ઈન્ટરવલ

વેર-વિખેર -પ્રકરણ -૫૫

કરણ, તને ખબર છે? તારા પપ્પાનો મે હાથ પકડીને કહ્યું હતું કે કાકુ, પહેલાં મારે આત્મહત્યા કરવી છે…!

કિરણ રાયવડેરા

‘કાકુ, તમને સાંભળીને ખરાબ લાગશે પણ તમારે તમારી પત્ની સાથે આ રીતે વાત ન કરવી જોઈએ!’

પ્રભા સાથેનો ફોન મૂક્યા બાદ ગાયત્રીના અણધાર્યા હુમલાથી જગમોહન ડઘાઈ ગયો. કરણની હાજરીમાં ગાયત્રી એને આમ ટોકી દેશે એવું જગમોહને નહોતું ધાર્યું. એ પ્રત્યુત્તરમાં કંઈક કહેવા જતો હતો પણ પછી ચૂપ રહ્યો. કરણની હાજરીમાં ગાયત્રી સામે દલીલ થાય એ યોગ્ય નહીં ગણાય.

‘હા પપ્પા, ગાયત્રી સાચું કહે છે!’ કરણે પણ ગાયત્રીની વાતમાં સૂર પુરાવ્યો.

જગમોહન ધારદાર નજરે ગાયત્રીની સામે જોતો રહ્યો. જાણે કહેતો હોય કે મારા દીકરાને આ રીતે ઉશ્કેરીને તેં સારું નથી કર્યું.

‘સોરી કાકુ, તમને અમારી વાત રૂચી નથી એ જાણું છું. આ તો મને એમ કે તમને કંઈ પણ કહેવાનો મને અધિકાર છે.’ ગાયત્રી નીચું જોઈને બોલી રહી હતી.

‘ના, એવું નથી. તું જાણે છે કે તને પૂરો હક છે મને કંઈ પણ કહેવાનો. પણ મને એ નથી સમજાતું કે મેં ભૂલ ક્યાં કરી? પ્રભા ધારે ત્યારે મારી સાથે હસીને વાત કરે અને મારે પાછલી વાત ભૂલીને એની સાથે પ્રેમની વાત કરવાની? ગાયત્રી, એ કેટલી હદે શક્ય છે? મને પણ ગમા ગમા-અણગમા હોય કે નહીં?’

જગમોહન બચાવમાં આ બધુ બોલ્યો પણ પછી લાગ્યું કે કરણની સામે આ બધી ચર્ચા કરવી ઉચિત નથી. પણ તીર છૂટી ચૂક્યું હતું.

ગાયત્રી તરફ કરણે જોયું. એને ગાયત્રી તરફ માનની લાગણી થતી હતી. એક સેક્ધડ માટે એણે મનોમન ગાયત્રીની સરખામણી રૂપા સાથે કરી લીધી. રૂપામાં આટલી સમજ, આટલી પરિપક્વતા નથી. ક્યારેક ક્યારેક થોડું છીછરાપણું દેખાય છે એનામાં. રૂપાના વિચારને કરણે હડસેલો માર્યો. કોઈ પણ છોકરીને જોઈને એની રૂપા સાથે તુલના કરવાનો કોઈ અર્થ નથી.

‘કાકુ, મારા પપ્પા કહેતા કે રોજ એક નવું પ્રભાત ઊગે છે. રોજ એક નવી આશાનો જન્મ થાય છે. આપણે જો ગઈકાલની વાત લઈને મનમાં કડવાશ ભરી રાખીએ તો નવી સવારને ક્યારેય વધાવી ન શકીએ. સોરી કાકુ, નાના મોઢે મોટી વાત કરું છું. કદાચ તમારી પત્નીને ઇચ્છા થઈ હોય કે હવે આગલુંપાછલું ભૂલીને નવી શરૂઆત કરવી જોઈએ તો તમારે એને સાથ આપવો જોઈએ.’ ગાયત્રી બોલી.

‘વાહ, ગાયત્રી વાહ, તું હતી ક્યાં અત્યાર સુધી? ક્યાં છુપાઈ હતી?’ કરણ તો આનંદથી ઝૂમી ઊઠ્યો. કરણે આ રીતે ગાયત્રીનાં વખાણ કર્યાં એ જગમોહનને ગમ્યું.

‘અરે આ તારો બાપ મરવા નીકળી પડ્યો હતો ને ત્યારે આ ભટકાઈ ગઈ હતી. આત્મહત્યાનો વિચાર કરવામાં પણ લાભ થાય છે એ નહોતી ખબર.’ કરણને સંબોધીને જગમોઘને એવી રીતે કહ્યું કે ગાયત્રી હસી પડી.

‘કરણ, તને ખબર છે, તારા પપ્પાનો મેં હાથ પકડીને કહ્યું હતું કે કાકુ, પહેલાં મારે આત્મહત્યા કરવી છે.’ ગાયત્રીએ હસતાં હસતાં કરણને કહ્યું.

‘હા, પપ્પાએ મને રસ્તામાં બધી વાત કરી. ગજબ છો તું . એકદમ બિન્ધાસ્ત. તારી સાથે મઝા પડશે.’
‘પછી કોઈ કહેશે નહીં ને કે કરણ દીવાન એક છોકરી સાથે રહે છે?’ ગાયત્રીએ હળવેકથી કહ્યું.

‘પ્લીઝ, હવે શરમાવો નહીં. એ મારી બેવકૂફી હતી. હા, પણ ગાયત્રી, તેં વાત સાચી કરી. મારી મમ્મીએ એ જ વિચાર કર્યો હશે કે હવે નવી શરૂઆત કરવી છે.’
આ બોલતી વખતે કરણ વિચારતો હતો કે કૈલાશને ભૂલીને રૂપા સાથે નવી શરૂઆત થઈ શકે ખરી. રૂપા યોગ્ય પ્રતિસાદ આપશે કે પછી .

‘ઓ કે ગાયત્રી, તારી વાત સાચી છે.’ જગમોહને નમતું જોખ્યું :
‘યુ આર પરહેપ્સ રાઈટ. પ્રભા સાથે મારી માસ્તરાણી, હવે હું હંમેશાં તમારી સલાહ મુજબ વર્તીશ.’
ત્રણેય હસી પડ્યાં.

જોકે, ત્રણેય માંથી કોઈને અંદાજ નહોતો કે ઘરે પહોંચશે ત્યારે ત્રણેનાં હાસ્ય વિલીન થઈ જશે.


જગમોહનના વર્તનથી થોડી નારાજગી હતી, પણ પ્રભાએ મન મનાવી લીધું હતું. પતિ-પત્ની વચ્ચેના ખટરાગમાં બંને એમ જ સમજતાં હોય છે કે હું સાચો છું. અને આ સમજ કે ગેરસમજ જીવનભર ટકતી હોય છે. જગમોહન કદી નહીં સમજે કે સ્વીકારે કે એણે પોતે પણ અસંખ્ય ભૂલો કરી છે.

એની વે, હમણાં એ બધી વાતનો વિચાર કરીને લાભ નથી. જગમોહન ઘરે આવે છે અને એના સ્વાગતની તૈયારી કરવી જોઈએ.

પ્રભા એના વિચાર પર હસી પડી. જાણે રણમેદાનથી વિજય પ્રાપ્ત કરીને કોઈ રાજવી પરત ન આવતો હોય એવી રીતે એ જગમોહનના સ્વાગતનો વિચાર કરતી હતી. ના, પણ કંઈક એવું તો કરવું જોઈએ કે જગમોહનને જુદું લાગે.

ઘણી વાર નવી શરૂઆત કરવા ઇચ્છતાં પતિ-પત્નીને જુદું વાતાવરણ મળે તો પરિવર્તન કરવું સરળ પડે.

પ્રભાને થયું કે લખુકાકાને બોલાવીને ઘરને ફૂલથી સજાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. એ બારણાં ખોલીને લખુકાકાને બોલાવવા જેથી હતી ત્યાં બારણાંની બહાર જતીનકુમારને ઊભેલા જોયા. આ જમાઈ મારા બેડરૂમની બહાર શું કરે છે એવો એક વિચાર પ્રભાના મગજમાં દોડી ગયો.

‘કેમ છો, સાસુમા? બહુ ખુશ લાગો છો? અંદર આવું?’ પ્રભાની બાજુએથી સરકીને અંદર પ્રવેશ કરતાં જતીનકુમારે પૂછ્યું.

આ માણસ મારા ઘરમાં ધામો નાખીને બેઠો છે અને હવે મારા રૂમમાં પ્રવેશ માગતી વખતે શિષ્ટાચાર દેખાડવાનો દંભ કરે છે. પ્રભાનું મન ખાટું થઈ ગયું.

આપણે જ્યારે ખૂબ જ ખુશ હોઈએ ત્યારે અણગમતી વ્યક્તિને જોઈને કોઈએ આપણી ખુશીના ફુગ્ગાને ટાંકણી મારી હોય એવી લાગણી થાય.

‘આવો આવો જમાઈરાજ, કેમ છો?’ પ્રભાએ પણ શિષ્ટાચાર દાખવ્યો.

‘બસ, તમારા રાજમાં લીલાલહેર છે. મને રેવતીએ વાત કરી કે તમે સસરાજીને મારા વિશે વાત કરવાના છો. સાંભળીને મારો આનંદ બમણો થઈ ગયો.’ જતીનકુમારે ખુરશી પર જમાવ્યું.
‘હા, હા, એ તો કરીશ, ચોક્કસ કરીશ. બોલો, એ સિવાય કંઈ હુકમ હોય તો ફરમાવો.’ ક્મને પ્રભાએ વાત ચાલુ રાખવી પડી.

‘બસ, બીજું શું હોય…’ પછી આજુબાજુ નજર નાખીને જતીનકુમાર બોલ્યા:
‘સાંભળ્યું છે કે આજે મારા ગ્રેટ શ્ર્વસુરજી પધારે છે?’

પ્રભાને ખાતરી હતી કે જતીનકુમારને પાકી ઇન્ફોર્મેશન મળી હશે પછી જ એની પુષ્ટિ કરાવવા પ્રભાને પૂછતો હશે.

પ્રભાને ધ્રાસકો પડ્યો. આ માણસ જ્યારે જ્યારે આવ્યો છે ત્યારે મોકાણના ખબર લાવ્યો છે. આજે એવું કંઈ ન કહે તો સારું.

‘હા, જગમોહન ક્યાં બહારગામ ગયા છે કે એમની ફિકર રહે! ઑફિસના કામે ગયા હશે. કામ પૂરું થતાં જ પાછા આવી જશે.’ પ્રભાએ વાત ટાળવાની ચેષ્ટા કરી.

‘અચ્છા… અચ્છા… ઑફિસનું કામ. સાસુમા, તમે બહુ ભોળાં છો. એકદમ ભગવાનનાં માણસ છો’ પ્રભાને જાણે દૂરથી વાવાઝોડું આવતું હોય એવાં એંધાણ મળતાં હતાં. આ માણસ જાણે હમણાં કોઈ બોમ્બ ફેંકવાનો હોય એ રીતે પ્રભા એની સામે જોઈ રહી. અંદરથી ફફડાટ હતો કે જમાઈબાબુ કંઈ બોલે નહીં તો સારું.

‘સાચે સાસુમા, તમે આટલાં ભોળાં છો એટલે જ બધા તમારો લાભ ઉઠાવે છે. તમે જ્યારે જ્યારે બીજાને માફ કરશો ત્યારે જ બધા તમને મારવાની કોશિશ કરશે.’
પોતાની વાતની સાસુ પર શું અસર પડે છે એ જોવા જતીનકુમાર એકટશે પ્રભાના ચહેરાના બદલાતા ભાવનું નિરીક્ષણ કરવા લાગ્યા.

પ્રભાને લાગ્યું કે ગમે તે હોય, જતીનકુમારની વાત બિલકુલ સાચી છે. એણે જ્યારે બીજાની ભૂલ સામે આંખ આડા કાન કર્યા ત્યારે જ એને ક્ષતિઓ વિશે છાપરાં પર ચડીએ જાહેરાત કરવામાં આવી છે.
‘જમાઈબાબુ, આપણે જતું કરવું જોઈએ. એમ બધી વાત યાદ રાખીએ તો જિંદગી ન જિવાય.’ જતીનકુમારના પ્રવાહમાં ક્યારે તણાઈ ગઈ એની પ્ર્ભાને ખબર જ ન પડી.

અરે, પણ તમે કેટલું જતું કરશો! કેટલી વાત ભૂલશો! એમણે તમારું માન ન રાખ્યું એ તમે ભૂલી શકો પણ એ આ ઉંમરે… મારાથી તો બોલાતું નથી.’ જતીનકુમાર આડું જોઈ ગયા.

હવે પ્રભાનું હૃદય ખરેખર ધબકાર ચૂકી ગયું. એની ખુશીનો ફુગ્ગો તો ક્યારનોય ફૂટી ગયો હતો. હવે આ જમાઈબાબુ શરીરમાં ટાંકણી ભોંકીને લોહી કાઢશે કે શું?
‘બોલો, જમાઈબાબુ, અટકી કેમ ગયા?’

‘સાસુમા, તમે આખી જંદગી બધાંની સંભાળ લીધી. હવે પાછલી જિંદગીમાં તમને નોખાં કરવાની પેરવી ચાલી રહી છે. તમે કોઈને કહેતાં નહીં પણ મેં સાંભળ્યું છે કે જગમોહન દીવાન છેલ્લા બે દિવસથી એમની એક ગર્લફ્રેન્ડ જોડે રહેતા હતા.’

પ્રભાને લાગ્યું કે એને ચક્કર આવી જશે. પ્રભાનો અનુભવ એવો હતો કે જમાઈબાબુની વાત કરવાની શરૂઆત કઢંગી અને અતિશયોક્તિ ભરેલી હોઈ શકે, પણ એમની ઇન્ફોર્મેશન ખોટી ન હોય. હા, એમાં, મીઠુ-મરચું એમણે જરુતર ભભરાવ્યું હોય.

જગમોહનની ગર્લફ્રેન્ડ…?

વિશ્વાસ ન બેસે એવી ઢંગધડા વગરની વાત હતી આ પણ જતીનકુમારની વાત નકારી ન શકાય.

‘જતીનકુમાર, તમે શું બોલો છો એનું ભાન છે? આફ્ટર ઓલ, જગમોહન મારા પતિ છે…’
‘સાસુમા, તમે જ બોલ્યાં કે આફ્ટર ઓલ જગમોહન મારા પતિ છે, અર્થાત્ ગમે તેમ પણ એ તમારા હસબન્ડ છે, પણ તમારા વિશે તો આટલું કહી શકું કે તમે આફ્ટર ઓલ એટલે કે બધાની પાછળ જ રહી જશો જો આટલાં ઉદાર રહ્યાં છો તો…’

પ્રભા હત્પ્રભ થઈ ગઈ.જગમોહનની આ વાતમાં તથ્ય હોય તો? આ ઉંમરે જગમોહનની ગર્લફ્રેન્ડ?

એ વાત સાચી હોય તો આજે જગમોહનની ખેર નથી.

‘સાસુમા, મારી વાત પર ભરોસો નથી બેસતો ને? થોડી ધીરજ ધરો. વાજતેગાજતે આવશે માંડવે ત્યારે તમે ખુદ જ જોઈ લેજો. બાકી તમે કહેતાં હો તો એ છોકરી ક્યાં રહે છે, એના બાપનું નામ વગેરે માહિતી તમને આપી શકું છું.’

હવે પ્રભાને ડર લાગતો હતો. એનું મન કહેતું હતું કે જતીનકુમારની વાત સાચી છે.

એ જ વખતે કોલબેલ રણકી .
પ્રભાને જાણે જતીનકુમારથી દૂર જવાનું બહાનું મળી ગયું. લખુકાકા દરવાજો ખોલશે એ ખાતરી હોવા છતાંય એ ઝડપભેર બહાર ગઈ. પાછળ પાછળ જતીનકુમાર
લખુકાકા બારણે પહોંચી ગયા હતા.

એમણે દરવાજો ખોલ્યો.

બહાર જગમોહન, કરણ અને ગાયત્રી ઊભાં હતાં. જગમોહનના ચહેરા પર હાસ્ય હતું. કરણે પણ મમ્મી સામે કોઈને સ્મિત ફરકાવ્યું. ગાયત્રી નીચું જોઈને ઊંબરે ઊભી રહી.

જતીનકુમાર સાસુમાની પાછળ ઊભા રહીને ગણગણ્યા :
‘સાસુમા, નવી વહુનાં પગલાં નહીં લ્યો?!’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button