ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૭૦

જુવાનજોધ દીકરો ભૂખ્યા પેટે થાણામાં બંધ હોય એમાં અમને ક્યાં ભૂખ લાગે? તમે આમને જમવાનું આપો… એમની તો ભૂખ ઊઘડી હશે…!

કિરણ રાયવડેરા

પોલીસ લઈ ગઈ એ પહેલાં વિક્રમ બોલ્યો હતો એ શબ્દો જગમોહનના માથા પર હથોડાની જેમ વીંઝાતા હતા. આજે કરણ પણ બોલ્યો હતો કે મારા અને રૂપાની વચ્ચે કોઈ આવશે તો એનું ખૂન કરતાં હું અચકાઈશ નહીં અને હવે આ વિક્ર્મ …આમ
આજે બંને છોકરાએ બાપની હત્યા કરવાની ધમકી આપી હતી. !

ફોન પર વારંવાર એનું ખૂન કરવાની ધમકી ઉચ્ચારતા એના દુશ્મન અને સંતાનો વચ્ચે શું ફરક?

જગમોહનની આંખમાં આંસુ ધસી આવ્યાં.

‘સગા દીકરાને જેલ ભેગો કરી દીધો અને હવે સાહેબ રડવા બેઠા છે. હું તો પહેલાંથી જ કહેતી હતી કે તમારા આદર્શો અને સિદ્ધાંતોને કારણે બધાને એક વાર ડૂબવું પડશે.’ પ્રભા જોરજોરથી બોલવા લાગી.
ગાયત્રી વિચારતી હતી કે એક સ્ત્રી આટલી ચીસો પાડીને વાત કેવી રીતે કરી શકે…

‘તમારો દીકરો જેલ ભેગો નથી થયો. પોલીસ એની પૂછપરછ માટે લઈ ગઈ છે. એમને સંતોષ થઈ જશે કે વિક્રમ નિર્દોષ છે એટલે એ પાછો ઘેર આવી જશે… વાતનું વતેસર કરવાનું રહેવા દો !’ જગમોહન ઉશ્કેરાટથી બોલવા ગયો પણ એના અવાજમાં આત્મવિશ્ર્વાસનો અભાવ હતો. ગાયત્રીને પણ જગમોહનના અવાજમાં બોદાપણું વર્તાયું.

‘પપ્પા, મમ્મી સાચું જ કહે છે. તમે તમારી જીદને કારણે આખા પરિવારને દાવ પર લગાડી શકો છો. તમારાં સંતાનો તમારી દૃષ્ટિએ નિર્દોષ ન હોય. પોલીસ નક્કી કરે તો જ એ નિર્દોષ ગણાય.’ કરણ મમ્મીની પડખે ચડી ગયો હતો.

ગાયત્રીને લાગ્યું કે કરણના અવાજમાં બપોરની ચર્ચાની કડવાશ પણ ભળેલી હતી. બાપે દીકરાની પસંદગી પર પોતાની મંજૂરીની મહોર મારવાનો ઈન્કાર કર્યો એટલે દીકરો પોતાનો રોષ પ્રગટ કરતો હતો.
‘કરણ, તું સમજ્યા વિના નહીં બોલ. આ એક ખૂનનો મામલો છે. એમાં વચ્ચે પડીએ તો પોલીસને વધુ શક પડે અને મામલો ગૂંચવાઈ જાય…’ જગમોહને પોતાનો બચાવ કર્યો.

‘હવે તમે રહેવા દોને…’ પ્રભા ફરી જગમોહન પર તૂટી પડી:
આ ગાયત્રીને પૂછી જુઓ. તમે સાચું કર્યું કે ખોટું?’
દરેક ગાયત્રી સામે જોવા લાગ્યા.

ગાયત્રી ગભરાઈ ગઈ. વારંવાર આ લોકો એને જજ શા માટે બનાવે છે?’

‘કાકુ,’ ગાયત્રીએ નીચે જોઈને બોલવાનું શરૂ કર્યું, ‘એટલું તો ચોક્કસ છે કે પોલીસ વિક્રમભાઈને માત્ર પૂછપરછ માટે નથી લઈ ગઈ. પોલીસ અહીં એમની ધરપકડ જ કરવા આવી હતી.. એનો અર્થ એ થયો કે પોલીસને એમની વિરુદ્ધ ફરિયાદ મળી છે, પુરાવા મળ્યા છે… કાકુ, એવું બની શકે કે કોઈએ એમની વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવીને એમને ફસાવવાનું ષડયંત્ર રચ્યું હોય. બાકી વિક્રમભાઈ કોની હત્યા કરે એવા તો નથી જ…’

‘આ જુઓ…જુઓ… સાંભળો, આ છોકરીની વાત. આપણાં બધાં કરતાં વધુ બુદ્ધિ છે એનામાં.’

ગાયત્રીના ખભે માથું મૂકીને પ્રભા રડવા માંડી: ‘જરૂર મારા દીકરાને કોઈએ ફસાવ્યો છે.’

કરણ પણ લાગ જોઈને કૂદી પડ્યો :
‘અરે મમ્મી, તારા દીકરાને કોઈ ફસાવતું હોય તો ભલે ફસાવે. મારી નાખતું હોય તો ભલે મારી નાખે. એ જો નિર્દોષ છે તો એણે જાતે પુરવાર કરવું પડશે એ કે નિર્દોષ છે. એના પપ્પા એને મદદ નહીં કરે. પપ્પા એવા કોઈ નિર્ણય નહીં લે જેમાં એમના પર કોઈ આંગળી ચીંધી જાય !’

‘કરણ, તું વાતને જુદો રંગ આપી રહ્યો છે. વિક્રમની આડ લઈને તું તારો હિસાબ પતાવી રહ્યો છે. તને તો કોઈ દિવસ લગ્ન માટે હું મંજૂરી નહીં આપું…’ જગમોહને પોતાનો ગુસ્સો કરણ પર ઠાલવ્યો.

‘કરણભાઈ, તમે ચૂપ રહો, ઘરમાં રહો, ઘરમાં બાપ-દીકરા વચ્ચે આ રીતે બોલાચાલી થાય એ કોઈને શોભતું નથી.’ ગાયત્રીએ કરણને અટકાવવાની કોશિશ કરી.

‘ચાલો, બધાં જમી લ્યો.’ લખુકાકાએ પ્રેમથી કહ્યું પણ કોઈને એમની વાત રૂચી નહીં.

‘જુવાનજોધ દીકરો ભૂખ્યા પેટે થાણામાં બંધ હોય એમાં અમને ક્યાં ભૂખ લાગે? તમે આમને જમવાનું આપો..’ ‘એમની તો ભૂખ ઊઘડી હશે.!’

જગમોહન તરફ આંગળી ચીંધીને પ્રભા બોલી.

‘પ્રભા, હવે હદ થાય છે. હું બોલતો નથી એટલે તું મનફાવે તેમ બોલે રાખે છે. હવે એક શબ્દ વધુ બોલી છે તો…’ જગમોહન પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો. બધાની હાજરીમાં થયેલું એનું અપમાન એનાથી સહન નહોતું થતું.

‘તો શું? તો શું કરશો…? અમને પણ થાણે મોકલી દેશો? તમે કરી શું શકો છો બીજું?’ …પ્રભા રડતાં રડતાં બોલતી હતી.

‘પ્રભા, હું કહું છું તું ચુપ રહે… મારી કમાન છટકશે ને તો હું મારી રિવોલ્વર કાઢીને…’ જગમોહન અટકી ગયો. એનો અવાજ કાંપતો હતો.

‘રિવોલ્વર? કંઈ રિવોલ્વર…?’ પ્રભાના કૃત્રિમ હાસ્યથી હોલ ગુંજી ઊઠ્યો :
‘પોતે રિવોલ્વર લઈને કોઈને આપી આવ્યા છો અને અમને રિવોલ્વરની ધમકી આપો છો.’

‘શું? રિવોલ્વર હું લઈ ગયો? તેં શું આ લવારો માંડ્યો છે? હું શા માટે રિવોલ્વર લઈ જાઉં? એ તો વોર્ડરોબમાં પડી છે…’ જગમોહન મૂંઝાઈ ગયો.

‘ઓહ… તો રિવોલ્વરને પગ ઊગી આવ્યા?’ જોજો, કોઈ બીજી વ્યક્તિનું ખૂન નથી થયું ને આ ગનથી? આપણા ઘરનાએ તો નથી કર્યું ને? તો એને પકડાવીએ પોલીસ પાસે…’ પ્રભા બોલતી જતી હતી.

‘પ્રભા, રિવોલ્વર ક્યાં છે?’ જગમોહન વિફર્યો.

‘મેં લીધી છે કોઈ એકનું ખૂન કરવા…બોલો, કંઈ કહેવું છે?’ પ્રભા ગાંજી જાય એમ નહોતી.

‘કરણ, રિવોલ્વર ક્યા છે?’ જગમોહને ફરીને કરણને પૂછ્યું.

‘રિવોલ્વર ગાયબ છે. કદાચ કોઈ ચોરી ગયું છે…’ કરણે જવાબ આપ્યો.

‘તમારા બધાનું માથું ખરાબ થઈ ગયું લાગે છે… આપણા ઘર પર આટલું મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને તમે લોકો રિવોલ્વરની ચોરીની વાત એટલી સહજાતાથી કરો છો કે જાણે કંઈ બન્યું ન હોય. કરણ, તેં વોર્ડરોબ ઠીકથી જોયો હતો?

‘યસ, મેં બે વાર ચેક કરી જોયું. રિવોલ્વર ગાયબ છે અને તમે કયા જોખમની વાત કરી રહ્યા છો?’ કરણે પૂછ્યું.

‘મારો કોઈ જૂનો દુશ્મન ઊભો થયો છે એ મને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા કરે છે. એણે જ મારું અને ગાયત્રીનું અપહરણ કરાવ્યું હતું. આપણા સ્વબચાવનું એક સાધન હતું પેલી રિવોલ્વર.. કરણ, આપણે એ શોધવી જ પડશે…’

‘જુઓ, તમે તો બહાર પણ બાવળ વાવીને આવ્યા છો તો જ કોઈ તમને મારી નાખવાની ધમકી આપે ને…કરણ, તારા પપ્પાએ અપહરણની વાત ઉપજાવી કાઢી છે…’ પ્રભાને વિશ્ર્વાસ નહોતો બેસતો.

‘ના, મમ્મી, કાકુની વાત સાચી છે. કોઈ એમની પાછળ પડ્યું છે. આ તો નસીબજોગે અમે બચી ગયાં…પણ એ માણસ હજી કાકુને ફોન પર ધમકી આપ્યા કરે છે.’ ગાયત્રીએ તરત જ જગમોહનનો પક્ષ લીધો.
‘ભગવાન જાણે આપણા ઘરમાં શું થવા બેઠું છે. બાપને કોઈ મારવા માગે છે. બાપ દીકરાને મારવા માગે છે.’ પ્રભાના અવાજમાં ભારોભાર ધિક્કાર હતો.

‘તમે ફરી લવારો શરૂ કરી દીધો. હું શા માટે મારા સગા દીકરાનો દુશ્મન થાઉં? સાચે જ, જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ઘરના ખૂણેખાંચરેથી આવે છે.’ જગમોહન હતાશ સ્વરે કહેતો હતો.

‘કાકુ, તમે હિંમત નહીં હારો. હમણાં આપણી સમક્ષ બે અગત્યના મુદ્દા છે. પહેલાં તો વિક્રમભાઈને છોડાવવાના છે. બીજું ખોવાયેલી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button