વેર- વિખેર -પ્રકરણ ૩૦
જગમોહન કો પથ્થર કી ભાષા સમજ નહીં આતી હૈ. શાયદ ગોલી કી ભાષા વો સમજ જાય…!

કિરણ રાયવડેરા
‘હા..હા, તારું જ ઘર છેજ્યારે ઈચ્છા થાય ત્યારે અહીં આવીને રહી શકો છો !’ દીકરીને કહેતાં તો કહેવાઈ ગયું પણ પ્રભાને ડર પેસી ગયો હતો કે હવે જમાઈ ઘર ભાળી જશે. બન્યું પણ એવું જ.
એ જ દિવસે ત્રણ સૂટકેસ લઈને રેવતી અને જતીનકુમાર આવી પહોંચ્યાં.
‘આવો આવો’
અનિચ્છાએ પણ જમાઈને આવકાર તો આપવો જ પડે. હવે શું કરવું ? પ્રભા સતત વિચારતી હતી. જગમોહન ઘરે આવશે
તો શું કહેશે ? એ તો મારા પર જ તૂટી પડશે :
‘તેં જ તારા લાડકા જમાઈને આગ્રહ કર્યો હશે.’ જગમોહન
એને ખુલાસો કરવાની તક આપ્યા વગર બોલ્યે રાખશે. જ્યારે ચોતરફ અણસમજુ માણસો હોય ત્યારે જિંદગી ઝેર જેવી થઈ જાય.
‘વાહ, સાસુમા, વાહ.. તમારું હૃદય તમારા ઘર જેવું જ વિશાળ છે. મેં તો તમારી દીકરીને ખૂબ જ સમજાવી કે આમ સરસામાન લઈને સસરાને ત્યાં પહોંચી ન જવાય. તો એ કહે કે સસરા તમારા હશે, મારા તો પપ્પા છે.’
જતીનકુમાર તંબાકુ ચગળતાં બોલતા હતા. જમાઈ એટલા હરખાતા હતા કે એમના મોઢામાંથી થૂંક ઊડતું હતું. પ્રભા આડું જોઈ ગઈ.
‘અને હું તમને જાણું ને સાસુમા. તમે જ આગ્રહ કર્યો હશે તમારી લાડકીને કે હવે તમે લોકો અમારી સાથે જ રહો. મારા પૂજ્ય સસરાજીને તો હું જરૂર સંભળાવીશ કે તમારા કરતાં મોટું દિલ છે અમારાં સાસુમાનું.’ જતીનકુમાર કરણના રૂમની બહાર અટક્યા.
‘આપણા માટે આ જ બેડરૂમ બરાબર રહેશે. હવાઉજાસ સારાં છે. મને અહીં જ માફક આવશે. અહીં જ ધામા નાખો.’ જતીનકુમારે સાથે આવેલા માણસને સૂટકેસ કરણના બેડરૂમમાં રાખવા કહ્યું.
પ્રભાના કપાળ પર પરસેવો ફૂટી નીકળ્યો. એ પ્રતિકાર કરે એ પહેલાં જ ત્રણેય બેગ અંદર ગોઠવાઈ ગઈ.
‘સાંભળો, આપણે આ રૂમમાં કબજો જમાવીએ તે પહેલાં કરણને પૂછી લેવું જોઈએ. આફ્ટર ઓલ રૂમ એમનો છે, એમની પરવાનગી તો લેવી જોઈએ ને!’ રેવતીએ કહી નાખ્યું.
‘અરે, તારું માથું ખરાબ છે કે શું ? તારો ભાઈ કરોડપતિનો દીકરો છે. પોતાની બહેન માટે આટલું જતું ન કરી શકે ? અમે તો અમારી બહેન માટે જિંદગી ન્યોછાવર કરી દઈએ.’ જતીનકુમારે પહોળા બેડ પર પગ ફેલાવતાં કહ્યું. પ્રભાએ જોયું કે જમાઈના ગંદા પગને કારણે બેડની ચાદર પર મોટાં ધાબાં પડી ગયાં હતાં. પથારી પર એક પણ કરચલી ન ચલાવી લેનારો કરણ આ બધું જોશે ત્યારે શું થશે ? આજે કરણ મોડો આવે તો સારું. કરણ જેવો આવશે કે એને સમજાવીને બીજા રૂમમાં શિફ્ટ કરાવી દઈશ. કરણ આમ તો સમજુ છે.. પ્રભા વિચારતી હતી.
‘તમે લોકો આરામ કરો. હું લખુકાકાને કહીને ચાપાણીની વ્યવસ્થા કરાવું છું.’
‘અરે, એવું તે હોતું હશે! હવે તમને તકલીફ ન અપાય. હવે આ ઘરની ચિંતા અમારા પર મૂકી દો, તમતમારે પૂજાપાઠ કર્યા કરો. હવે અમે આવી ગયાં છીએ તો કોઈને તકલીફ નહીં પડવા દઈએ.’ જતીનકુમાર થૂંકવાળું હસ્યા.
જમાઈએ આવતાંવેંત જ પગ પહોળા કરવાનું શરૂ કરી દીધું છે, પ્રભા વિચારતી હતી. પણ એ કેમ ચૂપ છે ? એની જીભ કેમ સીવાઈ ગઈ છે ? પ્રભાને લાગ્યું કે પતિ સાથે બોલવું એક વાત છે, પણ બીજા સામે કંઈ કહી શકવું એ બીજી વાત છે.
ઘરમાં કોઈ સમસ્યા હોય તો એ જગમોહન સાથે લડી લે, પણ બહારથી કોઈ આફત આવી ચડે ત્યારે એને પતિની ખોટ સાલે.
‘સસરાજી કેમ દેખાતા નથી? સવારથી એમને જોયા નથી. ગામમાં જ છે ને ? કેમ સાસુમા ચૂપ છો ?’ જતીનકુમાર અને રેવતી બંનેએ પ્રભા સામે પ્રશ્ર્નાર્થભાવે જોયું.
શું જવાબ આપું ? પ્રભા વિચારતી હતી :
જિંદગીમાં પહેલી વાર એને થતું હતું કે જગમોહન હવે જલદી આવી જાય તો સારું!
‘મિસ્ટર દીવાન, હું શિંદે છું ઈન્સ્પેક્ટર શિંદે.. મને ગોળી વાગી છે.’
ગાયત્રીના ઘરનો દરવાજો જગમોહને ખોલ્યો કે ત્રીસેક વરસનો એક યુવાન એક હાથ પેટ પર દબાવીને રુમમા ઉંબરે ફસડાઈ પડ્યો. એ બેવડ વળી ગયો હતો અને એનું શર્ટ લોહીથી ખરડાઈ ગયું હતું.
જગમોહન એનો ખભો પકડીને એને પથારી સુધી દોરી ગયો.
‘ક્યાં ગોળી વાગી છે ?’ જગમોહને ઘા તપાસવા શર્ટ ઊંચું કર્યું.
‘ખબર ન પડી કેવી રીતે બન્યું. બધું એટલી ઝડપથી થઈ ગયું કે રિએક્ટ કરવાનો સમય જ ન મળ્યો.’ શિંદેનો અવાજ તરડાતો હતો.
‘મને લાગે છે કે ગોળી સાઈડમાં છરકો કરીને નીકળી ગઈ છે. હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. અહીં બેન્ડેજ કરી શકાશે.’
જગમોહન બોલ્યો.
ગાયત્રીએ રાહતનો શ્ર્વાસ લીધો.
શિંદે આંખ મીંચીને પડ્યો રહ્યો. થોડી પળ બાદ એણે આંખો ખોલીને જગમોહન તરફ જોયું અને પછી ધીમા સ્વરે બોલ્યો :
‘થેન્કસ મિસ્ટર દીવાન, એક સેક્ન્ડ માટે તો મને થયું કે મને પેટમાં ગોળી વાગી છે. એવું લાગતું હતું જાણે ગરમ ગરમ સીસું પેટમાં ઠલવાયું હોય. મને લાગ્યું કે હવે હું કોઈ દિવસ મારી દીકરીનો ચહેરો નહીં જોઈ શકું. છેલ્લા કેટલાક દિવસથી હું કોલકાતા છું.’
શિંદેના શિથિલ પડી ગયેલા ચહેરા પર હવે તરડાયેલું સ્મિત પ્રગટયું.
‘મને ખબર છે કે તમે અહીં ઘણા દિવસથી છો. કબીરે મને વાત કરી હતી પણ એ બધી વાત પછી, મને એ કહો કે તમને ગોળી કોણે મારી ? એક મિનિટ, ગાયત્રી, ઘરમાં ફર્સ્ટ એઈડ બોક્સ છે ?’
ગાયત્રી દોડીને બીજા કમરામાં ગઈ અને એક બોક્સ લઈને પાછી ફરી.
‘સર, હું સાદા કપડામાં હતો એટલે મને એમ કે બબલુના માણસો મને નહીં ઓળખે. વળી હું કોલકાતા પોલીસનો નથી એટલે મને ઓળખી શકવાની કોઈ શક્યતા જ નહોતી. પણ તમારા બિલ્ડિંગના ગેટ પર મને એક જણે આંતર્યો. શિંદે બોલતાં બોલતાં થાકી જતો હતો.
જગમોહન એના જખમ પર પાટાપિંડી કરતાં ચૂપચાપ સાંભળી રહ્યો હતો. શિંદેની બીજી બાજુ ગાયત્રી બેઠી હતી.
‘પેલા માણસે મારા હાથમાં એક પેકેટ પકડાવીને કહ્યું – યહ પેકેટ ગાયત્રી મેડમકો દે દેના. મારે એ વખતે કહેવું જોઈએ, કોન ગાયત્રી? પણ પેકેટ લઈ લીધા બાદ મને મારી ભૂલ સમજાઈ. હું બોલ્યો પણ ખરો : કોન ગાયત્રી? મૈં કિસી ગાયત્રી કો નહીં જાનતા ! પણ ત્યાં સુધી તો ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું. એના બે સાગરીત પણ મને ઘેરીને ઊભા રહી ગયા હતા.’ શિંદે વાત કરતાં અટક્યો.
લોહી અટકી ગયું હતું. જગમોહન હજી ઘા પર ડ્રેસિંગ કરવામાં વ્યસ્ત હતો.
ગાયત્રીએ શિંદેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું :
‘સોરી.’
‘અરે, તમે શા માટે સોરી કહો છો. આ તો કબીર સરનો આદેશ હતો એટલે મારે તો અહીં કોઈ પણ રીતે પહોંચવાનું હતું તમારા લોકોની સલામતીની વ્યવસ્થા માટે. રાધર, મારે તમને સોરી કહેવું જોઈએ કે આ રીતે હું તકલીફ આપી રહ્યો છું.’ શિંદેને પીડા થતી હતી . એનો ચહેરો વારંવાર વંકાઈ જતો હતો.
‘પછી શું થયું ?’
જગમોહનનો અવાજ ભાવહીન હતો. બિલકુલ સપાટ. ગાયત્રીને આશ્ર્ચર્ય થયું, પણ એ ચૂપ રહી.
‘પેકેટ હાથમાં લેતાં જ એ લોકો સમજી ગયા કે હું ગાયત્રીને ઓળખું છું. એમાંનો એક જણ તો બોલ્યો પણ ખરો : બોમ્બે સે આયા મેરા દોસ્ત !’
મેં પૂછયું : ક્યા મતલબ હૈ તુમ્હારા ? પણ આટલું સાંભળીને એક લીડર જેવા માણસે સાયસેન્સર લગાડેલી પિસ્તોલ કાઢી ને ફક્ત એટલું જ બોલ્યો. :
‘જગમોહન કો પથ્થર કી ભાષા સમજ નહીં આતી હૈ. શાયદ ગોલી કી ભાષા વો સમજ જાય.’ કહીને એણે મારા પર ફાયર કર્યું . એ મને મારવા નહોતો માગતો, નહીંતર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી નિશાન ચૂકવાનો સવાલ જ નથી થતો. એ મારા પર ફાયરિંગ કરીને તમને મેસેજ પહોંચાડવા માગતો હતો.. પણ આટલા ક્લોઝ રેન્જથી ગોળી વાગતાં હું ફ્લોર પર ફસડાઈ પડ્યો ને પેલા હુમલાખોર ત્યાંથી ભાગી ગયા . એ પછી. હું ઘસડાતો ઘસડાતો તમારા આ ઘર સુધી પહોંચ્યો શિંદેની વાત પૂરી થતાં જગમોહન અચાનક ઊભો થયો.
‘તમે કયાં જાઓ છો, દીવાનજી ?’ શિંદે ચિંતાતુર થઈ ઊઠ્યો :
‘બહાર જવું તમારા માટે સેફ નથી. એ લોકો તમારી જ તલાશમાં છે.’
‘કાકુ, તમે બેસી જાઓ તો તમારે ક્યાંય નથી જવાનું !’ ગાયત્રીએ સત્તાવાહી સ્વરે બોલવાની કોશિશ કરી પણ ફાવી નહીં.
‘ના, એ લોકો મને તલાશતા નથી. એ લોકો જાણે છે કે હું અહીં જ છું. જો ઈચ્છે તો એ લોકો ઉપર આવીને, મને મારી શકત. એમણે એવું નથી કર્યું એનો અર્થ એ થયો કે એ લોકો મને જીવતો રાખવા માગે છે, કારણ કે એમને ખાતરી છે કે ઈરફાન અને બાબુને હું જ છોડાવી શકીશ.’ કહીને જગમોહન દરવાજા તરફ ઝડપથી આગળ વધ્યો.’
‘માને લીધું, પણ અત્યારે નીચે ઊતરીને તમે શું પુરવાર કરવા માગો છો ?’ શિંદેને આ માણસ માથાફરેલ લાગતો હતો. કબીર સરનો મિત્ર ન હોત તો ઊંચા સાદે ઑર્ડર આપીને બેસાડી દીધો હોત.
‘મારું નીચે જવું બે કારણો માટે જરૂરી છે.’ જગમોહને શિંદે અને ગાયત્રી તરફ જોઈને કહ્યું :
‘એક તો એ કે બબલુને મેસેજ મળવો જોઈએ કે આપણે એનાથી ડરતા નથી. જો એવું નહીં કરીએ તો એ આખા દિવસમાં આતંક ફેલાવવા માટે નવા નવા નુસખા અજમાવતો રહેશે.’
‘અને બીજું કારણ ?’ ગાયત્રીને આશ્ર્ચર્ય થયું હતું કે આટલો હિંમતવાળો માણસ આપઘાત કરવા શા માટે તૈયાર થયો હતો ?
‘બીજું કારણ એ કે શિંદેને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે. એના ઘાવ પર પાટો તો બાંધી દીધો છે પણ હું ઈચ્છું છું કે ડોક્ટર અહીં આવીને એને તપાસીને ઈંજેક્શન – દવાઓ આપી દે, નહીંતર શિંદેને ઈન્ફેક્શન થવાની શક્યતા છે .’
શિંદે ગળગળો થઈ ગયો, ‘સર, થેન્ક યુ વેરી મચ પ,સર ! પણ તમને કંઈ થશે તો હું કબીર સરને શું મોઢું દેખાડીશ ?’
‘હા, પણ તને કંઈ થશે તો હું મારી જાતને શું મોઢું દેખાડીશ ? ડોન્ટ વરી. મને કંઈ નહીં થાય.’
એ જ ક્ષણે જગમોહનનો મોબાઈલ રણકી ઊઠ્યો. નંબર અજાણ્યો હતો.
‘હેલ્લો’ જગમોહન બોલ્યો.
‘કહેવાની જરૂર છે કે હવે ફક્ત ૧૮ કલાક જ બચ્યા છે ?’ સામેથી બોલતી વ્યક્તિનો અવાજ જાણે ગળામાંથી છોલાઈને આવતો હોય એમ ઘસાતો હતો. (ક્રમશ:) ઉ
ગાયત્રી તરફ જોઈને જગમોહને કહ્યું :
’એક તો બબલુને એ મેસેજ મળવો
જોઈએ કે આપણે એનાથી ડરતા નથી. જો એવું નહીં કરીએ તો એ આખા દિવસમાં આતંક ફેલાવવા માટે નવા નવા નુસખા
અજમાવતો રહેશે.’
અને બીજું કારણ ?’ ગાયત્રીને આશ્ર્ચર્ય થયું હતું કે આટલો હિંમતવાળો માણસ આપઘાત કરવા શા માટે તૈયાર થયો હતો ? .
બીજું કારણ એ કે શિંદેને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે. ડોક્ટર અહીં
આવીને તપાસીને ઈંજેક્શન ને દવાઓ આપી દે., નહીં તર શિંદેને ઈન્ફેક્શન થવાની શક્યતા રહેશે.’
શિંદે ગળગળો થઈ ગયો :
સર, થેન્ક યુ વેરી મચ પણ
તમને કંઈ થશે તો હું કબીર સરને શું મોઢું દેખાડીશ ?’
હા, પણ તને કંઈ થશે તો હું મારી જાતને શું મોઢું દેખાડીશ ? ડોન્ટ
વરી. મને કંઈ નહીં થાય.’
એ જ ક્ષણે જગમોહનનો મોબાઈલ રણકી ઊઠ્યો. નંબર અજાણ્યો હતો.
હેલ્લો?’ જગમોહન બોલ્યો.
કહેવાની જરૂર છે કે હવે ફક્ત ૧૮ કલાક જ બચ્યા છે ?’ સામેથી બોલતી વ્યક્તિનો અવાજ જાણે ગળામાંથી છોલાઈને આવતો હોય
એમ ઘસાતો હતો..
( ક્રમશ : )