ઈન્ટરવલ

વાહનો દોડતા કૉફિન: વરસે ૭૫ હજાર બાઇકર્સનાં મોત!

ફોકસ – મનીષા પી. શાહ

સામાન્યપણે અવરજવરમાં સૌથી કકળાટ ટ્રાફિક પર થાય છે. હકીકતમાં માર્ગ સલામતી માટે ફિકર કરવાની ને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો સત્ત્વરે વ્યવસ્થિત અને અસરકારક આયોજન નહીં થાય તો વધુને વધુ વાહનો દોડતા કૉફિન કે યમરાજના પ્રતિનિધિ બની જશે.
તાજેતરમાં વર્ષ ૨૦૨૨માં દેશભરમાં થયેલા રોડ એક્સિડન્ટના આંકડા આવ્યા એનાથી પરસેવો વળી જાય એમ છે. વરસભરમાં ૧,૬૮,૪૯૧ (એક લાખ અડસઠ હજાર ચારસો એકાણુ) માણસોની જિંદગીનો કસમયે અંત આવી ગયો. આમાંથી ૪૪ ટકા એટલે લગભગ ૭૫ હજાર (ચોક્કસ આંકડો ૭૪,૮૯૭) ટુ-વ્હીલરવાળા હતા. બીજી આંચકાજનક હકીકત એ બહાર આવી કે માર્ગ અકસ્માતમાં લગભગ ૩૩ હજાર પદચારીના જીવ ગયા.
આ આંકડાથી સ્તબ્ધ થઇ ગયેલા માર્ગ સલામતીના નિષ્ણાતોએ જોખમમાં મુકાતા વાહનચાલકો અને પાદચારીઓની સલામતી માટે તાકીદ પગલાં ભરવાની માગણી કરી છે.
દુર્ભાગ્યે દરેક પ્રકારના અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી છે. ૨૦૨૨માં ટુ-વ્હીલર્સ (૭૪,૮૯૭), પાદચારી (૩૨,૮૨૫), કાર-ટૅક્સી (૨૧,૦૪૦), ટ્રક-લોરી (૧૦,૫૮૪), ઑટોરિક્ષા (૬,૫૯૬), સાઇકલ (૪૮૩૬), બસ (૪૦૦૪) અને અન્ય નોન-મોટર ટ્રાન્સપોર્ટ (૧૧,૩૩૭)ના મૃતાંક જોઇને મગજ સુન્ન થઇ જાય છે.
દેશભરનાં રાજયોની વાત કરીએ તો ૨૦૨૨માં મૃતકોની દ્દષ્ટિએ ક્રમ આ પ્રમાણે છે. પહેલું ઉત્તર પ્રદેશ (૨૨,૫૯૫), તમિલનાડુ (૧૦,૮૮૪), મહારાષ્ટ્ર (૧૫,૨૨૪), મધ્ય પ્રદેશ (૧૩,૪૨૭), કર્ણાટક (૧૧,૭૦૨) અને રાજસ્થાન (૧૧,૧૦૪).
અને સૌથી અસલામત -જોખમી રસ્તા શહેરોના ક્રમ આ મુજબ છે: પહેલું દિલ્હી, બીજું બેંગલૂરુ, ત્રીજું જયપુર, ચોથું કાનપુર અને પાંચમું ઇન્દોર.
સદ્ભાગ્યે અમુક શહેરોમાં મરણાંકમાં ઘટાડો પણ નોંધાયો છે. આમાં ૪૯.૧ ટકા ઘટાડા સાથે ચેન્નઇ ટોચ પર છે. ત્યાર બાદ ગાઝિયાબાદ, લુધિયાણા, મેરઠ અને મુંબઇ (૪.૧ ટકા ઘટાડા) પણ છે.
આ તો આધુનિક મોતની પરંપરા છે, જે માત્ર આંકડા બનીને રહી જાય છે. પરંતુ જેનો એકનો એક દીકરો કે રોટલાનો રળનારો ગયો હોય એના પર શું વિતતી હશે?
અકસ્માત માટેનાં કારણો જાણવા માટે ઊંડા અભ્યાસ કે આંકડાબાજીની જરૂર નથી.
સૌથી પહેલા વધુ પડતી ગતિ પર અંકુશની જરૂર છે. હેલ્મેટ જેવા જીવન-રક્ષકની અનિવાર્યતા સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. કારમાં સીટ-બેલ્ટ પહેરવાનું શા માટે રખાય છે? લાલ લાઇટ હોય છતાં વાહન હંકારી જવાની બેવકૂફી ન જ કરાય. એવું વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવાનું છે. સરકાર કે વહીવટીતંત્રના પક્ષે રસ્તા પરના ખાડા પૂરવાને પૂરતું મહત્ત્વ અપાવું જ જોઇએ. અત્યારે અમુક-અમુક સ્થળે ઇલેકટ્રોનિક આઇ છે, પણ આવી બાજનજરની દેશભરમાં જરૂર છે. ટ્રાફિક સિસ્ટમની ડિજિટાઇઝેશન પણ સમસ્યાને અમુક અંશે હળવી કરી જ શકે.
વાહનથી થતાં અકસ્માતમાં મોતના આંકડામાં ૨૦૨૧ની સરખામણીએ આઠ ટકાનો વધારો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મહારાષ્ટ્ર અકસ્માત – મોતમાં દેશમાં ત્રીજા ક્રમે છે. એનો શો અર્થ કરવો?
વાહનો આપણો સમય બચાવવા માટે છે, સલામતી માટેે છે અને સગવડ માટે છે. જો એ જીવનભક્ષક બની જાય તો ભૂલ વાહનોની નહિ, કાળા માથાના માનવીની છે. વાહન ગમે તે ચલાવો પણ સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરો, પરિવારજનોને યાદ કરો તથા તમારી ગાડી સામે આવનારાનાય ઘર-પરિવાર છે એ ક્યારેય ન ભુલાય.
ટૂંકમાં, દોડતા રહો, જીવતા રહો અને
જીવાડતા રહો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button