ઈન્ટરવલ

વેર- વિખેર -પ્રકરણ ૪૨

રૂપાના આવાં હાસ્ય પર તો કરણ પહેલીવારમાં જ વારી ગયો હતો. રૂપાનું હાસ્ય જ એની કમજોરી બની ચૂક્યું હતુંઆજે એ જ રૂપા કોઈ ત્રાહિત વ્યક્તિ માટે એનું મૂલ્યવાન હાસ્ય વેડફતી હતી.

કિરણ રાયવડેરા

પૂજાભાભી કોનું નામ લેશે? કરણ અધ્ધર શ્વાસે રાહ જોતો હતો.
‘કરણભાઈ, રૂપાનો એક મિત્ર છે. એ બંનેએ મળીને તમારી પાસે રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો છે.’ થોડીવાર પહેલાં પૂજાભાભી બોલ્યા હતા.
ભાભીને કેવી રીતે ખબર પડી કે રૂપાને ફિલ્મલાઈન અને મોડેલિંગમાં રસ છે? એમને રૂપાના મિત્ર વિશે પણ કેવી રીતે ખબર પડી?
પૂજાભાભીને કોઈ ઈન્ફોર્મેશન પાસ કરે છે.

‘કોણ?’
અને હવે પૂજાભાભી પૂછે છે – ‘કરણભાઈ, એ મિત્રનું નામ તમાર્રે નથી જાણવું ? ’
કરણે ભાભી સામે જોયું.

‘કિશોર…’ પૂજાભાભી બોલ્યાં.
કરણ કારણ વિના ખુશ થઈ ગયો. પૂજાભાભીની ઈન્ફોર્મેશન ખોટી હતી.
‘ભાભી. કિશોર નામનો અમારો કોઈ જ મિત્ર નથી.’ કરણ હસતાં હસતાં બોલ્યો.

રૂપાના મિત્ર વિશે માહિતી ખોટી પડી એનો અર્થ એ કે રૂપા વિશે ભાભીએ જે વાત કરી એ પણ સાચી ન હોઈ શકે! કરણ મનોમન હરખાતો હતો. એને વિશ્વાસ હતો કે રૂપા એને દગો ન આપી શકે.
‘કરણ, તું યાદ કરી જો. કિશોર નામનો તારો કોઈ ફ્રેન્ડ નથી?’ વિક્રમ વિચારમાં પડી ગયો.

‘ના, ભાઈ આ નામનો કોઈ છોકરો અમારી ક્લાસમાં નથી. ભાભી તમે પણ… બિચારી રૂપા વિશે એલફેલ બોલી ગયાં.’ કરણ ઊભા થતાં કહેતો હતો.

‘કરણભાઈ, હું ખોટી નથી…. કિશોર નહીં તો કમલ હોઈ શકે… હા, કમલ… રાઈટ , કરણભાઈ? પૂજા આંખ બંધ કરીને બોલતી હતી.

‘રોંગ ભાભી કમલ નામનો પણ કોઈ મિત્ર અમારા ગ્રુપમાં નથી. હા, કરણ નામનો હેન્ડસમ છોકરો રૂપાનો ફ્રેન્ડ છે ખરો!’ પોતાના કોલર ઊંચા કરતાં કરણે રૂવાબ છાંટવાની ચેષ્ટા કરી.
‘ઓ.કે. ભાભી, તમારી તબિયત સંભાળજો… હું આ ચાલ્યો.’

પૂજા અને વિક્રમ કરણ સામે જોઈ રહ્યાં. પૂજાની ભૂલ કેવી રીતે થઈ શકે? વિક્રમ વિચારતો હતો, જોકે વિક્રમને સમજાયું નહીં કે એને ઊંડે ઊંડે આનંદની લાગણી શા માટે થતી હતી. પૂજાની આગાહી ખોટી પડી શકે એ જાણીને એને ખુશી થતી હતી.

‘વિક્રમ. આઈ એમ સોરી, મને યાદ નથી આવતું કિશોર, કમલ કે એવું જ કંઈક નામ છે!’ પૂજા જાણે માફી માગતી હોય એ રીતે વિક્રમને કહેતી હતી.
‘અરે, પણ એમાં તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. એક રીતે જોઈએ તો સારું થયું. તારી પણ ભૂલ થઈ શકે છે એ જાણીને તારે ખુશ થવું જોઈએ. તારે ફરી નોર્મલ બનવું છે ને?’ વિક્રમ સમજાવટના સૂરમાં બોલ્યો.

પૂજાએ માથું હલાવ્યું પણ એના ચહેરા પર ગંભીરતા છવાયેલી રહી.

‘હવે તમે બંને એ મિત્રનું નામ વિચારો અને યાદ આવી જાય તો મને ફોન કરજો.’ બોલતા કરણ રૂમની બહાર નીકળી ગયો.
કિશોર… કમલ…
કરણ વિચારમાં હતો કે ભાભી કૈલાસના નામની બહુ જ નજીક હતા. જેમણે પણ એમને ઈન્ફોર્મેશન પહોંચાડી છે એનું કામ કાચું કહેવાય.
મકાનની બહાર આવ્યા બાદ ‘ક્યા જવું?’ એ પ્રશ્ન એના મનમાં માથું ઊંચકવા લાગ્યો.

જવાબ સ્પષ્ટ હતો પણ એ સ્વીકારવા તૈયાર નહોતો રૂપા ફોનની લાઈન કાપતા પહેલાં બોલી હતી. ‘અમે રિહર્સલમાં જઈએ છીએ.’
કરણને ખબર હતી કે કોલેજમાં રિહર્સલ થતાં હતા. એકવાર થયું કે ગાડી લઈને જાય પણ પછી વિચાર માંડી વાળીને એણે ટેક્સી માટે હાંક મારી.
‘કરણભાઈ, રૂપા તમારે લાયક નથી.’ ટેક્સીમાં ગોઠવાતી વખતે કરણને પૂજાભાભીના શબ્દો યાદ આવી ગયા.

પૂજાભાભી ગજબ છે. કોઈને ઓળખ્યા વિના એના વિશે અભિપ્રાય કેમ બાંધી શકાય, કરણ વિચારતો હતો.

આ રૂપાને કૈલાશથી દૂર કરવી પડશે. જ્યાં સુધી એ કૈલાશ સાથે ફરતી રહેશે, લોકો એના વિશે આવી જ અફવા ઉડાવ્યા કરશે.

પ્રેમ ભલભલાને નબળો બનાવી દે છે, કરણ વિચારતો હતો. કોલેજમાં આટઆટલી દેખાવડી છોકરીઓ હતી પણ એને રૂપા જ પહેલી નજરે ગમી ગઈ હતી. હવે એકવાર મનમાં વસી ગયા બાદ રૂપા ત્યાંથી હટવાનું નામ નહોતી લેતી.

રૂપા સાથે પરણીને એ કેટલો સુખી થશે એ તો ઈશ્વર જાણે, પણ જો રૂપાને પામવામાં નિષ્ફળ નીવડશે તો એની જિંદગી ઝેર જેવી થઈ જશે એ ચોક્કસ હતું.

અને જેના વિના ન રહી શકાતું હોય એ વ્યક્તિના મોઢે બીજા માણસનું નામ કેવી રીતે સહન થાય! નામ તો ઠીક, પણ રૂપા પેલા કૈલાશની આજુબાજુ રહે એ પણ એની બરદાસ્તની બહાર હતું.
મારી પ્રેમિકા જે હવામાં શ્વાસ લે છે એ હવામાં બીજું કોઈપણ શ્વાસ ન લઈ શકે એવો વિચાર કરણના મનમાં ઝબકી ગયો અને એ પોતાની ઘેલછા પર હસી પડ્યોપણ એનું હાસ્ય ક્ષણભરમાં વિલીન થઈ ગયું.
ટેક્સી કોલેજની બહાર આવીને ઊભી રહી િુંફફયિ એણે જોયું કે કૈલાશ અને રૂપા બંને કોલેજમાં દાખલ થઈ રહ્યાં હતાં.

બંનેએ એકમેકનો હાથ પકડી રાખ્યો હતો કે કરણને દૃષ્ટિભ્રમ થતો હતો..?.
ટેક્સીવાળાને ભાડું ચૂકવીને કરણ ઝડપભેર બંનેની પાછળ દોડ્યો. એકવાર થયું કે બૂમ મારીને બંનેને રોકે, પણ એ બોલાવી ન શક્યો.

રૂપા ખડખડાટ હસતી હતી. કૈલાશ એના ખભા પર ધબ્બો મારીને કંઈક કહેતો હતો અને રૂપા હસતાં બેવડ વળી જતી હતી.
રૂપાના આવાં હાસ્ય પર તો કરણ પહેલીવારમાં જ વારી ગયો હતો. રૂપાનું હાસ્ય જ એની કમજોરી બની ચૂક્યું હતુંઆજે એ જ રૂપા કોઈ ત્રાહિત વ્યક્તિ માટે એનું મૂલ્યવાન હાસ્ય વેડફતી હતી.
‘હાય કરણ!’ કોઈએ પાછળથી બૂમ મારી. રૂપા અને કૈલાશ થંભી ગયા… બંનેએ એકસાથે પાછળ જોયું. ચોરી કરતાં પકડાઈ ગયો હોય એવા ભાવ કરણના ચહેરા પર ફરી વળ્યા.
‘કરણ, તું અમારી પાછળ પાછળ આવતો હતો? અમને ફોલો કરતો હતો?’ રૂપાનું હાસ્ય ઊડી ગયું.

‘ના… ના… આઈ જસ્ટ કેમ… હું…’ કરણ થોથવાઈ ગયો.

‘અરે, એમાં શરમાય છે શા માટે? સ્પષ્ટ કહી દે ને કે ફેશન શોનાં રિહર્સલ જોવા ગમે છે એટલે આવ્યો છું.’ કૈલાશે આંખ મીંચકારીને કહ્યું.

‘નોટ એટ ઑલ, કૈલાશ. હું રૂપાને મળવા આવ્યો છું.’
‘મળવા કે જોવા?’ બોલ્યા બાદ કરણને ચહેરાના ઝડપભેર પલટાતા ભાવ જોઈને કૈલાશે ફેરવી તોળ્યું –
‘આઈ મીન રિહર્સલ જોવા.’
કૈલાશને અવગણીને કરણે સીધું રૂપા સામે જોયું.

‘કરણ, તું આવવાનો હતો તો કહેવું હતું ને… મને એમ કે તને ફેશન શો નથી ગમતા એટલે તું રિહર્સલમાં નહીં આવે…’ રૂપાએ લાડથી પૂછ્યું.

મને જે વસ્તુ નથી ગમતી એ તને કેવી રીતે પસંદ હોવી જોઈએ કરણ પૂછવા જતો હતો પણ પછી કંઈક વિચારીને ચૂપ રહ્યો. કૈલાશની હાજરીમાં બોલવામાં ધ્યાન રાખવું પડશે, પણ રૂપા કેમ નથી સમજતી?
હમણાં જ એને મારી પસંદ-નાપસંદની ખેવના નથી તો લગ્ન પછી શું થશે એવી શંકા-કુશંકા કરણના મનમાં ઘોળાવા લાગી.

‘કરણ હેંગ ઓન… હું ચેન્જ કરીને આવું.’ રૂપા વીજળીને જેમ અલોપ થઈ ગઈ.

કરણ તરફડતો રહી ગયો. આજુબાજુ છોકરા-છોકરીઓની ભીડ નજરે પડતી હતી. લાઉડ મ્યુઝિક કાનના પડદા ફાડી નાખતું હતું.

શા માટે એ પોતે પોતાની જ ઉંમરના છોકરાઓ સાથે ભળી નહોતો શકતો? શા માટે એને ફેશન શો જોવો નહોતો ગમતો? કરણ વિચારતો હતો, પછી મનોમન તર્ક લડાવતા પોતે જ એના પ્રશ્નનો ઉત્તર શોધી કાઢ્યો.

ફેશન શો કદાચ એને ગમે પણ ખરો, પણ રૂપાનું શોમાં ભાગ લેવું એને ન રૂચે.

‘વાહ, કરણ, યુ આર વેરી લકી, જો રૂપા શું લાગે છે!’ કૈલાશે સામેથી ચાલી આવતી રૂપા તરફ જોઈને કહ્યું.

રૂપાએ પહેરેલાં વસ્ત્રો તરફ એક નજર ફેંકીને કરણ આડું જોઈ ગયો. દીવાન ખાનદાનની વહુ એનાં રુપનું આવું વરવું પ્રદર્શન કરશે? કરણના હૈયામાં એક ટીશ ઊઠી.
આપણને જેને પ્રેમ કરતા હોઈએ એની અણસમજ આપણને ઘણીવાર ઊંડો ઘા પહોંચાડી શકે છે.

‘હું કેવી લાગું છું?’ કરણ સામે રુપા ગોળ ચકરાવો લઈને ઊભી રહી. એના અવાજમાં નિર્દોષતા હતી કે પછી નફફટાઈ?….
ના, રૂપા નિર્દોષ છે. જે વ્યક્તિને એ પ્રેમ કરે છે એ નફ્ફટ કે લુચ્ચી ન હોઈ શકે!

‘તું જેવી છો એવી જ મને ગમે છે. તારે આવા વેશ કાઢવાની જરૂર નથી, રૂપા’ કહીને કરણ ‘હું જસ્ટ આવું છું.’ કહીને બહાર નીકળી ગયો.
એની સામે બે રસ્તા હતા.

પહેલો રસ્તો સરળ હતો પણ એમાં અંતે સુખ નહોતું. બીજો રસ્તો મુશ્કેલ હતો, ઘણા અંતરાય હતા અને સુખની ગેરંટી તો અહીં પણ નહોતી.
કાં તો એ રૂપાને ‘બાય બાય’ કહીને હંમેશ માટે એનાથી છૂટો પડી જાય અથવા રૂપા સાથે તાબડતોબ લગ્ન કરી લે.એક વાર લગ્ન થઈ જશે પછી બધું ઠેકાણે પડી જશે. ઘરગૃહસ્થીમાં પડ્યા બાદ રૂપાને આ બધા શોઝ માટે ફુરસદ જ ક્યાં મળશે?

  • પણ પપ્પાને કોણ સમજાવશે?
    જે પણ થાય પપ્પાએ સમજવું પડશે. પપ્પા નહીં માને તો હું જોઈ લઈશ… કરણનો ચહેરો લાલચોળ થઈ ગયો :
    રૂપા સાથે મારા સંબંધ વચ્ચે જે પણ આવશે એ બધાંને હું જોઈ લઈશ..!
    .*
    રેવતી લમણે હાથ દઈને બેઠી હતી. થોડીવાર પહેલાં જતીનકુમાર છણકો કરીને ગયા હતા.
    ‘તું ક્યારની કીધા કરે છે બહાર આંટો મારી આવો, એટલે બહાર જાઉં છું. પછી કે’તી નહીં કે મારી વાત માનતા નથી.’

રેવતી કંઈ બોલી નહોતી.જતીનકુમાર બહાર નીકળી ગયા બાદ એ વિચારતી હતી. હવે અફસોસ કરીને કોઈ લાભ નથી. ઘણીવાર બદનસીબની સતત થપાટ ખાધા બાદ બધું કોઠે પડી જાય છે. પછી દુ:ખના દિવસો યાતના નથી આપતા. એ પછી એક આદત પડી જાય છે જીરવી લેવાની, પચાવી લેવાની, જીવી લેવાની. જિંદગી આવી જ હોય એવું મનને મનાવતા રહેવાની ટેવ પડી જાય. દુ:ખના દિવસોમાં પણ હસી પડાય છે, પેટ ભરી લેવાય છે, ટી.વી. જોવાઈ જાય છે, સામાન્ય વાતોમાં દિવસ પસાર થઈ જાય છે. રાતના સૂવાઈ પણ જાય છે.

હા, ભગવાને રાત અને નિદ્રા ન બનાવી હોત તો કમનસીબને સહન કરવું મુશ્કેલ બની જાત કદાચ.
રાતના સૂતી વખતે હાશકારો થાય છે. હાશ, છૂટ્યા. નાનકડી છોકરી સ્કૂલેથી આવીને દફતર ફેંકીને બહાર દોડી જાય એવી રીતે જિંદગીને દફતરની જેમ નિદ્રાદેવીને હવાલે કરીને એ દોડી જાય છે. બીજી દુનિયાની મુક્ત હવામાં શ્વાસ લેવા. સાથે હૃદયમાં એક આશા પણ હોય છે. આવતીકાલ આજ કરતાં સારી હશે. પણ વળી પાછી એ જ સવાર, એ જ સમસ્યા.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો