કવર સ્ટોરી: ટૅરિફનો ટોર્પિડો ટ્રમ્પને પણ ઘાયલ કરશે

-નિલેશ વાઘેલા
અમેરિકા પર ટૅરિફની નકારાત્મક કેટલીક અસર
- ગ્રાહકો માટે મોંઘવારી: ટૅરિફ આયાત ખર્ચમાં વધારો કરે છે, જેના કારણે માલ અને સેવાઓના ભાવ વધે છે, જે અમેરિકન ગ્રાહકો માટે મોંઘવારી નોતરશે
- આર્થિક વૃદ્ધિને ફટકો: ટૅરિફને કારણે વેપાર યુદ્ધો ખેલાશે અને તે આયાત – નિકાસમાં ઘટાડો કરીને અમેરિકાને આર્થિક અસ્થિરતા તરફ દોરી શકે છે.
- સપ્લાઇ ચેઇનમાં વિક્ષેપ: ટૅરિફ વૈશ્ર્વિક પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરે છે, જે આયાતી માલ અને ઘટકો પર નિર્ભર ઉદ્યોગોને નકારાત્મક અસર કરશે.
- ટ્રેડ પાર્ટનર્સના પ્રત્યાઘાત: ટ્રેડ પાર્ટનર્સ ટૅરિફ બદલો લેવા વળતાં પગલાં લઈ શકે છે, જે અમેરિકન વ્યવસાયો અને નિકાસકારોને નુકસાન પહોંચાડશે. સરવાળે આ પરિબળો અમેરિકન અર્થતંત્ર અને તેના નાગરિકોને નુકસાન પહોંચાડી શકે છે.
અમેરિકા દેવાના તોતિંગ ડુંગર હેઠળ દબાયેલું અને તેનું અર્થતંત્ર સાવ ખાડે ગયું છે એના પુરાવા આર્થિક ડેટા મારફત સતત મળતા રહ્યાં છે. પોતાને જગતજમાદારના પિતામહ ગણનારા ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાની અધોગતિની સજા વિશ્ર્વને આપવા માટે પેનલ્ટી અને ટૅરિફના ફતવા શરૂ કરીને વૈશ્ર્વિક અર્થતંત્રને ડહોળી નાંખ્યું છે.
જોકે, અર્થવિશ્ર્લેષકો માને છે કે એક તો ભારત પર આ ટૅરિફના ટોરપિડોની જે અસર દેખાય છે, એટલી વિકરાળ થવાની સંભાવના ઓછી છે અને ખૂદ અમેરિકા પર તેની માઠી અસર થવાની શક્યતા વિશેષ છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી: મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓનો આડેધડ દુરુપયોગ રોકવો જરૂરી છે…
અમેરિકાએ જગત પર પોતાની હુુકૂમતશાહી ચલાવવાની લાહ્યમાં જંગી કરજ લઇને ખાઇ ખોદી છે અને હવે તે ઇચ્છે છે કે તેના પતનનો ખર્ચ અન્ય દેશ ઉઠાવે! એક માહિતી અનુસાર અમેરિકાનું દેવું માત્ર બે દાયકામાં 5ાંચ ટ્રિલિયન ડોલર સામે વધીને 37 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. અમેરિકાનું અર્થતંત્ર સતત કથળી રહ્યું છે. હવે પોતાની ભૂલ સુધારવાને બદલે વોશિંગ્ટન ઇચ્છે છે કે બાકીની દુનિયા ટેરિફ, પ્રતિબંધો, દબાણ પ્રયુક્તિઓ અને ફરજિયાત જોડાણો દ્વારા ચુકવણી કરે. આ ડિપ્લોમસી નહીં, પરંતુ ડેમેજ ક્ધટ્રોલ છે!
કહેવાય છે કે, બૂમરેંગ એક એવું શસ્ત્ર છે જે લક્ષ્યાંકને ઘા કરીને પાછું ફરે ત્યારે તેને યોગ્ય રીતે ઝીલવામાં ના આવે તો તે ફેંકનારે ક્યાં તો જીવ અથવા તો હાથ ગુમાવવાનો વારો આવે એવું પણ બની શકે છે. આ ટૅરિફ એવું જ બૂમરેંગ છે જે અમેરિકાને પણ ફટકો મારશે. એક રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારત કરતાં અમેરિકા પર ઊંચા ટેરિફની વધુ અસર પડશે! આવો જાણવાનો પ્રયાસ કરીએ.
ભારતીય નિકાસ પર પચ્ચીસ ટકા ટેરિફની અસર ભારતની તુલનામાં અમેરિકા માટે વધુ ખરાબ રહેશે કારણ કે ઉક્ત ટૅરિફને પરિણામે અમેરિકાના જીડીપીને ફટકો પડશે, ફુગાવો ઊંચે જશે અને ડોલર નબળો પડશે. ઊંચી ટૅરિફને કારણે અમેરિકામાં ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને સાથે ફુગાવો પણ વધશે. એસબીઆઇ રિસર્ચે આ દાવો કરતા જણાવ્યું છે કે, ટેરિફનો નિર્ણય અમેરિકા માટે એક પ્રકારે આત્મઘાતક નિર્ણય છે. વ્યાવસાયિક ધોરણે અમેરિકા માટે વધુ નુકસાનકારક છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : ફિલ્મ સ્ટાર્સના બાળ ઉછેરમાં બદલાવ…
યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતથી આવતા તમામ માલ પર પચ્ચીસ ટકા ટેરિફ અને તે, ઉપરાંત રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનો ખરીદવા બદલ અનિશ્ર્ચિત દંડ લાદવાની જાહેરાત કરી છે. અગાઉ પહેલી ઓગસ્ટથી ટેરિફની અંતિમ તારીખ હતી, પરંતુ નવા વેરા સાત ઓગસ્ટથી અમલમાં આવશે. સંશોધન અહેવાલ અનુસાર આશ્ર્ચર્યજનક રીતે યુએસ જીડીપી, ઇન્ફ્લેશન અને કરન્સી, ભારતની તુલનામાં ડાઉનગ્રેડનું વધુ જોખમ ધરાવે છે. તાજેતરના ટેરિફ અને નબળા ડોલરની પ્રારંભિક અસરો, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, ઓટો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા આયાત પ્રત્યે સંવેદનશીલ ક્ષેત્રોમાં જોવા મળી છે અને અમેરિકામાં નવા ફુગાવાના દબાણના સંકેતો શરૂ થઇ ગયા છે.
ટેરિફ અને વિનિમય દરની હલચલની આડઅસરોને કારણે 2026 સુધી યુએસ ફુગાવો બે ટકાના લક્ષ્યાંકથી ઉપર રહેવાની ધારણા છે. ટૂંકા ગાળામાં યુએસ ટેરિફથી સરેરાશ યુએસ પરિવારના ખર્ચમાં લગભગ 2,400 ડોલરનો ખર્ચ વધવાનો અંદાજ છે, જે મુખ્યત્વે ટેરિફ-આધારિત ફુગાવાથી ઊંચા ભાવોને કારણે થઇ શકે છે.
આ પણ વાંચો: કવર સ્ટોરીઃ માલેગાંવ-મુંબઈ: બોમ્બધડાકા બધા જ ‘આરોપી’ નિર્દોષ!
એ જ સાથે ઓછી આવક ધરાવતા પરિવારોને 1,300 ડોલર જેટલું નુકસાન થઈ શકે છે, જે ઉચ્ચ કમાણી કરનારાઓની તુલનામાં સંબંધિત બોજ કરતાં લગભગ ત્રણગણું છે, જ્યારે ઉચ્ચ આવક ધરાવતા પરિવારોને 5,000 ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે, અલબત્ત તેમની એકંદર નાણાકીય સ્થિરતા પર ઓછી અસર પડશે.
ભારતને તો સ્વાભાવિક રીતે જ સીધી અસર થવાની છે, પરંતુ એ બાબત ધ્યાનમાં લેવી ઘટે કે ભલે યુએસ ભારતનો ટોચનો નિકાસકાર છે, છતાં ભારતે તેના નિકાસ બજારનું વૈવિધ્યીકરણ કર્યું છે અને ટોચના દસ દેશો કુલ નિકાસમાં ફક્ત 53 ટકા હિસ્સો ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, ફાર્માસ્યુટિકલ્સ અને પરમાણુ રિએક્ટર અને મશીનરી ભારતની યુએસમાં થતી નિકાસમાં 49 ટકા હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી: હોરરની હવામાં વર્તાય છે પ્રેમનો પાવર!
અમેરિકા દ્વારા હીરા, સ્માર્ટફોન, ફાર્મા પ્રોડક્ટ્સ વગેરે પર શૂન્ય ટકાથી મહત્તમ 10.8 ટકા સુધીનો રેટ હતો. હવે તે બધા પર પચ્ચીસ ટકા ટેરિફ અને પેનલ્ટી લાદવામાં આવશે. જેનરિક દવા બજારમાં, ભારત અમેરિકાની ફાર્માસ્યુટિકલ જરૂરિયાતોનો લગભગ 47 ટકા પૂરો પાડે છે. જો અમેરિકા ફાર્મા પ્રોડક્ટસ અને એપીઆઇ પ્રોડક્ટ્સને અન્ય દેશો અથવા સ્થાનિક સુવિધાઓમાં સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ કરે તો અર્થપૂર્ણ ક્ષમતા માટે ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષ લાગે!
આમ ટૅરિફને પરિણામે અમેરિકન નાગરિકો માટે દવાની અછત અને ભાવમાં વધારો થઈ શકે છે, કારણ કે અમેરિકા ભારતના ફાર્મા નિકાસમાં ચાલીસ ટકા હિસ્સો ધરાવે છે. જો ભારત પર પચ્ચીસ ટકા ટેરિફ ચાલુ રહે છે, તો તે નાણાકીય વર્ષ 2026માં ફાર્મા કંપનીઓની કમાણીને બેથી આઠ ટકા સુધી અસર થઇ શકે છે, કારણ કે ઘણી મોટી ફાર્મા કંપનીઓની આવકમાં અમેરિકામાં થતી નિકાસનો મોટો ફાળો રહે છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : સાવધાન, આવી રહ્યું છે માંસાહારી મિલ્ક!
ડોઇશ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીએ પત્રકારો સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત જે ટોચની વસ્તુઓની યુએસએ નિકાસ કરે છે તેમાં ઇલેક્ટ્રિકલ મશીનરીના ભાગો, કિંમતી પથ્થરો, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, કાપડ અને રસાયણોનો સમાવેશ થાય છે.
સ્વાભાવિક રીતે, દંડાત્મક ટેરિફને કારણે આ ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે. ભારત યુએસએ સાથે વેપાર પુરાંત ધરાવે છે જે નાણાકીય વર્ષ 2013માં 11 અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2025 સુધીમાં 43 અબજ ડોલર સુધી પહોંચી છે. એપ્રિલ-જૂન 2025 દરમિયાન, ભારતનો ટ્રેડ સરપ્લસ 12.7 અબજ ડોલરને સ્પર્શી ગયો છે, જે વાર્ષિક ધોરણે 35.4 ટકાનો વધારો દર્શાવે છે, ટૅરિફના ટોરપિડોથી ભારત પર ખાસ અસર નહીં પડે અને નવી દિલ્હી વેપાર કરારમાં કૃષિ, ડેરી અને આનુવંશિક રીતે સુધારેલા (જીએમ) ઉત્પાદનો પર કોઈ ડ્યુટી છૂટ નહીં આપશે, કારણ કે તેમાં રાજકીય હિત પણ સમાયેલું છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : અભિવ્યક્તિના નામે સદંતર જૂઠાણાં ફેલાવતાં સોશ્યલ મીડિયાને કઈ રીતે નાથી શકાય?
મોટાભાગના ભારતીય માલ પહેલાથી જ યુએસની મુક્તિ શ્રેણી અંતર્ગત છે. તેથી, તેમના પર કોઈ ડ્યુટી લાગશે નહીં. અમેરિકામાં ભારતની પચાસ ટકાથી વધુ નિકાસ પર યુએસની કલમ 232 મુક્તિને કારણે કોઈ અસર નહીં થાય.
આ ટેરિફથી ફક્ત 40 અબજ ડોલરની નિકાસ જ પ્રભાવિત થશે. 2024-25માં, ભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 131.8 અબજ ડોલર (86.5 અબજ ડોલરની નિકાસ અને 45.3 અબજ ડોલરની આયાત) રહ્યો હતો. ભારત અને અમેરિકા માર્ચથી દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં, વાટાઘાટોના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે. વાટાઘાટોનો છઠ્ઠો રાઉન્ડ 25 ઓગસ્ટથી યોજાશે.