અજબગજબની દુનિયાહેન્રી શાસ્ત્રી

છીંડું શોધતા લાધી પોળ

હર્ષદ મહેતાએ સ્ટોક માર્કેટમાં કૌભાંડ નહોતું કર્યું, પણ વ્યવસ્થાતંત્રમાં રહેલી છટકબારી (Loopholes in systems)નો લાભ ઉઠાવ્યો હતો એવી દલીલ અનેક લોકોએ કરી છે. નિયમમાં છટકબારી શોધી લાભ મેળવવો એ સાર્વત્રિક માનવ સ્વભાવ છે.
29 વર્ષના બ્રિટિશ નાગરિક એડ વાઈઝએ રેલવે તંત્રની નિયમાવલીમાં એક એવું છીંડું (છિદ્ર – છટકબારી) શોધી કાઢ્યું કે પાવલી ખર્ચ્યા વિના ત્રણ વર્ષમાં મુસાફરી તો કરી અને એ સાથે ખરીદેલી ટિકિટોનું ફુલ રિફંડ મેળવી 1000 પાઉન્ડ (આશરે એક લાખ રૂપિયા) બચાવ્યા છે. યુકેની એક ટ્રેન સર્વિસ ટ્રેન 15 મિનિટ મોડી પડે તો 25%, 30 મિનિટ લેટ થાય તો 50% અને એક કલાક કે વધુ સમય માટે મોડી પડે તો ટિકિટના પૂરેપૂરા પૈસા મુસાફરોને પાછા આપે છે. ફાઈનેન્સ પ્લાનર તરીકે કામ કરતા એડ વાઈઝએ ટ્રેન ક્યારે, કેમ અને કેટલા સમય માટે લેટ થાય છે એનો ગહન અભ્યાસ કર્યો. એક કલાક અથવા વધુ સમય માટે કઈ ટ્રેન ક્યારે લેટ થશે એનો અંદાજ આવી જતા એ જ ટ્રેનની ટિકિટ ખરીદી ફુલ રિફંડ પાછું મેળવતો હતો. આવું ભાઈસાહેબે મહિનો – બે મહિના નહીં પણ પૂરા ત્રણ વર્ષ માટે કર્યું અને ટ્રેન સર્વિસને ચૂનો ચોપડ્યો. પ્રવાસ ખર્ચ ઘટાડવા માગતા લોકો માટે એડ વાઈઝ પ્રેરણામૂર્તિ બની ગયો છે. એ કીમિયાગારે ટ્રેન પ્રવાસીઓને આ નિયમનો લાભ ઉઠાવવા જણાવી સાથે કેટલીક સેન્ડવિચ, થર્મોસમાં કોફી અને એક બુક સાથે રાખવાની સલાહ આપી છે. ભૂખ લાગે તો પૈસા ન ખર્ચવા પડે અને ટ્રેન મોડી પડે ત્યારે પુસ્તક વાંચી કંટાળો દૂર કરી શકાય.
કન્યા વિદાય-અંતિમ વિદાય: અનોખો ડબલ રોલ

કન્યા વિદાય હોય કે અંતિમ વિદાય, વિદાય વિધિમાં પુરુષ વર્ગનું વર્ચસ વધુ હોય છે. ક્ધયા પધરાવો સાવધાન હોય કે દોણી લઈને આગળ ચાલો જેવા આદેશ હોય, પુરુષ જ જોવા મળે છે. એકવીસમી સદીમાં પુરુષ – સ્ત્રીના ભેદભાવની રેખા ઝાંખી થઈ રહી છે ત્યારે રાજસ્થાનના ઉદયપુર શહેરના 64 વર્ષનાં સરલા ગુપ્તા વિવાહ, મુંડન, કાન વીંધવા જેવા શુભ સંસ્કાર તો પાર પાડે જ છે, છેલ્લાં પાંચ વર્ષમાં 70થી વધુ અંતિમ સંસ્કારની વિધિ પણ એ સન્નારી કરાવી ચૂક્યાં છે. આટલું જાણ્યા પછી જો આંખો પહોળી થવા માટે જગ્યા બચી હોય તો જાણી લો કે દરેક પ્રસંગ પાર પાડ્યા પછી જે રકમ દાન દક્ષિણા પેટે મળેછે એ પૈસા સરલા ગુપ્તા દીકરીઓના અભ્યાસ – ભણતર માટે દાન કરી દે છે. ’બેટી પઢાઓ, બેટી બચાઓ’નોસાચો અર્થ તો સરલાજી સમજ્યાં છે. દસેક વર્ષ પહેલા લગ્ન – જનોઈ સહિત વિવિધ કાર્યવિધિ શરૂ કરનારાંસરલા ગુપ્તાએ 2020માં કોવિડ મહામારીના પ્રકોપ વધતાં સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવા પરિવારજન પણ હાજર ન રહેતા હોવાથી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી લીધી હતી. સમગ્ર દેશમાં એમના ઉપરાંત અન્ય બે મહિલા અંતિમ સંસ્કારની વિધિ કરે છે એવો એમનો દાવો છે. સરલાજી જે ઘરમાં વિધિ કરવા જાય છે એ ઘરની મહિલાઓને ધાર્મિક કાર્યમાં સામેલ કરી એમને વિધિ શીખવવાની કોશિશ કરે છે. ધાર્મિક વિધિ માટે મહિલાઓને બોલાવનારાઓની સંખ્યા રૂઢિચુસ્ત રાજસ્થાનમાં વધી રહી છે.આવતી કાલે સરલા ગુપ્તાની સંખ્યા વધે એવો આ પ્રયત્ન સ્ત્રી – સશક્તીકરણનું લાક્ષણિક
ઉદાહરણ છે.
પ્રેમ નિવાસ બન્યું અંતિમક્રિયા આવાસ

પરિવર્તન જગતમાં શાશ્વત નિયમ છે. ચેન્જ ઈઝ ફોર બેટર – પરિવર્તનથી પરિસ્થિતિ બહેતર બને એવી માન્યતા છે. જોકે, જાપાનમાં અંગત પળોને મધુર બનાવી દેતી લવ મોટેલને ફ્યૂનરલ હોમમાં પરિવર્તિત કરવાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કોશિશ અલગ જ સંદેશો આપે છે.
જાપાનમાં પ્રેમનો અંજામ કરુણ મોત છે એવી સમજવાની ભૂલ નહીં કરી બેસતા.
વાત એમ છે કે લવ મોટેલનું ફ્યૂનરલ હોમમાં પરિવર્તન જાપાનમાં જનસંખ્યા અને જન્મદરમાં થઈ રહેલા ઘટાડાનું પ્રતીક છે. ચટાકેદાર રંગના પ્રેમ નિવાસ પર સફેદો મારી અંતિમક્રિયા આવાસ બનાવી દેવામાં આવ્યું છે.
દેશમાં વડીલોની સંખ્યા વધી રહી છે જ્યારે બાળબચ્ચાં જન્મવામાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. 1970 – 75 દરમિયાન જે દેશમાં ઢગલાબંધ બાળકો જન્મ્યાં હતાં એ દેશ 50 વર્ષ પછી નવી પેઢી માટે વલખા મારી રહ્યો છે એ કેવી વિચિત્રતા કહેવાય! પાડોશી દેશ દક્ષિણ કોરિયામાં નવ વર્ષ પછી પહેલી વાર જન્મદર વધ્યો છે ત્યારે કાળિયા સાથે ગોરો રહે ત્યારે વાન ન આવે પણ સાન તો આવે એ કહેવતનો પડઘો પાડી જાપાન પણ દક્ષિણ કોરિયાને અનુસરશે એવી આશા જેપનીઝ જનતા રાખતી હોય તો નવાઈ નહીં.
મશીન સહવાસને પ્રાધાન્ય

બેકલતા એટલે બે માણસોની એકલતા. જેની અંદર એક અલાયદું ભાવ વિશ્વ બેઠું છે એ બેકલતા શબ્દ ગુજરાતી ભાષાના અલાયદા સર્જક ચંદ્રકાન્ત બક્ષીની દેન છે. પચીસેક વર્ષ પહેલાં બક્ષીની આ કલ્પના આજે વાસ્તવિકતા બની ગયેલી ઠેરઠેર દેખાય છે. સહજીવન માટે પરણેલાં અનેક દંપતી કે પછી કંપની ઝંખતા અનેક બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડ સહવાસમાં એકાંતવાસ અનુભવતા જોવા મળે છે.
પ્રજાને અનુકરણ કરવા લલચાવતા એક ચીની ઈન્ફ્લુએન્સરએ એકલતા દૂર કરવા માનવ સહવાસને બદલે મશીન સહવાસને પ્રાધાન્ય આપી આશરે 80 હજાર રૂપિયા ખર્ચી એક દિવસ માટે રોબોટ ભાડે રાખવાનો નુસખો અપનાવ્યો છે. આ રોબોટ ઘરનું સફાઈકામ, રસોઈ કરી આપશે અને પછી ચીની ઈન્ફ્લુએન્સર ભાઈનું દિલ પણ બહેલાવશે. બધું જ કહ્યું માની લેનાર, સામે કોઈ દલીલ નહીં કરનાર અને થાક કે કંટાળો દેખાડ્યા વિના સતત મીઠી કંપની આપતા રોબોટનો સહવાસ આજની તારીખમાં ખર્ચાળ છે, પણ જો સહવાસ માટે રિયલની સરખામણીમાં રોબોટ માટે વધુ આગ્રહ જોવા મળશે તો એવા રોબોટનું ઉત્પાદન વધશે અને એક નવો સમાજ અસ્તિત્વમાં આવશે એવું નથી લાગતું?
લ્યો કરો વાત !
એક વેપારીના ઘરમાં સાતેક મહેમાન આવી ચડ્યા. પતિએ બધા માટે ચા બનાવવા કહ્યું. પત્ની મુંઝાણી અને પતિને રસોડામાં બોલાવી કહ્યું કે ઘરમાં સાકર તો છે નહીં, તો ચા કઈ રીતે બનાવું? વેપારી એટલું જ બોલ્યો કે તુંચા બનાવ. બાકીનું હું સંભાળી લઈશ. પત્ની તો ચા બનાવીને લઇ આવી. વેપારીએ મહેમાનોને કહ્યું કે આમાં એક કપ ચા મોળી રાખી છે. જેના ભાગે એ મોળી ચા આવશે એના ઘરે આપણે બધાએ કાલે જમવા જવાનું. બધા ચા ગટગટાવી ગયા. કોઈએ મોળી ચાની ફરિયાદ ન કરી. ઊલટાનું કોઈએ તો એમ પણ કહ્યું કે મને તો ચા બહુ ગળી લાગી, ડાયાબિટીસ ન થાય તો સારું. !’