ઈન્ટરવલ

વેર- વિખેર -પ્રકરણ -૪૮

તાબડતોડ ત્યાંથી નીકળી જાઓ. ગાયત્રીનું ઘર હવે કુરુક્ષેત્ર બની ચૂક્યું છે. બે મોત ને એક ઈજાગ્રસ્ત…

કિરણ રાયવડેરા

‘ઠીક છે, જતીનકુમાર, તમે તમારું મોઢું બંધ રાખજો. મમ્મીની સામે પણ બોલતા નહીં…’
કરણ વાક્ય પૂરું કરે એ પહેલાં જતીનકુમાર બોલી ઊઠ્યા :
‘ઓહ, બિચારાં સાસુજીને પણ ખબર નહોતી… ઠીક મારે શું ! પણ, હવે શું નક્કી કર્યું છે શ્વસુરજીએ ?’ ચહેરા પર નિર્દોષ ભાવ લઈને જતીનકુમાર બોલ્યા જતા હતા.
કરણ પગથી માથા સુધી સળગી ગયો. બહેનનો વિચાર ન હોત તો હમણાં જ એક થપ્પડ મારી દીધી હોત.

‘જતીનકુમાર, મેં તમને અગાઉ પણ ચેતવ્યા છે કે મારી મમ્મી-પપ્પા વિશે જેમ તેમ નહીં બોલવાનું. તમે તમારી લક્ષ્મણરેખા ઓળંગશો અને એક વાર આ ઘરમાંથી બહાર થઈ જશો પછી બીજી વાર ક્યારેય અંદર પ્રવેશી નહીં શકો.’ કરણે ધમકી ઉચ્ચારી દીધી. હમણાં આ માણસને ચૂપ નહીં કરું તો એ વધુ ને વધુ ઊછળશે.કરણની ધમકી કામ કરી ગઈ.

‘ઠીક ત્યારે, જેવો સાળાબાબુનો હુકમ…’ હારી ગયેલી બિલાડીની જેમ એ સંકોચાઈ ગયા હતા.

‘જતીનકુમાર, તમને એક વાર ફરી કહું છું કે મોઢું બંધ રાખજો. પપ્પા વિશે કોઈને વાત નહીં કરતા. મારા, તમારા અને પપ્પા સિવાય કોઈ ચોથી વ્યક્તિને આ સિવાય જાણ થઈ છે તો મારા જેવો ખરાબ માણસ કોઈ નહીં જડે… અને હા, કાલ સુધી હું તમારા માટે કંઈક વ્યવસ્થા કરી આપીશ.’ કરણ કરડાકીભર્યા સ્વરે જ વાત કરતો હતો.

‘ઠીક છે, ભઈલા, તું જેમ કહે તેમ. પણ એક વાત કહું ?’ જતીનકુમાર જતાં જતાં બોલ્યા.

કરણને ફાળ પડી. હવે શું હશે ? એણે જતીનકુમાર સામે જોયું.
‘ગુસ્સે નહીં થતા, આ તો જે સાંભળ્યું એ કહું છું. તમારા સસરા એટલે કે મારા સસરા જગમોહન દીવાન બે દિવસથી એક છોકરીને ત્યાં રહે છે એવું સાંભળ્યું છે! ’


પૂજા મોડે સુધી પલંગ પર લાંબી થઈને પડી હતી.હજુ માથું ભમરડાની જેમ ફરતું હતું. એક વાર વિચાર આવ્યો કે સાસુમાને કહીને ડોક્ટર પટેલને બોલાવી લે. પછી વિચાર માંડી વાળ્યો.
સવારના પણ ડોક્ટર પાસે ગઈ હતી, ડોક્ટર પટેલ મોડા આવશે એવું કહીને નીકળ્યા હતા.પૂજા આંખ બંધ કરીને વિચારતી હતી.એને શું થતું હતું ?

કોની છબી વારંવાર એની આંખો સામે ઊભરતી હતી. આ રીતે કેવી રીતે જિવાશે ? કોઈ પણ પ્રકારની બીમારી ન હોવા છતાંય રોગીની જેમ રહેવું પડે. શારીરિક કરતાં માનસિક રોગ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. માનસિક રોગ તો જીવ ન લે પણ મોતનો ભય સતત દેખાડ્યા કરે.

વિક્રમ ક્યાં ગયો હશે ?
પૂજાએ પાસે પડેલા ફોનને ઊંચક્યો. વિક્રમને નંબર ડાયલ કરવા જતી હતી ત્યાં જ બારણું ખૂલ્યું.
વિક્રમ અંદર દાખલ થયો.

‘હાય, ડાર્લિંગ, હવે તબિયત કેવી છે ?’ વિક્રમે પૂજાના માથા પર હાથ રાખીને પૂછ્યું.પૂજા મોઢું ફેરવી ગઈ.
‘અરે, તું તો નારાજ થઈ ગઈ. મેં તને કહ્યું હતું કે હું ઑફિસે નહીં જાઉં. તારા સોગંદ હું ઑફિસે નથી ગયો. તું ફોન કરીને પૂછી શકે છે. તને મેં પ્રોમિસ આપ્યું હતું. હા, મારી એક એપોઇન્ટમેન્ટ મને યાદ આવી ગઈ એટલે ત્યાં જવું પડ્યું.’ વિક્રમ નિર્દોષતાથી બોલ્યો.

વિક્રમને થયું કે હવે એને જુઠ્ઠું બોલવામાં ફાવટ આવી ગઈ હતી એટલી સિફતથી એ ખોટું બોલ્યો હતો કે એને ખુદને પોતાના પર ભરોસો થઈ જાય.
એક ભૂલને છુપાવવા કેટલાંક ખોટાં કામ કરવાની આવડત શીખી લેવી પડે છે.

‘પૂજા, હજુ નારાજ છો ?’ વિક્રમે પૂછ્યું.
પૂજાનું હૃદય દ્રવી ઊઠ્યું. છેલ્લા બે કલાકથી ધરબી રાખેલી પીડા એની આંખો દ્વારા નીકળી ગઈ.
‘અરે, શું થાય છે ? તારી તબિયત ઠીક નથી ?’ વિક્રમને ચિંતા થવા માંડી.

‘મને શું થાય છે એ જ મને નથી ખબર. અંદર અંદર જીવ મૂંઝાયા કરે છે. શરીર પાણી પાણી થયા કરે છે. ધબકારા વધી ગયા છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે.’ પૂજાએ એકશ્વાસે બધી ફરિયાદ કહી નાખી.
વિક્રમને થયું કે પૂજા આ બધી ફરિયાદ ડોક્ટર સામે કરે તો એ પણ મૂંઝાઈ જાય. એ પણ શું ડાયગ્નોસિસ કરે ? પણ ઘણી વાર પત્નીની સામાન્ય બીમારીથી વિક્રમને રમૂજ પડતી હતી. સામાન્ય રીતે આક્રમક સ્વભાવ ધરાવતી પૂજા તબિયત બગડે ત્યારે ગરબડી થઈ જતી. એક વાર બિછાનું પકડવું પડે કે અચાનક એનો સ્વભાવ સુધરી જાય.

એક વાર નોર્મલ થઈ જાય કે ચહેરા પર ફરી એ જ આક્રમકતા અને અણસમજ વર્તાયા કરે.
‘આપણે ડોક્ટરને બોલાવી લઈએ…’ વિક્રમ બોલ્યો તો ખરો પછી યાદ આવ્યું કે ડોક્ટરો પણ પૂજા પાસે આવતાં હવે ડરશે. તબિયત સંભાળવાની સલાહ આપી કે આચાર્ય ડોક્ટરને ઍટેક આવી ગયો. ડોક્ટર પટેલ ચેમ્બરમાં આવી ગયા હશે.

‘ના વિક્રમ, ડોક્ટર તો નહીં જ’
પૂજાએ જાણે જીદ પકડી. વિક્રમને નવાઈ લાગી. સામાન્ય રીતે પૂજાની શિકાયત રહેતી કે તમે મારો ખ્યાલ રાખતા નથી. મારી બીમારીની વાત આવે કે ડોક્ટરને દેખાડવાનું સૂચન કરવામાં પણ તમને તકલીફ પડે છે. આજે સામેથી સલાહ આપી તો ના પાડી દીધી.

આજે સાચે જ તબિયત ખરાબ લાગે છે. આમેય ઊંઘમાં ચાલવાની ખબર પડ્યા બાદ એના મગજ પર અસર થઈ હતી.

‘ડોક્ટરને નહીં દેખાડીએ તો તારા રોગનો કેવી રીતે ઇલાજ થશે, ડાર્લિંગ ?’ વિક્રમે પૂજાના માથે હાથ ફેરવવાનું ચાલુ રાખ્યું.
‘વિક્રમ, મને બે કલાક પહેલાં એક ચહેરો દેખાયો હતો.’ પૂજાએ ડરતાં ડરતાં વાત કહી દીધી.

‘કોનો ચહેરો ? કેવો ચહેરો ? ક્યાં જોયો?’ વિક્રમને ફાળ પડી.
‘કોને ખબર એની ધૂંધળી છબી બે-ત્રણ વાર આંખ સામે આવી અને પછી ભૂંસાઈ ગઈ. ખભા સુધી ટૂંકા વાળ, ચાંદલા વગરનું કપાળ, મોટી આંખો અને હા, હડપચી પર એક તલ હતો કદાચ !’ પૂજા યાદ કરીને બોલતી હતી.

વિક્રમનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
પૂજા શ્યામલીના ચહેરાનું વર્ણન કરતી હતી


દીકરીને સમજાવીને કમરામાં રવાના કર્યા બાદ પ્રભા ચિંતામાં પડી ગઈ હતી.દરેકનો ડોળો જગમોહનના વીલ પર હતો.

રૂપિયા ન હોય ત્યારે માણસની એક જ સમસ્યા હોય આર્થિક ને એક વાર રૂપિયા આવી ગયા બાદ હજારો સમસ્યા માથું ઊંચકવા માંડે..
સગા દીકરા-દીકરી એના પપ્પાની વસિયત માટે પૂછતાં હતાં.એમાં જમાઈ પણ ભળ્યો હતો.

સંતાનોને વારસો મળવો એ એક વાત હતી અને એ વારસા પર સમય પહેલાં હક જમાવવો એ એક બીજી જ વાત હતી.એમાંય જે માણસનો કોઈ અધિકાર નહોતો બનતો એ જમાઈ જ બધાને ભડકાવતો હતો.
જોકે વાંક જગમોહનનો હતો.

પહેલીથી દીકરાઓને દૂર રાખ્યા. બાપ તરીકેની ફરજમાંથી ચૂક્યો. સસરાની જવાબદારી પણ ન નિભાવી.પતિ તરીકે તો એ સ્રિયામ નિષ્ફળ નીવડ્યો હતો. જો પતિ મજબૂત હોત તો આ સ્થિતિ ન આવત.
અધૂરામાં પૂરું, ઘરમાં ન સમજાય એવી ઘટનાઓ બની રહી છે. સવારથી રિવોલ્વર ગાયબ છે એવું કરણ કહેતો હતો. પ્રભાને થયું કે પહેલાં રિવોલ્વર શોધવી જોઈએ.
પ્રભા વોર્ડરોબ તરફ આગળ વધી.

છેલ્લે સમસ્યાનો કોઈ ઉકેલ નહીં મળે તો કોઈનું ખૂન કરવામાં રિવોલ્વર કામ આવશે.
ખૂન કરતાં નહીં આવડે તો છેવટે આત્મહત્યા કરી લેવાશે.

પ્રભા કંટાળી ગઈ હતી. પતિ બે દિવસથી ગાયબ હતો. બાળકો એકલાં પડી ગયાં હતાં અને મૂંઝાતાં હતાં.અને એ પણ એકલી પડી ગઈ હતી.
પ્રભાએ વોર્ડરોબમાં રહેલાં કપડાં ફેંદવાનું શરૂ કરી દીધું. આજે રિવોલ્વર ન મળે તો સારું નહીંતર એને એટલો ગુસ્સો ચડતો હતો કે રિવોલ્વરનો ઉપયોગ કર્યા વિના નહીં રહેવાય.


‘ગુડ, ગાયત્રી, મને તારી સ્પિરિટ ગમી. મને આવી ગાયત્રી ગમે છે. જુસ્સાવાળી, નીડર અને સમજું’
પોતાને ઘેર ગાયત્રી આવવા રેડી થઈ ગઈ કે જગમોહન દીવાન ખુશ થઈને બોલ્યો હતો.

આમેય એને સમજાઈ ચૂક્યું હતું કે ગઈ કાલે રાતથી જે રીતે ખતરનાક માણસો સાથે પનારો પડ્યો હતો એ સંજોગોમાં ગાયત્રીને એકલાં રહેવા દેવું જોખમી થઈ શકે.
પોતાને ઘરે ન લઈ જાય તો બીજે ગાયત્રીને ક્યાં રાખી શકાય? ઘરે પ્રભાને અને છોકરાઓને સમજાવી દેવાશે. કહી દઈશ કે મિત્રની દીકરી છે. મિત્રનું અચાનક મૃત્યુ થઈ જતાં હવે આપણે ત્યાં રહેશે. આઇડિયા થોડો ફિલ્મી લાગે છે, પણ જગમોહનને એ સિવાય બીજો વિચાર નહોતો સુજતો.

ગાયત્રી ‘લેટ એસ ગો’ કહીને ઊભી થઈ કે અચાનક જગમોહનનો સેલ રણકી ઊઠ્યો.

જગમોહને નામ વાંચવાની કોશિશ કરી. ફક્ત નંબર દેખાતો હતો. કદાચ કોઈ બૂથથી ફોન કરતું હતું.
‘હલ્લો!’ જગમોહન બોલ્યો.

‘હલ્લો, મિસ્ટર દીવાન, ગઈ કાલ રાતથી તમે મારું નામ જાણવાની કોશિશ કરો છો. મને થયું કે એક વાર વાત તો કરી લઉં!’
જગમોહનના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. ફોનના સામે છેડે એનો દુશ્મન વાત કરતો હતો.
કોણ હતો એ? અવાજ તો અપરિચિત લાગતો હતો.

‘તમે જે પણ છો, કાયર છો એટલું સમજાય છે. ફોન બૂથથી વાત કરો છો. હિંમત હોય તો સામે આવો ને… !’
જગમોહને પેલાને ઉશ્કેરવાની કોશિશ કરી.

‘દીવાનસાહેબ, હું મૂરખ નથી કે તમારી વાતમાં આવીને ઉશ્કેરાઈ જાઉં. તમે મારા બે માણસને મરાવી નાખ્યા ઘાટ છે ’
પેલા માણસનો અવાજ ઘોઘરો હતો અને અવાજ થોથવાતો હતો કે પછી એ માણસ અવાજ બદલીને વાત કરતો હતો ?

‘અફસોસ કે તમારા બે માણસ માર્યા ગયા, પણ બિલિવ મી, મેં બેમાંથી કોઈને નથી માર્યા… એ બંને એમના પાપે મર્યા છે. હવે તમે પણ એ જ રીતે મરશો. બાબુએ તમારા વિશે થોડીઘણી માહિતી આપી છે એટલે પોલીસ પણ એ લીડ પર કામ કરી રહી છે. તમે જે પણ હો, તમારા દિવસો ભરાઈ ચૂક્યા છે મિસ્ટર…’
સામે છેડે થોડી પળ માટે મૌન પથરાઈ ગયું.

‘તમે બહુ જ ચાલાક છો મિ. દીવાન. મારી ઓળખાણ પડી ગઈ હોત તો તમે અત્યાર સુધી મને પકડી લીધો હોત. એની વે, મારી વાત સાંભળી લો. તમે આત્મહત્યા કરી લીધી હોત તો વધુ શાંતિથી મરી શક્યા હોત. ખેર, હવે તમે મરશો ત્યારે વધુ તકલીફ પડશે. મારા બે માણસ મર્યા તો શું થયું ? હવે એક એક પળ તમને મૃત્યુનો ભય સતાવશે. મિ. દીવાન…’
‘ભ’ઈસાબ, તું આ ફિલ્મના ડાયલોગ બોલવાનું બંધ કર. લાગે છે કે તું પણ કોઈ ભાડૂતી ટટ્ટુ છો. જે પણ હો, ધમકી આપીને મને તો નહીં જ ડરાવી શકે…’
જગમોહન આગળ બોલવા જતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે લાઈન કટ થઈ ચૂકી હતી.

કોણ હશે આ માણસ ? બૂથ પર ફોન કરીને કોઈ અર્થ નહીં સરે. ફોન કરીને એ ત્યાંથી નીકળી ગયો હશે.
એણે ગાયત્રી સામે જોયું.

ગાયત્રી હસી : ‘તમારે જે જોઈતું હતું એ જ મળ્યું. ભાવતું ’તું ને ડોક્ટરે કીધું.કાકુ, હવે યુદ્ધની તૈયારી કરો અને રણશિંગું ફૂંકો…’
‘યસ ગાયત્રી, હવે યુદ્ધની તૈયારી કરવી પડશે. હવે જ્યારે એ માણસ મને મારવા ઇચ્છે છે ત્યારે મારે તૈયાર રહેવું જ પડશે. ગાયત્રી, આપણે પોતાનું ગમે તેટલું નુકસાન પહોંચાડીએ, પણ જ્યારે કોઈ બીજી વ્યક્તિ આપણું નુકસાન કરવા આવે ત્યારે આપણે આપણી જાતનું ધ્યાન રાખવું પડે. હવે મને કંઈ થાય તો પેલો માણસ ખુશ થઈ જાય… અને હવે મારે એને ખુશી નથી આપવી…’
‘કાકુ, ટેલિફોન બૂથ પર ફોન નથી કરવો?’ ગાયત્રીએ પૂછ્યું.

‘કોઈ અર્થ નથી. એ કયા એરિયામાંથી ફોન કરે છે એ જાણીને પણ કોઈ ફાયદો નથી. એ ચાલાક છે અને પોતાના એરિયામાંથી ફોન ન જ કરે. હા, મારે કબીરને ફોન કરી દેવો જોઈએ.’ કહીને જગમોહને કબીરને ફોન લગાડ્યો.

‘કબીર’ જગમોહને ભૂમિકા બાંધ્યા વિના વાતની શરૂઆત કરી દીધી, ‘એક ફોન આવ્યો હતો. કોઈ ટેલિફોન બૂથથી હતો. બબલુ અને બાબુનો બોસ છે એવો દાવો કરતો હતો. આ એ જ માણસ છે જે મને મારવા ઇચ્છે છે. ધમકી આપીને ફોન રાખી દીધો…’

‘જગ્ગે, મને લાગે છે કે હવે તમે તાબડતોબ ત્યાંથી નીકળી જાઓ. ગાયત્રીનું ઘર હવે કુરુક્ષેત્ર બની ચૂક્યું છે. બે મોત, એક ઈજાગ્રસ્ત…’ કબીર કહેતો હતો.
‘યસ, કબીર… અમે અહીંથી નીકળી જ જઈએ છીએ. તને કોઈ ખબર મળે તો કહેજે.’ કહીને જગમોહને વાત પૂરી કરી.

‘ચાલ, ગાયત્રી, કબીર પણ કહેતો હતો કે આપણે અહીંથી વહેલી તકે નીકળી જવું જોઈએ.’
ગાયત્રીની બેગ લેવા હાથમાં લેવા જગમોહન આગળ વધ્યો.

‘હવે તો જવું જ પડશે…’ ગાયત્રી વિચારતી હતી.
એ બંને દરવાજા તરફ આગળ વધ્યાં ત્યાં જ ડોરબેલના અવાજથી ઘરનું શાંત વાતાવરણ ખળભળી ઊઠ્યું… (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button