ઈન્ટરવલ

વેર- વિખેર પ્રકરણ ૨૪

હવે આ દુનિયામાં મને કોઈ સ્ત્રી પ્રત્યે પ્રેમ કે માનની લાગણી રહી નથી. જેના પ્રત્યે હતી એ વ્યક્તિ આજે હંમેશ માટે ચાલી ગઈ…

કિરણ રાયવડેરા

‘કાકુ, એ શક્ય નથી. કોઈના ઘરનું વાતાવરણ રાતોરાત બદલી ન શકાય. મને લાગે છે કે તમે મારી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી રહ્યા છો. આઇ એમ સોરી, કાકુ, હું તમને મદદ કરવા ઈચ્છું પણ તમારી કોઈ પણ ઓફર હું સ્વીકારીશ નહીં.’ ગાયત્રી મક્કમ અવાજે બોલી ગઈ.

જગમોહન ચૂપ રહ્યો.
‘મને લાગે છે કે મારે તમારા ઘરે આવીને તમારી મદદ કરવાની જરૂર નથી અને તમારી ઑફિસે આવીને તમારી સહાનુભૂતિ લેવાની જરૂર પણ નથી.’ એ સહેજ થોભી પછી તરત જ ઉમેર્યું :
‘તમને હું આખાબોલી લાગતી હોઉં તો માફ કરજો પણ હું સ્પષ્ટવક્તા છું એટલે શબ્દો ચોર્યા વિના બોલવાનું પસંદ કરીશ. હું જાણું છું કે એકલાં રહેવું બહુ અઘરું છે પણ તમારા ઘરે રહેવું વધુ મુશ્કેલ બનશે આપણા બધા માટે…’

જગમોહન એમ જલદી હાર માનવા તૈયાર નહોતો.

‘સાંભળ ગાયત્રી…’ એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ એનો મોબાઈલ રણકી ઊઠ્યો. ગઈ કાલે રાતે પરમાર સાથે વાત કર્યા બાદએણે સેલ ઓન રાખ્યો હતો.
એણે સ્ક્રિન પરનું નામને વાંચ્યું :
કબીર !

એનામાં જાણે નવી ચેતના ફરી વળી હોય એવો અનુભવ થયો.

‘કબીર’ નામમાં જ જાદુ હતો. બાળપણના મિત્રનું નામ વાંચતા જ એ બોલી ઊઠયો :
‘યસ, કબીર ડિયર, બોલ… બોલ શું ખબર છે?’

‘જગ્ગે, તને લાગશે હું હંમેશાં કટાણે ફોન કરું છું. પરમ દિવસે મોડી રાતે ફોન કર્યો હતો. અને આજે વહેલી સવારે! ’

‘અરે કબીર, મિત્રતામાં ઑફિસ ટાઇમ પાળવાનો ન હોય. મિત્રો માટે કોઈ કટાણું હોતું જ નથી. બોલ… બોલ… તારા ખબર સંભળાવ! ’

‘જગ્ગે, હમણાં વધુ વાત નહીં કરું. મારે ફક્ત તને બે વાત કરવાની છે. ગઈકાલે રાતના તારી સાથે શું બન્યું એની મને ખબર છે એટલે મારી વાત ધ્યાનથી સાંભળજે.’;
ગાયત્રી સામે જોઈને જગમોહને ખભા ઉછાળ્યા.: કબીરને કેવી રીતે ખબર પડી?

‘જગ્ગે, શિંદેએ પરમાર પાસેથી તારા રિપોર્ટ લઈ લીધા છે. હવે મારી વાત સાંભળ :
પહેલી વાત – બાબુની ગેંગને પકડાવીને તેં બહાદુરીનું કામ કર્યું છે પણ તું ભૂલી ગયો છે કે બબલુ હજી છૂટો ફરે છે. સાંભળવા પ્રમાણે એ ગઈકાલની ઘટનાનું વેર વાળવા તૈયારી કરી રહ્યો છે અને જગ્ગે,
બબલુ ખૂબ જ ખતરનાક ક્રિમિનલ છે.

‘તારી બીજી વાત કઈ છે, કબીર? ’ જગમોહને પૂછ્યું. સાચે જ એ બબલુને ભૂલી ગયો હતો. એની લડાઈ પૂરી નહોતી થતી. હવે શરૂ થતી હતી.

‘બીજી વાત એ કે જગ્ગે, તારી સાથે જે છોકરી છે એને એકલી નહીં મૂકતો. તારી સાથે આવીને એણે પોતાની જિંદગીને જોખમમાં મૂકી દીધી છે! ’
જગમોહન સન્ન થઈ ગયો. ગાયત્રી પર જોખમ આવી શકે એ વિશે એણે વિચાર્યું નહોતું.

‘જગ્ગે, ચિંતા નહીં કર. હું બે-ત્રણ દિવસમાં ત્યાં પહોંચું છું. ત્યાં સુધી સંભાળીને રહેજો. અને હા, પેલી છોકરી… શું નામ એનું? હા, ગાયત્રી મહાજન… એને એકલી નહીં મૂકતો. બબલુને એ ખબર પડી ગઈ છે કે ગાયત્રી તારી કમજોર કડી બની ચૂકી છે.’

કબીરને તો એ પણ ખબર પડી ગઈ હતી કે ગાયત્રી એની કમજોરી બની ચૂકી હતી.

‘કબીર, તું રિટાયર્ડ શા માટે થયો? હજી બધાંની ખબર રાખે છે અને બધાંની ખબર લઈ નાખે છે’
‘જગ્ગે દુનિયામાં બે માણસ કોઈ દિવસ નિવૃત્ત ન થાય. ખેડૂત અને પોલીસ. જિંદગીભર એ પોતાનું કામ કરતા રહે. ઓ.કે. બાય. ટેક કેર. હું આવું નહીં ત્યાં સુધી તમને બંનેને કંઈ ન થવું જોઈએ.’ કહીને કબીરે લાઈન કાપી નાખી.

‘શું થયું કાકુ?’ ગાયત્રીએ પૂછ્યું.
જગમોહનને યાદ આવ્યું કે ગાયત્રીને હજી એણે કંઈ કહ્યું નથી. એણે ટૂંકમાં કબીર સાથેની વાતચીતનો સાર કહી સંભળાવ્યો.

‘અને સાંભળ ગાયત્રી, એક વાત સમજી લેજે… હવે હું તારી કોઈ જીદ ચલાવી નહીં લઉં. હવે તું મારી સાથે જ રહીશ… નો આર્ગ્યુમેન્ટ… ઓ.કે.? ’
ગાયત્રી જવાબ આપે એ પહેલાં જ સામેની બારીનો કાચ તોડીને અને એક મોટો પથ્થર ગાયત્રીના પગ પાસે આવી પડ્યો.


‘વિક્રમ, કરણ, તારો બાપ કયાં છે?’ પ્રભાએ ત્રાડ પાડી. બંને છોકરા દોડતા માના બેડરૂમમાં આવ્યા.

‘શું થયું મમ્મી?’ વિક્રમે ચિંતાતુર અવાજે પૂછ્યું.

વિક્રમની પત્ની પૂજા પણ દોડતી આવીને કરણને પૂછવા લાગી: મમ્મીની તબિયત તો સારી છે ને, કરણભાઈ?’
કરણ ચૂપ રહ્યો.

‘શું થયું મમ્મી?’ વિક્રમે પ્રશ્ર્ન દોહરાવ્યો.

પ્રભાએ એક નજર બારણા પાસે એકત્રિત થયેલાં ટોળાં પર નાખી અને પછી અવાજમાં થોડી નરમાશ લાવીને પૂછ્યું:
‘વિક્રમ- કરણ, હું પૂછતી હતી કે તમારા પપ્પા કેમ નથી આવ્યા હજી સુધી?’

કમરામાં હાજર રહેલાં દરેકે સાંભળ્યું હતું કે થોડી ક્ષણો પહેલાં પ્રભાએ બૂમ પાડી હતી ‘- વિક્રમ, કરણ તારો બાપ ક્યાં છે?’

કોઈ કાંઈ બોલ્યું નહીં. પ્રભાના પ્રશ્ર્ન : જગમોહન કેમ હજી સુધી નહોતા આવ્યા એનો જવાબ કોઈની પાસે નહોતો.

લખુકાકાના હોઠ પર પ્રશ્ર્ન આવી ગયો – ‘તારા જેવી બૈરી હોય તો પતિ ઘરે પાછો ફરે શાનો?’ પણ અડધાથી વધુ જીવન દીવાન પરિવાર સાથે વ્યતીત કરનાર લખુકાકા આટલાં વરસો દરમિયાન અગણિત પ્રશ્ર્નો અને અપમાન ગળી ગયા હતા. મોટા માણસને ત્યાં કામ કરવું હોય તો મોઢું નહીં, માત્ર આંખ અને કાન જ ખુલ્લાં રાખવાં જોઈએ એ સત્ય લખુકાકાને સમજાઈ ચૂક્યું હતું.

‘લખુકાકા, તમે તો વિચારતા હશો કે મારા જેવી પત્ની હોય તો કોઈને ઘરે પાછા ફરવાની ઈચ્છા શા માટે થાય, ખરુંને?’ પ્રભાના અવાજમાં ભારોભાર કડવાશ હતી.

‘ના… ના… બેન બા, હું શા માટે એવું વિચારું? ઈને જરૂર કોઈ કામ આવી ગયું હશે, હમણાં આવી જશે!’
‘હા, હમણાં… આવી… જશે!’ પ્રભાએ લખુકાકાના શબ્દો છૂટા પાડી પાડીને દોહરાવ્યા.

ગઈકાલે સવારના ઑફિસ જવા નીકળેલા જગમોહન દીવાન હજી પાછા ફર્યા નથી અને ઘરનો આ વફાદાર માણસ કહે છે કે ‘હમણાં આવી જશે.’ હું પણ શરૂઆતમાં આવું જ વિચારતી હતી ને… પ્રભાના દિમાગમાં અતીતની યાદ તાજી થતી હતી. લગ્ન કરીને આવ્યા બાદ એક જ આશાએ એને આ ઘરમાં ટકાવી રાખી હતી કે જગમોહન હમણાં’ આવી જશે… ‘હમણાં’ આવી જશે, પણ લગ્નના દોઢ-બે વરસ રોજ પછી જે વ્યક્તિ ઓફિસથી ઘરે પાછી ફરતી હતી એ જાણે જગમોહન ન હોય એવું લાગતું હતું.. પ્રભા રાહ જોતી રહી હતી.

શરૂઆતનાં વરસોમાં પ્રભાની આશા અકબંધ રહી. જગમોહન એના જીવનમાં પાછો ફરશે એવા એક આશાના તાંતણા પર એણે જીવન ટકાવી રાખ્યું હતું. પછી ધીરે ધીરે એને ખાતરી થવા માંડી હતી કે એના જીવનમાંથી જગમોહન હંમેશ માટે ચાલ્યો ગયો છે. એક વાર ખાતરી થયા બાદ પ્રભાના મનમાં નિરાશાની લાગણી સાથે કટુતા ભળી. છેવટે એક સમય એવો આવ્યો કે નિરાશા, ગુસ્સો, કડવાશ બધી લાગણીઓ વરાળની જેમ ઊડી ગઈ. રહી ગયું ફક્ત ઝનૂન, બદલો લેવાનું ઝનૂન. વેર વાળવાનું ખુન્નસ.

જે માણસે એના જીવનને રગદોળી નાખ્યું હતું, એનાં સ્વપ્નોને કચડી નાખ્યા હતાં, એના યુવાનીના કીમતી વરસો વેડફી નાખ્યાં હતાં એ માણસના જીવનને પણ બરબાદ કરી નાખવાની વેરભાવના એના સમગ્ર ચિત્તતંત્રને દઝાડતી રહી હંમેશા. હવે કોઈ પ્રેમ નથી. જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું. એ વીતેલાં વરસો પાછાં ફરવાનાં નથી, તો પછી એનો અફસોસ કરીને શા માટે રડવું! પણ જેણે આ સમયને બરબાદ કરી નાખ્યો છે એ માવડિયા પતિને તો નહીં જ છોડું!

જ્યારે જુઓ ત્યારે માનાં જ વખાણ કરતો હોય – મારી મા આમ ને મારી મા તેમ. જાણે એની એકલાની જ મા હોય. મા મરી ગઈ ત્યારે જગમોહન કેવું બોલ્યો હતો – ‘હવે આ દુનિયામાં મને કોઈ સ્ત્રી પ્રત્યે પ્રેમ કે માનની લાગણી રહી નથી. જેના પ્રત્યે હતી એ વ્યક્તિ આજે હંમેશ માટે ચાલી ગઈ.’

પ્રભા જાણતી હતી કે જગમોહન એને આહત કરવા આવું બોલ્યો હતો, છતાંય એના અંગેઅંગમાં ઝાળ લાગી ગઈ હતી. ઈચ્છા તો એવી થઈ ગઈ હતી કે દોડીને જગમોહનનું ગળું દબાવીને કહે કે માવડિયા, જા ને તારી મા ભેગો, જો એટલું જ લાગી આવ્યું હોય તો…
આવા માણસો પરણતા શા માટે હશે! પ્રભા વિચારતી હતી.

એણે જોયું કે દરવાજા પાસે હજી ઘરના લોકો ટોળુ વળીને ઊભા જ હતા.. દરેક પ્રભાના ચહેરા સામે તાકી રહ્યા હતા.

‘હા, લખુકાકા, તમારી વાત સાચી છે. કોઈ કામ આવી ગયું હશે… જાઓ તમે લોકો, તમારા પપ્પા આવતા જ હશે.’

મમ્મી દાઢમાં બોલે છે કે પછી… દીકરાઓને સમજાયું નહીં. વિક્રમની પત્ની પૂજાએ મોઢું બગાડીને એના રૂમ તરફ આગળ વધી ગઈ..

વિક્રમ નક્કી ન કરી શકયો કે પૂજાની પાછળ જવું કે મમ્મી પાસે બેસવું. એને અવઢવમાં જોઈને પ્રભા એની મદદે આવી, ‘જા બેટા વિક્રમ, જઈને આરામ કર. તારી વહુ પણ થાકી હશે. આટલી વહેલી સવારે મેં તમને બધાંને ઊઠાડી દીધાં. જા બેટા મારી ચિંતા નહીં કર.’

‘મમ્મી, આર યુ શ્યોર? તું કહેતી હો તો હું સૂઈ જાઉં તારી પાસે!’

વિક્રમના સ્વરમાં રહેલી નિષ્ઠા અને પ્રેમ પ્રભાને સ્પર્શી ગયાં પણ એ જોરથી ચીસ પાડીને બોલી:
‘ખબરદાર વિક્રમ, તારા બાપ જેવો માવડિયો નહીં થતો. માની બહુ ચિંતા કરીશ તો વહુને અન્યાય કરી બેસીશ. જા તારા રૂમમાં જા અને તારી પત્નીનું ધ્યાન રાખ. તારા બેડરૂમમાં અને તારા જીવનમાં પણ એક પ્રભા પેદા ન થાય એ જોજે, દીકરા!’

વિક્રમ તો ડઘાઈ ગયો. મમ્મીનું વિકરાળ સ્વરૂપ એણે ઘણીવાર જોયું હતું પણ આજે એનો મિજાજ કંઈ જુદો જ હતો. પપ્પા જેવા નહીં થવાનું કહીને મમ્મી શું કહેવા માગતી હતી? વિક્રમને સમજાતું નહોતું.

સમજણો થયો ત્યારથી મા-બાપ વચ્ચેના ઝઘડાનો હંમેશાં સાક્ષી રહેલો વિક્રમ બંનેની દલીલો અને તર્કને સમજવાની કોશિશ કરતો નહીં. ઝઘડો કોઈ પણ નાની વાતથી શરૂ થાય અને પછી થોડી વારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે. બંને ભૂલી જાય કે કલહનું મુખ્ય કારણ શું હતું. પછીના કલાકો દરમિયાન બંનેના અવાજો જ સંભળાય, બંનેના આક્ષેપો સંભળાય, બંનેની ચીસો સંભળાય, શબ્દો સમજાય નહીં પણ એવી ગંભીરતા સમજાય… છેલ્લે મમ્મીનું રુદન સંભળાય અને દીવાલ પર અફળાતી પપ્પાની મુઠ્ઠીનો અવાજ સંભળાય.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button