“સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ”, ભારતે UNSCમાં શાંતિ માટે અપીલ કરી
નવી દિલ્હી: ગાઝા અને લેબનાન પર ઇઝરાયલના સતત હુમલા અને ઈરાનની ઇઝરાયલને ચેતવણીને કારણે મધ્યપૂર્વમાં તણાવની સ્થિતિ (Geo-Political tension in middle east) છે, કોઈ મોટા યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે. એવામાં યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સીલ(UNSC)માં ભારતે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની હિમાયત કરી. ભારતે કહ્યું કે, આવનારા સમયમાં પેલેસ્ટાઈનના લોકોની મદદ માટે ભારત તરફથી વધુ સામાન મોકલવામાં આવશે.
સાથે સાથે ઈઝરાયલ પર થયેલા હમાસના હુમલાની નિંદા કરતા ભારતે કહ્યું કે બંને દેશોએ સાથે મળીને વાત કરવી જોઈએ અને શાંતિ સ્થાપવા માટે ઉકેલ શોધવો જોઈએ.
મધ્ય પૂર્વની સ્થિતિ પર ચર્ચા દરમિયાન ભારતે કોઈ એક દેશને સમર્થન આપવાને બદલે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાની હિમાયત કરી. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે કહ્યું, “ભારત પેલેસ્ટિનિયન લોકોને વધુ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. અમે US$120 મિલિયન (રૂ. 1009 કરોડ)ની મદદ મોકલી ચુક્યા છીએ. UNRWAને $37 મિલિયનની સહાય આપવામાં આવી છે.”
આ પણ વાંચો….70 વર્ષ બાદ એક દેશ, એક બંધારણનું સપનું પૂરું થયું છેઃ PM Modi
પાર્વથાનેની હરીશે જણાવ્યું હતું કે, “અમે આ વર્ષે 22 ઓક્ટોબર સુધી 6 ટન દવાઓ અને તબીબી સહાય મોકલી છે. ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા નિંદાને પાત્ર છે. હું તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને યુદ્ધવિરામ માટે ભારતની અપીલનો પુનરોચ્ચાર કરું છું. અમે ટૂ-સ્ટેટ્સ સોલ્યુશનને સમર્થન આપીએ છીએ, જેમાં પરસ્પર સંમત સરહદોને ધ્યાનમાં રાખીને સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપનાનો સમાવેશ થાય છે.”
તેમણે જણાવ્યું હતું કે “અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ સભ્યોને પણ આ પ્રયાસમાં જોડાવા વિનંતી કરીએ છીએ. ભારત શાંતિપૂર્ણ અને સ્થિર મધ્ય પૂર્વના વિઝનમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. ભારતના રૂપમાં આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે એક વિશ્વસનીય ભાગીદાર છે, જે શાંતિપૂર્ણ અને સ્થિર મધ્ય પૂર્વ બનાવવા અને લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે તમામ સંબંધિત હિતધારકો સાથે તેની ભાગીદારી માટે તૈયાર છે.”