ઈન્ટરવલ

બોરડીનો કાંટો એક ઊભો એક આડો!


કચ્છી ચોવક -કિશોર વ્યાસ

વાત બોરડીના વૃક્ષમાં બોર સાથે ઊગતા કાંટાઓની છે, પરંતુ તે અંગેની ચોવક જીવનનાં તત્ત્વજ્ઞાનનો પણ બોધ આપે છે. ચોવક માણજો મિત્રો: ‘બેરોડીની કંઢા બ, હિકડો ઊભો બ્યો વિંગો’ બોરડી જોઈ છે ક્યારેય? જયાં મીઠાં બોર ઉગે છે તે… બોર વીણ્યા છે ક્યારેય? એ બોરડીનાં નાનકડાં વૃક્ષની સુંવાળી ડાળ પર બે પ્રકારના કાંટા પણ બોર સાથે ઊગતા હોય છે, તેમાં એક ‘ઊભો’ હોય છે અને બીજો ‘ત્રાંસો’ હોય છે. ‘વિંગો’નો અર્થ થાય છે. ત્રાંસો. શબ્દાર્થ તો ખૂબ સરળ છે: બોરડીના કાંટા બે (હિકડો) એક ઊભો અને બીજો ત્રાંસો! પરંતુ આટલું કહેવા માટે ચોવક નથી રચાઈ.

એ આખી ચોવકમાં રૂપક તત્ત્વ છે, જે આપણા જીવન સાથે સંકળાયેલું છે. સાધન બોરડીને બનાવીને આ ચોવક જિંદગીની વાત કરે છે કે, મીઠાં મધુર જીવનવૃક્ષનાં ફળ ચાખતાં પહેલાં આવા પ્રકારના ઊભા-આડા કંટકોનો સામનો કરવો પડતો હોય છે. એ વાગે પણ ખરા અને તેની પીડા પણ વેઠવી પડે છે! અથવા તો આવા કંટકોથી સાવધાન રહેવું!

એમ કરતાં પણ કાંટા વાગે તો તેમાંથી શીખવાનું મળે! એ અનુભવ પણ શ્રેષ્ઠ શિક્ષક સમાન હોય છે. પણ કચ્છીમાં એક બહુ રસપ્રદ ચોવક છે કે, ‘સો જોષી નેં હિકડી ડોશી’ એ ‘ડોશીમા’ પાસે અદ્ભુત અનુભવોનું ભાથું હોય છે, તેથી જ ચોવક કહે છે કે, એકસો પંડિતો કરતાં પણ એક ‘ડોશીમા’ વધુ જાણકાર હોય છે! ઘરડે ગાડાં વળે… એ ગુજરાતી કહેવતની માફક.
આર્દ્રા નક્ષત્ર બેસી ગયું છે અને કચ્છમાં મેઘરાજા ત્રીજીવાર મહેર કરવાની તૈયારીમાં છે. એ સંજોગોમાં ફરી વરસાદ પડે તેના માટે પણ એક સુંદર ચોવક પ્રચલિત છે: ‘બ ખાસા ત બારોય ખાસા’ ‘બ’ એટલે બે. ‘ખાસા’નો અર્થ થાય છે સારા. ‘ત’ એટલે તો. ‘બારોય’નો અર્થ થાય છે. બારેબાર (મહિના)! અર્થ એવો પ્રતિપાદિત છે કે, જો વરસાદની ઋતુના પ્રારંભના બે મહિના જો સારા જાય તો, આખું વર્ષ સારું જાય. વરસાદ માટે તો બીજી પણ એક ચોવક છે, જે સંતોષનો ભાવ વ્યક્ત કરે છે. ‘હિકડી વસ ને સો રસ’ અર્થ એવો થાય છે કે, એકવાર જો વરસાદ સરખો પડી જાય તો સો જેટલાં સુખ મળી જાય…

કચ્છીમાં પહોળા અને સાંકડા ઉચ્ચારોની ભરમાળ છે. તેમાં પણ ઉચ્ચારોમાં તફાવત ન રખાય તો મોટો ગોટાળો થઈ જાય. ઉદાહરણ તરીકે: ‘સોરો’ એટલે ‘સોળ’ અને ‘સારો’ એટલે ‘સસરો’ એમ બે અર્થ થાય છે. અર્થ જુદા પાડવા માટે બન્ને અર્થ માટે જુદી જુદી રીતે તેનો ઉચ્ચાર કરવામાં આવે છે. બિનકચ્છી વાચકોએ ઉચ્ચારના પ્રકાર જાણવા માટે ‘કચ્છી મિત્ર’નો સહારો લેવો પડશે!

એવું જ એક બીજું પણ ઉદાહરણ છે. ‘દડો’ અને ‘ડોસો’. આ બન્ને શબ્દોમાં ‘ડ’નો ઉચ્ચાર ગુજરાતી ભાષામાં અનાયાસે જ બદલી જાય છે, પરંતુ કચ્છીમાં તેનો ભેદ ન બતાવાય તો ન ચાલે. લો, આ વાંચો: ‘ડાડી’ એટલે દાદીમા અને ‘ડાડી’ એટલે દાઢી!

ખેર! એતો હતી કચ્છીભાષામાં વપરાતા શબ્દોની ઝલક બે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેની તુલના કે, અસમાનતા બતાવવા માટે કચ્છીમાં એવી ચોવક વપરાય છે કે ‘હિકડો રાણૂં બ્યો કાંણૂં’ અહીં ‘રાણૂં’ અને ‘કાંણૂં’ પાસ મિલાવવા માટે વપરાયેલા શબ્દો છે. ‘રાણૂં’ એટલે ‘રાજા’ એવો અર્થ થાય જ્યારે ‘કાંણૂં’ એટલે એક આંખે ન દેખનાર! આ રીતે બે અસમાન વ્યક્તિત્વની સરખામણી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button