કચ્છી ચોવક : વાતે ને વાતે સૂરા ન થવાય!

-કિશોર વ્યાસ
વાતે ને વાતે સૂરા થતા લોકો માટે એક ચોવક છે: “સિંધૂડો વજે તડેં સૂરો ઘરમેં ન રે” અર્થ એ છે કે, સમય આવે ત્યારે જ શક્તિનું પ્રદર્શન કરવું. ‘સિંધૂડો’ શબ્દ અહીં આવે છે, જેનો અર્થ થાય છે: યુદ્ધ શરૂ થાય તેથી પહેલાં વાગતો શંખ! ‘વજે’ એટલે વાગે. ‘તડેં’ એટલે ત્યારે, ‘સૂરો’નો અર્થ થાય છે શૂરવીર અને ‘ઘરમેં’ એટલે ઘરમાં. ‘ન રે’ અહીં એકાક્ષરી બે શબ્દો છે: ન રહે.
જ્યારે તકલીફમાં બીજી તકલીફ ઉમેરાય કે વધારો થાય ત્યારે વપરાતી ચોવક છે: “સોડો ઘર ને વિચ મેં વડ” શબ્દાર્થ થાય છે: એક તો, ઘર સાકડું અને તેમાં વળી વચ્ચે વડનું વૃક્ષ હોય! કે ઊગી નીકળે! ‘સોડો’ એટલે સાંકડું, ‘વિચ મેં’ એટલે વચમાં. પરંતુ ચોવક કહેવા એમ માગે છે કે, એક તો જીવતરમાં તકલીફનો પાર ન હોય તેવામાં નવી મુશ્કેલી ઊભી થાય.
ઘણાને બધાંજ કામ એક સાથે પૂરાં કરવાની આદત હોય છે. ચોવક એમ કહે છે કે: બધાં કામ એકસાથે ન કરાય. ચોવક છે: “હિકડી ભિત રગાજે, મિડે ભિતૂં ન રાગાજે” ‘હિકડી’ શબ્દનો અર્થ છે એક, ભીંત એટલે દીવાલ. ‘રાગાજે’નો અર્થ થાય છે: લિંપાય અને ‘મિડે’ એટલે બધી. શબ્દાર્થ છે: લિંપવાનું કામ એક દીવાલથી જ શરૂ કરાય, બધી ભીંતો એક સાથે ન લિંપાય! મતલબ કે, બધાં કામ એક સાથે ન કરાય.
આ પણ વાંચો: કચ્છી ચોવક : લોભી વૃત્તિ સામે લાલબત્તી, પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં.
ગુજરાતીમાં કહેવત છે: સોનાની જાળ પાણીમાં ન નંખાય એ જ અર્થ સાથે કચ્છીમાં ચોવક પ્રચલિત છે: “સોનજી જાર પાણીમેં ન વિજાવાજે” ‘સોનજી’ એટલે સોનાની. જાર એટલે જાળ. ‘ન વિજાવાજે’નો અર્થ થાય છે ન નખાય. ભાવાર્થ થાય છે: જેવી કિંમતી વસ્તુ હોય તે પ્રમાણે તેનો ઉપયોગ થાય. એમ પણ કહી શકાય કે, વણ માગી સલાહ કોઈને ન આપવી!
એક બહુ અર્થસભર ચોવક છે: “સુખ સમજી સાવરેં વિઈસ, નેં બુંભ જલે ઉભી રિઈસ”! જ્યાં, જેવી અને જેટલી કિંમત થવી જોઈએ તેવી ન થાય ત્યારે આ ચોવક પ્રયોજાતી સાંભળી છે. બીજો અર્થ એવો પણ કરી શકાય કે, મોભા પ્રમાણે જેવું માન કે સન્માન મળવાં જોઈએ તેવાં ન મળવાં. અહીં એક નવયૌવનાનાં લગ્ન -સુખનાં સ્વપ્નો તરી આવતાં જોવા મળે છે. કોડભરી ક્ધયા સાસરે ગઈ અને ત્યાંનું દુ:ખ જોઈ તેનાં સપનાં થંભી ગયાં! ‘સુખ સમજી’ એટલ સુખનાં સ્વપ્નો સાથે, ‘સાવરેં’ એટલે સાસરે. ‘વિઈસ’નો અર્થ થાય છે (હું) ગઈ. ‘નેં’ અહીં અને શબ્દનું સ્થાન ધરાવે છે. ‘બુંભ’નો અર્થ થાય છે: ઉંબરો. ‘જલે’ એટલે પકડીને. શબ્દાર્થ છે: સુખનાં સપનાં સેવતી સાસરે ગઈ અને ઉંબરો પકડી ઊભી રહી ગઈ!
ઘણી સ્ત્રીઓને તૈયાર થતાં, શણગાર સજતાં જ એટલો સમય લાગી જાય છે કે, જે (પ્રસંગ માટે કે કારણ માટે)ના માટે શણગાર સજે છે, તે સમય વિતી જાય છે! ચોવક છે ‘શિણગાર સજે, તેંસી ભજાર ઉથી વિંઝે” શબ્દાર્થ છે: શણગાર સજે ત્યાં સુધીમાં બજાર ઊઠી જાય! જ્યારે ભાવાર્થ છે: ગફલતમાં જ તકને ગુમાવી દેવી. ‘શિણગાર’ શબ્દનો અર્થ સ્પષ્ટ છે: શણગાર. ‘સજે’ એટલે સજવું. ‘તેંસી’ એટલે ત્યાં સુધી(માં), ‘ભજાર’નો અર્થ બજાર અને ‘ઉથી વિંઝે’ એટલે (બજાર) બંધ થઈ જવી!
આ પણ વાંચો: કચ્છી ચોવક : ઘાસને ધરતીનો પહેલો પુત્ર ગણાવે છે…
આપણે ઘણીવાર કોઈક માટે કહેતા હોઈએ છીએ કે, સાત પેઢી ખાય ત્યાં સુધી ચાલશે, એટલા માલેતુજાર છે, પરંતુ ચોવક કહે છે: “વિઠે વિઠે ખાધે જાગીરું પ ખુટી પે” ભલે વારસો મલબખ મળ્યો હોય પણ તેને જાળવી રાખવા કે તેમાં વધારો કરવા ‘હાથ-પગ’ હલાવતા રહેવું જોઈએ. જો બેઠા બેઠા ખાધે રાખીએ (વાપરતા રહીએ) તો ખજાનો ખૂટી પડે! ‘વિઠે વિઠે’ એટલે બેઠાં બેઠાં (કંઈ કામ ન કરતાં) ‘ખાધે’ એટલે ખાવા માંડીએ, ‘જાગીરું’ (જાગીરો) એટલે વારસામાં મળેલું, ‘પ’ એટલે પણ અને ‘ખુટી પે’નો અર્થ થાય છે: ખૂટ પડે!