અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી: જો બાઈડન-ટ્રમ્પ વચ્ચે રિ-મૅચ?
પ્રાસંગિક -અમૂલ દવે
સાલ ૨૦૨૪ ચંટણીની ભરમાર માટે જાણીતું થશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, તાઈવાન વગેરે દેશમાં ચૂંટણી પતી ગઈ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૪ની સાલમાં પૃથ્વીની કુલ વસતિના ૫૦ ટકાથી વધારે લોકો પોતાના દેશના શાસકને ચૂંટવા મતાધિકારનો ઉપયોગ કરશે.
આ વર્ષે ઉજ્જવળ લોકશાહીની પરંપરા ધરાવતા દેશોની પણ આકરી કસોટી થશે. પાકિસ્તાનની જેમ અમુક દેશમાં ઘાલમેલ -ગોટાળા -અફડાતફડી સરજી અમુક સરમુખત્યારી માનસ ધરાવતા શાસકો જીતે એમાં કોઈ નવાઈ નહીં હોય. રશિયા, યુનાઈટેડ કિંગડમ, અલ સાલ્વાડોર, અમેરિકા, ભારત અને દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં થનારી સામાન્ય ચૂટણીની અસર માનવ અધિકાર, અર્થતંત્ર, આતંરરાષ્ટ્રીય સંબંધો અને અસ્થિર વિશ્ર્વમાં શાંતિ જેવી બાબતો પર દૂરગામી અસર પાડશે. રશિયામાં પુતિન ફરી પ્રમુખ બને એ લગભગ નિશ્ર્ચિત છે.
અલબત્ત, આમાં સૌથી મહત્ત્વની ચૂંટણી સુપરપાવર અમેરિકાની હશે. મહાસત્તાની પ્રમુખપદની ચૂંટણી પર આખા વિશ્ર્વની મીટ મંડાયેલી છે. આ ચૂંટણીમાં પ્રમુખ જો બાઈડન અને એમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રિ-મેચ થાય એવી સંભાવના છે. એ બન્ને કદાચ ફરી ટકરાય એવી સંભાવના છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૩૪ કરોડની વસતિવાળા દેશને સર્વોચ્ચ હોદ્દા માટે આ બે વયોવૃદ્ધ નેતા સિવાય કોઈ નવો ઉત્સાહી, મોહક ને મૌલિક વિચાર ધરાવતો નેતા મળ્યો નથી. અમેરિકાના ઈતિહાસના સૌથી વૃદ્ધ પ્રમુખનું બહુમાન બાઈડન અને ટ્રમ્પ આ અગાઉ જ મેળવી ચુક્યા છે. બાઈડન જો બીજી મુદત જીતશે તો એના અંત સુધીમાં ૮૬ વર્ષના થઈ જશે. ડેમોક્રટિક પાર્ટીના બાઈડન હાલમાં ૮૧ વર્ષના છે અને પોતે પુન: ચૂંટાઈ આવે એવી ઝંખના સેવી રહ્યા છે. એમના રિપબ્લિકન પાર્ટીના હરીફ બનવા માટે ઉજ્જળ તક ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પ ૭૭ વર્ષના છે. ટ્રમ્પે ૨૦૨૦માં બીજી મુદત માટે પ્રમુખપદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જો બાઈડેને એમને આંચકો આપ્યો હતો. ટ્રમ્પે ચૂંટણીનું પરિણામ ખેલદિલી સાથે સ્વીકાર્યું નહોતું અને અદાલતોમાં આડેધડ કેસ ઠોકી દીધા હતા. જો કે આ કાનૂની પડકારમાં એમની હાર થઈ હતી. એમના ટેકેદારોને રમખાણ મચાવવા ટ્રમ્પે ઉશ્કેર્યા હતા. ટ્રમ્પ આક્રમક સરમુખત્યાર છે. એમના આવવાથી લોકશાહીને ખતરો ઊભો થશે એવા આક્ષેપો સાથે જો બાઈડેન પ્રચાર કરી રહ્યા છે. બન્ને હરીફ શારીરિક અને માનસિક રીતે ક્ષેમકુશળ છે કે નહીં એને લઈને ભારોભાર શંકા પ્રવર્તે છે. બન્નેએ ભુલકણા બનીને એટએટ્લા ભાંગરા વાટ્યા છે કે અમેરિકનોને એમના આગામી નવા પ્રમુખ અંગે ચિંતા થઈ રહી છે. બાઈડનની શારીરિક ક્ષમતા વિશે અમેરિકનોના મનમાં ચિંતા પ્રવર્તે છે. બીજી બાજુ, ટ્રમ્પ સામે અનેક ફોજદારી ગુના છે અને એમનું ભવિષ્ય સુપ્રીમ કોર્ટના હાથમાં છે. એમની સામેના અમુક કેસો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયા છે. ટ્રમ્પ કહે છે કે મને ફરી પ્રમુખ બનતો અટકાવવા મારી સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે. જો કે અમેરિકાનું જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ વાતને રદિયો આપે છે. ટ્રમ્પે સત્તા પર આવ્યા બાદ વિરોધી સાથે વેરની વસૂલાત કરવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે હું પ્રમુખ બનીશ તો યુક્રેનને તેના હાલ પર છોડી દઈશ. યુક્રેનને રશિયાની દયા પર છોડી દેવાની ટ્રમ્પની જાહેરાતથી યુરોપ અમેરિકાના સાથીદારો ચિંતિત થયા છે. એ જ પ્રમાણે ઈઝરાયલ પ્રમુખ બાઈડનના અંકુશમાં રહેતા નથી અને તે બાઈડન માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. બાઈડનની આ નીતિથી યુવાન મતદારો એનાથી નારાજ થયા છે.
તાજેતરનાં વર્ષોમાં અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના મહોલને આર્થિક ધબડકા-ગોટાળા અને આઘાતજનક હિમાલય જેવડી ભૂલો- ગુપ્ત વિડિયો તથા મહામારીએ હચમચાવી દીધો છે. દિન-પ્રતિદિન અમેરિકાના મોભા અને દરજ્જાને ગ્રહણ લાગતું જાય છે. રાજકીય વાતાવરણ ઝેરીલું અને હિંસક બનતું જાય છે. ચીન – રશિયા સાથે મળીને અમેરિકાને હંફાવી રહ્યા છે. અસ્થિરતા અને તરંગી નિર્ણયોને લીધે અમરિકાની લોકશાહીના ભાવિ અને આબરુ સામે અબજો ડોલરોના સવાલ ઊભા થયા છે.
સુપ્રીમ કોર્ટે ૨૦૦૦માં રિપબ્લિકન જ્યોર્જ બુશની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારથી પ્રમુખપદની ચૂંટણીમાં અદાલતની દરમિયાનગીરી વધી ગઈ છે. ટ્રમ્પને ગેરલાયક ઠરાવવા કે નહીં એનો નિર્ણય અદાલત જ લેશે.
આગામી અઠવાડિયાઓમાં નક્કી થશે કે ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને છ જાન્યુઆરી ૨૦૨૧ના બળવા-હુલ્લડ માટે દોષિત ઠરાવીને એમના પર પ્રતિબંધ મૂકી શકાય કે નહીં….
આની સામે ટ્રમ્પની દલીલ છે કે આવા ગુના સામે એમને પ્રમુખ હોવાના નાતે રક્ષણ મળેલું છે. બાઈડનના પ્રથમ મુદતના લાંબા સમય સુધી ફુગાવો આસમાને રહ્યો છે. મતદાતાઓની ધારણા એવી છે કે ૮૧ વર્ષની વયે એ પ્રમુખ બનવા માતે અતિશય વૃદ્ધ છે એવો ગણગણાટ ખુદ એમના પક્ષમાં પણ થઈ રહ્યો છે. ઓબામાની વાઈફ મિશેલ ઓચિંતા પ્રમુખપદના ઉમેદવાર બની જશે એવી અટકળો પણ રાજકીય પંડિતો કરી રહ્યા છે.
અમેરિકામાં બે પક્ષની સિસ્ટમ
અમેરિકામાં ૧૮ વર્ષથી ઉપરના નાગરિક રાષ્ટ્રપતિપદ માટે મત આપી શકે છે. ઘણાં રાજ્યોએ એવો નિયમ બનાવ્યો છે કે વોટરોએ પોતાની ઓળખ દેખાડવી પડે છે. રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે વોટિંગના ફ્રોડથી બચવા માટે આમ કરવું જરૂરી હોય છે તો ડેમોક્રેટ્સનું કહેવું છે કે, તેનાથી એવા લોકો મત આપવાથી વંચિત રહે છે, જેની પાસે કોઈ ઓળખપત્ર ન હોય.
આમ તો દેશમાં મોટાભાગના વોટ પોલિંગ સ્ટેશન પર પડે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે તેમાં ફેરફાર જોઈ શકાય. અમેરિકાની રાજનીતિમાં આ દિવસોમાં ચૂંટણીનો રંગ ચઢેલો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન એક-બીજા વિરુદ્ધ નિશાન સાધવામાં કોઈ તક છોડી રહ્યાં નથી. આ ચૂંટણી (US Presidential Elections 2020) પર દુનિયાની નજર રહે છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિનો વૈશ્ર્વિક સ્તર પર ઊંડો પ્રભાવ રહે છે- ખાસ કરીને કે યુદ્ધ, વૈશ્ર્વિક મહામારી અને જળવાયુ પરિવર્તન જેવી આંતરરાષ્ટ્રીય સંકટ જેવી સ્થિતિમાં.
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી નવેમ્બરના પ્રથમ સોમવાર બાદ આવનાર પ્રથમ મંગળવારે થાય છે. આ વર્ષે પાંચ નવેમ્બરે ચૂંટણી થવાની છે.
અમેરિકામાં જે ઉમેદવારને વધુ મત મળે છે તેની જીત થાય તે નક્કી ન થાય. હકીકતમાં ઉમેદવાર ઇલેક્ટોરલ કોલેજના મતને જીતવાનો પ્રયાસ કરે છે. દરેક સ્ટેટને તેની વસ્તુના આધાર પર ઇલેક્ટોરલ કોલેજ મળે છે. તેની કુલ સંખ્યા ૫૩૮ હોય છે અને જીતનાર ઉમેદવારને ૨૭૦થી વધુ મત જીતવાના હોય છે એટલે કે જ્યારે લોકો મતદાન કરે છે તો તે દેશના રાષ્ટ્રપતિ નહીં, પણ પોતાના સ્ટેટના પ્રતિનિધિ ચૂંટતા હોય છે. આ વર્ષે Houseની ૪૩૫ સીટ અને Senateની ૩૩ સીટ પર ઉમેદવાર ભાગ્ય અજમાવશે.