આપણને કોઈ સમસ્યા મૂંઝવતી હોય ત્યારે અચાનક કોઈ ધરપત આપે કે તમે ચિંતા ન કરો, હું સંભાળી લઈશ ત્યારે કેવી રાહત થાય!
આજથી ઉત્તરાર્ધ આરંભ
‘પત્નીની બાબતમાં હું ખરેખર ભાગ્યશાળી છું!’
ઈસ્ટર્ન બાયપાસના મોડ પર ડિવાઈન’ ગેસ્ટહાઉસના એક રૂમમાં આરામ કરતાં કુમાર એની પત્ની શ્યામલી વિશે વિચારતો હતો. શ્યામલી ન હોત તો આજે એને સાચે જ મરી જવું પડત. લેણદારોના દબાણને કારણે ફાંસો ખાઈ લેત અથવા ઊંચા મકાનથી નીચે પડતું મૂક્યું હોત. શ્યામલીએ એને મોતના મોઢામાંથી બહાર કાઢ્યો અને રસ્તો સૂઝાડ્યો હતો:
‘મરી જા કુમાર મરી જા’!
ત્યારે તો કુમાર ચોંકી ઊઠ્યો હતો. એ સમજ્યો હતો કે શાહુકારોના મેણાંટોણાં સાંભળીને રઘવાયેલી થયેલી શ્યામલી એને મરી જવાની સલાહ આપે છે પણ તે પછી શ્યામલીએ ચોખવટ કરી હતી કે મરવાનું નાટક કરીને અંડરગ્રાઉન્ડ ચાલ્યો જા. બધું થાળે પડી જશે પછી કોઈ રસ્તો કાઢશું.
આજે સરકારી ચોપડે કુમાર ચક્રવર્તીનું મૃત્યુ’ નોંધાઈ ચૂક્યું હતું. ધીરે ધીરે લેણદારો વિખરાતા ગયા અને શ્યામલીના પ્લાન મુજબ બધું થાળે પડતું ગયું.
પણ હવે કુમારને ઝાઝો સમય મૃતક’ની ભૂમિકા નિભાવવામાં રસ નહોતો પડતો. એ થાક્યો હતો દોડી દોડીને. આપણે જ્યારે ગુનો કર્યો હોય ત્યારે રસ્તાના ટ્રાફિક કોન્સ્ટેબલને આપણી તરફ આવતો જોઈને ભય લાગે. પહેલો જ વિચાર એવો આવે કે પોલીસને આપણા અપરાધ વિશે ખબર પડી ગઈ અને એ આપણને એરેસ્ટ કરવા આવે છે.
કુમારની હાલત આવી જ હતી. ભય અને અસલામતી વચ્ચે ગેસ્ટહાઉસ બદલતા રહેતા કુમારને હવે પોતાને ઘરે પત્ની સાથે રહેવાની-જીવવાની ઇચ્છા જાગી ઊઠી હતી.
એક વાત એણે કદી શ્યામલીને નહોતી કરી પણ ઊંડે ઊંડે એને કોરી ખાતી હતી કે પૈસા માટે એણે શ્યામલીને ગુમાવવી પડી હતી. એટલું જ નહીં, વિક્રમ દીવાન નામનો એક શ્રીમંત નબીરો શ્યામલીની જિંદગીમાં પ્રવેશી ચૂક્યો હતો એ વાત એને ખટકતી હતી. શ્યામલી પ્રેમનું માત્ર નાટક કરતી હતી અને એ હંમેશાં કુમારને સમર્પિત રહી હતી એ જાણવા છતાંય કુમારની સહનશક્તિ ખૂટી રહી હતી.
શ્યામલી જેવી બુદ્ધિમંત અને પ્રેમાળ પત્નીનો સાથ કોણ જીવનભર ન ઇચ્છે?
એમાંય આજે તો એણે કમાલ કરી. ફોન પર એણે જ્યારે શ્યામલીને કહ્યું કે વિક્રમ એની સાથે મકાનની બહાર અથડાયો હતો અને કદાચ એને શંકા પડી ગઈ હતી, ત્યારે શ્યામલી ફક્ત એટલું જ બોલી હતી: ‘ડોન્ટ વરી કુમાર, હું કોઈ યોજના વિચારું છું.’
કુમારને ત્યારે શ્યામલી પ્રત્યે માનની લાગણી થઈ. આપણને કોઈ સમસ્યા મૂંઝવતી હોય ત્યારે અચાનક કોઈ ધરપત આપે કે તમે ચિંતા ન કરો, હું સંભાળી લઈશ ત્યારે કેવી રાહતની લાગણીનો અનુભવ થાય!
કુમાર વિચારમાં પડી ગયો હતો – શ્યામલી શું રસ્તો કાઢશે?
બે કલાક પછી શ્યામલીનો ફરી ફોન આવ્યો હતો.
‘કુમાર, ઘાત ટળી ગઈ છે. વિક્રમને પૂરો સંતોષ થઈ ગયો છે અને હજી હમણાં જ ફ્લેટથી નીકળ્યો છે.’ ત્યાર બાદ એણે વિક્રમની શંકાનું કેવી રીતે સમાધાન કર્યું એ અંગે સવિસ્તર ખુલાસો કર્યો. કુમાર આફરીન પોકારી ગયો.
શ્યામલીએ વિક્રમને કહ્યું હતું કે કોઈ એના પતિ જેવો દેખાવ ધરાવતો કોઈ ઠગ એને ફોન પર ધમકી આપતો ફરે છે કે વિક્રમ દીવાન અને શ્યામલી વચ્ચેના સંબંધની વાત એ છાપાવાળાને કહી દેશે.
‘બાપરે, શ્યામલી, મને પણ નહોતી ખબર કે તારા મગજમાં આવી ભયંકર તરકીબો આવી શકે છે.’ કુમાર પ્રશંસાના સૂરમાં બોલ્યો હતો.
‘જિંદગી અને ખાસ કરીને સમસ્યાથી ભરેલી જિંદગી બધું શિખવાડી દે છે, કુમાર.’ શ્યામલી બોલી હતી. શ્યામલીના અવાજમાં રહેલી ઠંડક કુમારને દઝાડી ગઈ હતી.
કુમારને એક વાર કહેવાની ઇચ્છા થઈ આવી –
‘શ્યામલી, ચાલ આપણે બીજા શહેરમાં નામ બદલીને સ્થાયી થઈએ. હવે એક સામાન્ય જીવન શાંતિથી ગાળી શકીએ એટલા પૈસા તો છે આપણી પાસે.’ પણ કુમાર બોલી ન શક્યો. એને ખાતરી હતી કે શ્યામલી એનો પ્રસ્તાવ નહીં સ્વીકારે. એવું લાગતું હતું કે શ્યામલી ધીરે ધીરે દૂર થતી જાય છે.
કુમારને ભય લાગ્યો હતો કે એ શ્યામલીને હંમેશ માટે ખોઈ ન બેસશે. એક દિવસ વિક્રમ દીવાન જેવી શ્રીમંત બાપની બગડેલી ઔલાદ એને લઈ જાય એ પહેલાં શ્યામલીને પેલા વિક્રમથી દૂર કરવી જોઈએ.
કંઈક કરવું જોઈએ, કોઈ તરકીબ વિચારવી જોઈએ. શ્યામલીના ભેજામાં ઊગી આવે છે એવો કીમિયો. અને અચાનક કુમારના ચહેરા પર હાસ્ય ફેલાવા લાગ્યું.
એને એક પ્લાન સૂઝી આવ્યો. એ ગેસ્ટહાઉસની બહાર આવ્યો. પાસેના એસ.ટી.ડી. બૂથમાંથી એક ફોન જોડ્યો. :
‘બેલ્લો…’ કુમારે વાત કરવાની શરૂઆત કરી.
‘શ્યામલી, તું ફિકર નહીં કરતી.’ વિદાય લેતી વખતે શ્યામલીને સાંત્વન આપતી વખતે કહ્યું હતું :
‘હવે બીજી વાર એ મવાલીનો ફોન આવે કે તું હિંમતથી એને કહી દેજે કે હવે ફરી ક્યારેય મને હેરાન કરવાનો પ્રયાસ કર્યો છે તો હું પોલીસની મદદ લઈશ.’
‘થેન્ક યુ વિક્રમ, સોરી, તને બહુ તકલીફ આપી.’ શ્યામલીના ગળે ડૂમો ભરાયો હતો.
‘ઈટ્સ ઓલરાઈટ, શ્યામલી, તારા માટે કાળી રાતે પણ હાજર થઈ જઈશ.’ ઉત્સાહમાં બોલાઈ તો ગયું પણ વિક્રમને લાગ્યું કે વધુ પડતું બોલાઈ ગયું છે.
‘તું ન હોત તો મારું શું થાત?’
શ્યામલીના ફ્લેટથી નીકળીને વિક્રમ લિફ્ટમાંથી નીચે આવ્યો. હવે ઑફિસે જવું જોઈએ. એક આંટો ઑફિસે મારીને પછી ઘરે ચાલ્યો જઈશ. પૂજા સૂઈ જાય અને ફરી કંઈક સપનામાં જુએ એ પહેલાં ઘરે પહોંચી જાઉં તો સારું.
કાર સ્ટાર્ટ કરીને એ શ્યામલીના વિચારે ચડી ગયો. એના પતિ જેવો આબેહૂબ ચહેરો ધરાવતો માણસ શ્યામલીને ધમકાવતો આવે એ વાત શ્યામલીના મોઢે સાંભળી ત્યારે ગળે ઊતરી ગઈ હતી.
હવે એકલા બેસીને વિચાર કરતાં વિક્રમને થયું :
કોઈ માણસ શ્યામલીને શા માટે હેરાન કરે? એ કોઈ શ્રીમંત વિધવા તો નથી કે એને બીવડાવીને કોઈ એની પાસેથી રૂપિયા પડાવી શકે?
વળી આ શ્યામલીના પતિનો ડુપ્લિકેટ ક્યાંથી ફૂટી નીકળ્યો? આખી વાત થોડી ફિલ્મી અને પોકળ લાગવા માંડી હતી.
શ્યામલીના ઘરે અનુભવેલો ઉત્સાહ ધીમે ધીમે ઓસરવા લાગ્યો હતો. જ્યાં સુધી શ્યામલી સામે રહેતી, વિક્રમ એની દરેક વાત પર વિશ્ર્વાસ કરી લેતો. જેવો એ એનાથી દૂર થાય કે એની આસપાસ સંદેહનું એક જાળું રચવા લાગે અને એ જાળમાં ફસાતો જાય.
વિક્રમ થાકી ગયો. એ કંટાળી ગયો હતો. વારંવાર એક જ વાત વિચારીને. ઘણી વાર માણસમાં આત્મવિશ્ર્વાસનો અભાવ હોય ત્યારે એ બધાને શંકાની નજરે જોવા લાગે છે. વિક્રમ સાથે પણ કંઈક એવું જ થયું હતું.
એણે કાર ઑફિસના રસ્તે મારી મૂકી.
એ જ પળે એનો સેલ રણકી ઊઠ્યો.
‘હલ્લો…’ વિક્રમને લાગ્યું કે સામે છેડેથી સંભળાતો અવાજ જાણે કોઈ ગુફામાંથી આવતો હોય એવો લાગતો હતો.
મિસ્ટર વિક્રમ દીવાન, તમે મને નહીં ઓળખો એટલે તમારી યાદશક્તિને કોઈ તકલીફ નહીં આપતા. એક અગત્યની ઇન્ફોર્મેશન તમને આપવા માગું છું. શ્યામલી ચક્રવર્તી તમને ડબલ ક્રોસ કરી રહી છે. હું તમારો હિતેચ્છુ છું એટલે તમને ચેતવું છું. શ્યામલી અને એના પતિએ ભેગાં મળીને મારી પાસેથી ઘણા રૂપિયા ઓકાવ્યા છે. એટલે તમારી પણ એવી દશા ન થાય એટલા માટે તમને વોર્નિંગ આપું છું. બહુ મોડું થઈ જાય એ પહેલાં શ્યામલીને છોડીને નીકળી જાવ આ બધામાંથી દો, બાય! ’
સ્તબ્ધ વિક્રમ દીવાન ક્યાંય સુધી ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો. વારંવાર મનમાં એક જ પ્રશ્ર્ન ઘોળાયા કરતો હતો :
કોણે હતો એને આ ફોન કરનારો ?
‘જગમોહન, ઘરે ક્યારે આવો છો?’
આટલું નાનકડું વાક્ય બોલતા પ્રભા હાંફી ગઈ હતી.
કેટલાં વરસો બાદ એણે જગમોહન સાથે આ રીતે વાત કરી હશે. પ્રભાને ખુદને પોતાની વર્તણૂક પર આશ્ર્ચર્ય થતું હતું.
ક્યાં ગયું એનું ગુમાન? ક્યાં ગયો એનો ક્રોધ? પ્રભા જાણે પોતાની જાતને જ ટોણાં મારતી હતી.
સામે છેડેથી જગમોહન પૂછતો હતો:
‘કોણ બોલે છે?’
એ ગંભીરતાથી પૂછે છે કે પછી એની મશ્કરી કરવા એ અજાણ્યા બનવાનો ઢોંગ કરે છે?
જગમોહનને પણ કદાચ આશ્ર્ચર્ય થયું હશે કે પ્રભા આટલી મૃદુતાથી એની સાથે વાત કરે છે.
‘શું જગમોહન, તમે પણ! હું છું પ્રભા… પ્રભા જગમોહન દીવાન, તમારી ધર્મપત્ની.’
સામે છેડે મૌન છવાઈ ગયું. કદાચ જગમોહનને આઘાત લાગ્યો હશે. પ્રભા મનોમન હસતી હતી. કોઈ દિવસ સીધા મોઢે વાત ન કરનારી પત્ની આજે અચાનક આદર્શ હિન્દુ નારીની જેમ વાત કરી રહી છે.
‘તમે સાચે જ મારાં પત્ની છો?’
જગમોહને પ્રશ્ર્ન પૂછવાનું ચાલુ રાખ્યું :
‘નો, આઈ મીન, હું મારી ધર્મપત્નીને સારી રીતે ઓળખું છું. તમારો અવાજ એને મળતો આવતો હોય પણ બોલવાની તમારા બંનેની રીત તદ્દન જુદી છે. આ જ પ્રશ્ર્ન મારી પત્નીએ બીજી જ રીતે પૂછ્યો હોત. એ દાંતિયા કરતી પૂછત, ઘરે ક્યારે આવો છો?’
પ્રભા હસી પડી.
મને ગમ્યું, જગમોહન, તમે મારા ચાળા પાડ્યા એ ગમ્યું. આ બહાને તમારો ગુસ્સો નીકળી જશે અને તમે મને ઓળખી શકશો.’
‘પ્રભા, આઈ એમ રિયલી સરપ્રાઇઝ્ડ… તું હસી શકે છે એ મેં આજે જાણ્યું. તું સોફ્ટલી વાત કરી શકે છે એની મને આજે ખબર પડી. થેન્ક યુ, પ્રભા, મને ગમ્યું.’
‘જગમોહન, હજી તો તમને ઘણી બધી વસ્તુની ખબર નથી… ખેર, ધીરે ધીરે ખબર પડી જશે. તમે મારા પ્રશ્ર્નનો હજી જવાબ નથી આપ્યો. ક્યારે ઘરે આવો છો?’
‘પ્રભા, તારો સ્વભાવ રાઅતોરાત સુધરી કેવી રીતે ગયો?’ જગમોહન જાણે પ્રશ્ર્ન પૂછીને આનંદ મેળવતો હતો.
પ્રભાની અંદર ધરબાયેલો રોષ સ્પ્રિંગની જેમ છટકી બહાર આવ્યો. ભવાં ખેંચાઈ ગયાં. આ માણસ એની જાતને શું સમજે છે? હું જેટલી મૃદુતાથી વાત કરું છું એટલું મારું અપમાન કર્યા કરે છે. પ્રભા કંઈક બોલવા જતી હતી પણ છેલ્લી ઘડીએ એણે શબ્દોને ફરી મોઢામાં ધકેલી દીધા : ના, હજી હમણાં તો નિશ્ર્ચય કર્યો હતો કે હવે કોઈ રીતે ઉશ્કેરાવું નથી અને સમાધાનનું વલણ અપનાવવું છે.
તમારે જે બોલવું હોય એ તમે બોલો. તમને પ્રશ્ર્ન પૂછવામાં મજા આવતી હોય તો પૂછી શકો છો. હું તો તમને એ જ પૂછતી રહીશ કે તમે ઘરે ક્યારે આવો છો?’ પ્રભા મહામહેનતે શબ્દોને ગોઠવી ગોઠવીને બોલતી હતી.
સામે છેડે ફરી થોડી ક્ષણ માટે ભારેખમ મૌન પથરાઈ ગયું.
‘સોરી, પ્રભા… ફોન કરવા બદલ થેન્ક્સ’ જગમોહનનો બદલાયેલો સ્વર એના કાને અથડાયો, અમે થોડી વારમાં જ ઘરે આવીએ છીએ… બાય.’ જગમોહને ફોન મૂકી દીધો.
પ્રભા જાણે ખુશીથી ઝૂમી ઊઠી. જગમોહન ઘરે આવે છે, એણે વિચાર્યું. અચાનક એના મનમાં એક પ્રશ્ર્ન ઉદ્ભવ્યો – જગમોહને એમ શા માટે કહ્યું કે અમે આવીએ છીએ.આ અમે એટલે કોણ?
જગમોહન કોને લઈને ઘરે આવે છે? પછી પોતાના પ્રશ્ર્ન પર હસીને પ્રભાએ મનને ટપાર્યું: હવે આ ઉંમરે જગમોહન કોઈ કુંવારીને થોડી પરણીને લાવવાનો છે કે હું ચિંતામાં પડી ગઈ.
‘કાકુ, તમને સાંભળીને ખરાબ લાગશે પણ તમારે તમારી પત્ની સાથે આ રીતે વાત ન કરવી જોઈએ!’
પ્રભા સાથેનો ફોન મૂક્યા બાદ ગાયત્રીના અણધાર્યા હુમલાથી જગમોહન ડઘાઈ ગયો. કરણની હાજરીમાં ગાયત્રી એને આમ ટોકી દેશે એવું જગમોહને નહોતું ધાર્યું. એ પ્રત્યુત્તરમાં કંઈક કહેવા જતો હતો પણ પછી ચૂપ રહ્યો. કરણની હાજરીમાં ગાયત્રી સામે દલીલ થાય એ યોગ્ય નહીં ગણાય.
‘હા પપ્પા, ગાયત્રી સાચું કહે છે!’ કરણે પણ ગાયત્રીની વાતમાં સૂર પુરાવ્યો.
જગમોહન ધારદાર નજરે ગાયત્રીની સામે જોતો રહ્યો. જાણે કહેતો હોય કે મારા દીકરાને આ રીતે ઉશ્કેરીને તેં સારું નથી કર્યું.
(ક્રમશ:)