વેર- વિખેર -પ્રકરણ -૮૮
બેટા, આ માગણી વાજબી નથી. આવનારી વહુ ઘરમાં આવતા પહેલાં જ આટલી મોટી રકમ માગે છે એ પછી શું કરશે?
કિરણ રાયવડેરા
‘એક તો રૂપિયા આપવા નહીં, અને વળી આપણને અહીં નજરકેદ રાખ્યાં છે. અરે બપોરે કોઈ ખૂની નવરો છે કે તમારી હત્યા કરવા દોડી આવે… અમારા સમયની કોઈ કિંમત ખરી કે નહીં?’ જતીનકુમારે ફરી એક વાર બળાપો કાઢ્યો.
રેવતીને એક વાર સંભળાવી દેવાની ઈચ્છા થઈ આવી કે તમારો સમય કેટલો કીંમતી છે એ મને ખબર છે. પણ પછી પોતાના અણસમજુ અને નાદાન પતિને છંછેડવાથી કોઈ અર્થ નહીં સરે એવું વિચારીને એ ચૂપ રહી.
‘તને શું લાગે છે રેવતી, કોણ તારા બાપનું ખૂન કરવા માગે છે?’ જતીનકુમારે વાત ચાલુ રાખી.
‘મને શું ખબર? શ્રીમંત માણસના સગાંવહાલાં ઓછાં અને દુશ્મન વધુ હોય. હશે કોઈ જૂનો દુશ્મન…’રેવતીએ ઉડાઉ જવાબ આપ્યો.
‘આપણને કેવું સારું, નહીં? પૈસા જ ન હોય તો દુશ્મનો ક્યાંથી પેદા થાય…! કેટલી શાંતિ, નહીં? આટલો પૈસો હોવા છતાંય આ તારા બાપની જેમ રઘવાયા અને અશાંત થઈને તો નહીં જીવવાનું…!’
રેવતી જતીનકુમાર સામે જોઈ રહી.
આ માણસને સમજવો મુશ્કેલ છે. રેવતી વિચારતી હતી.
અચાનક એને લાગ્યું કે એના પતિનો ચહેરો બદલવા માંડ્યો હતો. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ચહેરો ભાવવિહીન અને સપાટ થઈ ગય હતો. જાણે કોઈ ઊંડા વિચારતાં ખોવાઈ ગયા હોય.
રેવતીને લાગ્યું કે ઘણા દિવસો બાદ એના પતિ પર ફરી હુમલો આવી રહ્યો હતો.
એ ચિંતિત થઈ ઊઠી. એણે ઘડિયાળમાં જોયું. પોણા પાંચ થયા હતા. એકાદ કલાક પછી એ મમ્મીને જઈને વાત કરશે અને જરૂર પડ્યે ડોકટર પટેલને બોલાવશે.
મમ્મી પણ કેટલી ચિંતા કરે છે. આખી બપોર મારી પાસે બેઠી રહી. હજી થોડી વાર પહેલાં જ કરણને મળી આવું કહીને ગઈ હતી.
એ જ ક્ષણે રેવતીને બહાર કશોક ખખડાટ સંભળાયો. કોઈ ચાલતું હોય એવો અવાજ આવતો હતો. બપોરના કોણ હશે? કદાચ મમ્મી કરણના રૂમમાંથી નીકળી પોતાના બેડરૂમ તરફ જતી હશે.
જતીનકુમાર અચાનક ઊભા થયા.
રેવતીએ જોયું કે પતિ હજી હુમલાની અસર હેઠળ જ હતા. આ સ્થિતિમાં એમને બહાર કેવી રીતે જવા દેવાય!
‘તમે ક્યાં ચાલ્યા? ચૂપચાપ બેસી જાઓ તો!’ રેવતીએ ઊભા થઈને પતિનો હાથ પકડી લીધો.
જતીનકુમારે એક ઝાટકા સાથે હાથ છોડાવી દીધો.
પતિના શરીરમાં આવી તાકાત ક્યાંથી આવી એ બાબત રેવતી વિચારે એ પહેલાં જ જતીનકુમારે બહાર જવા બારણાં તરફ ચાલવાની શરૂઆત કરી.
‘પ્લીઝ, તમે મારી વાત સાંભળો. આવી હાલતમાં બહાર ન જાઓ, પ્લીઝ, મારી વાત માનો, તમે પડી જશો.’ રેવતી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ જતીનકુમાર રૂમની બહાર નીકળી ચૂક્યા હતા.
ત્યારે પાંચ વાગવામાં થોડી ક્ષણો બાકી હતી.
હવે શું કરવું? રેવતીના પગ જાણે જમીન સાથે ખોડાઈ ગયા. એનું શરીર શિથિલ પડી ગયું હતું. ધીમા પગલે એ પલંગ પાસે આવી અને ફસડાઈ પડી.
થોડી પળો બાદ એને બે ચીસ સંભળાઈ.
પહેલા એના પપ્પાની હતી.
બીજી ચીસ કોઈ સ્ત્રીની હતી, કદાચ ગાયત્રીની.
રેવતીએ બારણા તરફ દોટ મૂકી.
પચ્ચીસ લાખ માટે રૂપાને ગુમાવવી પડશે એવા વિચાર કરતાં કરણને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ન પડી. આંખ ખૂલી ત્યારે એને લાગ્યું કે બહારથી કોઈ અવાજ આવી રહ્યો હતો.
એણે ધ્યાનથી સાંભળવાની કોશિશ કરી પણ કોઈ અવાજ સંભળાયો નહીં. એનો વહેમ હશે એવું માનીને એણે ફરી આંખ બંધ કરી દીધી ત્યારે બારણે ટકોરા પડ્યા.
કરણે ઊભા થઈને બારણું ખોલ્યું. બહાર મમ્મી ઊભી હતી.
‘આવ મમ્મી, અંદર આવ.’ મમ્મીને જોઈને કરણના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ.
મન જ્યારે ઉદાસ હોય કે પછી કોઈ સમસ્યાનો ઉકેલ ન જડો હોય ત્યારે સામે માને જોઈને કેવી હળવાશ અને શાતાનો અનુભવ થાય! હવે કોઈ પણ સમસ્યાનો હલ મળી જશે એવો વિશ્ર્વાસ પ્રગટે.
‘શું કરતો હતો બેટા?’ પ્રભાએ સ્નેહથી પૂછ્યું.
‘કંઈ નહીં, પપ્પાનું ફરમાન છે કે બહાર નહીં નીકળવાનું એટલે એમ જ આડો પડ્યો હતો.’
‘હા, બેટા, આજનો દિવસ ચલાવી લેજે. આજે સાંજના તો કબીર અંકલ આવી જશે પછી તમે બધા છૂટા…’ પ્રભાએ નના દીકરાને શાંત પાડતાં કહ્યું.
‘હા મમ્મી, એક વાર કબીર અંકલ આવી જાયને તો સારું. આ વખતે તો હું કબીર અંકલને આપણા ઘરની બધી વાતો કરીશ. એમને હાથ જોડીને રિકવેસ્ટ કરીશ કે પ્લીઝ, અમારા ઘરના પ્રોબ્લેમ્સનો તોડ લાવો.’ કરણના અવાજમાં ગુસ્સો અને ખિન્નતાનો મિશ્ર ભાવ હતો.
‘હા બેટા, આ વખતે તો હું પણ કબીરને વાત કરીશ. એને કહીશ કે તમે તમારા મિત્રને સમજાવો.’ પ્રભાના અવાજમાં ભારોભાર નિરાશા હતી.
‘મમ્મી, તું એમ ઢીલી ન પડ. આવ બેસ મારી પાસે.’ કરણે હાથ પકડીને મમ્મીને પાસે બેસાડી. પ્રભાની આંખો ભરાઈ આવી.
‘બેટા, તે શું નક્કી કર્યું છ? વહુને ક્યારે ઘેર લઈ આવે છે?’ પ્રભાએ પૂછ્યું.
‘બસ આવતા અઠવાડિયે, પણ એ પહેલાં થોડા રૂપિયાની જરૂર હતી. પપ્પાને વાત કરી તો એમણે મને તુચ્છકારી દીધો.’
‘કેટલા રૂપિયાની જરૂર હતી બેટા?’ પ્રભાએ લાગણી નીતરતા સ્વરે પૂછ્યું.
‘પચ્ચીસ લાખની…’ કરણનો જવાબ સાંભળીને પ્રભા ચોંકી ગઈ… બેટા, પચ્ચીસ લાખને થોડા રૂપિયા ન કહેવાય.’
‘તું પણ મમ્મી, પપ્પાની ભાષા બોલવા માંડી?’ કરણે ફરિયાદના સૂરમાં કહ્યું.
‘ના બેટા, પણ આટલી મોટી રકમની તારે શું જરૂર પડી?’ પ્રભાએ નરમાશથી પૂછ્યું.
‘મને નહીં, તારી વહુને જરૂર પડી છે. એ કહે છે કે પહેલાં રૂપિયા હાથમાં આવે પછી જ હું તારા ઘરમાં પગ મૂકું. એ કહે છે કે લગ્ન પછી બધાંની સામે હાથ ફેલાવવો કેવું લાગે?’ કરણે મા સામે પેટછૂટી વાત કરી દીધી.
‘બેટા મારું માન પણ આ માગણી વાજબી નથી. જે વ્યક્તિ ઘરમાં આવતા પહેલાં જ આટલી મોટી રકમ માગે છે એ પછી શું કરશે?’ માએ દીકરાને સમજાવતાં કહ્યું.
‘પછી, આખું ઘર માગી લેશે. તમને એ જ વાતનો ડર છે ને…?’ કરણ નારાજ થઈ ગયો.
એ જ વખતે બહાર કોઈના ચાલવાનો અવાજ આવ્યો.
‘લખુકાકા લાગે છે.’ પ્રભા બોલી.
કરણના ચહેરા પર નારાજગીના ભાવ યથાવત્ રહ્યા.
‘બેટા, તું વિચારી જોજે. તારી વહુને સમજાવજે.’ પ્રભાએ ઊભા થતાં કહ્યું: પોણા પાંચ વાગી ગયા છે. થોડી વારમાં તો કબીર અંકલ આવી જશે.’
કરણે કંઈ જવાબ ન આપ્યો.
પ્રભા કમરાની બહાર નીકળી ગઈ.
કરણ થોડી વાર પડ્યો રહ્યો. શું રૂપાએ પચ્ચીસ લાખની માગણી કરીને ભૂલ કરી છે?
દિમાગ હા પાડતું હતું પણ એનું મન એ હાને સાંભળવા નહોતું દેતું.
કરણે ઘડિયાળ સામે જોયું.
પાંચ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી.
કંઈક વિચારીને ઊભો થયો અને બહાર નીકળી ગયો.
થોડી ક્ષણો બાદ બે ચીસ દીવાન પરિવારના ફલેટમાં ગુંજી ઊઠી.
જયે સેલ પર ફરી નાગપુરનો નંબર ઘુમાવ્યો. થોડી વાર પહેલાં પણ ટ્રાય કરી હતી. પણ લાઈન મળી નહોતી.
આ વખતે લાઈન મળી ગઈ.
‘મમ્મી, કેમ છે બધાં?’ સામે છેડે માનો અવાજ સાંભળીને જય ખુશ થઈ ગયો.
‘હા, બેટા, બોલ, પૂજા કેમ છે?’
‘મજામાં, મમ્મી, પપ્પા ક્યાં છે?’ જયે પૃચ્છા કરી.
‘બેટા, એ તો ગઈકાલથી અમરાવતી ગયા છે. એક-બે દિવસમાં આવી જશે એવું કહેતા ગયા છે.’
પપ્પા અમરાવતીમાં નાણાંની વ્યવસ્થા કરવા ગયા હશે, જયે વિચાર્યું. આ ઉંમરે પણ પપ્પા કેટલી દોડાદોડી કરે છે.
‘પપ્પા મોબાઈલ લઈને ગયા છે?’ જયે પૂછ્યું.
‘ના, એ કહીને ગયા છે કે હું અર્જન્ટ મિટિંગ માટે જાઉં છું. મને ડિસ્ટર્બ કરતાં નહીં. હું પોતે ફોન કરીશ.’
‘ઠીક. એમનો ફોન આવે તો કહેજે કે મન ફોન કરે. અર્જન્ટ કામ છે…!’
‘કોઈ ચિંતા નથી ને?’ માથી રહેવાનું નહીં.
‘ના… ના… અચ્છા, મમ્મી મને એક વાત કહેશો? પપ્પાએ ક્યારેય જગમોહન અંકલ પાસેથી આ અગાઉ રૂપિયા લીધા છે?’
‘ના, બેટા… મને ખબર નથી. કેમ?’
‘ના, ઠીક છે, એ આવે તો ફોન કરવાનું કહેજે…’ જયે લાઈન કાપી નાખી.
એણે ઘડિયાળમાં જોયું. પાંચ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી.
એને લાગ્યું કે કોરિડોરમાં કોઈ વાત કરી રહ્યું છે. શું કોઈ એની વાત સાંભળતું હતું?
એણે બારણું ખોલીને બહાર નજર કરી.
કોઈ દેખાયું નહીં.
એ બહાર નીકળ્યો. એ વખતે ઘડિયાળમાં પાંચ વાગવામાં બે મિનિટ બાકી હતી.
બેડરૂમનું બારણું ખૂલતું જોઈને જગમોહન બારણાની ઊંધી દિશામાં દોડ્યો. જોકે એને લાગ્યું કે એણે ભૂલ કરી હતી. એણે દરવાજા તરફ દોડીને બારણું બંધ કરી દેવું જોઈએ જેથી કોઈ અંદર પ્રવેશી ન શકે.
પણ ગભરાટમાં હાથમાં ચાકુ લઈને એ બારણાની સામેની બાજુ દોડયો હતો. અહીં કોઈ છુપાવાની જગ્યા નહોતી. દીવાલસરસો એ હાથમાં ચાકુ લઈને ઊભો રહી ગયો. હાથમાં રિવોલ્વર હોત તો એ દુરથી નિશાન લઈને હુમલાખોરનું ઢીમ ઢાળી દેત, પણ આ ચાકુથી શું વળે? જગમોહનના કપાળ પર પરસેવો ફૂટી નીકળ્યો.
એણે જોયું – બારણું ખોલીને એક અજાણ્યો માણસ અંદર પ્રવેશતો હતો. આ માણસને એણે પહેલાં ક્યાંય જોયો હોય એવું યાદ નહોતું આવતું…. પણ એ અંદર કેવી રીતે આવી શક્યો? મકાનની બહાર સિક્યુરિટીની વ્યવસ્થા હોવા છતાંય આ માણસ અંદર ઘૂસી આવ્યો હતો. પછી એના હાથમાં કાળા રંગનો બુરખો જોઈને જગમોહનને ખ્યાલ આવી ગયો કે આ માણસ બુરખો પહેરીને પોલીસની આંખમાં ધૂળ નાખીને અંદર પ્રવેશવામાં કામિયાબ નીવડ્યો હતો.
ઓહ, તો એનો દુશ્મન જીતી રહ્યો હતો, પેલો માણસ ખિસ્સામાંથી રિવોલ્વર કાઢતો હતો.
જગમોહને મનોમન ઈશ્ર્વરનું સ્મરણ કર્યું. હવે કોઈ રીતે બચી ન શકાય.
એ જ પળે એણે ગાયત્રીને દબાતે પગલે અંદર આવતાં જોઈ.
‘મિ. દીવાન….’ દાઢીવાળાએ એની સામે રિવોલ્વર તાકીને કહ્યું:
‘મિ. દીવાન, મારું નામ કુમાર ચક્રવર્તી. હું શ્યામલી ચક્રવતીનો પતિ છું. હું તમારું ખૂન કરવા અહીં આવ્યો છું….’ કહીને પેલા માણસ બે ડગલાં આગળ આવીને સાયલેન્સરવાળી ગનના ટ્રિગર પર આંગળી મૂકી.
જગમોહને જોયું કે ગાયત્રી પણ બે ડગલાં આગળ આવીને પેલા અજાણ્યા માણસ તરફ રિવોલ્વર તાકીને ઊભી રહી હતી. એની આંગળી પણ ગનના ઘોડા પર હતી.
જગમોહને આંખ મીંચી દીધી. હવે થોડી જ ક્ષણો બચી હતી. એના મોઢામાંથી ગભરાટમાં ચીસ નીકળી ગઈ.
લંબગોળ આકારે ફરતાં ક્ધવેયર બેલ્ટ પરથી પોતાની બેગ ઊંચકીને કબીરે ટ્રોલીમાં નાખી અને કોલકાતા એરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો.
ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને એણે સ્વીચ ઓન કર્યો. મુંબઈ – કોલકાતાની અઢી કલાકની વિમાન સફરમાં એના પગ અકડાઈ ગયા હતા.
એ હવે વૃદ્ધ થઈ રહ્યો હતો.
જગ્ગે સાથે બેસીને વધુ દારૂ પીવો પડશે. જ્યારે જ્યારે વૃદ્ધત્વના વિચારો આવે ત્યારે પોતાનો આત્મવિશ્ર્વાસ વધારવા કબીરે બે પેગ વધુ પી લેતો. અચાનક જગ્ગેને મળવાની ઈચ્છા વધુ પ્રબળ થઈ ગઈ.
આટલા વર્ષો જુદા થઈને રહી શકાય પણ હવે કલાકો શું, મિનિટો પણ સહન નહોતી થતી.
કબીર ટ્રોલી લઈને બહાર આવ્યો. જગ્ગેએ કહ્યું હતું કે એ ગાડી મોકલશે. થોડે દૂર જગ્ગેનો જૂનો ડ્રાઈવર જાદવ દેખાઈ ગયો. જાદવે હાથ ઊંચો કર્યો. કબીરે હસીને હાથ હલાવ્યો.
હાશ, હવે થોડી જ વારમાં મિત્રના ઘરે પહોંચી જવાશે.
કબીરે ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ કાઢી સિગારેટ સળગાવી પહેલો ઊંડો કશ લીધો અને ધીરે ધીરે ગુમાડાના ગોટા એના મોઢામાંથી નીકળવા માંડ્યા. જાણે મગજમાં છવાયેલું ધુમ્મસ નીકળતું હોય એવું લાગતું હતું. વરસો એ પોતાના જન્મસ્થાનની મુલાકાત લઈ રહ્યો હતો.
રોકવાની કોશિશ છતાંય એક વિશાદની લાગણી એના મનને વળગી પડી.
એક સાથે બાળપણ, જૂનું ઘર, મા-બાપ, ભાઈબંધ, નિશાળ, કોલેજ, સપનાંઓની સ્મૃતિઓ એને ઘેરી વળી.
છેલ્લા કેટલાંક વરસોથી એ ગુનાખોરી, અપરાધીઓ વચ્ચે આ બધું ભૂલી ગયો હતો.
આજે જાણે લાગ મળતાં બધી યાદોએ એના પર હુમલો કર્યો.
એ વધુ ઢીલો પડે એ પહેલાં જાદવ ગાડી લઈને આવી ગયો. કબીર દરવાજો ખોલીને અંદર ગોઠવાયો.
‘યસ, જાદવભાઈ, હવે મારી મૂકો ઘર તરફ. ફાસ્ટ, મારી પાસે સમય નથી.’ કબીરે હસીને કહ્યું.
‘યસ સર…’ જાદવે પ્રત્યુતર આપતાં એક્સીલેટર પર પગ દબાવ્યો.
અજાણતાં કબીર સાચું કહેતો હતો. સમય ખૂબ જ ઓછો હતો.
થોડી જ મિનિટો બાદ કબીરનો મોબાઈલ રણક્યો.
‘હલ્લો…’ કબીરે સેલ કાન પર ધરતાં કહ્યું.
‘કબીર અંકલ, તમે લેન્ડ થઈ ગયા ને…’ સામે છેડે વિક્રમનો અવાજ હતો.
‘હા, બેટા, આઈ હેવ એરાઈવ્ડ… પણ તું આટલો ગભરાયેલો કેમ લાગે છે… જગ્ગે ક્યાં છે?’ કબીરના મનમાં ધ્રાસ્કો પડ્યો.
‘અંકલ, તમે જલદી એપોલો હોસ્પિટલ પહોંચો. જાદવને કહેજો…’ વિક્રમનો અવાજ તરડાતો હતો.
‘વ્હોટ હેપન્ડ… વિક્રમ, શું થયું?’ જગ્ગે સલામત છે ને?’ કબી વિહ્વળ થઈ ગયો.
‘કબીર અંકલ… ગાયત્રીએ પપ્પાને ગોળી મારી દીધી છે…’
(ક્રમશ:)