી રહ્યો છે. જ્યારે એની રમવાની ઉંમર છે ત્યારે દિવસનો એકાદ કલાક રમત માટે શોધવા માટે પણ એને ફાંફાં પડે છે. બાળક એની નિર્દોષતા કવેળાએ ગુમાવી દઈને બહુ વહેલો ગંભીર થઈ ગયો નજરે ચઢે છે.

આ પણ વાંચો: મગજ મંથન : પાંચ વર્ષ સુધીના બાળકને અનુશાસનમાંથી મુકત રાખો…

જ્યારે એને હસવું છે, કિલકિલાટ કરવો છે ત્યારે ટ્યુશનની ભરમારમાં ખોવાઈ જવું પડે છે. જ્યારે એને ઊછળકૂદ કરવી છે ત્યારે ચોપડાનો ભાર એને જમીન સાથે જકડી દે છે. એને મુક્ત પંખીની જેમ ઊડવું છે ત્યારે પિરિયડ-પાઠ્યક્રમ અને પરીક્ષાની ત્રણ ‘પ’ની કેદમાં એ ભેરવાઈ ગયો છે.

ભાષાનો ભાર-પરીક્ષાનો ભાર- ટ્યુશનનો ભાર એ સાથે શિક્ષકોની અવહેલનાનો ભાર, માતા – પિતાની અપેક્ષાનો ભાર, એક પણ ગુણ ક્યાંય ન કપાય એની ચિંતાનો ભાર – એમ કોણ જાણે કેટકેટલા ભાર વહન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યો છે આજનો વિદ્યાર્થી !

આ ભારની નીચે ‘ભાર વગરનું ભણતર’ નિર્દયતાપૂર્વક કચડાઈ રહ્યું છે. આમ તો એ વિદ્યાર્થી શેનો? શિક્ષણતંત્રએ એને વિદ્યાર્થી રહેવા જ નથી દીધો. એને તો પરીક્ષાર્થી બનાવી દીધો છે !

આ પણ વાંચો: મગજ મંથન : જેવું શિક્ષણ એવું બને પ્રત્યેક બાળક…

પરીક્ષા માટે વાંચવાનું, પરીક્ષા સુધી વાંચવાનું, પરીક્ષા પછી ભૂલી જવાનું. દરેક વ્યક્તિની રુચિ અને પ્રકૃતિ ભિન્ન હોય છે. બધા વિષયમાં બધાને રસ પડતો હોતો નથી. નાનપણથી જ બાળકની રુચિ શેમાં છે તે જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ કરવો જોઈએ. કોઈને ગણિતમાં, કોઈને વિજ્ઞાનમાં, કોઈને ગુજરાતીમાં, કોઈને ઈતિહાસમાં, કોઈને ચિત્રકામમાં તો કોઈને સંગીતમાં. આ બધા વિષયો અનિવાર્યપણે ભણાવવાનો આગ્રહ છોડવો જોઈએ. આજે જો એક સર્વેક્ષણ કરવામાં આવે કે ભણી ચૂકેલ વ્યક્તિઓને એમનું ભણેલું જીવનમાં કેટલું કામ લાગે છે, તો કદાચ આશ્ર્ચર્યજનક તારણો મળે. પાઠ્યપુસ્તકને અને જીવન વ્યવહારને પારસ્પરિક સંબંધ ખૂબ ઓછો જણાય આવે છે. લોકો એવું ઘણું સૈદ્ધાંતિક ભણ્યા હશે જેનો એણે એના જીવનમાં ક્યારે ઉપયોગ નહીં કર્યો હોય. એવું લાગે છે કે પાઠ્યપુસ્તકો પણ પરીક્ષાલક્ષી ન બનાવતા જીવનલક્ષી બનાવવા જોઈએ. એમાં સિદ્ધાંત અને વ્યવહારનો સુમેળ કરવો જોઈએ. પ્રાયોગિક અને વ્યવહારિક શિક્ષણ તરફનો ઝોક વધારવો જોઈએ. આવું થશે તો કદાચ શિક્ષણ ભારરૂપ નહીં લાગે.

આજે પરીક્ષા જ પ્રગતિનો પર્યાય કે માપદંડ બની ગઈ છે. પરીક્ષામાં ગોખીને લખ્યું છે કે સમજીને તે મહત્ત્વનું નથી. વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરીને પાસ થયો છે કે પોતાની આવડતથી એ પણ મહત્ત્વનું નથી. પરીક્ષા નીતિમત્તાની હોય કે અનીતિમત્તાની !

આ પણ વાંચો: મગજ મંથન : જેની પાસે જ્ઞાનનો પ્રકાશ છે એને બીજા કોઈ પણ પ્રકારના પ્રકાશની જરૂર નથી

પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીની મનોદશા જોઈ છે ? એની ગરદન અને આંખો દશે દિશામાં ઘૂમતી હોય છે. આજની પરીક્ષા પદ્ધતિએ વ્યાપક રીતે અનૈતિકતાને જન્મ આપ્યો છે. પરીક્ષા, સ્પર્ધા અને તુલનાની નાગચૂડમાંથી વિદ્યાર્થીને મુક્ત કરવો જોઈએ.

સ્પર્ધા પણ એવું જ એક બીજું અનિષ્ટ છે. સ્પર્ધામાં ત્રણ વ્યક્તિને સન્માનિત કરવામાં આવે છે, પણ બાકી બધાનું શું ? એ બધાને નંબર ન મળ્યાનો વસવસો હશે. સંભવ છે કે સન્માનિત થયેલા ત્રણ ગુરુતાગ્રંથિ અને બાકીના બધા લઘુતાગ્રંથિમાં ગરકાવ થઈ જશે. કોઈ એક એવી પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ કે જેમાં બધા પ્રોત્સાહિત થાય. બધાને વિકાસની તક દેખાય. સ્પર્ધા એકલી જ કંઈ ગુણાત્મકતા વધારવાનું સાધન ન હોઈ શકે. સ્પર્ધા યોજવાથી લાભ કરતાં નુકસાન વધારે થાય છે. સ્પર્ધાને બદલે સહભાગિતા વધે એવું કરવાથી જ લાભ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button