ઈન્ટરવલ

વેર- વિખેર -પ્રકરણ ૩૬

માણસ આંતરસ્ફુરણાથી ભવિષ્યની ઘટનાને જોઈ શકે અથવા ક્યાંક બનતી ઘટના વિશે જાણી શકે એવા કિસ્સા વિશે મેં પણ વાંચ્યું છે…

કિરણ રાયવડેરા

‘આવો મિસ્ટર વિક્રમ દીવાન, આવો…’
ડો. આચાર્યએ ખુરશીમાંથી ઊભા થઈને વિક્રમને પોતાની કેબિનમાં આવકાર આપ્યો.
વિક્રમની પાછળ પાછળ પૂજા પણ આવી:
‘આ મારી પત્ની પૂજા…ડોકટર, મેં તમને એના વિશે ફોનમાં જણાવ્યું હતું.’ વિક્રમે ડોક્ટર સાથે હાથ મિલાવતાં કહ્યું.
‘યસ… યસ… તમે કેમ છો , મિસિસ દીવાન?’ ડોક્ટરે પૂજાનું અભિવાદન કરતાં કહ્યું.
પૂજાએ ફિક્કો સ્મિત કર્યું.

વિક્રમે કેબિનનું નિરીક્ષણ કરતાં વિચાર્યું કે શહેરના મશહૂર મનોચિક્ત્સિકને છાજે એવી ક્લિનિક તો હતી. જ્યારથી કરણે કહ્યું હતું કે પૂજાભાભીને ડોક્ટર પાસે લઈ જવી જોઈએ’ ત્યારથી વિક્રમ ડોક્ટર પટેલનો ફોનમાં સંપર્ક કરવાની કોશિશ કરતો હતો. ડોક્ટર પટેલનો ફોન સ્વીચ્ડ ઓફ્ફ આવતો હતો. વિક્રમને આશ્ચર્ય થતું હતું કે ડોક્ટર પટેલે પોતાનો ફોન બંધ કેમ રાખ્યો હશે. એમની ચેમ્બરમાં ઈન્કવાયરી કરતાં દીવાનનો ફોન આવ્યો હતો અને ડોક્ટર પટેલને તાકીદે બોલાવ્યા હતા.

વિક્રમને આશ્ચર્ય થતું હતું કે પપ્પાએ ડોક્ટર પટેલને કેમ બોલાવ્યા શું પપ્પાને કંઈ થયું હશે?

હવે શું કરવું? ડોક્ટર પટેલની ગેરહાજરીમાં પૂજાને કોની પાસે લઈ જવી? ત્યારે વિક્રમને યાદ આવ્યું કે એક પાર્ટીમાં એક મિત્રએ ડોક્ટર આચાર્ય સાથે મુલાકાત કરાવેલી- ‘કોલકાતાના મોટા સાઈકિયાટ્રિસ ડોક્ટર ભાસ્કર આચાર્ય.’
ઑફિસે ફોન કરીને વિક્રમે સેક્રેટરીને કહી ડોક્ટર ભાસ્કર આચાર્યનો ફોન નંબર શોધ્યો અને ફોનમાં વાત કરી.

‘યસ…યસ..કમ વિક્રમ દીવાન, આઈ ડુ રિમેમ્બર યુ…તમે અત્યારે જ તમારાં પત્નીને લઈને મારા ક્લિનિક પર આવી જાઓ.’ વિક્રમે જ્યારે ડોક્ટરને પાર્ટીની મુલાકાતની યાદ અપાવીને પૂજાની સમસ્યાની વાત કરી ત્યારે ડોક્ટરે ઉમળકાભેર પ્રતિસાદ આપતાં કહ્યું હતું.

‘થેન્ક યુ ડોક્ટર…’ વિક્રમ ડોક્ટરની સામેની ખુરશીમાં ગોઠવાયો.

‘હા, બોલો, શું તકલીફ છે.?’ ડોક્ટર આચાર્યએ પૂજા સામે જોઈને પૂછ્યું.

વિક્રમે પત્ની પૂજાની ઊંઘમાં ચાલવાની ટેવ વિશે વિગતવાર ડોક્ટરને સમજાવ્યું. કરણે બે વખત પૂજાને ઊંઘમાં ચાલતા જોઈ હતી એ વિશે પણ જણાવ્યું. એટલું જ નહીં, ઊંઘમાં ચાલતી વખતે પૂજાએ વિક્રમને ઑફિસમાં ફેોન કરીને પપ્પાની મુશ્કેલી વાત કરીને બોલાવી લીધો એ વિશે પણ માહિતી આપી.

‘મિસિસ દીવાન, તમને બિલકુલ યાદ નથી કે તમે તમારા હસબન્ડને ફોન કર્યો હતો?’ ડોક્ટરે પૂજાને પ્રશ્ન કર્યા.

‘મેં ફોન કર્યેા જ નથી, ડોક્ટર! પ્લીઝ, બીલિવ મી’ પૂજાએ કાકલૂદીભર્યા સ્વરે કહ્યું.

‘યસ યસ આઈ ડુ બીલિવ યુ… પણ માની લ્યો કે તમે સાચે જ ઊંઘમાં ચાલવાની બીમારીથી પીડાતાં હો તો બની શકે કે તમે ઊંઘની અવસ્થામાં તમારા હસબન્ડને ફોન કર્યો હોય’ ડોક્ટરે મૃદુ સ્વરે પૂછ્યું.
‘મને કંઈ સમજાતું નથી, ડોક્ટર પ્લીઝ હેલ્પ મી’ પૂજાની આંખ ભરાઈ આવી.

‘અરે, મેડમ તમે ક્યાં રડવા માંડ્યાં. અમારું કામ જ છે. બીજાની મદદ કરવાનું. ડોન્ટ વરી.’ પછી વિક્રમ તરફ જોઈને કહ્યું :
‘બની શકે કે તમારાં વાઈફને સ્લીપ વોકિંગની બીમારી લાગુ પડી હોય, પણ ઊંઘમાં કોઈ આગાહી કરી કેમ શકે એ સમજાતું નથી!’

વિક્રમ ચૂપ રહ્યો :
‘પણ ડોક્ટર, એમ ન બને કે મેં કોઈ સપનું જોયું હોય અને પછી ઊંઘમાં ચાલતી વખતે વિક્રમને એ સપનાની વાત કરી હોય.’ પૂજા બોલી ઊઠી. પૂજાને ‘આગાહી’ શબ્દ ગમ્યો નહોતો. એનામાં કોઈ સુપરનેચરલ ક્વોલિટી- કોઈ અગમનિગમનું જ્ઞાન હોય એવું એ માનવા તૈયાર નહોતી. ઊંડે ઊંડે એ ઈચ્છતી પણ નહોતી કે એનું નામ આવી કોઈ વાત સાથે સંકળાય. ઊંઘમાં ચાલવાની ટેવ વિશે સાંભળતા જ એ થોડી વિચલિત થઈ ગઈ હતી.

ડોક્ટર આચાર્ય પૂજાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. ‘એવું બની શકે પણ સામાન્ય રીતે ઊંઘમાં ચાલતી વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરતી વખતે ઊંઘમાં જ હોય એટલે તમે જ્યારે તમારા પતિને ફોન કર્યો ત્યારે પણ તમે ઊંઘમાં જ હતાં. તમારી નીંદર તૂટી નહોતી માટે તમે કોઈ સપનાની વાતથી પ્રભાવિત થઈને તમારા હસબન્ડને કોઈ વાત કરી હોય એ માનવું મુશ્કેલ છે.’
‘ડોક્ટર, મેં પણ ક્યાંક એકસ્ટ્રા સેન્સરી પર્સેપ્શન એટલે કે ઈ. એસ.પી. વિશે વાંચ્યું છે. તમને લાગે છે કે ….’ વિક્રમે અચકાતાં અચકાતાં ડોક્ટર સમક્ષ વાત મૂકી.

ડોક્ટર આચાર્યએ એની વાતનો દોર સાંધી લેતાં કહ્યું,
‘યસ મિ. દીવાન, હું પણ એ જ વિચારતો હતો… પણ જ્યાં સુધી કોઈ પુરાવો ન મળે ત્યાં સુધી હું એ બાબત કોઈ કોમેન્ટ નહીં કરું. વળી, સ્લીપ વોકિંગ અને ઈ.એસ.પી.ને કોઈ સીધો સંબંધ નથી. માણસ આંતરસ્ફુરણાથી ભવિષ્યની ઘટનાને જોઈ શકે અથવા ક્યાંક બનતી ઘટના વિશે જાણી શકે એવા કિસ્સા વિશે મેં પણ વાંચ્યું છે.’
‘ડોક્ટર, આ કોઈ અસાધ્ય રોગ કહેવાય?’ પૂજાએ ચિંતિત સ્વરે પૂછ્યું.

‘નહીં,મિસિસ દીવાન, જો મનોબળ હોય તો દુનિયામાં કોઈ રોગ અસાધ્ય નથી. તમે જો કો- ઓપરેટ કરશો તો હું જરૂર આ રોગને મટાડી દઈશ. રહી વાત ઈ.એસ.પી.ની, મારી એ જ સલાહ છે કે તમે એ વિશે હમણાં ભૂલી જાઓ. અત્યારે તમારે થોડા ઘણા ટેસ્ટ કરાવવા પડશે.

‘ટેસ્ટ તો કરાવી લેશું, પણ પૂજા બીજી વાર આવી કોઈ વાણી ઉચ્ચારે તો શું કરવું?’ વિક્રમ ચિંતામાં પડી ગયો હતો.

‘ડોન્ટ વરી, મિ. દીવાન, તમારી પત્નીમાં જો સાચે જ એવી કોઈ ક્વોલિટી હશે તો કોલકાતા પોલીસને ખરેખર મદદરૂપ થઈ શકશે, ક્યાંક કોઈ મર્ડર થયું હશે તો મિસિસ દીવાન એ વિષે કહી શકશે અથવા કમથી કમ ખૂનીને શોધવામાં તો જરૂર સહાયરૂપ નીવડશે.’
ડોક્ટરે વાતાવરણને હળવું બનાવવાની કોશિ કરી, પણ વિક્રમ કે પૂજાને હસવું ન આવ્યું.

ડોક્ટર આચાર્ય જ્યારે પ્રિસ્ક્રિપશન લખવામાં વ્યસ્ત હતા ત્યારે વિક્રમે પૂજાનો હાથ દબાવીને એને ફિકર ન કરવા ઈશારો કર્યો. પૂજાએ માથું હલાવ્યું.

‘ડોક્ટર, આ ઈ.એસ.પી. શું બલા છે એ જરા સમજાવોને ’ પૂજાએ ડોક્ટરને વિનંતીના સૂરમાં કહ્યું ..
‘અફકોર્સ, તમે સાંભળ્યું હશે કે અમુક વ્યક્તિઓને જન્મથી અમુક કુદરતી બક્ષિસ મળેલી હોય છે. આપણાં જેવા સામાન્ય માણસોની પાંચ ઈન્દ્રિયો હોય જ્યારે આવી અપવાદરૂપ વ્યક્તિઓની છઠ્ઠી ઈન્દ્રિય પણ એટલી જ સતેજ હોય છે. સાયન્ટિફિકલી હજી સાબિત નથી થયું , પણ એવું મનાય છે કે જેમની છઠ્ઠી ઈન્દ્રિય વધુ એક્ટિવ હોય એમનામાં એક વિશેષ શક્તિ જોવા મળે છે. એમને કુદરતી સ્ફુરણા થાય જે સામાન્ય રીતે ભવિષ્યમાં બનનારી ઘટના સાથે સંબંધ ધરાવતી હોય. પશ્ચિમના દેશોમાં તો આવી કુદરતી રીતે ગિફ્ટેડ વ્યક્તિઓ ‘સાઈકિક’ તરીકે ઓળખાય છે અને ઘણા તો આ વિદ્યાથી માનસિક રોગો પણ મટાડે છે. કેટલીક જાસૂસી સંસ્થાઓ આ ‘પ્રોફેશનલ સાઈકિક’ની મદદ ગુનાસંશોધનમાં પણ લે છે. ડોક્ટર આચાર્યએ વિસ્તૃતપણે સમજાવ્યું.

‘ગ્રેટ… પૂજા, હવે તને લાલબઝાર પોલીસ મથકમાં કે પછી આપણા ભવાનીભવન’ ના ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી જશે.’ વિક્રમે મજાક કરવાની કોશિશ કરી, પણ પૂજા ગંભીર રહી.
‘આઈ એમ નોટ અમ્યુઝડ’. પૂજાએ પોતાનો અણગમો દર્શાવ્યો.

ડોક્ટર હસી પડ્યા. ત્રણેય ઊભાં થયાં.

‘તો મિ. દીવાન, તમારાં પત્નીના રિપોર્ટ ત્રણ દિવસમાં આવી જશે. ત્યારે તમે સીધા મારી કેબિનમાં આવી જજો. અપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નથી.’ ડોક્ટર દરવાજા સુધી બંનેને વળાવવા આવ્યા.
અચાનક પૂજા ફરી. :
‘ડોક્ટર, તમારી તબિયત કેમ રહે છે. આજકાલ?’

‘અરે, મારી તબિયત ફાંકડી છે. નો પ્રોબ્લેમ એટઓલ.’
‘ડોક્ટર, તમારી તબિયત સંભાળજો.’ કહીને પૂજા બહાર નીકળી ગઈ..ક્લિનિકમાંથી બહાર આવીને વિક્રમ બોલ્યો :
‘પૂજા, તું ખરેખર વિચિત્ર છો. તને વાત કરતાં નથી આવડતી?’ તું તબિયત દેખાડવા આવી હતી કે ડોક્ટરની તબિયતની ખબર કાઢ્વા?’
પૂજા ચૂપ રહી. બંને કારમાં ગોઠવાયાં. કાર કમ્પાઉન્ડમાંથી બહાર નીકળીને થોડી આગળ વધી ત્યાં વિક્રમનો સેલ રણકી ઊઠ્યો:
‘મિ. વિક્રમ દીવાન, હું ડો. ભાસ્કર આચાર્યની સેક્રેટરી બોલું છું. ડોક્ટર તમને હમણાં જ મળવા માગે છે. એમને હોસ્પિટલ ખસેડીએ છીએ.’
‘અરે, કેમ શું થયું? ’

‘તમારા ગયા બાદ ડોક્ટર આચાર્યને હાર્ટઍટેક આવ્યો છે. ! ’


વોર્ડરોબમાં રાખેલી રિવોલ્વર કોઈએ આડીઅવળી કરી હશે એવો ઈશારો જગમોહન દીવાને કર્યો ત્યારે કરણે મમ્મીનો પક્ષ તાણતાં કહેલું કે મમ્મી રિવોલ્વરને હટાવે જ નહીં. ત્યારે જગમોહને અકળાઈને લાઈન કાપી નાખી હતી એટલે કરણ અસ્વસ્થ થઈ ગયો હતો. કરણને લાગ્યું કે પપ્પા કારણ વિના નારાજ થઈ ગયા અને લાઈન કાપી નાખી. પણ સવાલ એ હતો કે રિવોલ્વર ગઈ ક્યાં? પપ્પા કહેતા હતા કે હજી ગઈ કાલે સવારના જ એમણે ત્યાં જોઈ હતી તો પછી આજે ક્યાં ગાયબ થઈ જાય! આ બદમાશ જમાઈરાજ આવ્યા છે ત્યારથી બધી ગરબડની શરૂઆત થઈ છે.

બહેનનો વર ન હોત તો એ એનું ખૂન કરી નાખત. એક તો આવીને પોતાનો રૂમ પચાવી પાડ્યો. પછી બધાંને વસિયતનામાં વિશે ભડકાવતો રહ્યો. પાછો બધાને કહેતો જાય કે કોઈ તકલીફ હોય તો કહેજો હું એને તોડ કરી આપીશ. આટલું જાણે અધૂરું હોય એમ હવે રિવોલ્વર ગાયબ કરી. હા, પણ જમાઈબાબુ ગનનું કરશે શું?

કરણે પોતાના બેડરૂમમાં ડોકિયું કર્યું. રેવતી પલંગ પર સૂતી હતી.

‘જતીનકુમાર બહાર ગયા છે. ‘હમણાં આવું છું’ એમ કહીને ગયા છે. લખુકાકા ક્યારે પાછળ આવીને ઊભા રહ્યા એ કરણને ખબર જ ન પડી.

લખુકાકા સામે એ હસ્યો અને પછી આંખ મીંચકારીને બોલ્યો: ‘થેન્ક યુ કાકા…’ લખુકાકા જવાબ આપે એ પહેલાં તો કરણ પોતાના બેડરૂમમાં સરકી ગયો.

રેવતી જાગી ન જાય એનું ધ્યાન રાખતાં એણે પોતાનો વોર્ડરોબ ખોલ્યો.

કદાચ જતીનકુમારે રિવોલ્વર ચોરી હોય તો અહીં મારા વોર્ડરોબમાં રાખવાની ભૂલ તો ન જ કરે પણ રિવોલ્વરને ખિસ્સામાં રાખીને પણ ન ફર્યા કરે. એમણે લીધી હોય તો જરૂર અહીં જ ક્યાંક છુપાવી હશે.
કરણ એક પછી એક ડ્રોઅર ખોલવા માંડ્યો. પોતાના જ રૂમમાં ચોરની જેમ પ્રવેશીને ડ્રોઅર ફેંદવા પડે એ કેવી લાચારી! વોર્ડરોબમાં ક્યાંય રિવોલ્વર મળી નહીં. ત્યાં જતીનકુમારની સસ્તી તમાકુની વાસથી વાતાવરણ ગંધાઈ ઊઠ્યું.

‘શું શોધો છો સાળાબાબુ? તમારું જ ઘર છે, આરામથી શોધોને…’ જતીનકુમારે રૂમમાં પ્રવેશતાં પૂછ્યું.

આ માણસ કેવા ચોરપગલે રૂમમાં પ્રવેશે છે. કરણે વિચાર્યું. એને અણસાર પણ ન આવ્યો ક્યારે જમાઈ અંદર દાખલ થઈ ગયા.

‘કંઈ નહીં, હું…હું મારી એક નોટબુક શોધતો હતો.’ પોતાના જ બેડરૂમમાં એ ચોર હોય એ રીતે જમાઈ એની સામે જોતો હતો.

‘ઓહ, તો ઠીક, મને એમ કે પૂજાની જેમ તમને પણ ઊંઘમાં ચાલવાની આદત પડી ગઈ.’
કરણ સમસમી ગયો :
‘જમાઈબાબુ, તમે ‘ ગોડફાધર’ વાંચી છે? ખેર, તમને વાંચવાનો શોખ નથી એ હું જાણું છું પણ આ નવલકથા જરૂર વાંચજો. એમાં ગોડફાધરનો દીકરો પોતાના નપાવટ સગા બનેવીને કેવો કૂટી નાખે છે. એનું સચોટ વર્ણન છે’ કરણના હાસ્યમાં કડવાશ હતી.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button